આજે બપોર પછી એક સમાચાર બધા મીડિયા ઉપર ઝબક્યા..એક અમેરિકનને આંદામાન ના આદિવાસીઓ એ મારી નાખ્યો..!!
જોહન એલન ચાઉં નામના ૨૭ વર્ષના આ અમેરિકન ને આંદામાનના સેન્ટિનેલિઝ નામની જનજાતિ ના આદિવાસીઓ એ `પૂરો` કરી નાખ્યો..
લગભગ બધા મીડીયાએ મોટા મથાળા તો એવા માર્યા કે “એડવેન્ચરીયસ ટુરિસ્ટ” હતો એ ભાઈ,
પણ પછી પાછળથી બધાએ લખ્યું કે આંદામાનના “સેન્ટિનેલિઝ જનજાતિ” ના આદિવાસીઓ ને ક્રિશ્ચિયનીટી ના “પાઠ” ભણાવી અને ક્રિશ્ચન બનાવવા ની કોશિશ કરવ જતો હતો આ નંગ..!!
હવે આ સેન્ટિનેલિઝ જનજાતિ નામની જનજાતિ વિશે આજે પણ દુનિયા અજાણ છે અને આ સેન્ટિનેલિઝ જનજાતિ પોતાની નજીક પણ કોઈને ફરકવા સુધ્ધા નથી દેતી,
આંદામાન ઉપર આ સેન્ટિનેલિઝ જનજાતિ સિવાય ઘણી જનજાતિઓ છે એમાં બીજી મોટી જાતી જારવા અને ગ્રેટ આંદામાનીઝ અને બીજી ઘણી બધી જનજાતિ ત્યાં વસે છે..
એક રીપોર્ટ પ્રમાણે એક જમાનામાં ફક્ત થોડાક ચોખા ના બદલામાં આ જનજાતિની સ્ત્રીઓ ને નગ્ન નચાવવામાં આવતી હતી, અને ત્યાં સેક્સ ટુરીઝમ પણ ડેવલપ થયું હતું..
આ સેક્સ ટુરીઝમનાં “ફળ” રૂપે જનજાતિઓની સ્ત્રીઓ સેહજ પણ પોતાની જાતી નું નાં હોય એવું બાળક પેદા કરે તો જનજાતિ ના વણલખ્યા કાયદા પ્રમાણે એ સ્ત્રી જ પોતે પોતાની જાતી જેવા ના દેખાતા પોતાના જ બાળક ને મારી નાખતી ..!!
વાંક કોનો ?
આપણો જ “સભ્ય” સમાજ નો જ ..
કેટલા હલકા છે આપણા “સભ્ય” સમાજના લોકો..!!
પાછળ થી થોડાક એનજીઓ ના અને ભારત સરકાર ના પ્રયાસથી બધું બંધ થયું..
હું નકસલવાદ નો સમર્થક ધરાર નથી,
પણ જંગલમાં વસ્તી દરેક જનજાતિને સભ્ય બનાવી દેવાની જરૂર ખરેખર નથી..
પૃથ્વી ઉપર રહેલા દરેક હોમો સેપીયંસ સેપીયંસને “સભ્ય” બનાવી દેવાથી કદાચ આપણે નિરંતર યુગો યુગોથી ચાલી આવતી ઉત્ક્રાંતિની પ્રક્રિયા ને ક્યાંક બીજા રસ્તે ફંટાવી રહ્યા છીએ એવું મને લાગે છે..
દુરદર્શન ઉપર હમ ભી ભારત કરીને એક સીરીઝ આવતી હતી અને એમાં બતાવ્યું હતું કે ઘણા બધા જારવા અને ગ્રેટ આંદામાનીઝને હવે “સભ્ય” બનાવી દેવામાં આવ્યા છે અને એમના લોહીમાં બીજું લોહી મિક્સ કરી દેવામાં આવ્યું છે..
અરે ભાઈ શું જરૂર હતી..?
સાથે સાથે એ ડોક્યુમેન્ટરીમાં ગ્રેટ આંદામાનીઝ નામની જાતી નો કેવો વિનાશ આપણા “સભ્ય” સમાજે વેર્યો છે એની પણ આખી કહાની છે..
થોડુક ટુંકાણમાં ..અઢારમી સદી પેહલા “ગ્રેટ આંદામાનીઝ” નામની જાતી આંદામાન ના તમામ ટાપુઓ ઉપર રાજ કરતી હતી અને આ ગ્રેટ આંદામાનીઝ ની પણ બીજી દસ બાર પેટા જાતિઓ હતી , ગ્રેટ આંદામાનીઝ આંદામાનના ટાપુઓ ઉપર પાછલા સિત્તેર હજાર વર્ષથી રેહતી હતી…
પણ જે મીનીટે બ્રીટીશરો એ આંદામાન ઉપર પોતાનું થાણું નાખ્યું એ દિવસથી ગ્રેટ આંદામાનીઝ નો ખો નીકળવાનો ચાલુ થયો.. ગ્રેટ આંદામાનીઝ ના મોટાભાગના પુરુષો તો લડાઈમાં જ માર્યા ગયા અને બાકી બચેલા ગ્રેટ આંદામાનીઝ જેમ જેમ કેહ્વાતા સભ્ય સમાજના સમ્પર્કમાં આવ્યા ત્યાર પછી સભ્ય સમાજ તરફથી એમને “ભેટ” માં આપવામાં આવેલા રોગોથી મરી ગયા.!!
દુનિયાની દરેક જનજાતિ સાથે આ વસ્તુ બની છે ..
જયારે જ્યારે આપણે એમના સમ્પર્કમાં આવ્યા છીએ ત્યારે ત્યારે એમને પેહલા વ્યસન અને બીજું રોગો જ આપ્યા છે, અને અંતોત:ગત્વા જનજાતિઓનો વિનાશ થયો છે, પ્રાણીસંગ્રહાલયોમાં વાંદરા ને પણ જો આપણે સિગારેટ આપતા હોઈએ તો પછી આ તો માણસ હતો ને..
એક જમાનામાં હજ્જારો ની વસ્તી ધરવતા ગ્રેટ આંદામાનીઝ આજે એમનો આંકડો ચાલીસથી નીચે છે..!!
આજે એક વાત તો કેહવી પડે કે એની માં ને “સુધરતી” જ નથી આ પ્રજા તો..!!
આજે જેમનું શરીર દૂરથી દેખાયું છે એ જોહન એલન ચાઉં ભાઈ આ પેહલા સાત વખત આંદામાન જ આવ્યા છે..!! અને જે ટાપુઓ ઉપર આ કેહવાતા “એડવેન્ચરીયસ ટુરિસ્ટ” ભાઈ જતા હતા એ ટાપુઓ ઉપર જવા માટે ભારત સરકારે વર્ષોથી પ્રતિબંધ મુકેલો છે..!!
અમેરિકાની માયા સંસ્કૃતિથી લઈને છેલ્લે બગદાદની બેબીલોન સંસ્કૃતિના અવશેષો સુધ્ધાનો ખો કાઢી નાખ્યો અને તો પણ જે બેચાર ખૂણે ખાંચરે બચેલી જનજાતિઓ છે એને “સિવિલાઈઝડ” કરવાની ફિરાકમાં આ `પરજા` કેમ ફરે છે એ જ સમજાતું નથી..
અલ્યા જીવવા દો ને કોઈક ને તો પોતાની મરજીથી..!
દુનિયાની જૂનામાં જૂની સંસ્કૃતિ એવી આપણી ભારતવર્ષનો પણ બસ્સો વર્ષમાં લગભગ ખો કાઢીને મૂકી દીધો અને પછી દુનિયામાં જે જે લોકો એમના કરતા હોશિયાર હતા બધા ને પ્રેક્ટીકલી ખોટા ઠેરવી અને ઔદ્યોગિક ક્રાંતિ સહારે બરબાદ કરી મુક્યા,
આખી દુનિયાનું ધન લુંટી અને યુરોપ અમેરિકામાં ભેગું કર્યું પણ તો ય ધરાતા નથી..
હજી પણ જ્યાં ક્રુડ ઓઈલ નીકળે છે ત્યાં ત્યાં એમના દમન ના કોરડા વીંઝાય છે અને મૂળ નિવાસીઓને નિરાશ્રિત કરીને પોતાને ત્યાં જ “આશરો” આપે છે..
એક જ નીતિ “ડીવાઈડ એન્ડ રુલ..”
અંદર અંદર લઢાવા ના અને પછી ચડી બેસવાનું..!
પણ આ ઘટના પછી હવે ભારત સરકારની ઊંઘ ઉડે અને આંદામાન ની જનજાતિઓની રક્ષા કરવા માટે પ્રોપર તંત્ર ગોઠવાય તો સારું..
બહુ જ ઓછું મટીરીયલ અવેલેબલ છે નેટ ઉપર આ બધી જનજાતિઓ માટે .. થોડીક યુટ્યુબ ઉપર કલીપો જોઈ .. કલીપોમાં સ્પષ્ટ દેખાય છે કે બિચારી જનજાતિઓના ભોળા માણસો ને રીઝવવા પેહલા નાળીયેર નો ઉપયોગ કરવામાં આવે છે ..એમની તરફ નાળીયેર ફેંકવામાં આવે છે અને એમનો વિશ્વાસ જીતવામાં આવે છે અને એમની જેમ લગભગ અર્ધનગ્ન થઇ ને જ બોટમાં બધા બેઠેલા હોય છે અને પછી એમનું નખ્ખોદ કાઢવામાં આવે છે..
કોઇપણ સંજોગોમાં ભારત સરકારે આ બધું બંધ કરાવવું જ રહ્યું ..
ગમે તેમ તો પણ માણસ છે ..
એમની પોતાની અલગ દુનિયા છે, હક્ક છે એમને પોતાની જિંદગી જીવવા નો..
આજે જંગલોમાં જેમ વાઘસિંહના સાઈટસીન થાય છે તેમ આ આદિવાસીઓના સાઈટ સીન નાં થાય..
વળી વળી ને એક જ વાત યાદ આવે છે..જીવવા દો બિચારા ને એમની જિંદગી
નથી જરૂર પેલા જોહન એલન ચાઉં ની લાશ પણ પાછી મેળવવાની મુઈ સડતી એની લાશ ત્યાના જંગલોમાં ખાશે ગીધડા..!!
શુભ રાત્રી
શૈશવ વોરા