અમદાવાદ મારું અમદાવાદ .. પોળ નું અમદાવાદ ,ગલીઓ નું અમદાવાદ , કોટની રાંગ ઉપર ચડી ને નીચે કુદકા મારતું અમદાવાદ ,
નદી ની રેત ને રીવરફ્રન્ટમાં ફેરવતું અમદાવાદ, જેના બે છેડે આશ્રમ આવેલા છે એવા આશ્રમ રોડ વાળું અમદાવાદ, એક જમાનામાં શેરબજારના નામે સૌથી મોટો સટ્ટો ખેલતું અમદાવાદ..
પચાસ વર્ષથી મારા હૈયામાં ધબકતું અમદાવાદ..!!
આજે વાત કરવી છે ભાંગી ગયેલી પોળની..
હેરીટેજના નામે ઘણા કલાકારો ઘણા નાટક ઠોકે છે , જ્યાં ત્યાં ચડી ને ફોટા પાડે અને જેવું આવડે એવું લખે છે,
ભલે લખતા..
પણ મારે આજે લખવું છે અમદાવાદના દર્દ માટે..
ઘણા વર્ષથી ખાડિયા બાલા હનમાન
(હનુમાન લખાય પણ અમે અમદાવાદી હનમાન બોલીએ ) સાઈ બાબાના દર્શને જાઉં છું , પોળોમાં ભટકતો ભટકતો ક્યારેક મધરાતે જાઉં ત્યારે ધબકતી પોળ નો સન્નાટો ઘચ્ચ
કરતો છાતીની આરપાર જાય છે ..
જે ગલીઓ અને ખડકીમાં આઈસપાઈસ અને થપ્પાની રમઝટ બોલતી, જે ઓટલે કાકીઓ અને માસીઓ બેસી ને તુવેરા ,મેથી ,વટાણા ફોલતી ,કાકાઓ નાકે બેઠા બેઠા આખા દેશની કુટતા એ બધા જ હવે ખાલી સ્મૃતિમાં રહ્યા ..!!
કોટની રાંગ સુમસાન થઇ ગઈ ..!!
મારું પોતાનું ,મારા બાપ નું પણ ઘર છે ,પાંચ પાંચ રૂમ ખાલી પડ્યા છે પણ હું અહી સેટેલાઈટમાં આવી ને પડ્યો છું ..
બાળપણ ના અમદાવાદ ને યાદ કરવા ક્યારેક કોટ ની રાંગે ચડું છું અને ક્યારેક માણેક બુર્જ ઉપર, પણ કાયમ માટે પાછું એ કોટની રાંગ ઉપર રેહવા
જવાનું કઠે છે..
અને “આ જે કઠે છે ,એની કમઠાણ પેલો સન્નાટો છે..!!!! ”
બે આંસુડા પાડી પણ લઉં છું એ કોટની રાંગ ઉપર ઉભા રહી ને જિંદગી માટે ,
હાલત એવી છે કે નવા અમદાવાદમાં જિંદગી ગૂંથાઈ ગઈ છે, પાછા નથી જવાતું ..!!
ઉઘાડા પગે દોડવું છે ,એક સાયકલ ઉપર ત્રણ ચાર સવારી જવું છે ,લખટી અને ભમરડા, છાપો અને ફોટા ફિલ્મો ,એ ગલી ક્રિકેટ અને નાગોલ ચુ ચુ ..
બાપરે ,
યાદ કરતા એમ થાય કે રડી પડાશે..!!
એ જુનો પાડોશ .. કેટ કેટલી માવારુઓ અને બાપ .. આખા સેટ
ના સેટ
માંબાપ ના , કોની ખોટ કોણ પૂરી કરે ..!!
શું ખૂટ્યું ?
કોમવાદ નો કાળ કોળીયો કરી ગયો ,
ભરખી ગયો અમદાવાદ ને, ૧૯૮૨ ,૧૯૮૫ પલાયન શરુ થયું અને ઉચાળા ભરાયા ૨૦૦૦ ની સાલ આવતા આવતા એટલું નક્કી થઇ ગયું કે પોળમાં જન્મી ને મોટી થયેલી છોકરી ને પોળમાં નથી પરણવું ,
પોળમાં સાત રૂમ રસોડાવાળું ઘર છે ..ચોખ્ખી ના ,
નારણપુરા ,શાસ્ત્રીનગરમાં બે રૂમ રસોડું છે ચાલશે પણ પોળમાં નહિ પયણું
..!!
પ્રેક્ટીકલી મારી જોડે સિત્તેરના દાયકામાં જન્મેલી છોકરીઓ અને છોકરાઓ એ જીદ પકડી શેહર છોડો, અમે અમારા પોતાનાથી ઉબાઈ
ગયા હતા ,
નારણપુરામાં ખાડિયા ઉભું કરવું હતું અને ઘાટલોડિયામાં રાયપુર ..!!
સાબરમતી સરહદ થઇ ..!!
જુઠ્ઠું બોલવાનો મતલબ નથી ..
પોળો વેરાઈ ગઈ પૂર્વ-પશ્ચિમ અમદાવાદમાં ,
અમને એમ હતું કે માટી ની તાવડી ના રોટલા ની સુગંધ અમે લોઢા ની તાવડીમાં પણ લાવશું પણ રોટલાની મીઠાશ પણ ગઈ ને સુગંધ પણ જોડે જોડે અમારી એ માટી ની તાવડી પણ..!!!!
અમે છુટ્ટા પડ્યા ..
મારો ટીનીઓ ,રાકલો ,વીરીયો ,રીકલો ,અકુડીયો ,સુભલો ,ડોલી ,ઢબલી ,નાની .મુન્ની , મીની ,ચકી , રાજ્યો ,અસલો , મનીયો , શેંટણ ,કટરીયો , બીન્દલો ,દેવો ,હરિયો ,ઉમલો ,રૂપલો , મમુડી , લાલો ,પપ્પુ , જીગો ,બકો ,ભૂરિયો , નીની ,ટબુડી ..
આ બધું શું લેવા ગયું એ આજ સુધી ખબર નથી પડતી પણ ગયા ..
કદાચ શાંતિ લેવા ..
અબે તેરી ભેણ કુ ,
ઘુસેડ દુંગા …
આવું સાંભળવું નોહતું …!!!
અશાંત ધારો મોડો પડ્યો હતો , શાંતિ ના આપી શક્યો..!!
ગલીઓ ની ગલીઓ વેચાવા ઉભી છે આજે ..!!
શાંતિ છે , કરફ્યું નથી ,પણ હવે જવું નથી …માંડ અહિયાં સેટ થયા…!!
પોળ ની પદુડી આજે પાલડીની પદ્મા આંટી થઇ ગઈ છે, ધર્મિષ્ટા કાકી અને શર્મિષ્ટા માસી દેવ
થઇ ગયા..!!
મીલેનીયમ જનરેશન ને માટે પોળ ઉતરાણ થઇ ને રહી ગઈ..!!
સિત્તેરના દાયકા ના જન્મેલા અમે રીચી રોડ ને ભૂલી ગયા ને સીજી ને મોટો કરવા લાગી પડ્યા , આશ્રમ રોડ ની પાછળ એસ એમ અને સી.જી ઉપર ભટકતા થઇ ગયા , મ્યુનીસીપલ માર્કેટ નું લાલન પાલન કર્યું ..
આઝાદના પૂરી શાક ભૂલ્યા અને પારકા પિત્ઝા ને પોતાના કર્યા ..!!
સીજી થી આગળ આવી ને છેક યુનીવર્સીટી સુધી વિસ્તર્યા ,અટીરા ને આઈઆઈએમ ના કેઓસ ને અપનાવી લીધો ..!!
એમાં ને એમાં અમારી વહાલી રથજાત્રા ..મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે ની ગળાફાડ બુમો ,સામૈયા ભૂલ્યા ..!!
નવા કલેવર ધરવા હંસલા નેહરુનગર ને ત્યાંથી એકસો બત્રીસ ફૂટ રોડ થી આગળ વધી ને એસ જી હાઈવે અને છેલ્લે સિંધુ ભવન રોડ સુધી જતા રહ્યા..!!
ઉધાર ના સિંદુરે સાબરમતી સોહાગણ થઈને બે કાંઠે થઇ ..
એક જમાનો હતો જયારે ધરોઈ થી પાણી છૂટે અને સાયરનો ગરજે ,નદીના પટના ઝુંપડા શેહર માં આવી જાય અને બે કાંઠે વેહતી નદી ને જોવા લક્કડીયો થી લઈને સુભાસ
બ્રીજ “પુલ” હકડેઠઠ ..!!
અમદાવાદી ને લક્કડીયો પુલ કે એલીસબ્રીજ “પુલ” બોલવાની વધારે મજા આવે..!!
ટેશન (સ્ટેશન ) જવા પુરતું કાલુપુર યાદ રહ્યું , વરસ ના વચલે દા
ડે રાત પડ્યે માણેક ચોક જવાય પણ હવે ત્યાં ભીડ ભીડના ભડાકા થઇ ગયા ..
સરબજાર ના ઓટલે ઉભા રહી ને જાત્તે ચવાણું એસેમ્બલ હવે નથી થતું ..એ ઈ દાળમૂઠ વધારે નાખજે .. ભૂસા જોડે ભાખરી ખાનારા ભૂસું શું કેહવાય એ જ યાદ ના રહ્યું..!!
તો પણ મારું છે આ અમદાવાદ .. પત્થર, પત્થર મારી જોડે વાત કરે છે
કલપના
સિનેમાની ખારી અને ભારત ક્રિશ્નાની નાનખટાઈ..
કરજો યારો યાદ કરજો તમે પણ ..
જિંદગીની ગાડીમાં ક્યાં રીવર્સ ગીયર છે ?
હેંડી નીકળજો તારે તમે પણ હાજા પટેલ ની પોળે થી દોશીવાડા ની પોળ ને ચાન્લા ઓળ ને પછી આગળ ક્યાં ના ક્યાં .. ભટકવું ગલીઓમાં ક્યારેક એકલા , તો એકલા એની માં પરણવા જાય દુનિયા..અઠ્ઠે મારી .!!! ભટકતા ભટકતા જૂની કે જુનો , યાદ કરી લેવાય એ “નજરો” ને , જે દુનિયા થી છુપાઈ ને લપાતી લપાતી
છાપરે` ક્યારેક આવી જતી..!!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)