અપેક્ષાથી લથબથ ભરેલા સબંધો ..
થોડાક વર્ષો પેહલાની વાત છે.. શિયાળાની ભાંગતી રાત હતી, એવે સમયે મારો મોબાઈલ રણક્યો, થોડાક દૂરના એક સબંધીનો ફોન હતો .. “શૈશવ મને સખ્ખત કમ્મરમાં દુખાવો થઇ રહ્યો છે ,હર્ષદભાઈનો ફોન ઉપડતો નથી તો તું એમને ફોન આપ..”
મારી આંખો પણ ખુલતી નોહતી ચિરનિંદ્રાથી થોડીક જ દૂર એવી ભરનિંદ્રામાં હું હતો.. છતાં પણ મેં ફોન ઉપાડ્યો હતો કેમકે પપ્પાની એક ટેવ તેઓ હંમેશા ફોન ઉપાડે જ અને મેં પણ એ ટેવ રાખી છે કે ફોન ઉપાડવો કોઇપણ સંજોગોમાં કમ સે કમ પૂછી લેવું શું છે સામેવાળી વ્યક્તિને ..મેં કીધું પપ્પાની તબિયત સારી નથી એટલે એ ઊંઘે છે માટે ફોન નહિ ઉપાડતા હોય..
ગરજવાનને અક્કલના હોય .. તો તારી મમ્મીને ફોન આપ એ પણ ડોક્ટર જ છે..
મેં કીધું એ પણ હજી માંડ સૂતા છે તમે કોઈ બીજા ડોક્ટર કે હોસ્પિટલમાં જતા રહો જો દુઃખાવો વધારે હોય તો ..
મને કહે ..નહિ ઉઠાડી શકાય ?
મેં સ્પષ્ટ કીધું ..ના એ લોકો બંનેની તબિયત સારી નથી એટલે ..
સામે છેડેથી ફોન કપાયો ..
બીજા દિવસે મને જાણવા મળ્યું કે એમને ગોલ બ્લેડરમાં પથરી હતી અને તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું હતું ..પણ એ પછી જે મારી બદનામીના પોટલા ફર્યા..!
“કોઈ કામના નહિ એ લોકો .. જીવનમાં એકવાર અડધી રાત્રે ફોન કર્યો તો પણ કામ લાગ્યા નહિ..!!”
“કુથલી લઈને `રાત`નો સમીર `તે દિવસે` વનેવન ઘૂમ્યો ..!!”
સામે છેડે અમારી શું પરિસ્થતિ હતી એનો કોઈએ વિચાર જ કર્યો નહિ ..!!
પપ્પાને બ્રેઈન સ્ટ્રોક આવેલો હતો થોડાક સમય પેહલા જ, અને તેના બે ત્રણ વર્ષ પેહલા મમ્મીને પણ પેસમેકર મુકેલું હતું, બંને જણા ડોક્ટર્સ ખરા પણ પોતાની શારીરિક મર્યાદાઓ આવી ગઈ હતી એમને, એ બંનેને રાતની ગોળીઓ ગળાવી અને હું પણ છેક સાડા અગિયાર બાર વાગ્યે તે દિવસે શરદીની ગોળી લઈને સુતો હતો, અને એંશીની નજીક પોહચેલા ડોક્ટર્સ પાસેથી કેટલી અપેક્ષા રાખવી જોઈએ ?
ડોક્ટર્સ ઘરડાં ના થાય ? એમની શારીરિક મર્યાદાઓ ના આવે ? સેવાના ભેખ ધર્યા એ વાત બરાબર પણ પછી ક્યાં સુધી ? મરી ને માળવો લેવાનો ?
કોઈ મને પૂછવા સુધ્ધાં નથી આવ્યું કે શૈશવ તે રાત્રે તેં તારા મમ્મી પપ્પાને ઉઠાડ્યા નોહતા તો શું તકલીફ હતી હર્ષદભાઈને અને મુક્તાબેનને ??..!!!
ભયંકર અપેક્ષાઓની વચ્ચે જીવીએ છીએ આપણે ..!!
આ તો વાત થઇ સામાજિક સર્વિસની પણ ઘણી બધી વાર વસ્તુનો પણ બહુ પ્રોબ્લેમ થાય છે..
પપ્પા પાસે સિત્તેરના દાયકામાં કલર ફોટોગ્રાફ્સનો કેમેરો, ગાડી ..
એ સમયે અનહદ લોકો કેમેરો અને ગાડી માંગતા અને પપ્પા હંમેશા ના પાડતા .. એ જ જવાબ સાંભળવા મળતો “તો તમે કામના શું ?”
પપ્પા કહી દેતા બિલકુલ કોઈજ કામના નહિ .. ત્યારે એકવાર મેં પપ્પાને પૂછ્યું હતું કે કેમ ના પાડો છો તમે બધાને..સબંધ ખરાબ ના થાય ..?
પપ્પાનો જવાબ હતો કે વસ્તુ આપણે જેટલા જતનથી સાચવીને વાપરીએ છીએ એટલા જતનથી બીજા ના વાપરે અને છેવટે દરેકને જો આપણે વસ્તુ આપ આપ કરીએ તો એ વસ્તુ ટળી જાય..
પછી તો વર્ષો સુધી પપ્પાના નામની મેં આડ લીધી કે .. પપ્પા ના પાડે છે અને એમાં એકવાર તો હું બચી પણ ગયો ..
નવો નવો કોલેજમાં ગયો હતો અને નવા નવા ઘણા મિત્રો થયા હતા.. એ સમયે વીસીઆર ભાડે ફરતા,
એક `લખોટો` મને કહે તારો વીસીઆર આજની રાત આપ ને આવતીકાલે પાછો આપી દઈશ .. અને શરૂઆત કેવી રીતે કરે .. તમારે આજે કોઈ પિક્ચર જોવાનું છે ? ત્યાંથી શરુ થાય ..!!
એ સમયે તો પપ્પા નાં પાડે છે.. એમ કરીને મેં ના પાડી દીધી, પણ પછી પાછળથી ખબર પડી કે પાર્ટી ક્યાંક પત્તે રમી આવી હતી અને દેવું ચુકવવું હતું એટલે લોકોના આવી રીતે વીસીઆર અને બીજી વસ્તુઓ લઇ લઇને સીધી બારોબાર વેચી ખાતી હતી, હવે એ પ્રજા પાછી હોસ્ટેલની પ્રજા, એટલે છેક ગામડે શોધવા જવું પડે પછી તો ,,!!
આવી ફાટેલી નોટથી બચી જઈએ ત્યારે એમ થાય કે તમે શું કામના ? એવા જવાબમાં “કોઈ જ કામના નથી અમે” એ જવાબ યોગ્ય છે ..!!
આજે તો ઘેર ઘેર ગાડીઓ થઇ ગઈ સ્કુટરની તો કોઈ તમા જ નથી રહી પણ મારે મારા બાઈકમાં પણ એવું થતું .. શરુ શરુમાં હું મોઢાનો મોળો પડતો, નાં પાડતી વખતે સબંધ તૂટી જશે એવી મને સતત ભીતિ રેહતી ..
એંશીના દાયકાની વાત છે આ .. મારું બાઈક બે ચાર મિત્રોને આપતો પણ બાઈક પાછું આવે ને તો એન્જીન રીતસર વરાળ કાઢતું હોય..અને ટાયર ધુમાડા ..
મને એમ થાય કે આટલું ગરમ કેમનું થાય બાઈક આટલું બધું દસ મિનીટમાં ? પછી વાઈસ મેન (ડાહ્યા માણસ )એ કીધું કે હવે એને બાઈક આપે ત્યારે ઘડિયાળમાં મિનીટ જોજે અને કિલોમીટર જોઈ લેજે.. અને થયું પણ એવું પંદર મિનીટમાં પાછો આવે પણ મીટર તો કિલોમીટર અઢાર કે વીસ બતાડે ..!!
કઈ સ્પીડે આ નગરી અમદાવાદમાં ઘૂમ્યો હશે ..!! પછી એન્જીન વરાળ અને ટાયર ધુમાડા જ ઓકે ને ..!!
આવું તો બધું ઘણું છે પણ “સબ સે બડી નાં ..!!”
બોટમ લાઈન આપું તો અપેક્ષાથી લથબથ સબંધ ક્યારેય ના પાડવાથી તૂટતો જ નથી અને અપેક્ષા વિનાના સબંધમાં કોઈ તકલીફ જ નથી હોતી ..!!
“તો તમે કામના શું ?”
આ સવાલ કે વાક્ય અનેકો અનેક વખત મને જીવનમાં સાંભળવા મળ્યું છે ..!!!
જો કે સીધી રીતે મોઢા ઉપર કહી દે કે “તો તમે કામના શું ?” તો તો જવાબ આપવાની જગ્યા બચે છે, મોઢા મોઢ કહી પણ દેવાય કે હું કોઈ જ કામનો માણસ નથી ભાઈ, એટલે જો એવી અપેક્ષાએ સબંધ રાખ્યો હોય તો જય શ્રી કૃષ્ણ ,જય જીનેન્દ્ર ..!!
પણ મનમાં પરણી અને મનમાં રાંડે.. પછી ખુસરપુસર થાય ત્યાં રમતો મંડાય ત્યારે તકલીફ..!!
છતાં પણ એક નિયમ લીધો છે સ્પષ્ટવક્તા સુખી .. અને ઘણા બધા દુઃખ નો એક જ ઈલાજ “ના” ..!!
અને તમે પાર્ટી .. શું ? મોજથી વાંચો છો બ્લોગ પણ નથી લાઈક મારતા નથી ફોરવર્ડ કરતા “તો પછી તમે કામના શું ?”
હેં .. બોલો બોલો ..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*