
બે દિવસથી અમદાવાદ `રમણભમણ` થઇ ગયું છે, ક્યા રસ્તે જવું અને ક્યા રસ્તે ના જવું એની જ ખબર પડતી નથી, એક બાજુ મોદી સાહેબ અને બીજી બાજુ લગનો ,એકપણ પાર્ટી પ્લોટ કે બેન્કવેટ હોલ ખાલી નોહતો ગઈકાલે અને ચારેબાજુ દોડાદોડ ચાલી રહી હતી ..!!
પોલીસને નાકે દમ આવી ગયો હતો રાત પડતા પડતા તો ..!!
પુરબહારમાં ખીલી છે લગ્નોની મોસમ..
ઈશા અંબાણીના લગ્નની સીધી અસર મોટી મોટી ઇવેન્ટ ઉપર દેખાઈ રહી છે, ફૂલોનું ડેકોરેશન એકદમ `થીક` થઇ ચુક્યું છે, ઓછી જગ્યામાં વધુ ફૂલો ગોઠવી દેવામાં આવે છે, પેહલા જ્યાં નાનકડી ફૂલની સેર લાગતી ત્યાં એકદમ જાડી `લર` ગોઠવાય છે,અને બીજી અસર લગ્નોમાં વાગતા સંગીતમાં પડી છે.. પેહલું રે પેહલું મંગળિયું વર્તાય રે માહ્યરા માં ..અને પછી ડફ વાગે અને શ્લોક ચાલુ થાય “તદેવ લગ્નમ…
નકલ થઇ રહી છે, પણ સારી નકલ છે, એક સ્વસ્થ પરંપરા સેટ થઇ છે ,આનંદની વાત છે..!! હજી અંબાણી પરિવારની જેમ ક્યાય ખુરશી ટેબલ ઉપર કોઈએ જમાડવાની કોશિશ કરી હોય એવું જોવા નથી મળ્યું ..
જો કે આજના જમાનામાં જયારે ૧૫૦૦ રૂપિયાથી `સરખી` ગણાય એવી પ્લેટો ચાલુ થતી હોય એમાં ખુરશી ટેબલ અને જર્મન સિલ્વરના વાસણો ફરાસખાનાવાળાને કહી લાવવાનું તો ૧૫૦૦ ની પ્લેટ `સીધી` ૩૫૦૦ એ જાય..ઘાટ કરતા ઘડામણ વધે ..!
એટલે બધી વાતમાં અંબાણીની નકલ તો ભાઈ જનતાને ના પોસાય ..!!
સોના ચાંદી બજારો લગ્નસરામાં ચાલ્યા છે, પણ જોઈએ એવી ઘરાકી નથી એવું સોની મિત્રો કહે છે, કપડામાં પણ લોકો હવે ક્યાંક કાપ મૂકી મૂકીને ચાલ્યા છે , છોળો નથી ઉડતી ..!
દુનિયાભરની મંદી ધીમે પગલે ભારતમાં ડોકાઈ રહી હોય એમ લાગે છે..!!
લગ્નોની વાત ચાલી છે તો એમાં પેહલા પણ લખી ચુક્યો છું અને આજે ફરી લખું છું..લગભગ દરેક કંકોત્રી ઉપર નો ગીફ્ટ નો કેશ લખ્યું હોય છે પણ શૈશવ તો કહે છે *ચાંલ્લા પ્રથા બંધ ના થવા દેશો.!*
૧૫૦૦ ની નહિ ૩૫૦૦ની પ્લેટ ભલે તમે ખવડાવો, *ઉપરવાળો તમારા ઉપર ભલે અનહદ મેહરબાન રહ્યો, પણ બધા ઉપર એ મેહરબાન નથી રેહતો..*
*`નો ગીફ્ટ નો કેશ પ્લીઝ` કરીને તમે તો લખી નાખો છો પણ પાછળ એક વર્ગ એવો છે જે પ્રસંગ ઉકેલતી વખતે ચાંલ્લા ને `ટેકો` ગણીને ચાલી રહ્યો છે..અત્યારે તો લાંબા જોડે ટૂંકો જાય છે અને પછી મરે નહિ તો માંદો થાય છે..*
*આપણા બાપદાદાઓ એ ઉભી કરેલી `ચાંલ્લા પ્રથા` એ સૌથી પેહલી આપણા ભારતીય સમાજની ઇન્શ્યોરન્સ સીસ્ટમ છે,*
હું હિંદુવાદી સંગઠનો અને દરેક જ્ઞાતિના મોવડીઓને ખાસ કહીશ કે ચાંલ્લા પ્રથા બંધ ના કરો, ઈશ્વરનું દીધું ઘણું છે તો ચાંલ્લા અને ભેટો ને કોઈક સામાજિક સંસ્થામાં દાન પેટે આપી દેજો પણ ચાંલ્લા પ્રથા બંધ ના કરો..!!
ખોટું થઇ રહ્યું છે, બધી જ સામાજિક રીતી અને રીવાજ ને કુપ્રથામાં ખપાવી દેવું એ મુર્ખામી છે , દહેજને કુપ્રથા ગણીએ એ બરાબર છે,
જો કે પેહલા તો દીકરી ને સરખો ભાગ આપવામાં નોહતો આવતો એટલે બાપ લગ્ન વખતે જ `સરખો` કરિયાવર કરી દેતો જેથી સમય વીત્યે પાછળથી કોઈ મગજમારી ઉભી ના થાય,
પણ એમાં પછી સોદેબાજી થવા માંડી એટલે અત્યારે તો કરિયાવર કે દહેજ આ બધાને કુરિવાજ ગણીને કાઢી નાખવામાં આવી છે ..અને અત્યારે તો હવે દીકરો કે દીકરી લગભગ એક જ રહ્યું છે સંતાનના નામે એટલે બીજા કોઈ સવાલ ઉભા જ નથી થતા..!!
ચાંલ્લા લેવામાં શું વાંધો પડ્યો ?અને કોને પડ્યો ?એ કળાતું નથી, પણ કંકોત્રીમાં અચાનક જ છેલ્લા બે પાંચ વર્ષથી લખાઈને આવવા લાગ્યું છે નો ગીફ્ટ નો કેશ ..
ચાંલ્લો લેવામાં `નીચા` કેમ પડી જવાય એ મને હજી સમજાતું નથી, જે સમાજ ને તમે પ્રેમથી નોતરાં મોકલો છો અને એ જ સમાજ તમારે ત્યાં બનીઠની ને હોશપૂર્વક આવે છે અને તમારા આનંદમાં સહભાગી થાય છે તો આવેલી વય્ક્તિ ફૂલ નહિ તો ફૂલની પાંખડી લઈને આવે છે તો પછી એ પાંખડી લઇ લેવામાં વાંધો શું છે ..?
હા ગીફ્ટના મામલામાં એવું થતું કે એક જમાનામાં ઘડિયાળો પછી મીક્ષર આવા બધાના ઢગલા થતા, અને પછી ઘણી બધીવાર એક જ પ્રકારની ગીફ્ટના ઢગલા થાય ત્યારે નાછૂટકે રીસાયકલ કરવી પડે, એકની આવેલી ગીફ્ટ બીજાને આપવી પડતી એવું થતું, પણ હવે તો ઓપ્શન છે મોટા સ્ટોરના ગીફ્ટ વાઉચર લઇ લ્યો, અને બને ત્યાં સુધી કેશ જ લ્યો ..
ખોટું શું છે ..?
મને જ્યારે જ્યારે કોઈ ને માટે ગીફ્ટ આપવાનું મન થયું છે ત્યારે ત્યારે હું એના ઘરમાં કોઈ એક જગ્યા કે ખૂણો શોધી લઉં અને એ ખૂણો હું ભરી દઉં છું , કેટલીક વીસ વીસ વર્ષ પેહલા આપેલી ગીફ્ટ આજે પણ એ મિત્રો એ ખૂણામાંથી કાઢી નથી..!!
હમણાં જ દિલ્લી ગયો હતો અને એ મિત્રની સગાઈમાં મેં એક મસ્ત ફોટોફ્રેમ આપી હતી, એ ફોટોફ્રેમ એની ઓફીસમાં વર્ષો સુધી રહી , ફ્રેમમાં ફોટા બદલાતા ગયા પણ ફ્રેમ ત્યાંની ત્યાં રહી ,પછી કાળક્રમે એની ઓફિસીસ એકની બે ત્રણ ચાર પાંચ થઇ તો એ ફોટો ફ્રેમ એ એના ઘરે લઇ ગયો અને એની કોઠીના ડ્રોઈંગરૂમમાં આજે પણ છે, એ મિત્રના સંતાનો ચૌદ વર્ષના થઇ ચુક્યા છે..
મેં એને પૂછ્યું પણ ખરું યાર તુને અભી તક સંભાલા હૈ ઇસે ..?
સેહજ નીચું જોઇને એ બોલ્યો શૈશવ યાર તુને જો દી હૈ ..!!
બોલો છે કોઈ જવાબ ..?
*ક્યારેક તમારી દિલથી આપેલી ગીફ્ટ કોઈક દિલથી સાચવતું પણ હોય છે..!!*
એટલે ગાતા ભેગી ગાય અને રોતા ભેગી રોવે .. એવું કરવાને બદલે *જે પ્રથા અને પરંપરા `છે` , એને `હતી` કરવાનો મતલબ નથી..!!*
અત્યારે તો કલિયુગમાં આમ પણ કોઈ ને કશું આપવાનું મન થતું નથી એટલે `નો ગીફ્ટ નો કેશ` વાંચે એટલે હાશ છૂટ્યા એવું લોકો ને થાય છે, પણ એમ લોકો ને `છોડી` દેવાની જરૂર નથી ..!!
ભલે આવતી કેશ અને ગીફ્ટ..કોણ જાણે કોઈક તો દિલથી તમારા માટે કૈક લાવ્યું હશે..!!
અત્યારે તો મોટે ઉપાડે બધાય..ના ના હો અમે નથી લીધું ,અમે કોઈનું નથી રાખ્યું ,અમે હાથ જોડ્યા છે નથી લેવાનું ..
અલ્યા તો જમાડો છો પણ શું કામ ? તમારે ત્યાં આવતા લોકો ભુખડા છે ? ભૂખડીબારશ છે? અમે આશીર્વાદ પણ રેકી થી મોકલી દઈશું..!!
આમપણ કંકોત્રી તો વોટ્સએપથી આવતી થઇ ગઈ છે..!
આશીર્વાદ પણ વોટ્સ એપથી મોકલી દઈશું ..
ઘણું લખાય એમ છે પણ અહિયાં પૂરું કરું છું પત્નીજી તૈયાર છે અને અમે બાકી ..
આજ વાળા તો ચાંલ્લો લેવાના છે..
ગમ્યું અમને તો ગમ્યું ..!!
તમે પણ જો `ચાંલ્લા પ્રથા` બંધ ના થવી જોઈએ એવી વાત સાથે સહમત હો તો શેર કરો ફોરવર્ડ કરો ..
લગ્નોમાં જમવામાં જરાક ધ્યાનથી હો..ખાવાનું પારકું છે પેટ તો આપડું જ છે મચી નહિ પડવાનું ..
માણજો અને વિચારજો
શૈશવ વોરા