હમણાં હમણાં થોડાક દિવસો પેહલા ડ્યુક ઓફ એડીનબર્ગનો એક નાનકડો એક્સીડેન્ટ થયો , ૯૭ વર્ષના પ્રિન્સ ફિલિપ ને આખી ઉંધી પડી ગયેલી ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા અને બીજી પણ બે વ્યક્તિને હોસ્પિટલ ભેગી કરવામાં આવી હતી..!!
આ ઘટના પછી સલ્તનતે બ્રતાનીયામાં ચર્ચાઓ ચાલુ થઇ, ચર્ચાઓ કરતા `ચણભણાટ` શબ્દ વધારે યોગ્ય રેહશે કેમકે કોઈ ખુલ્લે આમ હજી બોલતું નથી, એટલે `ચણભણાટ` શબ્દ જ બરાબર રેહશે ..
*હવે ચણભણાટ એ વાત નો ચાલુ થઇ ગયો કે રાજકુમાર ફીલીપે હવે ડ્રાઈવિંગ છોડી દેવું જોઈએ..!*
વાત તો સાચી છે ૯૭ વર્ષ ની ઉંમર કોને કીધી ..? અને એમને વળી રાજ્મેહલમાં ક્યાં કઈ ડ્રાઈવરોની કમી હતી..?
થોડોક ઈતિહાસ પણ લોકો ખોળી લાવ્યા કે રાજકુમાર ફિલિપ એમના `રેશ` ડ્રાઈવિંગ માટે જાણીતા છે ,અને રેશ ડ્રાઈવીંગ માટે મહારાણી એમને ટોકે તો એ મહારાણી ને પણ ધમકાવી લેતા..
*આપણી ભાષામાં કહું તો “કચકચ કરવી હોય તો હેઠા ઉતરો” અને લોર્ડ માઉન્ટબેટને મહારાણી ને પૂછ્યું કે આવું તમે સાંભળી કેમ લીધું ? ત્યારે મહારાણી એ કીધું કે… `એ` જયારે આવી રીતે બોલે છે ને ત્યારે `એ` એવું કરે છે..!!*
*ટૂંકમાં મહારાણીને પણ ખબર છે કે ધણી ના ધણી ના થવાય..!!*
*ધણી ગાડી ચલાવતા હોય તો બહુ કચકચના કરાય..!!*
પણ હવે થોડોક ચણભણાટ વધ્યો છે ડ્યુક ના ગાડી ચલાવવા માટે.. કે હવે બસ થયું તમારી ઉંમર ઘણી થઇ..!!
જોઈએ હવે ડ્યુક ઓફ એડીનબર્ગ માને છે કે નહિ ..!!
આખી દુનિયામાં લગભગ ડ્રાઈવિંગ કેટલી ઉંમરે શરુ કરવા દેવું એના નિયમો છે પણ ડ્રાઈવિંગ કેટલી ઉંમરે છોડી દેવું એના નિયમો લગભગ ક્યાંય નથી..!!
હું માનું છું કે એશી અને બહુ થયું તો પંચ્યાસી વર્ષ પછી તો ડ્રાઈવિંગ છોડવું જ રહ્યું ..!
ગમે તેટલા સ્વસ્થ હોય માણસ પણ ઉંમર ઉંમરનું કામ તો કરે જ છે , બીજું કશું થાય કે ના થાય પણ વધતી ઉંમર `રિસ્પોન્સ ટાઈમ` તો ઘટાડી જ દે છે ..
રિસ્પોન્સ ટાઈમ ની વ્યાખ્યા આપી દઉં .. તમારી તરફ અચાનક ફેંકાયેલો ક્રિકેટ બોલ તમે કેટલી ઝડપ પકડી લ્યો છો એ ઝડપને હું રિસ્પોન્સ ટાઈમ કહું છું .. આ બોલની બદલે અચાનક સામે આવી ચડેલું કોઈ પ્રાણી કે પછી વાહન ચલાવતી વખતે અચાનક જમીનમાંથી ફૂટી નીકળતા જંગલી જાહીલો જે તમારા તરફ હાથ રાખે, તદ્દન નફ્ફટાઈના ભાવ મોઢા ઉપર લાવી અને નફફટ અને ઉલટી દિશામાં મોઢું રાખીને સીધે સીધા દોડ્યા જ જાય ..જાણે હાથ દેખાડ્યો એટલે એમને દોડવાનો અધિકાર મળી ગયો સામેવાળા વાહને શોર્ટ બ્રેક માર્યે જ છુટકો..!! અને આ શોર્ટ બ્રેક કેટલી ઝડપથી મારો એને હું રિસ્પોન્સ ટાઈમ કહું છું ..!
વધતી ઉંમર આ બ્રેક મારી અને ઉભા રહી જવું કે પછી નીકળી જવું એમાં `કન્ફયુઝન` પેદા કરે છે અને પછી થાય `ધબાકો`..!!
અને એકવાર એકસીડન્ટ થાય પછી એમાં વાંક કોનો હતો એ ગૌણ થઇ જાય છે, પણ `અથડાયા` એ મહત્વની વાત થઇ જાય છે , મોટાભાગના એકસીડન્ટ એક ની `મુર્ખામી` અને બીજાની ઓછી `સતર્કતા`ને કારણે થતા હોય છે ,
જો પેલા મૂરખાની સામે કોઈ એકદમ સતર્ક માણસ આવી જાય અને `કટીયું` મારી લે તો એકસીડન્ટ નથી થતો અને બંને એકબીજાને ગાળો આપતા પોતપોતના રસ્તે જાય ..!
અત્યારે જેમના ઘરમાં વૃધ્ધો છે એ બધા જ કયારેક ને ક્યારેક આ પોતાના સ્વજન પાસેથી ડ્રાઈવીંગ છોડવાની કોશિશમાં લાગ્યા હશે અથવા તો ક્યારેક કોશિશ કરવી પડશે..
બહુ જ ઓછા એવા વૃધ્ધો છે કે જે પોતે સમજી અને ડ્રાઈવ કરવાનું છોડે છે,
આપણે સમજીએ કે વૃદ્ધાવસ્થામાં ડ્રાઈવીંગ છોડવું એટલે એશી ટકા પરાધીનતા સ્વીકારવી અને ઘરમાં ભરાઈ રેહવાનું થાય ..
*પણ ટુ વ્હીલર ચલાવવું એ ઘરડા લોકોને પોતાને માટે ખતરનાક છે અને ફોર વ્હીલર ઘરડા ચલાવે એ બીજા ને માટે ખતરનાક છે..!*
આજે જ સાંજે જીમમાંથી બાઈક લઈને બાહર નીકળ્યો અને એક કાકા એ એમની અલ્ટોથી મને પ્રેક્ટીકલી દબાવી દીધો , ભગવાનનું કરવું કે મારા બાઈકની બ્રેક્સ ખતરનાક છે અને આટલા વર્ષોનો અનુભવ છે એટલે બાઈકને આગલી પાછલી બંને બ્રેક મારીને ત્યાં જ ચોંટાડી દીધું બાકી કાકા મને એમની અલ્ટોના બોનેટ ઉપર બેસાડી અને છેક એમના ઘેર લઇ જવાના પ્લાનીગમાં જ હતા..!
બહુ જ ઓછા ઘરડા લોકો હોય છે જે સમજી અને ડ્રાઈવીંગ છોડે છે, ભારત દેશમાં અને અમદાવાદ જેવા શેહરમાં તમે ઘરની બાહર નીકળોને રીક્ષા મળે છે અને એક ઉંમર પછી એક દિવસમાં કેટલું ફરવાનું હોય ..?
પણ ઘરડા લોકો માનવા જ તૈયાર નથી થતા..
હવે એક ઘરડા નજીકના સગા જેમની ઉંમર ઇઠ્યોતેર વર્ષ છે એ એક દિવસ મને આવીને હોશિયારીથી કહે કે ..શૈશવ હું અને તારી કાકી આજે તો વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર થઇ ને પાછા આવ્યા.. અને કાકી પાછા પોરસાય પોણો કલાકમાં તો તારા કાકાએ એક્સપ્રેસ હાઈવેના પેલા છેડે ઉતારી મુક્યા હતા ..!!
મારી ખોપરી ટર્ન મારી … મેં કાકીને ત્યાં ને ત્યાં જ લીધા .. ત્યાં વડોદરે શું શ્રીનાથજીનો પેલો દિવાળીને દીવસે `ભોગ` લુંટવાનો હોય છે એમ છપ્પનભોગ લુંટવાનો હતો ..? અને બીજા લુંટી જશે ને તમે રહી જશો તમને એવું હતું ..? હું તો ડ્રાઈવર લઈને જ જાઉં છું અને ડ્રાઈવરને પણ સ્ટ્રીક્ટ સુચના છે કે મારી આંખ લાગે અને જો તું એશીથી વધારે સ્પીડમાં જતો પકડાયો તો તારી નોકરી ગઈ સમજ .. કઈ લંકા લુંટવા ની છે દસ મિનીટ વડોદરા વેહલા પોંહચી ને ..?અને કઈ લંકા લુંટાઈ જશે દસ મિનીટ મોડા પોહ્ચ્યા તો..?
કાકા પાછા દોઢ ડાહ્યા થયા ..હવે અમે તો ખાઈ પી ઉતર્યા જે થવું હોય તે થાય ..
ફરી મેં બેટિંગ કરી .. જે થવું એ તો થશે જ ,પણ તમે તો જાવ જોડે અમારા જેવા ને હજી ખાવા પીવાનું બાકી છે ને એવા કોઈક ને જોડે લઈને જાવ તમે .. એટલે મેહરબાની કરી અને આ ગાડીઓ લઇ લઇ ને આ ઉંમરે એક્સપ્રેસ હાઈવે ઉપર જવાના ધખારા ઓછા કરો અને `સલામત સવારી એસટી અમારી` ની વોલ્વોમાં બેસી જજો હવે બીજી વાર .. તમને કઈ થશે તો ધંધે અમે લાગીશું .. એકસીડન્ટમાં ઉકલી ગયા ને તો પણ અમારા ચાર પાંચ દિવસની પત્તરફાડશો ..એના કરતા ખાટલે પડી ને જજો..!
મનમાં કીધું ..ખાટલે પડી ને જશો ને તો .. કેહશો તો બે લાકડા વધારે મૂકશું ત્યારે શું વળી ..
થોડું ખરાબ લાગ્યું એમને પણ એમનો દીકરો અને જમાઈ મારા કાનમાં કહી ગયા શૈશવભાઈ બરાબર છે અમારું કઈ સાંભળતા જ નથી બંને જણા…!
જોઈએ હવે તો ગામ આખું મંડ્યું છે ,એટલે ડ્યુક ઓફ એડીનબર્ગ કોઈનું સાંભળે છે કે નહિ ..
બાકી તો દુરથી ડો`હા ગાડી ચલાવતા દેખાય તો સેહજ સાવધાન તો થઇ જ જવું ..
એમાં જ સમજદારી છે..!!
એ તો જતા જાય આપણને વગર ટીકીટે પોહચાડી દે ..!!
આજે આટલું જ…!!
કોઈ ને ખોટું લાગે તો પણ ભલે લાગે હો ..
પણ ઉંમર થઇ હોય તો ડ્રાઈવીંગ છોડી દેજો કાકા-કાકી..!!
શુભ રાત્રી
શૈશવ વોરા