રહી રહી ને બે દિવસ પેહલા “એકસીડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર” જોઈ ..
ગુજરાતી કરવાની મન થયું “આકસ્મિક પ્રધાનમંત્રી” ..??!!
ના ,
નથી બરાબર…
“અનાયાસે પ્રધાનમંત્રી” શબ્દ બરાબર બેસે છે..
આઝાદી પછી ભારત વર્ષમાં કેટલા બધા લોકો “અનાયાસે પ્રધાનમંત્રી” થી લઈને “અનાયાસે મુખ્યમંત્રી” બન્યા છે..!!
ઇન્દિરા ગાંધી પણ “અનાયાસે પ્રધાનમંત્રી” હતા અને નરેન્દ્ર મોદી પણ “અનાયાસે મુખ્યમંત્રી” હતા.. !!
ચોક્કસ, એ બંને વ્યક્તિત્વ એ પછી પાછળથી પોતાની એબિલીટી પ્રૂવ કરી આપી અને ચૂંટાઈ ને દેશને નેતૃત્વ આપ્યું ..!!
પણ બંને ની શરૂઆત તો ચોક્કસ અનાયાસે જ થઇ હતી એમ કેહવાય..!!
બધા બહુ લોકો એ “એકસીડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર” માટે લખ્યું , પણ આપણને તો એક જ વાત સમજાઈ કે જેમ શેઠની આગળ અને ગધેડાની પાછળ ના ઉભા રેહવાય, અને જો ઉભા રહીએ તો પડે એક લાત ..!
જે સંજયા બારુ ને સંજયા ..સંજયા.. કરતા મનમોહનસિંહ થાકતા નોહતા એ સંજયા જોડે “એકસીડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર” પુસ્તક લખ્યા પછી મનમોહનસિંહ એ એક વાર પણ વાત નથી કરી..!!
કેવી અજબ વાત છે ,
કર્તવ્યપરાયણતામાં સંજયા એટલા બધા આગળ નીકળી ગયા કે સંજયા ભૂલી ગયા કે એમના બોસ એ પરિવારની માનસિક ગુલામી સ્વીકારી લીધી છે..!!
“એકસીડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર” માં પોતાની ઈમેજ સુધારવા અને સત્યને પોતાની નજીક રાખવા માટે સરદાર મનમોહનસિંહ એ સંજયા બારું ને પીએમઓમાં રાખ્યા હતા એવું બતાવવામાં આવ્યું છે,
અને એ જ સંજ્યા એ પાછળથી એટલા બધા સત્યો ને ખોલી નાખ્યા અને પેહલા એટલા બધા સત્યો ને ઉજાગર કરી મુક્યા કે પછી સંજ્યા ક્યારેય મનમોહનસિંહ જોડે વાત સુધ્ધા ના કરી શક્યા..!!
બહુ કઠીન પરિસ્થિતિ હોય છે કોઇપણ વ્યક્તિ માટે કે જેણે “ના આવ જોયો હોય કે ના તાવ” ફક્ત અને ફક્ત સત્ય ને વળગીને બેઠો હોય, અને પછી સત્ય બોલવા માટે એને આવો “હિમડામ” મળે ..!!
મારા તમારા જેવા લોકો તો મોટેભાગે સત્યની નજીક જતા જ ડરે ..
નકામા ના જાણવાનું જાણી લઈએ અને જીવના જોખમ થઇ જાય એના કરતા શાહમૃગ વૃત્તિ સારી..!!
કલિયુગની આ બહુ મોટી તકલીફ છે સત્તા સ્થાને બેઠેલા ની નજીક જઈને પછી એમના રાઝદાર થઇ જનારાના જીવન બહુ “કફોડા” થઇ જતા હોય છે, કેમકે રાઝ જાણ્યા પછી કશું બોલવાનું હોતું નથી અને એ રાઝ જાણવાની કોઈ કિંમત કે ફાયદો તમને મળવાનો નથી ,એટલે રાઝદારને સરવાળે તો મન અને આત્માની વચ્ચે પીસાયા જ કરવાનું હોય છે..!!
સંજયા બારુ એટલા નસીબદાર રહ્યા કે ચોપડી છાપી ને રૂપિયા તો રળ્યા અને સરદાર મનમોહનસિંહ જેવા સત્પુરુષના રાઝદાર થયા એટલે જીવતરને આંચ ના આવી..!
“એકસીડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર” માં લગભગ જાણીતા સત્યો જ છે કોઈ બીજી બહુ નવી નવાઈ પમાડે એવી વાત અમારા જેવા માટે નથી ,હા પીએમઓ કૈક વધારે પડતી ભવ્ય બતાડી છે એટલે જોવી ગમે..!!
“એકસીડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર” માં સંજયા ને સંજયની બદલે લગભગ કૃષ્ણની ભૂમિકામાં બતાડવામાં આવ્યા છે પણ સરદાર મનમોહનસિંહ ને ભીષ્મ અને ધ્રુતરાષ્ટ્રની `મિલીઝુલી` ભૂમિકા આપવામાં આવી છે , જો કે મારે મહાભારત લખવાનું હોય અને મારે ખુદને જો એમાં ભૂમિકા ભજવવાની હોય તો હું કૃષ્ણની જ ભૂમિકા સિલેક્ટ કરું, અને કોઇપણ લેખક કૃષ્ણની જ ભૂમિકા પસંદ કરે એ સ્વાભાવિક છે ..!! કૃષ્ણ ની ભૂમિકા એ બહુ મોટી લાલચ છે કોઇપણ માટે..!!
મહર્ષિ વેદવ્યાસ જેવા તો કોઈ ક જ રાઈટર હોય જે પોતાના રચેલા મહાકાવ્યમાં પોતાની ભૂમિકા લગભગ `ગેસ્ટ એપીર્યન્સ` જેટલી મર્યાદિત રાખે..!!
આખું મુવી લગભગ ડોક્યુમેન્ટ્રી ની જેમ જ જાય છે , પી વી નરસિંહરાવ ના મૃત્યુ વખતની લાચારી કે બલુચિસ્તાનના મુદ્દે ખાવી પડેલી `વઢ` .. બધું જાણીતું જાણીતું રૂપેરી પડદે દેખાય..!
કોઈ એમ કેહતું હોય કે ૨૦૧૯ના ઈલેક્શનમાં ફાયદો મળશે તો એ વાત ખોટી ભઈ..!!
હજી બીજા ઘણા નવા મુદ્દાઓ એક પછી એક આવશે લોકસભાના ઈલેકશન પેહલા ..!
પણ ચારેબાજુ સવાલ તો એક જ પુછાઈ રહ્યો છે કે શું થશે ..?
ભર્યું નાળીયેર છે અને હાથણી કોની ઉપર કળશ ઢોળે એ કઈ જ કેહવાય તેમ નથી , મેહનત કરી અને આવેલા નવા પ્રધાનમંત્રી હશે કે પછી ફરી એકવાર ભારતને “એકસીડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર” એટલે કે અનાયાસે બનેલા પ્રધાનમંત્રી મળશે એ કહી શકાય તેમ નથી..!!
અત્યારે તો ટીવી યુદ્ધ અને સોશિઅલ મીડિયા ઉપર યુદ્ધ જામેલા છે ,સોશિઅલ મીડિયાના મેનેજરો રૂપિયા કમાય છે અને કૈક નવરી બજારો વોટ્સ એપ ગ્રુપમાં ઝંડા પકડી પકડી ને યુદ્ધ ખેલે..! અને અમારા જેવા સળી કરી ને છટકી જાય..!
બાકી આપણને તો અનાયસે બનેલા પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી એમના પરફોર્મન્સ ખરેખર સારા લાગ્યા છે ..
હા મેહનત કરીને બનેલા મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી પોતે કરેલી મેહનતનો સ્વાદ ચાખવામાં ક્યાંક ભટકી જાય છે અને જનતા ને ઉપદેશો જ ઠોકે છે..!!
એમાં કારણ એવું પણ હોઈ શકે કે અનાયાસે બનેલા ને પરફોર્મન્સ આપવાનું હોય છે અને પરફોર્મ કરીને ગાદીએ બેઠેલાનો આત્મવિશ્વાસ અતિવિશ્વાસ માં ફેરવાઈ જાય છે..!!
બાકી તો કોઈ ને રહી ગઈ હોય તો હજી ક્યાંક ક્યાંક ચાલી રહી છે “એકસીડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર”, એકવાર ચોક્કસ જોવાય..
દિલ્લીના સત્તાના ગલીયારા ના ગ્લેમર પણ બોલીવુડના ગ્લેમરથી કમ નથી, અને એની પણ ખતરનાક આદત પડી જતી હોય છે, “એકસીડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર” માં ક્યાંક ક્યાંક એ ગ્લેમર દેખાઈ જાય છે..
અમે ક્યારેક ક્યારેક દુરથી ઝાંખી કરી લઈએ છીએ આ ગ્લેમરની, પણ જીવનમાં એકવાર ૭ આરસીઆર, સંસદના બંને ગૃહો અને રાયસીના હિલ્સ નો દરબાર હોલ જોવાની ઈચ્છા તો ખરી ..
જોઈએ ઉપરવાળા એ શું નિર્ધાર્યું છે ..!
ચાલો આજે આટલું જ ..
શુભ રાત્રી
શૈશવ વોરા