વૈભવી લગ્નો ..
હોળાષ્ટક બેઠું એટલે હમણાં જરાક શાંતિ થઇ હોય એવું લાગે છે, જો કે પાછળને પાછળ મીનારક બેસી જશે એટલે લગ્નોમાં વિરામ રેહશે ,પણ આ સીઝનમાં એટલું તો નક્કી થઇ ગયું કે …
આગળ વધતા પેહલા કહી દઉં કે જમાઈ હવે જાત્તે વખાણ કરી લ્યે છે કેમ કે જમાઈના વખાણ કરવાવાળા એમના સાસુમાં હવે આ ધરતી ઉપર રહ્યા નથી એટલે જમાઈએ જાત્તે જ વખાણ કરવા રહ્યા ..
તો આ સીઝનમાં એટલું તો નક્કી થઇ ગયું કે.. શૈશવની જેમ સેહજ સરખો વેહવાર રાખો તો તમને પ્રસંગે બોલાવનારા ઘણા છે અને હા અમને તો ભર કોવીડમાં પચાસ પચાસ માણસોમાં પણ બે લગ્નોના આમન્ત્રણ હતા અને અમે ગયા પણ હતા ..!
આ તો સેહજ જાણ ખાતર કે વેહવારમાં શૈશવ જરાક પણ પાછો નથી પડતો ..!!
ઘણી બધી ટીકાઓ થાય છે વૈભવી લગ્નો માટે આજકાલ પણ સાવ એવું નથી મેરેજના દરેક ઇવેન્ટની એક આખી ઇન્ડસટ્રી ઉભી થઇ ગઈ છે ..
છેક લગ્ન લખવાથી ચાલુ થઇને હનીમૂનના ફોટોગ્રાફ પડે ત્યાં સુધી લોકોને આ “મેરેજ ઇન્ડસટ્રી” રોજગારી પૂરી પાડી રહી છે ..!
ઘણું બધું જે જુનું હતું તે બધું નવા નવા સ્વરૂપે ચાલુ થયું છે,વડી-પાપડ અને લગ્નપડો લખવાથી શરુ થાય.. લગ્ન લખવાના હોય ત્યારે સ્પેશિઅલ લાલ બાજોઠયા અને સરસ મજાના નવા નવા આસીનીયા,
અરે.. આસનીયા પણ હવે તો કેવા મજેદાર બજારમાં મળે છે, સેહજ ગુગલ કરજો તો જીવનમાં વિચાર્યા ના હોય એવા ડીઝાઇનર આસનીયા મળે છે અને શેતરંજી તો કલર કલરની અને મસ્ત મસ્ત ડીઝાઈન..!!
આખો એક પેહલો પ્રસંગ થાય લગ્ન લખીને પાંચ કંકોત્રી લખવાનો..પંદર વીસ પચીસ જણાનો જમણવાર ..
જો કે એમાં પણ જેવી શક્તિ એવી ભક્તિ અમુક લોકો એમાં પણ બસ્સો ત્રણસો ને જમાડી દયે છે ..
પણ એમાં બીજી એક કમબ્ખતી થઇ છે .. કંકોત્રી હવે સીધી વોટ્સએપ થાય છે આખું વેડિંગ ડ્રેસ કોડ સાથેનું પ્લાનર વોટ્સ એપથી જાય છે એટલે કંકોત્રી છાપવા અને કંકોત્રી વેચવાવાળા બજારમાં સન્નાટા પડી ગયા છે , નુકશાન છે ..!!
એમાં પણ એક ઇન્ટરેસ્ટીંગ વાત આવી હતી..
એક મિત્ર કહે મને કંકોત્રી જે વોટ્સ એપમાં મોકલવી છે તેને કસ્ટમાઇઝ કરાવી આપો ..
મેં કીધું ..એટલે ?
તો કહે …શૈશવભાઈ વોરાને જે કંકોત્રી હું વોટ્સ એપ કરું એમાં “શ્રીમાન/શ્રીમતી શૈશવ વોરા” લખેલું આવવું જોઈએ ..!
મેં કીધું …એમાં શું ફેર પડે તું મને મોકલે છે તો મારે જ આવવાનું હોય ને, સીધી વોટ્સ એપમાં કંકોત્રી મારા જ મોબાઈલમાં આવવાની છે ને ..
તો જવાબ આવ્યો… ના શૈશવભાઈ .. નામ ના લખેલું હોય એટલે તમે બીજા કોઈ રમેશભાઈને કંકોત્રી ફોરવર્ડ કરો તો એ રમેશભાઈ પણ પ્રસંગમાં આવી જાય, અમારે ગામમાં હજી એક ને કંકોત્રી મોકલીએ એટલે આખા વોટ્સએપ ગ્રુપો ના ગ્રુપોમાં ફોરવર્ડ થાય છે કંકોત્રી , અને પછી ધાડે ધાડા હાલ્યા આવે ,એમાં પછી થાય શું કે અમને માણસોનો અંદાજ રેહતો નથી પછી જમણવારમાં , એટલે તમારા નામની કંકોત્રી હોય અને ફોરવર્ડ થાય તો કોઈ ખોલે એટલે સમજી જાય કે શૈશવભાઈ ને જ બોલાવ્યા છે રમેશભાઈને નહિ ..!!
મેં કીધું આ તો જબરું કેહવાય.. ચલ કરીએ વહીવટ ત્યારે તારી ઈ-કંકોત્રી કસ્ટમાઇઝ કરવાનો ..!!
પછી ચાલુ થાય બેઠકોનો દૌર .. રોજ રાત્રે તમારે અમારે ત્યાં જમવાનું .. શૈશવે આ વખતે એક જ લગ્નમાં સોળ ટંક જમવાનું આમન્ત્રણ હતું પણ એમાંથી છ ટંક જમવાનો ત્યાગ કરી અને દસ ટંક જમવાને ન્યાય આપ્યો હતો ..!!
હલ્દી ,મેંહદી ,મંડપ મુર્હુત, મોસાળું ,લગ્ન, રીશેપ્શન આમ છ ટંક ના જમણવાર તો જાણે હવે ફિક્સ થઇ ગયા છે .. પછી જો કોકટેલ હોય તો એ આબુ કે ઉદેપુર અને ઘણા બધા લોકો એક રાત જુના નવા ફિલ્મી ગીતોનું અને એક રાત સંગીત અને ડાન્સ પર્મ્ફોમ્ન્સ..!! અને દરેકપ્રસંગમાં વર-કન્યાની એન્ટ્રી તો જુદી જુદી રીતે કરાવવાની ઢોલ નગારા સાથે નાચતા કુદતા ..!
સેહજ નજીકના લગ્ન હોય એટલે આઠ દસ દિવસ સમજી જ લેવાના ..!!
હમણાં હમણાંથી એક નવું જોવા મળ્યું છે .. પબ્લિક ગાભામાં રૂપિયા ઢગલો નાખે છે પણ ઘરેણા નકલી પેહરી લ્યે છે ..!
આ લગ્નની સીઝનમાં ધ્યાનપૂર્વક જોયું અને પત્નીજી જોડે કન્ફર્મ પણ કરતો ગયો તો પાટણના કે રાજ્કોટી કે પછી અમદાવાદી પટોળા બહુ જ ઇન હતા અને એ પણ દબક ઇક્ક્તના પાછા એટલે નાખી દેતા પણ દોઢ-બે લાખનું એક પટોળું થાય અને અમુક અમુક તો પાંચ સાત લાખના પેહર્યા હોય પણ ઘરેણા બધા નકલી ..!!
મને જરાક અચરજ થયું .. સોના, ચાંદી અને હીરા બધું ગયું ભમ્મ અને જગ્યા લીધી ગાભાએ ..!!
વર-કન્યામાં પણ બાર પંદર લાખના ડીઝાઈનર વેર હોય પણ માહ્યરામાં નકલી દાગીના..!
મને ઝાટકો લાગ્યો .. ડિઝાઈનર વેર નકલી લેવાય પણ ઘરેણા તો અસલી જ હોય જોઈએ ને ..
પણ બદલાતા સમયની તાસીર છે .. પત્નીજીનું કેહવું છે કે આ સોનાના પચાસ પંચાવન હજારના ભાવે જેવા કપડા એવા ઘરેણાના મેચિંગ કરવા જાય તો લાખો નહિ કરોડોમાં આંકડા પોહચે એટલે નકલી ઉપર બધું આવી ગયું , પણ નકલી ઘરેણા પણ જરાય સસ્તા નથી બધું દસ-વીસ હજારથી ચાલુ થાય અને એ પણ ભાડે ..!!
વાત પણ ખરી .. ગમ્મે તેટલો મોટો માણસ હોય એને લગ્નમાં ખર્ચા કરતી વખતે બજેટ મુકવું જ પડે એટલી બધી અવેલીબીલીટી આવી ગઈ છે બજારમાં ..!
એક શબ્દ નાણામંત્રીશીના મોઢે બજેટની સ્પીચમાં સાંભળ્યો હતો “ડીસ્પોઝ ઓફ મની” ..
લોકો પાસે અત્યારે બહુ બધા “ડીસ્પોઝ ઓફ મની” આવી ગયા છે અને પ્રસંગે બિલકુલ દેખાય છે .. સારું છે પૈસો અને લોહી તો ફરતા જ રેહવા જોઈએ પણ શરીરની અંદર ..! ઈકોનોમી સારી રહે ..!
પણ આ સીઝનમાં જેમના જેમના દિકરા-દિકરીઓ પરણ્યા છે એ દરેકને મેં કીધું છે કે એક પેલો રામઢોલ જેને નાશિક ઢોલ તરીકે ઓળખવામાં આવે છે એ વસાવી લેજો નહિ તો વરઘોડીયા એમના કમરાની બાહર નહિ આવે આ સોળ-સોળ પ્રસંગોમાં ઢોલ-નગારા-નિશાન-ડંકા વગાડી વગાડીને એન્ટ્રીઓ કરાવી છે તો વહુરાણીને રસોડામાં અને વરરાજાને કામધંધે ઢોલ નગારા વગાડી મોકલવા પડશે..!!
અઝીમો શાન શહેનશાહ .. મરહબા ..!
મરહબા મરહબા ..!!
હો ભઈ મરહબા .. એપ્રિલ સુધીમાં દૂધની થેલી લાવતો થઇ ગયો હશે શહેનશાહ..!
મુજ વીતી તુજ વીતશે .. ધીરી ..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*