અરવલ્લી પર આભ ફાટ્યું છે …
અમદાવાદ સાવધાન ..!!! છેલ્લા ૪૮ કલાકમાં માઉન્ટ આબુમાં ૪૦ ઇંચ વરસાદ પડ્યો છે, કાળમીંઢ નક્કર પત્થરોથી બનેલો અરવલ્લી હાલી ગયો છે .. રસ્તામાં ઠેર ઠેર શીલાઓ તૂટી પડી છે અને સંસ્કૃતમાં જેને સા ભ્રમતી કેહવાય અને આપણે જેને સાબરમતી કહીએ છીએ એ ઉફાન પર ચઢી છે , ઉપરના ફોટા ભાટ ગામેથી સાબરમતીના પુલ પર ઉભા રહીને લીધા છે … નવું નક્કોર પાણી વહે છે , બે કાંઠે પાણી આવ્યું છે ,જોડે પીળી પીળી મસ્ત મસ્ત માટી ખેંચી ખેંચીને પાણી લાવ્યું છે સાબરમતીમાં …
શેહરમાં તો રીવરફ્રન્ટ કરીને કાંઠા બાંધ્યા છે , એટલે નાહીધોઈને ખુલ્લા ભીના વાળે બહાર નીકળતી રમણે ચડેલી નાર જેવું ,મદમસ્ત હિલ્લોળે ચડેલી સાબરમતીનું રૂપ જો જોવું હોય તો , છેક જોવા ભાટ ગામ સુધી જવું પડે એમ છે ..!!!
આજે સાબરમતી કાંઠા તોડી અને બેકાબુ થાય એવું લાગે છે , જબરજસ્ત ઘુઘવાટા મારે છે સાબરમતીના પાણી..!!! વાસણા બેરેજના બધા દરવાજા ખુલ્લા છે ..બિચારો વાસણા બેરેજ …!! ઘરજમાઈ જેવી હાલત છે , બાયડી કહે એમ કરવું પડે ..!!! બારે મહિના ઉધારના સિન્દુરે સુહાગણ દેખાતી આજે સોળે શણગાર કરીને નીકળી છે સાબરમતી …
રીવરફ્રન્ટના વોક વે બંધ કરાયા છે ,અને જો વધુ પાણી આવ્યું તો રીવરફ્રન્ટની ખેર નથી , આમ તો થીયોરીટીકલી ચાર લાખ કયુસેક પાણી આવે તો જ રીવરફ્રન્ટ ડૂબે , પણ પ્રેક્ટીકલી ત્રણ લાખ કયુસેક પણ પાણી જો આવે સાબરમતીમાં તો એલીસબ્રીજની લગોલગ પાણી આવી જાય છે ,ધરોઈ ડેમ કદાચ છલકાશે …
આજની રાત ઉપર બધું જાય … ઉપરવાસમાં જો વરસ્યો તો સા ભ્રમતી ગાંડીતુર થશે … ઉત્તર ગુજરાતની નાની મોટી બધી નદીઓ જળબંબાકાર છે ..એ બધી નદીઓનું પાણી વાત્રક , મહીસાગર અને સાબરમતીમાં ઠલવાય છે, બનાસ, રૂપેણ અને સરસ્વતી ત્રણે કુંવારિકાઓમાં આજે ઘોડાપુર છે ..!! ખેર નથી જો આજે રાત્રે ઇન્દ્ર વરસ્યો તો … અમદાવાદની અને રીવરફ્રન્ટની ..!!!
ફરી પછી પેલી સાયરનો સંભાળશે પુરની ચેતવણી આપતી , અત્યારે તો વરસાદે મેહરબાની કરી છે, બપોરે તો કોરું કાઢી ગયો છે ,સૂર્ય નારાયણ થોડીવાર માટે દર્શન આપી ગયા છે..પણ ઘેરાયેલો સારો એવો છે …
સેટેલાઈટ ઈમેજ હવે બધા જ જોતા થઈ ગયા છે , એમાં વેપરની ઈમેજ આવે છે , આ બધી વરાળ હિન્દ મહાસાગર, બંગાળની ખાડી અને અરબ સમુદ્ર પર ઘણી બધી ભેગી થયેલી દેખાડે છે , અને ક્યાંક જો લો પ્રેશર થયું તો ભારતીય ઉપમહાદ્વીપમાં કોઈ એક જગ્યાએ બધી વરાળ વાદળા બનીને વરસવાની…મેઘતાંડવ સર્જાવાનું
કોઈ એક જગ્યાએ મોટી ખાનાખરાબી કરી નાખશે આ બધી વરાળ ભેગી થઇને…છેલ્લી સેટેલાઈટ ઈમેજ પ્રમાણે અરવલ્લીના ઉપર ખતરો વધારે છે ..એટલે આવનારા બે દિવસોમાં સાબરમતી આવી જ રેહવાની ..બહુ બધા ઝાડ પડી ગયા .. મારી ગાડી પણ બચી ગઈ એક ઝાડ એની ઉપર પણ પડયું પણ નુકસાન ઓછું છે ગાડીમાં..
જજો અલ્યા જોવા સાબરમતીને , મસ્ત મસ્ત મચ્છરીયો વરસાદપડે છે અને હાથમાં લો ગાર્ડનથી લીધેલી બટર મકાઈ અને નેહરુ બ્રીજ પર ઉભા ઉભા જોવાનું ઘૂઘવાટા મારતું સાબરમતીનું પાણી .. હેંડો લ્યા હેંડો બહુ દાળવડા ખાઈ લીધા ત્યારે શું ..? હેં …. .
શુભ સંધ્યા
શૈશવ વોરા