૨૧ જૂન એ બહુ બધા દિવસો હતા , યોગ દિવસ , મ્યુઝીક દિવસ ,મોટરસાયકલ દિવસ..વર્ષ નો સૌથી લાંબો દિવસ હજી કયાંક કઈ બીજો એકાદો દિવસ બાકી રહી ગયો હોય તો આવતા વર્ષે ..!!
વાત લાંબા દિવસ ની ..અરે જવા દો દિવસ ની વાત , વાત કરીએ સૌથી લાંબી રાત ની..!!
જુનો ચિઠ્ઠો ખોલું છું ..! ત્રણ સદી પેહલા નો ..!!
મોબાઈલ વિના ની દુનિયા ..!! કોલેજ હજી માંડ પૂરી કરી ,લબરમુછીયા સીજી રોડ ઉપર ભટકી ખાતા ..!
એવામાં એક ડીસેમ્બર ના કમુરતા બેસે એ પેહલા અમારો ભેરુ એક `ગગો` ડોબો પરણવા ચડ્યો ,
દૂર સુદૂર નું એક ગામડું જોઈ ને ગોરી નક્કી કરી આવ્યો હતો , નજીકમાં તો એને કોઈ આપે એમ હતું જ નહિ , લખ્ખણ બધાય જાણે ..!!
જાનમાં જવા નો ઉત્સાહ એટલે ગાડીઓ ડ્રાઈવરો ને આપી અને અમે તો “લકજરી” માં જાન જોડે બેઠા , ગગો મારો ઓળખ્યો નાલાયક સગાઇ થઇ પણ લાડી નો ફોટો ના પણ બતાવે કોઈ ને , વર્ણન પણ માંડ કરે , વાત તો ભૂલથી કોઈને એણે કરાવી નોહતી ..તમે “એને” સીધી લગ્નમાં જોજો ..!
બધા ભાઈબંધો ને ચટપટી , કે કેવી લાવ્યો ગગો..!
જાન ઉતારે પોહચી..ભાઈબંધો ને હવે રેહવાય એમ નોહ્તું ..બુમ પડી .. અલ્યા શૈશવ હેંડો ભાભી ને જોવા.. પણ બધા ને બીક લાગે ગામડાના વડીલો ની, પણ ચટપટી બધાયને ઘણી ..અને મને તો સુપર ડુપર ચટપટી, એટલે છેવટે આપણે બુમ મારી ને કીધું .. અલ્યા ભ`ઈ સાળો કુ`ણ સે..?
વર ના ભાઈબંધો ની હાક પડી એટલે ગામડા ગામમાં તો ચાર પાંચ છ સાળા એકસામટા હાજર ..!
અમે કરડાકી થી પૂછ્યું ભાભી ક્યાં છે ?
ઈ તો તૈયાર થાય સે ..
મળવું છે અમારે ..!
બધું સાળા મંડળ પેહલા થોથવાયું ..પણ એમ કેમ તમને લઇ જવાય ..?
શૈશવભાઈ એ ભરાડી રૂપ ધારણ કર્યું .. અમને પે`લા ભાભી ને મળાવો ઈ વિના વરરાજા માયરામાં નો આવે હો, નક્કી કરી લ્યો હારું ઈ તમારું..! હવે સાળા મંડળ મુઝાયું ..!
વાત રમતી રમતી વડીલોમાં ગઈ, બે ચાર ભાભા આવ્યા સેસવ ભા`ય બીજું કાઈક કયો , મેં કીધું અમારે મળવું છે ભાભી ને બીજી કોઈ વાત નહિ .. બધું ભાભા મંડળ પણ મૂંઝાય ..!
બૈરાઓ એ હાથમાં દોર લીધો ,સાસુમા આવ્યા.. લ્યો જોઈ લ્યો ..બિલકુલ મારા જેવી દેખાય, મારો જ પડછાયો જોઈ લ્યો તમે ..!!
એટલે અમે કીધું તો પછી પચ્ચીસ વરહ પછી ફરી આવશું ,અત્યારે લીલા તોરણે..
ભાઈબંધોમાં ચણભણ થઇ કે ડોશી જબરા છે, ગગો ગયો કામથી ..!!
એમાં પાછા ડોશી કરતા કન્યા ના ફૈબા જરાક વધારે ચબરાક ..સેસવ ભાય પણ મળી ને કરવું છે શું ? તમારી જ ભાભી સે ને હમણા માયરામાં ફેરા થાય એટલી જ વાર ,પસી અમારો હક્ક નો રયે દીકરી ઉપર ..!!
અમે જરાક મસ્તીમાં કન્યાના ફૈબા ના કાનમાં કીધું ..ફૈબા યાં અમાંર ભાભી ની બેનપણીઓ પણ હારે હોય , ને આ અમે બધા હજી વાંઢા સી`એ તો ક્યાંક કોઈક નું ગોઠવાઈ જાય ..! અમને તો તમારા ગામ ની મે`માનગતિ બહુ ગ`યમી સે` ..!
ફૈબા જરાક વધારે નહિ , પણ વધારે … વધારે ચબરાક.. મારા રો`યા સૈસવડા હાલ્ય લઇ જાવ હંધાય ને અને જેને જી ગમે ઈ મને કે`જે ,ચોકઠું બેહાડી દઈશું હાલ્ય હવે તો મારી હારે, મારેય એક કાંકરે ઘણા મરતા હોય તો મારવા છે..!! એક જ માંડવે ફેરા ફેરવું નઈ હું ય કન્યા ની ફૈબા ન`ઈ ..!!
હવે થયું એવું કે ફૈબા ને હું નજરમાં વસી ગયો, તે ભાઈબંધો ગ્યા સાળા મંડળ હારે કન્યા ના ઉતારે, ને મને તાણી ગ્યા કન્યાના ફૈબા એમના ઘેર …!!
સેલ લગાડ્યું કન્યાની ફૈબા એ તો મારા માટે કોડભરી કન્યાઓ નું ..!!!
આ મા`રી ,ઓલી મા`ર દિયર ની ,પેલી મા`ર નણંદ ની ને આ બે ડેલીએ થી હા`યલી આવે ને ઈ મા`ર માસીજી ની હે .. હંધું ય આંય લગનમાં આયવું સે..ને ઘડીક ચા પાણી કરો ત્યાં હમણાં મોટાભાઈ ની પણ આંય આવે સે..!! ને આમાંથી જેની હાયરે વાત કરવી હોય ઈ કયો ..!! પસી આગળ કેમ વધવું એ નક્કી કરીએ..!!
મજાક ભારે પડી ગઈ હતી મને તો ..!! ફુલ્લ પ્રેશર, મજા લેવાની બદલે ટેન્શન, ટેન્શન..
પણ આપણે કસાયેલા મંજાયેલા , જુવો ફૈબા તમે મારા મમ્મી પપ્પા હારે વાત કરો આમ મારે નો મંડી પડાય ,ને આ બધી તમારી દીકરીઓમાં એક ની હારે વાત કરું ને બીજા હારે વાત નો કરું તો બીજી ને મનમાં દ:ખ લાગે , બધાય આંય લગન માણવા આયવા છે ને એવામાં ખોટી હા ના કરી ને કોઈ ના મન કાં બગાડવા .. બધા ને માણવા દયો ..!
ફૈબા સમજી ગ્યા કે આ સેસવ એમ હાથમાં ચડે એવો નથી ,થોડો આકરા પાણી એ છે..! ઠીક ત્યારે પંચોલું બેસે ત્યારે તમે કેહજો કોની હારે વાત કરવી સે ઈ..!!
પછી તો આખા લગ્નમાં વરરાજા બાજુ ઉપર , ને મારી જ લેવાઈ ,
એક ભાઈબંધ માયરામાં આવ્યો મને કાનમાં કહે અલ્યા શૈશવ્યા અઘરું છે , આનું બૈરું કહે છે તમારા ભાઈબંધમાં અક્કલ જ નથી આ બારમી ડીસેમ્બરે જાન જોડી ને આવ્યા એની બદલે એકવીસમી ડિસેમ્બરે આવ્યા હોત તો આખા વરસ ની લાંબામાં લાંબી રાત મળત ને..!!
હેં …..મારી જીભડી બાહર ..!!
મેં કીધું ચુપચાપ ફેરા પતે એટલે જમી જમી ને ફુટતા, ગાડીઓ કેટલી આવી છે ? અહી તો પેલા ફૈબા એ મને વધેરવાનું ફૂલપ્રૂફ પ્લાનિંગ બેસાડી દીધું છે..!! પંચોળું બેસે એ પેહલા મારે તો રટ્ટી થવું જ પડશે..!!
બીજી બાજુ સાળા મંડળ જોડે ગયેલા ભાઈબંધો માટે પણ ગામડા નું પાણી જરાક ભારે પડ્યું હતું , ભાઈબંધો વેહચણી કરે કે કઈ કોની એ પેહલા એમના સોદા પડી ગયા હતા ,
રમારમ ગાડીઓ પંચોલું બેસે એ પેહલા નાઠી ..!! નહી તો ચોકઠાં ફિટ થઈ જ ગયા હોત..!
છેક બગોદરા આવ્યું ત્યારે બ્રેક વાગી..!
લગભગ અમારી ઉંમર એ સમયે ત્રેવીસેક વર્ષની જ હતી , કેરિયર કોઈ ની સેટ નોહતી એટલે માનસિક રીતે એકેય મિત્ર પરણવા તૈયાર નોહતો ,
એટલે ભાગાદોડી વધારે થઇ પણ કદાચ આવો મોકો ત્રણ ચાર વર્ષ પછી મળ્યો હોત તો ખરેખર એક જ માંડવે બે ત્રણ ના ચોકઠાં ગોઠવાઈ ગયા હોત..!!
આજે પણ પેલા ગગા ને કોઈ ભાઈબંધ બાવીસમી ડીસેમ્બરે સવારે ફોન કરે અને પૂછે અલ્યા બધું બરાબર ને ?
અને ત્યારે જો ભૂલ થી ગગાના ગામડાના ગોરીના હાથે ફોન લાગી ચડે તો સામે જવાબ આવે છે કે ફૈબા હજી કડેધડે છે, બોલો ગોઠવવું છે ? બીજી વાર નું તો બીજી વાર નું ગોઠવાઈ જા`હે પણ શરત એટલી કે સેસવભાય ને હારે લેતા જવા પડે..!!
આવું છે બધું સંસારમાં ..!
એરેન્જ મેરેજ “ગોઠવવાની” આ બધી “પ્રક્રિયા”ની આ બધી વાતો આજે આનંદ આપે છે..!
તમારી પણ એ “પ્રક્રિયા” યાદ કરજો અને મજા લેજો ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*