ભંડ ..
આજકાલના નવા નવા જન્મેલા બાળકો આ શબ્દ નો ઉપયોગ બહુ છૂટથી કરે છે ,
અરે ભાઈ ગજ્જબ પી ને ભંડ થઇ ને પડ્યો તો ..!!
અરે બે જોઈન્ટ માર્યા એમાં તો ભંડ થઇ ગયો ..!!
મને શરુ શરૂમાં તો એમ લાગ્યું કે બિનસંસદીય શબ્દ છે આ ભંડ, પણ પછી અચાનક એની મૂળિયું મળી ગયું..!!!
બહુ દૂર સુધી જાય છે હો , અત્યારે તો ખાલી ગાળ દેવા પુરતો જ આ ભંડ શબ્દ નો ઉપયોગ થાય છે પણ જેને હું આજકાલના છોકરડાઓ એ ઇન્વેન્ટ કરેલો શબ્દ માનતો હતો એ તો છેક વૈદિક કાળ નો શબ્દ નીકળ્યો , અને ગાળો પણ કોને આપવા માટે ? છેક વેદો ના રચિયતા ને ગાળો આપવા માટે ભંડ શબ્દ વપરાયો છે..!!
ચલો ઓરીજીનલ “માલ” કોપી પેસ્ટ કરી જ દઉં ..!!
यावज्जीवेत्सुखं जीवेत् ऋणं कृत्वा घृतं पिबेत् ।
भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ।।
त्रयोवेदस्य कर्तारौ भण्डधूर्तनिशाचराः ।
(स्रोत: ज्ञानगंगोत्री, संकलन एवं संपादन: लीलाधर शर्मा पांडेय, ओरियंट पेपर मिल्स, अमलाई, म.प्र., पृष्ठ 138)
मनुष्य जब तक जीवित रहे तब तक सुखपूर्वक जिये । ऋण करके भी घी पिये । अर्थात् सुख-भोग के लिए जो भी उपाय करने पड़ें उन्हें करे । दूसरों से भी उधार लेकर भौतिक सुख-साधन जुटाने में हिचके नहीं । परलोक, पुनर्जन्म और आत्मा-परमात्मा जैसी बातों की परवाह न करे । भला जो शरीर मृत्यु पश्चात् भष्मीभूत हो जाए, यानी जो देह दाहसंस्कार में राख हो चुके, उसके पुनर्जन्म का सवाल ही कहां उठता है । जो भी है इस शरीर की सलामती तक ही है और उसके बाद कुछ भी नहीं बचता इस तथ्य को समझकर सुखभोग करे, उधार लेकर ही सही । तीनों वेदों के रचयिता धूर्त प्रवृत्ति के मसखरे निशाचर रहे हैं, जिन्होंने लोगों को मूर्ख बनाने के लिए आत्मा-परमात्मा, स्वर्ग-नर्क, पाप-पुण्य जैसी बातों का भ्रम फैलाया है ।
છેક ચાર્વાક ઋષિ થી આવ્યો હોય એવું લાગે છે , હવે કોઈ પંડિત મહાશય ને શબ્દોની રમત લઈને મજા લેવી હોય તો ભંડ ધૂર્ત એ બધા નો બીજો મતલબ કાઢવો હોય તો ભલે કાઢતા પણ મારે તો ચાર્વાક ઋષિ ને વળગી રેહવું છે ભંડ શબ્દ માટે..!!
ભંડ ધૂર્ત નિશાચરા ..!! એ પણ ત્રણે વેદો ના રચયિતા ..!!
હવે સવાલ ત્યાં થાય કે શું એ સમયમાં પણ ભંડ શબ્દ પી પી ને પડ્યા રેહનારા કે જોઈન્ટ મારી ને પડી રેહનારા માટે વપરાતો હશે ? કે પછી થોડા બ્રોડર આસ્પેક્ટમાં વાપરતા હશે ?
અરે હા આ જોઈન્ટ શબ્દ કદાચ ડોહલા અને ડોહલીઓ માટે અઘરો પડતો હોય તો, જોઈન્ટ મારવો એટલે સિગારેટમાં ભરાવી ને પીવાતું ગેરકાયદેસર પણ છૂટ થી મળતું પેલું તત્વ કે જેનાથી સ્વર્ગ નું સુખ મળે એવું જોઈન્ટ મારી ને ભંડ થનારા કહે છે તે તત્વ..!!
આખા શ્લોકમાં વ્યવસ્થિત રીતે રવાડે ચડાવી દેવાની વાત છે ..!
દેવા કરી ને ઘી પીવો અને મોજે મોજ કરો ,
શરીર ને તો સળગાવી મારવા ના છે એટલે પુનરાગમન ની વાત જ નહિ ,
અને પછી તો ત્રણેય વેદોના રચનારા ભંડ ,ધૂર્ત અને નિશાચર છે ..!
જય હો .. જય હો ..!!
ભંડ થઇ જ જાવ .. હવે આપણે થોડાક આગળ વધીએ ..!!
છોકરડા તો ખાલી પીધેલા કે ગાંજો ફૂંકતા ને ભંડ કહે આપણે તો ભંડ ની વ્યાખ્યા આગળ ચલાવીએ , ચાર્વાક ઋષિ ના શ્લોક નો આધાર લઇ ને..!
ઉંધા વળગીએ ..!
દેવા કરી ને ઘી પીધેલા ભંડ કેટલા ? પરાયા માલ અપના કરી ને ભંડ થઇ ને બજારમાં ફરતા કેટલા ?
ધૂર્ત શબ્દ થી બધા ટેવાઈ ગયા છીએ અને નિશાચર તો આ ગ્લોબલ અને ઈન્ટરનેટ ના વાયરામાં અડધી દુનિયા છે, એટલે નિશાચર હોવું એ ગાળ ના દાયરામાંથી બાહર આવી ચુક્યું છે..!
પણ ભંડ તો પ્રોપર એકદમ જૂની ગાળ છે બોસ્સ ..!!
ઘણા ભંડ મળ્યા જીવનમાં કે જેમને એકલા ને એકલા રૂપિયા જ જોઈએ અને દેવા જ્યાંથી કરી શકાય ત્યાંથી કરે અને ઘી પીધા જ કરે ..!
જાહોજલાલી જ છલકે , એમના વાણી ,વર્તન ,આચાર, વિચાર.. દરેક જગ્યાએથી તમને લાગે કે આ રૂપિયા પી પી ને ભંડ થઇ ગયો છે..!!
અનેક ભંડ આજે પણ મારી આજુબાજુ રખડી રહ્યા છે પણ એક ભંડ બહુ યાદ આવે, કેમ કે આપણે નક્કી કર્યું હતું કે આપણે આવા ભંડ થવું નથી..!!
પંદર વર્ષ પેહલા મેં અને પેલા રૂપિયા ઉર્ફે ઘી પી પી ને ભંડ થયેલા એ નવી ગાડી લીધી મેં નાનકડી પોસાય એવી ગાડી લીધી અને ભંડ એ બંગડીઓ ..!
ભંડ એ ચાલીસ લાખ ની ગાડી નું ચાર લાખ ડિસ્કાઉન્ટ લીધું અને એનું જ ડાઉનપેમેન્ટ કર્યું , મને કહે આમ જો જિંદગી આમ જીવાય ..!
એની બંગડીના ચાર ટાયરમાં આપણી તો આખી નવી ગાડી આવે ..!
પૂરો ભંડ થઇ ચુક્યો હતો એટલે મોઢે કઈ કેહ્વાનો મતલબ નોહ્તો પણ મનમાં હું બોલ્યો કે તારી જો કૈક આઘુપાછું થયું ને તો બેંક લઇ જશે, મારી ને કોઈ લેવા નહિ આવે ..!!
અને થયું પણ એવું ચકરડી તૂટી ને ભંડ ગયો ગટરમાં સીધો ..!! વેચાઈ ગયું બધું…!
એટલે જ આપણે ચાર્વાક ઋષિથી થોડા ડીફર થઈએ , દેવા કરી ને ઘી પીવો બરાબર પણ પછી ઘી પચાવવું પણ પડે ને ? ઘી પીવો ને પછી ઝાડા થઇ ગયા તો ઘી પીધા એ શું કામના ?
મોટેભાગે તો એવું જ થાય છે કેમ કે ઘી એમ ઝટ પચે નહિ ,રસ્તે રખડતી વસ્તી ને લીટર ઘી પીવડાવો તો ત્રણ દિવસ જાજરૂમાં જ બેઠી રહે ,અને બીજી વાત શરીર ને સળગાવી મારશે પણ સળગાવનારા તો બચવાના ને પાછળ ..??!!!
દેવા કરવાના ? ના ,સ્પષ્ટ ના ..!
કોઈ બેંક વાળા બીજા અને ચોથા શનિવારે અને રવિવારે વ્યાજ લેવામાં રજા રાખતો નથી, એનું વ્યાજ નું મીટર ચોવીસે કલાક ફરતું જ રહે ..
લોકડાઉનના નામે બેંકો એ વચ્ચે બદમાશી કરી લોનના હપ્તા મોડા લીધા પણ વ્યાજ તો લઇ જ લીધું રાહત આપવાના નામે .. કશું કર્યા વિના ચુપચાપ ધંધો કરી લીધો અને પોતાના રૂપિયા રળી લીધા બેંકો એ ,એવું જ કામ ઇન્શ્યોરન્સવાળા એ કર્યું , લોક ડાઉનમાં વાહનો ફર્યા જ નહિ કલેઈમ ઓછા થઇ ગયા, પરદેસમાં ક્યાંક ઇન્સ્યોરન્સ કંપનીઓ એ પ્રીમીયમ ઓછા કરી આપ્યા પણ અહિયાં ? ઘાલી જ દો ..!
ભંડ એ ભંડ ફરે છે બજારમાં ચારેબાજુ.
કોઈ પણ ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં જઈએ તો ભંડ બનાવવાના મશીનો ફરતા જ હોય , સર લોન જોઈએ લોન ? ફોટો પડી ને લોન કરી આપીશ , શું લેવાનું ટીવી લેવું છે ? ફ્રીજ લેવું છે ? વોશિંગ મશીન ?
ખપ પુરતું અને એટલા હાથપગ મારવા કે જેથી ભંડ ના થવાય ..!
ચાર્વાક વેદોના રચયિતા ને ભલે ભંડ કહે પણ હજી એ પૂજાય છે ,
ઘી પીધેલા ને સળગાવવા ના આવે ને ત્યારે એની ઉપર કોઈ ઘી રેડવા તૈયાર નથી હોતું..!
એક જાણીતી બેંક ને ઉઠાડનારા ને સળગતો દૈવયોગે જોવાનો વારો આવ્યો હતો ,સગ્ગા દીકરી જમાઈ અને દીકરો ત્રણેય લાકડા ગોઠવાયા અને પછી અગ્નિ આપ્યો કે તરત જ સ્મશાન છોડી ને ભાગી ગયા હતા .. પૂરો સળગ્યો કે નહિ એ જોવા પણ ના ઉભા રહ્યા..!
શું ?
બોલો બોલો ભંડ થવું છે ? કે પછી છો જ ???
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*