Legs are new abs ..
પત્તરફાડી આ તો ..!
પશ્ચિમના એક અખબારે આવું મથાળું એના લેખ નું માર્યું …!
લખે છે કે હવે પુરુષો ની શોર્ટ્સ આ સમરમાં ટૂંકી થઇ જશે , કારણ એવું આપ્યું કે બે ત્રણ ફેશન જગતની મોટી મોટી બ્રાંડ એ આ વર્ષે ટૂંકી શોર્ટ્સ બજારમાં મૂકી છે..!!
જીમમાં મોટેભાગે એબ્સ બનાવતી અને પ્રદર્શિત કરતી પ્રજા લેગ્સ મારવામાં દાંડાઈ કરી જતી હોય છે , લોઅર બોડી ને જરાક ઓછું સાચવવામાં આવતું હોય છે કેમ કે પ્રદર્શન ઓછું હોય છે..!!
પણ જો આ વાયરો આગળ દેશમાં ઝડપથી પોહચ્યો તો એબ્સ ને બાજુ ઉપર મૂકી ને લોઅર બોડી ઉપર પ્રજા ને ચડવું પડશે ..!!
એક તો માંડ માંડ જીમ ખુલ્યા અને એમાં પાછું આવું ડીંડવાણું …!
બિચારા છોકરાઓ જાય ક્યાં ? જીવ ને જપ જ નહિ લેવા દેવાનો ..!!
એક માનુની લખે છે કે જે પુરુષ ની શોર્ટ્સ સાડા પાંચ ઇંચથી મોટી હશે એની સાથે હું ડેટ નહિ કરું ..! લે , કરો લો બાત ..!
ટૂંકી શોર્ટ્સ નું કૈક એક હેશ ટેગ અત્યારે તો પશ્ચિમમાં બહુ ચાલ્યું છે કે આ સમર એકદમ હોટ રેહ્વાનો ..!
અહિયાં હવે ક્યારે આવે એ જોવાનું , ગુર્જર સજ્જનો અને સન્નારીઓ એ બહુ ગભરાવાની જરૂર નથી કેમકે પેહલા બોલીવુડ અને મુંબઈ થેક લેશે અને પછી અહી વાળા કોપી પેસ્ટ ને વાયરો અડશે ને પછી ટૂંકી ટૂંકી શોર્ટ્સ પેહરેલા આપણા હીરોના ફોટા છાપે છપાશે..!!
બળ્યું પણ આપણને તો એબ્સ બનાવવામાં પણ આખો જન્મારો ગયો તો પણ `સિક્સ પેક્સ` તો દૂર આખું `ફેમીલી પેક` જ રહ્યું અને ઉપરથી આવું આવે હવે …!
કેરીઓ થી લઈને મીઠાઈ નો શોખીન જીવડો હરીફરી ને ફેમીલી પેક ઉપર જ આવી ને અટકે..!! આજકાલ તો ખબર નહિ પણ નવી વહુ ની જેમ નવું નવું ખાવાની ઈચ્છાઓ થાય છે , ફ્રુટસલાડ ,ક્રીમસલાડ ,ગુલાબજાંબુ એ પણ પેલા સ્ટફ એકદમ મોટા મોટા , મેહસુબ ને મોહનથાળ .. શીરો તો બળ્યો રહી જ ગયો .. હાય હાય સુખડી ને કેમ ભૂલાય ..અરરર બંગાળી મીઠાઈઓ ..રામ રામ રામ .. આ જેઠ ઉતર્યો ને અષાઢ આવ્યો ખાજા ,ખાજા નાગપાંચમના ..!! બસ બસ શૈશવ બસ ખાવા માટે જીવતી પ્રજા ટોપિક ઉપર આવ ..!!
લોઅર બોડી ..એબ્સ ..
લોઅર બોડી સાલું બહુ મેહનત માંગી લ્યે.. હું મોટેભાગે શનિવારે જ લોઅર બોડી લેતો એટલે રવિવાર નો પુરતો આરામ મળી જાય, બાકી જો ચાલુ દિવસે લોઅર બોડી લીધું તો મારા જેવાને તો બીજે દિવસે ક્લચ બ્રેક મારવાના વાંધા થઇ જાય ..!
દરેક જીમમાં એક વણલખ્યો નિયમ છે , જો કોઈ નવો સવો હોય અને એને તોડાઇ નાખવો હોય તો લોઅર બોડી કરાવી દો ,પત્યું બીજા દિવસથી ગાયબ ..!
એક અનુભવ હતો.. બહુ પાછળ પડી હતી એક પાર્ટી શૈશવભાઈ તમારી જોડે આવવું છે જીમમાં , હેંડ ભ`ઈ તા`રે મારે ક્યાં ઊંચકી ને તને લઇ જવો છે આવી જા ..!
આવ્યો, બે દિવસ કાબુમાં રહ્યો ,કીધું માન્યું કે જરા ધીરે ધીરે હોલે હોલે આગળ વધો ..!
પણ ત્રીજા દિવસે તો એની અંદર નો આર્નોલ્ડ જાગી ગયો હતો ,અને એમાં પણ લોઅર બોડી નો વારો કાઢયો પાર્ટીએ , તરખાટ મચાવી દીધો ..ના કેમ થાય ..? અમે કોણ ? સિપાઈ બચ્ચા..!
ફ્લોર ઉપર ચત્તોપાટ , ગરોળી ની પૂંછડી છૂટી પડી જાય પછી કેવી તરફડીયા મારે ?
બસ એવા તરફડીયા મારે જમીન ઉપર પડ્યો પડ્યો ..!!
ટોળું ભેગું ,પાણી રેડ્યું ,પીવડાવ્યું ,ગ્લુકોઝ પીવડાવ્યો , બધા ટ્રેઈનર મચી પડ્યા એને સરખો કરવા , વીસ પચ્ચીસ મિનીટ પછી ઠેકાણું પડ્યું , જીમ મેનેજર ની કેબીનમાં બેસાડ્યો ,કોફી ને બિસ્કીટ ખવડાવ્યા બિચારા જીમવાળા એ , પછી કલાક એક બાદ પાર્ટી ને ઘેર રવાના કરી..!!
કરી લેવું હતું ..! બોડી બનાવી જ દેવું હતું અપર લોઅર બધું ય ચાર દિવસમાં ..!!!
એબ્સ માટે તો એવું કહી દેવાય કે એબ્સ આર મેઈડ ઇન કિચન ઓન લોઅર બોડી તો બહુ ગંદુ અને જબરું વર્કઆઉટ માંગે..!
સત્તર વર્ષ થી જીમ જાઉં છું અમદાવાદના ઘણા જીમ અને જીમરો ને જોયા પણ અપર બોડી ની જોડે લોઅર બોડી સરસ હોય એવા બહુ રેર .. જુજ મળે..!!
ગુર્જર પુરુષ માટે એવું કેહવાય છે કે હાથપગ દોરડી ને પેટ ગાગરડી , પણ ઘણા પેહલવાનો મોડેલ્સ માટે હાથ સુધી બરાબર બાય્સેપ ૧૭ ઇંચ સુધી કાઢી ગયો હોય પણ કાફ મસલ્સ જોવો તો તેર અને ચૌદ ઇંચ સુધી માંડ જતો હોય અને પછી થાઈઝ ના તો ઠેકાણા ના હોય એટલે રોજ ટ્રેક પેહરી ને શર્ટ ઉતારે ને ફોટા પાડી પાડી ને સોશિઅલ મીડિયા ઉપર નાખે ..!
હવે આ બધા ને જો ટૂંકી શોર્ટ્સ પેહરવાની આવે તો દાવ થઇ જાય , શોર્ટ્સના એક પાયચામાંથી આખી બિલાડી જઈને બીજા પાયચામાંથી બાહર આવે એટલી જગ્યા હોય, સ્કર્ટ ની જેમ શોર્ટ્સ લેહરાતી હોય ..!!
ટૂંકી શોર્ટ્સ પેહરવા માટે થાઈઝ અને કાફ બનાવવા પડે ..!!
ટૂંકમાં કહું તો એક નૂર આદમી ,હજાર નૂર કપડા ,લાખ નૂર નખરા ને કરોડ નૂર અદા ..!
પણ ગમે તેટલા સારા અને મોંઘા કપડા હોય એને અનુરૂપ શરીર હોય તો જ દીપે , શોભે તો બધું પણ દીપે કપડાની અંદર નું શરીર પરફેક્ટ હોય તો જ ..!!
જો કે અંતે તો રહ્યા અસંતોષ થી ભરેલા જીવડા એટલે છેલ્લે એમ કહી દેવાનું કે જવા દે બકા આ બધા રૂપિયાવાળા ના ચોંચલા છે..!!
હકીકત એ છે કે આજ ના જમાનામાં રૂપિયાવાળા સારા શરીરના માલિક નથી ..!!!
લાગે રહો .. યોગ કરો ..ભોગ કરો .. કસરત કરો ..કલર કરો .. મીડિયા કે સોશિઅલ મીડિયા ઉપર પણ કૈક કૈક કરતા રહો ..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*