ગાંધી જયંતિનો લખેલો બ્લોગ આજે પોસ્ટ કરુ છું..ઓક્ટોબર પૂરો થાય એ પેહલા..!
બીજી ઓક્ટોબર..આર્ટિસ્ટીક શૌચાલય
વૈષ્ણવજન તો તેને રે કહીએ એ રે ..એની બદલે “વેશ્ન વજન” તો તેને રે કહીએ એ રે થઇ ગયું..!
ના સમજ્યા..? “વૈષ્ણવજન” આખો શબ્દ જ બદલાઈ ગયો છે ઉત્તર ભારતીય કે બીજા આજકાલના નોન ગુજરાતી ગાયકો એ આ શબ્દને “વેશ્ન” અને “વજન” માં ફેરવી નાખ્યો છે, “વેશ્ન” એટલે શું? તો એ ખબર નથી અને “વજન” તો ..ઓહ હો હો ગાંધી બાપુના સંદર્ભમાં વાત કરો છો ને “વજન” ની ,તો તો પછી તો ફાઈલ પાસ કરવા જે મુકવું પડે ને એ “વજન” હશે..!
વૈષ્ણવજન શબ્દ આખો અર્થ વિનાનો થઇ ગયો..!
અને એના માટે કે એમનેમ કોઈને પણ મન થાય તો એમ કે ગાંધી માટે લખવી હોય એટલી ગાળો લખાય અને મન ભરીને આપવી હોય એટલી ગાળો અપાય, અને એનાથી બિલકુલ વિરુદ્ધ જેટલા વખાણ કરવા હોય એટલા પણ થાય અને જેટલા ફૂલો ચડાવી ચડાવીને ભક્તિ કરવી હોય એ પણ થાય.!
અને કદાચ હજી બીજા બસ્સો ત્રણસો વર્ષ આ દેશ જીવતો રેહશે અને ગાંધીને જીવાડશે તો લગભગ કૃષ્ણની લગોલગ ગાંધી આવીને ઉભા રેહશે..!
અને જો પાંચસો વર્ષ ગાંધી જીવ્યા તો ચોક્કસ “અવાતર” જાહેર કરવામાં આવશે..! (ત્યાં સુધીમાં હિંદુઓ પણ જેટલા બચ્યા હશે એટલા “સંત” જાહેર થતા થઇ ગયા હશે..)
બાપુ તમને ખબર છે નરેન્દ્રભાઈની કેટલી બધી ધમકીઓ પછી લગભગ સાહીઠ હજાર કરોડ રૂપિયાનું કાળુંનાણું જાહેર થયું..! છાપાવાળાઓ લખે છે અધધધ..! પણ લગભગ બધા બિલ્ડરો એ જ જાહેર કર્યું છે..!
એ ભાઈ તો શું છાપાના માલિકો પાસે કાળુંનાણું નહિ હોય..?ખાલી બિલ્ડરો પાસે જ કાળુંનાણું હતું..?
શૈશવ તું શું બોલી ગયો ભાન છે તને..?
અરે પણ બે ત્રણ વર્ષ પેહલા બજાજવાળા રાહુલ બજાજ સ્વયં એક ટીવી શોમાં બોલ્યા હતા કે આખા દેશમાં બધાની પાસે કાળુંનાણું છે, એટલે એન્કરે સામો સવાલ નાખ્યો કે તમારી પાસે છે..? બહુ જ સ્વભાવિક રીતે રાહુલ બજાજ બિચારા “ભોળા ભાવે” બોલી પડ્યા કે હોય જ ને ..!
નેશનલ ટીવી પર પોતાની પાસે કાળુંનાણું છે એવી કબુલાત કરનારા પેહલા ભારતવર્ષના ઉદ્યોગપતિ..! અને જો રાહુલ બજાજ પાસે કાળુંનાણું હોય તો પછી અખબાર માલિકો પાસે કેમ ના હોય..?
હવે તમને થશે કે આ ગાંધી જયંતિ અને કાળાનાણાને ક્યાં સંબંધ..?
છે ભાઈઓ અને બેહનો છે, બહુ મોટો સંબંધ છે..એમાં પણ બાપુ નો જ વાંક છે, સરકારની સામે થવું અને સરકાર આપણી નથી એવું પૂજ્ય બાપુને આપણા મગજમાં સેટ કરતા વર્ષો લાગ્યા અને ત્યાર પછી આપડે ભેગા થઇને અંગ્રેજો સામે લડ્યા..!
અને હજી પણ એ જ માનસિકતા રહી છે, કે સરકાર મારી નથી અને એટલે જે મારું નથી એની પાછળ હું શું કરવા ખર્ચો કરું ? અને શું કામ ટેક્ષ ભરું..? મારા હાર્ડઅર્ન મની નો હું ટેક્ષ ભરું અને મારા રૂપિયે પેલા ભ્રષ્ટ રાજકારણીઓ અને અધિકારીઓ જલસા કરી ખાય..!
અને એ બધા કરતા પણ મોટી વાત કે બાપુ કહી ગયા છે એ સાચું કે “સરકાર મારી નથી”..!
સીધી ને સટ્ટ વાત..!
અમે ભારતવાસીઓ તો “બાપા” બોલે એ પથ્થરની લકીર, તો પછી આ તો આખા “દેશના બાપા” એટલે એ કહે એ તો ફાઈનલ જ હોય..! સરકાર મારી નથી ..!
બાપુ બહુ વેહલા તમે જતા રહ્યા..! તમારે ખરેખર બસ્સો ત્રણસો વર્ષનું આયુષ્ય લઈને આવવાની જરૂર હતી..પિતામહ ભીષ્મની જેમ ઈચ્છા મૃત્યુનું વરદાન લઇને જન્મવાની જરૂર હતી..!
તમારા નામે કેટકેટલુ ચાલ્યુ..!
થોડાક સમય પેહલા સાબરમતી આશ્રમમાં મારા બાળકો ને લઈને ગયો હતો, ત્યારે એ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા “સાવ આવી” જગ્યામાં રેહતા હતા..? હેં..!
તમે લખ્યું ઘણું પણ અમને વાંચતા જ ક્યાં આવડ્યું..? અને જેને આવડ્યું એણે તમારી ગેરહાજરીમાં તમારા શબ્દોની જોડે રમત કરી અને પોતાનો મનગમતો અર્થ કર્યો..!
તમારા સ્વચ્છતાના આગ્રહ માટેનું સૌથી મોટું તૂત અત્યારે શૌચાલયના નામે ચાલુ રહ્યું છે..!
દુનિયા આખીમાં જેટલા માણસ એટલા શૌચાલય બન્યા પણ કોઈને ખબર સુધ્ધા ના પડી અને આપણે ત્યાં જાજરૂ બનાવો જાજરૂ બનાવો કરીને લોહી પી ગયા..!
રેડિયોમાં એટલી જાહેરાતનો મારો ચલાવ્યો કે મારા જેવાને મન થઇ ગયું કે એકવાર તો ખુલ્લામાં લોટો લઈને જવું જ છે હવે તો..!
હવે મારા જેવાને ખુલ્લામાં લોટે જવાનો વિચાર આવે એમાં પણ વાંક તમારો જ છે બાપુ ,સવિનય કાનુન ભંગ કરતા તમે જ શીખવાડ્યું છે..
આઈડિયા સારો છે હો વિરોધ કરવાનો, સમૂહમાં કોઈ નેતાના ઘરની સામે શૌચાલય કરીને જવાનું..! (અરવિંદ કેજરીવાલને ના કેહતા હો, નહિ તો ૭ લોક કલ્યાણ માર્ગની બહાર રોજ સવાર પડ્યે …છી..છી..છી.)
આજે નશાબંધી ખાતાની અડધા પાનાની જાહેરાત છે લગભગ દરેક છાપામાં,
હવે યાર જેને દારુની “પોટલી” જ પીવી છે એના માટે આ કરોડો રૂપિયાની અડધા પેજની જાહેરાત આપો કે ના આપો શું કામની..? એ “પોટલી” પીનારાને વાંચતા લખતા આવડે છે ખરું..?
અને જો વાંચતા લખતા આવડતું હોત તો “પોટલી” થોડો પીતે, સીધો “વ્હીસ્કી” ની વાત કરતે, અને વ્હીસ્કી પીનારો તમારી જાહેરાત વાંચે કે ના વાંચે ખરેખર કોઈ ફરક પડે ખરો..?
આટલી મોટી જાહેરાતો અખબાર માલિકોને કમાવડાવવા માટે જ ને ..? કે બીજું કઈ ? પછી આપણને ટેક્ષ ભરવાનું મન થાય..?
એફ એમ રેડિયા પર પણ વિદ્યાબાલનને માખીઓ જોડે એટલી વાતો કરાવી કે અમે પણ મચ્છરો જોડે વાત કરતા થઇ ગય, એ મચ્છર મારું તને કે છોડું બોલ માર દિયા જાય કી છોડ દિયા જાય..!
નર્યો લોકોના રૂપિયાનો જાહેરાતો આપી આપીને બગાડ..!
જે વિદ્યા બાલનની “કાકી” ખુલ્લામાં શૌચ જાય છે, એ કાકી પાસે એફ એમ રેડિયો હોય..?
અને સાહેબ તમે માથે ભગવાન રાખી ને સાચું કેહ્જો કે એફ એમ રેડીયાના લાયસન્સ તમે કેટલા ગામડામાં આપ્યા છે ? તો પછી ગામડે ખુલ્લામાં શૌચ જતી વિદ્યા બાલનની “કાકી” સુધી આ વાત કેવી રીતે પોહચશે..?
બાપુ બોલો આજે તો બચ્ચનદાદા અને પેલા એનડીટીવીવાળા વિક્રમચંદ્રા જોડે જુહુ બીચ પરથી લાઈવ બેઠા હતા, અને શૌચાલયથી આગળ વધીને એમણે “સ્વચ્છાલય” ની વાત કરી અને એ પણ “આર્ટિસ્ટસ્ટીક “સ્વચ્છાલય”
બાપુ ..બોસ આપણે વાપર્યા છે હો એવા આર્ટિસ્ટસ્ટીક “સ્વચ્છાલય”..બાપુ તમને થશે કે આ વળી કઈ બલા છે ? પણ બાપુ બહુ મસ્ત હોય આર્ટિસ્ટસ્ટીક શૌચાલય..
હવે બાપુ તમને તો ખબર છે હું રહી રખડું પ્રજા ,એકવાર ચીન દેશમાં અમે સુ સુ કરવા એક શૌચાલયમાં ઘુસ્યા..ત્યાં વચ્ચે સરસ મજાનો પાણીનો કાચનો ફુવારો અને બધાએ આપણે નાના હતા ત્યારે નિશાળમાં ગોળ ફરીને ઉભા રેહતા હતા અને સુ સુ કરતા હતા ને, એમ જ એ ફુવારામાં જ ગોળ ફરતે ઉભા રહીને,
પછી એકવાર જાપાનમાં ટોક્યો મુકામે એકદમ ટ્રાન્સપેરન્ટ કાચનું બનેલું આખું આર્ટિસ્ટસ્ટીક “સ્વચ્છાલય” અને એમાં નીચેથી કાચના મરઘામાં એવી સરસ સરસ મજાની રંગ રંગની લાઈટો થાય આહ હા હા ..સાલુ આપણને મન જ ના થાય, પણ પ્રેશર એટલું ભારે હોય ને..
જોકે નાઈટ ક્લબોમાં બેંગકોક જેવા દેશમાં પણ જાત જાતના અને ભાત ભાતના ટોઇલેટના “મરઘા” મળે હો બાપુ..આર્ટ ના નામે ગંદા ગંદા ..
બચ્ચન દાદા એવા આર્ટિસ્ટસ્ટીક “સ્વચ્છાલય”ની વાત કરતા હતા..
જાપાનમાં તો બાપુ નીચેથી રબર જેવા પ્લાસ્ટિકના હાથ પણ આવે હો..આપણે ડાબો હાથ પણ નહિ બગાડવાનો ,ડાબા હાથથી કન્ટ્રોલ પેનલથી બધું કન્ટ્રોલ થાય અને પાણી પણ ગરમ ઠંડુ કે મિક્ષ અને એ પણ જાહેર “સ્વચ્છાલય”માં..!
એ રબરનો હાથ આવે અને બાપુ મારું હાળુ એવું એવું હૈયામાં કાંઇક કાંઇક થાયને વાત કરો માં..!
આખો દિવસ બચ્ચન દાદાએ એનડીટીવી પર સ્વચ્છતાની વાતો કરી..!
પણ આપણને તો પેલી આર્ટિસ્ટસ્ટીક “સ્વચ્છાલય” વાળી વાત બહુ ગમી હો, કોઈ ને આર્ટિસ્ટસ્ટીક “સ્વચ્છાલય” બનાવવાની ઈચ્છા હોય તો આઈડિયા ઘણા છે આપડા દિમાગમાં..
ચાલો પોસ્ટીંગમાં મોડું થયું છે એટલે માફી..
પણ યાર જાહેરમાં ક્યારેક સવિનય કાનુનભંગ કરવાની ઈચ્છા ખરી..!
શૈશવ વોરા