
ગુજરાત
આજનું ગુજરાત..
હૈયે ભડભડતો વડવાનલ અને ઉપરથી આગમાં ઘી નાખી પોતાનો રાજકીય રોટલો શેકતા ઉત્તર ભારતના નેતાઓ..!
નરેન્દ્ર મોદીની એકદમ સ્થિર સરકારનો વારસો આનંદીબેન ને મળ્યો પણ બેને બધું જ ચોળીને ચીકણું કરી નાખ્યુ..!
અચાનક એવી પરિસ્થિતિ આવી કે ગુજરાતનો બહુધા શાંતિપ્રિય વર્ગ વિચારતો થઇ ગયો કે ખરેખર બેન ચાલે એમ છે કે નહિ..? ભ્રષ્ટાચારના કોઈ મોટા આરોપ નહિ, પણ જેને આપણે મર્મરીંગ કહીએ એવું પ્રજામાં બહુ ચાલ્યુ..!!!
ગુજરાતની એક ખૂબી રહી છે એણે ઉત્તર ભારતના ધાર્મિક બાવા સાધુ અને પાછલા હજાર વર્ષમાં જન્મેલા ભગવાનોને સ્વીકાર્યા છે, પણ ઉત્તર ભારતના કોઈપણ નેતાને બિલકુલ નથી સ્વીકાર્યા..!
અને નેતાઓની બાબતમાં તદ્દન ઉંધી પરિસ્થિતિ છે ગુજરાતે હંમેશા એના નેતાઓ દિલ્લીને આપ્યા છે..! અને ગુજરાત પોતા હમેશા બે જ ધારાઓ માં વેહ્ચાયેલું રહ્યું, કોંગ્રેસ કે જનતા પાર્ટી અને જનતા પાર્ટીના પતન પછી ભારતીય જનતા પાર્ટી,કોઈ ત્રીજા પક્ષને ગુજરાતે બિલકુલ એન્ટરટેઈન નથી કર્યો..
હવે જયારે હું દિલ્લી,બેંગ્લોર કે પૂના જાઉં છું ત્યારે મને લોકો પૂછે છે..
અરે યાર તેરે ગુજરાતમેં એકચ્યુલી ચલ ક્યા રહા હૈ..?
શું જવાબ આપવો..? દિલ્લીની સંસદમાં બેઠેલા નેતાઓ ડીવાઈડ એન્ડ રુલ કરવા ગુજરાત આવે છે..!! અને નરસિહ મેહતાથી લઈને એમ કે ગાંધી સુધીના લોકોએ પેદા કરેલી સામાજિક સમરસતાને અનામત કે ગૌરક્ષાના નામે મુઠ્ઠીભર લોકો હવે હવે ગુજરાતને જુદી જુદી જાતિમાં ફેરવી રહ્યા છે, અને તમાશો ચાલુ છે..!
નીતિન પટેલનું નામ બહુ ચાલ્યું ,વચ્ચે અમિત શાહને મીડિયાએ કન્ફર્મ કર્યા પણ વિજય રૂપાણીને પસંદ કરીને મોદી સાહેબે ગુજરાતને કદાચ વર્ગવિગ્રહની આગમાંથી બહાર કાઢવાની એક સિન્સીયર કોશિશ કરી છે..!
બેનની મોટી ભૂલ થઇ જે પટેલ ભાજપના એકદમ વફાદાર એવા પટેલને પાટીદાર થવા દીધા,અને ઉના પોહચતા અઠવાડિયુ લગાડી દીધું અને સાથે બીજા પણ ઘણા ફેક્ટર કામ કરી ગયા..
અત્યારે તો કોંગ્રેસની જોડે જોડે પાટીદાર અને દલિત બધા જ નવા નેતાઓ વિજયભાઈ રૂપાણીને ધમકી સહીતની શુભેચ્છા આપી રહ્યા છે,
ગુજરાતના રાજકારણમાં કદાચ આવી રીતે પેહલીવાર શુભેચ્છાઓ અપાઈ રહી છે..!
તમે સારું કામ કરો એવી શુભેચ્છા પણ જો તમે આમ કરશો તો અમે પછી જોઈ લઈશું અને તેમ કરશો તો અમે તમને છોડીશું નહિ..આમ તો તમારે બધાએ રાજીનામા જ આપવા જોઈએ પણ ..
આ બધામાંથી બહાર નીકળવા માટે વિજયભાઈ રૂપાણી પાસેથી વાણીયાબુદ્ધિની અપેક્ષા ચોક્કસ રાખી શકાય, અને રીમોટ કન્ટ્રોલની ફ્રિકવન્સી હવે બદલાય અને શ્રી વિજય રૂપાણી નરેન્દ્ર મોદીની જેમ સાચા અર્થમાં સત્તા ધારણ કરી શકે એવી આશા અત્યારે તો ગુજરાતનો બુદ્ધિજીવી વર્ગ રાખી રહ્યો છે..
છેલ્લા બે વર્ષના જે તમાશા ગુજરાતે જોયા એના વિષે વિચારીએ તો તમાશાને તેડું ના હોય, પણ પણ એક વિચાર એવો આવે છે કે ખરેખર અત્યારે ચાલી રહેલા જાતિવાદી આંદોલનોમાં ભીડ અને તોફાન કરનારા તત્વો જે સંખ્યામાં આવે છે એ બધા કોણ છે..?
ગુજરાતના અચાનક નવા પેદા થયેલા નેતાઓના કુળ અને ગોત્ર ક્યાંના છે..? એમના મોઢે બોલાતી અંગારવાણી સાંભળવા માટે લોકો કેમ ભેગા થાય છે..? તેજાબી વાણી ઓકતા જુના નેતાઓ ક્યાં જતા રહ્યા..?
શું એ જુના નેતાઓનો ભીડ પરનો કંટ્રોલ જતો રહ્યો છે.?
થોડુંક એ ભીડનું સાયકો એનાલીસીસ કરતા પેહલા એ ભીડ કોની છે?
સમાજનો કયો વર્ગ છે આ ભીડમાં..?
મોટેભાગે આર્થિક રીતે નીચલો વર્ગ અને લોઅર મિડલ ક્લાસ આ ભીડમાં આવે છે..! અને એ ભીડને પાછળથી સપોર્ટ આપે છે અપર મિડલ ક્લાસ અને લોઅર અપર ક્લાસ..!
આ પાછલા બારણેથી આવેલો સપોર્ટ જ કોઈપણ આંદોલનની જીવાડે છે..!
જુના તેજાબી વાણી ઓકતા નેતાઓ ક્યાં જતા રહ્યા..?
સત્તા નામની ચીજે શું એન્ટાસીડનું કામ કર્યું છે.? એમની જીભ પર સત્તા નામની ડાઈજીન નામની દવાનું કોટિંગ ચડી ગયું..? જવાબ હા માં છે..
સતત બે દાયકા સુધી સત્તાની ડાઈજીન પીધા પછી હવે એસીડીટી થાય એ શક્ય નથી, અને જે કાર્યકરોને આ સત્તા નામની ડાઈજીન પીવા નથી મળી એમની બીજી પેઢી અત્યારે આંદોલનકર્તા થઇને સંઘર્ષએ ચડી છે..
અત્યારે ત્રીસ વર્ષ જુનો કાર્યકર્તા, જે હજી પણ કાર્યકર્તા જ છે એનો છોકરો એના બાપને પક્ષના નિષ્ઠાવાન કાર્યકર ના કાર્યકર રેહવા બદલ ભરપુર ગાળો આપી રહ્યો છે, અને એ છોકરો આંદોલનકર્તા થઇને રોડ પર આવ્યો છે..
આંદોલનથી સત્તા સુધી પોહચવું છે એને અને બાપા જે ના કરી શકયા એ મારે કરવુ છે..!
રૂપાણી સાહેબ એમને સત્તા સુધી પોહ્ચવા દેશે કે નહિ એ જોવાનું છે..!
રૂપાણી સાહેબના ફોટા જોતા તો અત્યારે તો આનંદ થાય છે એમના ફોટા હસતા ફોટા તો છે..! છેલ્લા બે વર્ષથી તો ભારેખમ મોઢા જ જોયા છે અને બીજી એક મહત્વની વાત એ થઇ કે લીલાબા પછી આટલા વર્ષે ગુજરાતને મુખ્યમંત્રીના પત્ની જોવા મળ્યા…!
જગન્નાથ મંદિરે વિજયભાઈ અને અંજલીબેન રૂપાણીની લક્ષ્મીનારાયણની જોડીનો ફોટો ટીવી પર જોઇને સારુ લાગ્યુ..!
નાનકડું ભાષણ આપ્યું રૂપાણી સાહેબે, વાણીથી તો સોફ્ટ લાગ્યા જેની ખરેખર જરૂર છે, અને એક પત્રકારે પાટીદાર આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો સવાલ પૂછ્યો અને બહુ મક્કમતાથી જવાબ ટાળી ગયા..!
બોડી લેન્ગવેજ તો પોઝીટીવ છે..!
રસ્તો લાંબો અને અઘરો છે.. પેન્ડોરાની પેટી ખુલી ગઈ છે..બધા જ સાપ પકડી પકડીને પાછા પેટીમાં પુરવાના છે..!
મદારી,ગારુડી..જાદુગર જેને બોલાવવા પડે એને બોલાવો રૂપાણી સાહેબ પણ ગુજરાતને વર્ગવિગ્રહની કગાર પર છે ત્યાંથી પાછુ લાવો..
ઘણા જોક વોટ્સ એપ પર ફરી રહ્યા છે એકાદ બે સેમ્પલ
સર્વત્ર ગુજરાતમાં પાણી પાણી
વાહ રૂ(પાણી) રૂ(પાણી)..!
આને કેહવાય વાણીયો
દેખાડ્યો દેવો ને પરણાવ્યો પબો ..!
શુભ રાત્રી
શૈશવ વોરા