પુત્રની યુવાનીમાંથી દિવસો “ચોરીને” પિતા યુવાનીની મજા માણે તો શું થાય..?
મહારાજા “યયાતિ” યાદ આવી ગયાને..?
પણ ઘોર કળિયુગમાં અત્યારના “યયાતિ”ને કોઈ “પુરૂ” જેવો દીકરો મળે ખરો..?
હવે જેને યયાતિની વાર્તા ખબર નથી એના માટે પેહલા યયાતિની વાર્તા..જે મેં વીકીપીડીયામાંથી કોપી પેસ્ટ કરી છે અને મારી રીતે મઠારી છે..
એકવાર જંગલમાં મૃગિયા (શિકાર) રમતા-રમતા એક ઉંડા કૂવામાંથી યયાતિ મહારાજે દાનવગુરુ શુક્રચાર્યની કન્યા દેવયાનીને પડેલી જોઈ, અને તેને એમણે બહાર કાઢી.
દેવયાની યયાતિના રુપ અને પરાક્રમથી મોહિત થઇ એટલે તેની ઇચ્છાથી તેના પિતા શુક્રાચાર્યએ તેને યયાતિ સાથે પરણાવી..
લગ્નમાં વસ્તુઓની સાથે દહેજમાં વૃષપર્વાની કન્યા શર્મિષ્ઠા પણ તેની દાસી તરીકે તેની સાથે ગઈ.
દેવયાનીને યયાતિથી યદુ અને તુર્વસુ એમ પુત્રો થયા.
જયારે વિષય વાસનાથી ઘેરાયેલા યયાતિને આ બાજુ ખાનગીમાં યયાતિથી શર્મિષ્ઠાને અનુ, દ્રુહ્યુ અને પુરુ એવા ત્રણ પુત્ર થયા.
કહાની મેં ટ્વિસ્ટ..
જ્યારે દેવયાનીને ખબર પડી કે શર્મિષ્ઠાને પણ યયાતિથી પુત્રો થયા છે ત્યારે તે ગુસ્સે થઇને પિતા શુક્રાચાર્યને ઘેર ચાલી ગઈ.
આ વાતની જાણ થતા શુક્રાચાર્યે યયાતિને શાપ આપ્યો કે તું જરાગ્રસ્ત(ઘરડો) થા..
હવે વિલાસિતામાં લીપટેલા યયાતિથી અચાનક આવી પડેલી વૃદ્ધાવસ્થા સહન થઇ નહિ અને એનું મન સતત યુવાની ને ઝંખતું રહ્યું..
યયાતિએ શુક્રાચાર્યને બહુ પ્રાર્થના કરતાં શુક્રાચાર્યે યયાતિને કહ્યું કે જો તારા કોઈ પુત્રને તારી વૃદ્ધાવસ્થા આપીશ તો તું જીવનમાં ફરી એકવાર તરુણ થઈ શકીશ.
પરંતુ યયાતિના સૌથી નાના પુત્ર “પુરુ” સિવાય કોઈ પુત્રએ યયાતિની વૃદ્ધાવસ્થા લેવાની ના પાડી…
છેવટે પુરુના તારુણ્ય (જુવાની) વડે યયાતિએ દેવયાની સાથે યથેચ્છ વિષયસુખ ભોગવ્યું ને પછી યયાતિને વૈરાગ્ય થતાં પુત્રનું તારુણ્ય પાછું આપ્યું અને પુરુને રાજય સોપ્યું..
ત્યારથી સંસારમાં ઘરડે ઘડપણ જે બાપાને જુવાન થવાનો ચસ્કો ચડે એને “યયાતિ અવસ્થા” કેહવાય છે.
બહુ ખતરનાક અવસ્થા છે આ “યયાતિ અવસ્થા”..યયાતિ અવસ્થાને મીડ લાઈફ ક્રાઈસીસ પણ કહી શકાય..જો કે મીડ લાઈફ કરતા એન્ડ લાઈફ ક્રાઈસીસ કેહવી વધારે યોગ્ય રેહશે..!
યયાતિએ તો એમના દરેક છોકરાને વિનવણી કરી કે કોઈ મારું ઘડપણ લો અને તમારી જુવાની મને આપો પણ અત્યારે કલિયુગમાં એવું નથી થતું..
પણ બાપ જાણ્યેઅજાણ્યે પોતના દીકરામાંથી થોડા જુવાનીના દિવસો “ચોરી” લેતો હોય છે..
દીકરો જુવાન થતો જોવો દરેક બાપને ગમે, ક્યાંક બાપને એમાં પોતાનું રૂપ દેખાય અને પછી એમાંથી આગળ જતા પુત્ર મોહ પેદા થાય..
મારો દીકરો છે અને એમાં “મારો” ઉપર બહુ જ ભાર મુકાય..અને ઘણીવાર એને તો હું “આમ” બનાવીશ.. પણ એ વાત ને અત્યારે જવા દઈએ..
અત્યારના માંબાપને હું હેલીકોપ્ટર પેરેન્ટ કહું છું અને લગભગ ઘણા બધા માબાપ “યયાતિ અવસ્થા”માં જીવે છે..
દરેક માંબાપ હેલીકોપ્ટરના પંખાની જેમ એમના સંતાનના માથે ઘરર્ર્રર્ર કરતા ફર્યા જ કરતા હોય છે
સંતાનો જયારે નાના હોય બાલ્યાવસ્થામાં હોય ત્યારે તો બાળક તમને ચોંટેલું રહે એ સ્વભાવિક છે, કિશોરઅવસ્થામાં માતાપિતા બાળક પર થોડીક નજર રાખે એ પણ યોગ્ય છે,
પણ અમુક યયાતિ અવસ્થામાં પીડાતા માબાપ સંતાન જયારે નાનું હોય ત્યારે એ પણ એની જોડે નાના બની ને કાલા કાઢે, અને એમનુ સંતાન કિશોર અવસ્થામાં આવે ત્યારે એ પણ બાળક જોડે અને એમની બાકીની દુનિયા જોડે કિશોર જેવું વર્તન કરે,
અને હદ તો ત્યારે થાય કે એમના એ એક ના એક લાડકવાયાને પધામધૂમથી પરણાવે, અને લાડકવાયો એની સ્વીટહાર્ટ જોડે હનીમુન કરવા જાય ત્યારે એ લાડકવાયાના માતાપિતા દિવસમાં ત્રણ વખત ફોન કરે અને પૂછી લે કે બધું બરાબર છે ને..?
અને પેલો લાડકવાયો “ગગો” પણ પ્રેમ થી જવાબ પણ આપે હા પપ્પા બહુ મજા આવે છે, તમે પેલી ગઈકાલ રાતવાળી આઈપીએલની મેચ જોઈ..? મેં તો એ મેચ તો આખી જોઈ અને પછી “ગગો” અને ગગાના બાપા પચ્ચીસ મિનીટ સુધી મેચની ચર્ચા કરે..
પપ્પાને તો એના ગગામાં એમની જાત જ દેખાતી હોય એટલે મીનીટે મીનીટે પૂછે..અને રીપોર્ટ લે,અને મજા લે ..
ગગાની જુવાનીમાં “યયાતિ” પોતાની જુવાની માણે, અને પછી છેવટે ગગાની પેલી “સ્વીટહાર્ટ” બે ત્રણ મહિનામાં સમજી જાય કે આ ગગાને પરણી એના કરતા એના બાપને પરણી હોત તો સુખી હોત..છેવટે.. સ્વીટહાર્ટ જાય ભાગી પિયર ભણી..!
સત્ય ઘટના છે દોસ્તો..!!!!!
બીજા એક લાડકવાયા એટલા રૂપાળા, અને એ લાડકવાયાનું રૂપ જોઈને એમના પિતા યયાતિ મહારાજ એટલા હરખાય અને હમેશા પોતાનું પ્રતિબંબ જ જોવે એના લાડકવાયામાં ..
અને જે મોઢે ચડાવ્યો,અને જ્યાં જાય ત્યાં દીકરાની જોડે જ રહે છેવટે આજે દીકરો ઘરડો થયો, પણ બાપા જુવાન જ રહ્યા, હજી પંચોતેર વર્ષે કોઈ કોલ સેન્ટરમાંથી ફોન આવે તો વીસ મિનીટ તો યયાતિ મહારાજ ચોક્કસ વાત કરી લે..!
અને પરિણામ શું? તો કહે સખત નફરત બાપથી..!!
એક ઘરમાં રેહવાનું પણ એક અઠવાડિયે બે વાક્યોની આપ લે નહિ કરવાની, અને પિસ્તાલીસ વર્ષના દીકરાને વૈરાગ્ય આવી ગયો અને એ દીકરો બધા વાળ કાળા ધોળા મિક્સ રાખે છે,પણ બાપાને દર પંદર દિવસે હેર ડાય કરાવવા જોઈએ..!
દીકરાની જુવાની રીતસરની ચાવી ચાવીને ખાઈ ગયા એમના બાપાઓ
એક પચાસ વર્ષના ધંધાદારી મિત્ર..
શૈશવભાઈ મારી જિંદગી તો મારા બાપે આખી બગાડી નાખી પણ હવે મારા છોકરાની નહિ બગડવા દઉં, મેં તો મારા છોકરાને પેહલા બેંગ્લોર મુક્યો અને ત્યાંથી સીધો અમેરિકા મોકલી દીધો, નહિ તો મારા બાપા મારી જુવાની તો ખાઈ ગયા મારા છોકરાની પણ જોડે ખાઈ ગયા હોત..
મેં પૂછ્યું ભાઈ એવું તો શું થયુ..?
મારા બાપા અત્યારે એશી વર્ષના છે અને કપાસિયા બજારમાં એમની ઉભી કરેલી લગભગ સત્તાવનવર્ષ જૂની પેઢી ચલાવે છે.. હું જેવો મોટો થયો બીકોમ થયો મને ઝાલીને પેઢીમાં પૂરી દીધો, મારે સીએ થવુ હતુ..પણ મને ધરાર ભણવા ના દીધો અને પેઢીમાં જોતરી દીધો સવારના નવ વાગ્યે જવાનું અને રાત્રે દસ વાગ્યે પાછા આવવાનું ..એકપણ રજા નહિ મારે, અને પોતે છેક યુરોપ અમેરિકા બધું રખડીને આવ્યા..હવે એમને છ મહિના મારા દીકરાને ત્યાં કેલિફોર્નિયા જઈને રેહવું છે અને ત્યાંથી અલાસ્કાની ક્રુઝમાં જવું છે..
હું જયારે કહું ત્યારે એક જ જવાબ આવે તમારે તો હજી ઘણા દિવસો છે ફરવાના..
કપાસીયા બજારની આખી પેઢી નો ભાર મેં ખેંચ્યો અને દરેક જગ્યાએ હાર તો બાપા એ પેહર્યો..હજી મારી સહી કરાવીને ચેકબુક ડોહા એમની પાસે લોકમાં રાખે છે..!
દર વખતે એક જ વાત અમારા પછી બધું તમારું જ છે ને..પણ શૈશવભાઈ હવે તો મને લાગે છે કે એમના પેહલા હું મરી જઈશ.. હજી એશી વર્ષે એમને મોતિયા કે ડાયાબીટીસ નથી..અને મને ડાયાબિટીસ આવી ગયો છે..!
મને રાણી એલીઝાબેથ યાદ આવ્યા બિચારા પ્રિન્સ ચાર્લ્સનો વારો આવવા દેશે ખરા..?
ઘણા બધા આવા કિસ્સા સમાજમાં જ છે, અને આવા કિસ્સા વધતા જશે,એનુ કારણ એક જ છે કે એક કે બે સંતાન, અને ટેકનોલોજી અને દવાઓ માણસને ઘરડો થવા દેતી નથી,
અને એવા સમયમાં ક્યારેક જાણ્યે કે અજાણ્યે બાપનું વધારે પડતું એગ્રેશન કે કેરીંગવૃતિ અને જીવન “જીવવા” ની આસક્તિ પછી એમના જીવનને યયાતિવૃતિમાં પરિવર્તિત કરી નાખે છે..
ખોડખાંપણવાળું સંતાન હોય તો એક્સ્ટ્રા કેર લેવી જરૂરી બને છે, પણ જયારે સામાન્ય સંજોગો હોય ત્યારે સંતાનોને ઉમર પ્રમાણે એમનો સમય અને સ્પેસ આપવા જરૂરી બને છે..
અને જયારે સંતાનોને સમય અને સ્પેસ આપવો એનો મતલબ કે એમનાથી ચોક્કસ અંતરે દુર જવું ,અઘરું હોય છે પણ કરવું જરૂરી છે કેમકે નહિ તો વડલા નીચે ઘાસ જ ઉગે..!
પેહલા લખી ચુક્યો છું દુનિયામાં દરેક બાપ એ મરવું અને માતા એ ઘરડું થવું જરૂરી છે..
મરે નહિ એવો બાપ આ દુનિયામાં કોઈ દીકરાને ખપતો નથી, અને ઘરડીના થાય એવી માતા દુનિયાની કોઈ દીકરીને પસંદ નથી..!
અને બાપને મરવા માટે ઘરડું થવુ પડે અને ઘરડી થયેલી માતાને મરવું પડે..!
યયાતિ વૃત્તિનું ઉત્તમ ઉદાહરણો ભારતના રાજકારણીઓમાં ઢગલાબંધ છે..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા