આયુર્વેદ વિરુદ્ધ એલોપેથી ..! જંગ કેટલો યોગ્ય ?
એવો કોઈ માણસ હવે કદાચ આ જગતમાં બચ્યો નથી કે જેણે એલેપેથી ઉર્ફે વિલાયતી દવા લીધી ના હોય , એમાં પણ અત્યારે આ મહામારીમાં તો એલોપેથી ની વેક્સીન લેવા પડાપડી થઇ રહી છે ત્યાં આયુર્વેદ ને એલોપેથી ની સામે લડાવી મારી ને શું કરવા હલકો કરી મુકવાની જરૂર છે ?
મોટા મોટા જ્ઞાનીઓ જંગમાં કુદ્યા છે , શાસ્ત્રાર્થ ચોક્કસ થાય બે વૈદક ની મહાન પરંપરા વચ્ચે, પણ ગાળાગાળી કરવાનો શું મતલબ ?
એલોપેથી હોય કે આયુર્વેદ શું સો ટકા રીઝલ્ટ કોઇપણ પ્રકારનું નુકસાન કર્યા વિના રીઝલ્ટ આપે છે ?
તો કહે ના ..
માણસ મરે તો છે જ , ગમ્મે તે કરો , કોઈ વૈદ્ય કે પછી ડોક્ટર અજરઅમર થયો ?
ના
કોઈ ડોકટર કે વૈદ્ય જીવનભર નીરોગી રહી શક્યા ?
ના
તો પછી બબાલો શેની ? થાય તેટલા સંશોધનો કરો અને માનવજીવનને બેહતર બનાવો..!
છેલ્લા ત્રણસો સાડા ત્રણસો વર્ષથી એલોપેથીમાં અસંખ્ય સંશોધન થયા તે પણ પ્રોપરલી યુનિવર્સીટી બેઇઝ થીયરી સાથે સાથે પ્રેક્ટીકલી પણ સંશોધન થયા, ત્યારબાદ એ જ્ઞાન ને જન સાધારણ સુધી પ્રસારવામાં આવ્યું ,
હકીકત એ છે કે એલોપેથી ને કારણે માનવજીવન પાછલી સદીઓમાં વાત કરીએ છીએ તેના કરતા બેહતર થયું ને લાઈફને ક્વોલીટી ને કવોન્ટિટી બંને મળી ,
ભારતવર્ષ નું એવરેજ આયુષ્ય ખુબ વધ્યું ,
આ વાત નો સ્વીકાર કરવો જ રહ્યો ..!
હવે આયુર્વેદ માટે એક સામાન્ય માણસ ની જેમ જ હું વિચારું તો આયુર્વેદ જીવનમાં ક્યાં ? બહુ ઓછું છે ,અને એલોપેથી ચારેબાજુ છે અને સ્પેશીઅલી અત્યારે આ મહામારીમાં દસે દિશાઓમાં..!
તો પછી આટલું જુનું આયુર્વેદ કેમ ખોવાયું ?
પ્રોબ્લેમ એ થયો કે પાછલા સાતસો વર્ષમાં મોટાભાગનું જ્ઞાન બાળી મુક્યું ભારત ઉપર ચડી આવેલા આતતાયીઓ અને લુંટારાઓ એ , બીજું આયુર્વેદ કે બીજા જે કોઈ શાસ્ત્રો લખાયા છે એ બધું જ જ્ઞાન સંસ્કૃતમાં લખાયું છે, પાછલા દોઢથી બે હજાર વર્ષમાં જોઈએ તો મૂળ ભાષા સંસ્કૃત ને પાડી દેવા માટે પ્રાકૃત એ પણ ઉપાડો લીધો હતો , વચ્ચે આવી બ્રાહ્મી લીપી , રેફરન્સ અશોક ના શિલાલેખ ..!
સંસ્કૃત ઉપર અગણ્ય હુમલા થયા એમાં આયુર્વેદ જ નહિ પણ તમામ ક્ષેત્રના જ્ઞાન ને અંદર અંદર લઢી ને કે બાહરથી આવેલાઓ એ પુરા જ કરી નાખ્યા ,
બીજી ખાટલે મોટી ખોડ એ કે જ્ઞાન નો પ્રસાર અને પ્રચાર મોટેભાગે ગુરુ શિષ્ય પરંપરામાં થતો ,
જૂની તમામ વાર્તાઓ ખોલી ને બેસો એટલે એક જ વાત આવે ગુરુ નું જ્ઞાન એમનો દીકરો કે રાજા નો દીકરો અને વધી ને એમનો એકાદો પટ્ટશિષ્ય હોય એને મળે બાકી બધા ઠંનઠંન ..!! જન સાધારણ સુધી એ જ્ઞાન વિજ્ઞાન નો લાભ મળ્યો નહિ ,
ત્રેતાયુગ ના પુષ્પક વિમાન નો લાભ રાજા રામચન્દ્રજી અને એમના સાથીદારો ને યુદ્ધ જીત્યા પછી મળ્યો ,પણ લંકા થી અયોધ્યાની ડેઈલી ફ્લાઈટ અવેલેબલ નોહતી ..!!
જે આજે પેસેન્જર લોડ હોય તો કરાવી હોય તો શકાય તેમ છે..!!
છેક મધ્યયુગમાં તક્ષશિલા અને નાલંદા જેવી યુનીવર્સીટી પ્રકાર નું બંધારણ ઉભું થયું પણ આતતાયીઓ એ સૌથી પેહલા એને જ હણી નાખી ..
હવે ..?
કશું નહિ , જે છે અને બચ્યું છે એને ભેગું કરો ને જુનું જે મળે તેને રીવાઈવ કરો ..!
એમાં તકલીફ પાછી , મૂળ મુદ્દો ઓછો હોય અને વાર્તા વધારે આવે તો ..?
એની સામે વાત કરીએ તો એલોપેથી ને રાજકીય સંરક્ષણ મળ્યું , ધ સન નેવર સેટ ઇન બ્રિટીશ એમ્પાયર ..મારા જેવો એમ કહે કે આ બ્રીટીશરો અંધારામાં શું કરે ને એની ભગવાન ને પણ ખબર નથી પડતી એટલે એના રાજમાં સુરજ આથમવા જ નોહ્તો દેતો..!!
એની વે ઓન પોઈન્ટ પાછા ..બ્રિટીશ એમ્પાયરમાં એલોપેથી ને ફૂલવા ફાલવા માટે જોઈતી તમામ સવલતો મળી , સૌથી મોટી કામ એ થયું કે એમની ભાષા અંગ્રેજી ને દુનિયા આખી એ અપનાવી લીધી અને એ જ ભાષામાં એલોપેથી લખાયેલી હતી, તે પણ ફક્ત ત્રણસો વર્ષ થી લખવાનું શરુ કર્યું હતું ,
તમામ લેટેસ્ટ બીજા સંશોધનો નો ઉપયોગ એલોપેથી કરતી ગઈ જેવી કે ઇલેક્ટ્રિકસીટી અને તેના ઓજારો વગેરે વગેરે , બીજું મોટ્ટું કામ એ કર્યું કે કોઈ ગુરુ કે ચેલા પુરતું જ્ઞાન બાંધી ના રાખ્યું વ્યવસ્થિત `સીસ્ટમ` સેટ કરી ને એલોપેથી ની સાથે સંશોધન કરતા દુનિયા આખી ના લોકો ને પણ જોડ્યા સાથે સાથે રીઝલ્ટ પણ આપ્યા , એ પણ પૃવન ..!
દુનિયા ને ઘણી બધી મહામારીમાંથી બાહર કાઢવા માટે એલોપેથી નિમિત્ત બની ને એના કારણે દુનિયાભર નો વિશ્વાસ એલોપેથી ઉપર વધી ગયો પરિણામ સ્વરૂપ તમામ સંસ્કૃતિઓ ની પોતાની “પેથી” ઓ જેવી કે હોમીઓપેથી વગેરે સ્ટ્રગલ કરતી થઇ ગઈ ..!
માણસ જાત જેટલી સ્વાર્થી જાત બીજી એકેય નથી ,એને હંમેશા પેહલા જીવન અને બીજું કમ્ફર્ટ જોઈએ અને આ બે વસ્તુ જે આપે એની થઇ ને રહે..!!
આજે જોઈએ તો એલોપેથી અને આયુર્વેદ બંને બ્રાંચ ને નુકસાન એમના પોતના લેભાગુઓ જ વધારે કરી રહ્યા છે , એલોપેથી ને નુકસાન સૌથી વધારે અત્યારે દવા ની દુકાને બેઠેલો કેમિસ્ટ અને આયુર્વેદ ને સૌથી વધારે નુકસાન તંબુ બાંધી હિમાલય ની
“જડીબુટ્ટી” વેચતો માણસ કરી રહ્યો છે..!
લેભાગુ ડોક્ટર ને પકડવા કાયદો છે અને પકડાય પણ છે જયારે કેમિસ્ટ ડોકટરી કરી જાય છે એને પકડવા કશું જ થતું નથી ..!
એ જ રીતે ઠેર ઠેર તંબુઓ અને કેહવાતા વૈદરાજો હાલી મળ્યા છે ..!!
ફાઈનલી આ જે બાબાજી નો જંગ ચાલ્યો છે એમાં એક વાત કેહવી પડે કે કોઈ ને પણ ખોટો પાવર ઓફ એટર્ની લઈને આયુર્વેદ ના અધિષ્ઠાતા થઇ જવાનો કે થવા દેવાનો મતલબ નથી..!!
મહર્ષિ થઇ જવા ની વાસના ત્યજવી રહી ,રીઝલ્ટ મળશે તો સંસાર આપો આપ અવગુણો ને નજરઅંદાજ કરી ને મહર્ષિ બનાવી દેશે , સેવા ના ક્ષેત્રોમાં એમ ઝટ ઉપાધિઓ ના મળી જાય, યુગો જાય ,પરંપરા પ્રસ્થાપિત કરવી પડે ..!!
જો કે ઉતાવળ નો જમાનો છે ,અને ડોક્ટર ની ડીગ્રી સામાજિક પ્રતિષ્ઠામાં માનો કે ના માનો વધારો કરી જ મુકે , અને એટલે જ લાગ આવ્યે ૫ મુ ધોરણ પાસ ધારાસભ્ય ઈન્જેકશ હાથમાં લઇ લે ..!!
જરૂર છે પેહલા મૂળ ભાષા સંસ્કૃત ના તજજ્ઞો પેદા કરવાની અને વૈદક ના જુના બચેલા જ્ઞાન ને ભેગું કરી અને કસોટી ની એરણે ચડાવી ને સાબિત કરવાની , વત્તા એવું વૈદક જોઈએ છે આ જમાના ને કે જેમાં ઝડપ હોય ..
પેલા જુના ગીતો ચાલે ?
કઈ સદીઓ સે કઈ જન્મો સે તેરે પ્યાર કો તરસે મેરા મન..!!
હવે આજનું કોઈ પણ ગીત યાદ કરો ..!
ભલે ચોર્યાસી લાખ યોનીઓ અને જન્મો જન્મ ની વાતો કરીએ અને જીવન આખું એમાં પસાર ભલે કરીએ ,પણ જે જીવન આપ્યું છે તેને સ્વસ્થતાથી સુંદર રીતે પસાર કરવાની ખેવના દરેક મનુષ્ય માત્ર ને રહે છે ..!!
સ્વાર્થી છે દુનિયા , કોઈપણ “પેથી” હોય ,સ્વસ્થ સારું, પૃવન ,ગેરેન્ટેડ જીવન આપે એની તરફ દુનિયા ઝુકે ,
દરેક ને પિતામહ ભીષ્મ ની જેમ પોણા બસ્સો વર્ષ જીવવું છે, મારે પણ જીવવું છે પોણા બસ્સો વર્ષ..!!
નિત સેવા નિત કીર્તન ઓચ્છવ ,નીરખવા નંદકુમાર રે ..!!
છેલ્લે એક વાત કહું ,જે “પેથી” કરવી હોય તે કરજો પણ મેહરબાની કરી ને ડોકટર પાસે પ્રિસ્ક્રીપ્શન લખવી ને કેમિસ્ટ પાસેથી દવા લેજો અને આયુર્વેદ દવા લેવી હોય તો ડીગ્રી ધારી વૈદરાજ જોડે જજો ..!!
કેમિસ્ટ ડોક્ટર નથી અને તંબુમાં બેઠેલો વૈદરાજ નથી …!
આ બંને જગ્યાએ સલવાઈ જવાના પુરા ચાન્સીસ છે..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા