વીસએક્વીસું ..!!
નાળીયેરી , પલટુ , સરગવો,જાંબુડી ,આસોપાલવ ,કચ્નાર ,કદંબ ,બદામડી ,લીમડા અને બીજા કઈ કેટલાય ઝાડ ને રાસડા લેતા જોયા..!!
રમઝટ મચી હતી ..!!
કુદરતે તાલ આપ્યો હતો ને ..!! પછી કઈ બાકી રહે..!!
ગજ્જબ રાસડો રચાયો હતો , એક એક ઝાડ વાંકુ વળી ને છેક જમીન ને અડી ની ઘૂમરી ખાય ને પાછું આવે ને બાજુ વાળા ઝાડ ને તાલી આપવા જાય ..!
ચારેબાજુથી હોર્ડિંગ ના પતરા ને ભૂલ ભૂલમાં હાઈ રાઈઝ ના કોઈ ની ખુલ્લી રહી ગયેલી બારી ના કાચ ખણીગ કરતા અથડાય ને પછી નીચે આવે એટલે ખન્ન્ન્ન , ધડામ..!!
બાપરે..!! જે રીતે બપોર ની રમઝટ જામી હતી તે પાંચેક કલાક માટે તો કોવીડ સાવ ભુલાઈ ગયો , જરાક બારણું ખોલી ને ગેલેરીની બાહર જઈએ અને વીસ પચ્ચીસ સેકન્ડમાં અંદર…!
ટીવી ઉપર તો પરમદિવસ રાત થી નજર ખોડી રાખી હતી ,અને પેલું વિન્ડી તો મીનીટે મીનીટે ..!!
એક જ ધાસ્તી હતી કે પડતા ઉપર પાટું તો નહિ આવે ને ..??
આવ્યું કદાચ ..!! હજી કેહવું વેહલું છે પણ પારાવાર નુકસાની બેસશે..!!
કેરીના ઉભા મોલ છેક દખ્ખણ છેડાથી લઇ ને દ્વારિકા સુધી આ વાવાઝોડું લુંટી ગયું..!
વરહ દિવસના દાક્તરો નવરા નથી પડ્યા ને ખેડું નો વારો પડી ગયો..!
છપના કાળ ને આ *“વીસએક્વીસું કાળ”* સારો કેહવડાવશે કે શું ?
તદ્દન નવો શબ્દ છે હો *વીસએક્વીસું* કન્ટ્રોલ સી કન્ટ્રોલ વી કરવા વાળા વાપરવો હોય તો વાપરજો પણ તમારા નામે ના ચડાવી દેતા..!!
બગીચા ખાતું તો લાગ્યું જ હશે, પણ રાતે રાતે અમારા જેવા ઉત્સાહી થોડાક છોકરા સવાર માટે રસ્તા ખોલવા અને ભરાયેલા પાણી માટે ગટરો ખોલવા નીકળ્યા હતા ,
તંત્ર નું બધું કામ નથી, લગભગ દરેક વરસાદી કેચપીટ ઉપર પ્લાસ્ટિક અને પાંદડા ,નાના ડાળા જોડે માટી જામી હતી , કેચપીટ માં સેહજ અમથું નાનું લાકડું ખોસીએ એ ભેગું ધબધબાઈ ને પાણી જવાનું ચાલુ થઇ જતું હતું ..!
મળી રહે છે, અને કરનારા કરી ને ઘેર જઈ ને ઊંઘી પણ જાય છે આવા નાના નાના કામ કરીને ..!!
નગરી અમદાવાદે લગભગ દરેક ગલીમાં બે ઝાડ પડ્યા છે , ખસેડી શકાય ને રસ્તા ખોલી શકાય એવી જગ્યાએ તો જાહેર જનતા જાત્તે જ કામે લાગી ને રસ્તા રાતથી ખોલી રહી છે ,પણ મુશ્કેલી ત્યાં આવે છે કે એકે એક ઝાડ પાણી થી લબાલબ ભરેલા છે વજન ત્રણ ગણું થઇ ગયું છે થોડુક કોરું કાઢે અને સુકાય પછી જ મેળ બેસે એવું છે ..!!
મોટા રોડ રસ્તા ને પ્રાયોરીટી તંત્ર આપે તે સ્વાભાવિક છે ..!!
અત્યારે સવારમાં દીકરી તૈયાર થઇ ને આવી છે , કોવીડ ડ્યુટીમાં એમને તો જવાનું ને ભાઈ ,
દાળવડા ની લાઈનો લગાડે પરજા અને મેડીકલ સ્ટુડન્ટ ને દાક્તરો એ તો તમારી ગધેડી પકડી છે ને, રૂપિયા એવું ના બોલશો હો .. પાંચસો રૂપરડી પકડાવે છે તમારી વ્હાલી કે દવલી સરકાર ,અને ફી ના કેટલા લઇ જાય છે એ જરાક નજર નાખી લેજો ગુગલ કરી ને ..!! અને ભણાવ્યું કેટલા દિવસ એ પણ ગણજો..!! દાળવડુ કે ભજિયું પછી મોઢામાં મુકજો ..!!
ખૈર ..પેહલી સુચના મોઢામાંથી નીકળી.. કોઈ ગલીઓમાંથી થઇ ને ના જશો બેટા, મેઈન રોડ પકડી રાખજો , ગાડી જરાક પણ રોડ ની નીચે નહિ ઉતારવાની , સાઈડ ની જમીન પોચી હોય તો ઉતરી જવાય ને પૈડું ફસાય અને હા એકપણ ઝાડ નીચે ગાડી પાર્ક કરતી નહિ , પેહલું પાણી પડ્યું હોય એટલે રોડ પોચા થઇ ગયા હોય અને કાલ રાત ના મૂળિયાં હાલી ગયા હોય , નસીબ આડું હોય તો પવનની નાનકડી થપાટે પણ એ ઝાડ પડે ને ગાડી દબાઈ જાય..!! યાદ છે ને ગાડી દબાઈ ગઈ હતી ને આપણી ચાર વર્ષ પેહલા..!!
બસ પપ્પા ..!! ચિંતા ના કરો..!
ફૂલ સ્ટોપ .. ડોહા ની કચકચ બંધ..!!!
શું કરીએ ? જેમ કરવાના હશે તેમ જ કરશે પણ થોડીક સૂચનાઓ તો આપી દેવી પડે..!!
બાળકો ને કેહવું પણ પડે છે ને શીખવાડવું પણ પડે છે , જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો ત્યારે બંને દીકરીઓ ને ઘર ની બાહર લઇ જઈ ને એકવાર પવનની તાકાત શું છે એ બતાવ્યું , આશય એક જ કે ભવિષ્યમાં આપણે હોઈએ ના હોઈએ ત્યારે આવા પવનની સામે ખોટા સાહસ કરી ને કોઈ વેહિકલ લઇ ને બાહર ના નીકળે ..!
ઘણા લખોટાઓ ને પવનની સામે બાઈક લઇ ને જવામાં મજા આવતી હોય છે , મને જ એક ફોન આવ્યો હતો એમાં એમ કેહવામાં આવ્યું કે તમારી જેવું પાવરવાળું બાઈક હોય તો આવી વેધરમાં આણંદ નહિ તો ખેડા સુધી તો જઈ ને જ આવું..!!
મેં કીધું ફોન મુક ઘોડા .. નાં જોઈ હોય તો મોટી ,એક ડાળું રમ્રતું રમતું આવે ને તારી હેલ્મેટ બેલ્મેટ ને ગીયર્સ બધું ક્યાંય જાય છપ્પન ના ભાવમાં ( વીસએક્વીસું ના ભાવમાં ) એક હાડકું નહિ મળે , ઘરમાં પડી રેહજે તારા બાપ ને તને આટલો મોટો કરતા કેટલું જોર પડ્યું છે એની મને ખબર છે , આમ જુવો તો થોડાક ડરપોક છોકરા સારા ,ખોટા સાહસ ના કરે..!!
પણ છે આવી પણ પ્રજા નગરી અમદાવાદમાં છે “સાહસી” પ્રજા ..!! સેહજ ધીમું પડ્યું કે રોડ ઉપર ભૂ ભૂ અવાજો ચાલુ થઇ ગયા હતા ..!!
ચાલો ત્યારે અહિયાં અટકું.. ઘરમાં કચરા નીકળી રહ્યા છે અને અમે `આડા` આવી રહ્યા છીએ , ખૂણે ખાંચરેથી પાંદડીઓ નીકળી રહી …!
અને જો તમારે પણ એવું જ હોય તો મારી જેમ ઈશ્વર તારો લાખ ઉપકાર કે પાંદડી ને ડાળીઓ નીકળે છે ગારો નથી નીકળતો..!!!
વીસએક્વીસું કોણ જાણે હજી કેટલા રંગ દેખાડશે..!!
હૈયે રાખી હામ સાચવજો ..!!
સુરજ ઉગશે , આ દિવસો પણ …જતા …રેહશે ..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*