વખાણ કરવાની કળા..!!
મારામાં નથી .. પેહલી જ કબૂલાત ..!!
એકદમ કેમ યાદ આવ્યો આવો ટોપિક તમને થશે , ચાલો કહી દઉં ..
ઘણા સમયથી ઇન્ડિયન આઇડોલ જોઈ રહ્યો છું , ગમે છે મને ,
નાના નાના છોકરાઓ ખરેખર સારું ગાય છે ,પણ ક્યારેક એમને એનાલાઇઝ કરવામાં અતિશયોક્તિ થાય છે એવું ચોખ્ખું દેખાય ..!!
હવે અત્યારે દાનીશ અને સવાઈ બન્ને લાલ મેરી ..દમાદમ મસ્ત કલંદર ..! ગાવા બેઠા છે .. બધું બરાબર હતું શરુ શરૂમાં પણ છેલ્લે બંને જણા તાનો મારવા ચડ્યા ,
પત્તરફાડી ..!!
અત્ત્તાઈ ની તાનો ..અમારા જેવા ભૂતકાળમાં તાનપુરા પકડી ને શીખેલા અને જેના કાન માંડ ચોખ્ખા થઇ ગયા ને પછી જીવનમાં સંગીત ને પડતું મૂકી ને રૂપિયા પાછળ દોડ્યા એટલે રીયાઝ નામે ઝીરો, એટલે કાન ને જે સંભળાય અને મન કે હ્રદય જે કહો તે , તેને જે ગાવું હોય તે ગાઈ ના શકે.. કેમકે રીયાઝ વિનાનું ગળું સાથ ના આપે, પણ એકવાર કાન તૈયાર થઇ ગયા એટલે એ હવે લાકડામાં જઈએ ત્યારે જ ભૂલાય ..!!
આ બંને જણા એ ટોટલ બકવાસ તાનો મારી અને એમાં પણ તાર સપ્તક ને મૂકી ને અતિતાર સપ્તક સુધી જવાની કોશિશ કરી , બાપરે ચીસો નાખી રીતસર ..!!
એની સામે અંજલિ ગાયકવાડ ,
જબરજસ્ત કસાયેલું તૈયાર ગળું ,
ઘણીવાર તો આપણને જે કોઈ જજ બેસાડ્યા હોય એના મોઢા ઉપરથી પરખાય કે અંજલિ ગાયકવાડ તાનો ગાય છે ત્યારે આમને પણ અધ્ધર થી ગયું ..!!
શાસ્ત્રીય સંગીત એ દરેક ના બસ ની વાત ચોક્કસ નથી..!!
હવે અત્યારે દાનીશ અને સવાઈ ની “ભક્તિ” ચાલુ કરી અનુ માલિક એ , કૈક એમના નામની શાયરી કરી અને કીધું કે હું તમારો સ્ટુડન્ટ છું .. મનોજ મુત્ન્શીર શું વખાણ ચાલુ કર્યા છે ..!! ક્યાં ના ક્યાં પોહચાડી દીધા ..!! આટલું બધું આગળ જવાની ક્યાં જરૂર હતી ? લબરમુછીયા જેના દૂધના દાંત નથી નીકળ્યા એમને ક્યાં ના ક્યા પોહચાડે..!!
નામ પણ પાછા કેવા ? લતાજી ,આશાજી ,રફી સાહેબ ,કિશોરકુમાર ..કેવા કેવા મોટા નામ લ્યે..!
મારા જેવાને થાય બસ કર પગલે રુલાયેગા ક્યા ..!!!
વખાણ .. વખાણ .. ને વખાણ ..!!
આજે એવો જ ઘાટ પવનદીપ નો થયો જબરજસ્ત બેસુરો કેટલી બધી જગ્યા એ ,પણ તો`ય નર્યા વખાણ કર્યા જ કરે , મને એમ થાય આમના કાન ફૂટી ગયા છે કે શું ?
પણ શું કેહવું ? લખમી દેખી મુનીવર ચળે તો આ તો બિચારા જજો છે.!!!
જો કે એક વાત કેહવી પડે કે ઇન્ડિયન આઇડોલના જેટલા જજ ઝાલી લાવ્યા એ બધા એ તારીફો કે ફૂલ તો છોડો ગજરે ગજરા ને અમુક અમુકે તો બાપ રે પેલા ઈશા અંબાણી ના લગનમાં ફૂલ ના ડેકોરેશનમાં નોહતા ..??!!!!
એવા ફૂલ લચકે લચકાવાળા જાડ્ડા હાર બાંધ્યા છે..!!
સામાન્ય માણસ ને તો બિચારા ને તો એમ જ થાય કે સાક્ષાત સરસ્વતી માતા નીચે આવી ને બેસી ગયા છે અને કૈક અલૌકિક થઇ રહ્યું છે..!!
અબખે પડતું જાય છે હવે..!!
શાસ્ત્રીય સંગીત ના આજીવન વિદ્યાર્થી હોવા ને લીધે મારો સ્પષ્ટ ઝુકાવ ફક્ત અને ફક્ત અંજલી ગાયકવાડ તરફ નો છે ..!!
લગભગ બધા છોકરા છોકરીઓ સારું ગાય છે પણ જ્યાં ખોટું થાય ત્યાં તો કાન ખેંચો , પ્રતિયોગીતા છે ..!!
વચ્ચે તો રડા રોળ ચાલુ કરી હતી આંખોમાં પાણી લાવે ને કૈક કૈક નાટક થાય અલ્યા ગાવા વાળા ને જજ કરવા બોલાવો છો કે નાટક ચેટક કરવા ?
ખરું હો ..!
છોડો હવે ઇન્ડિયન આઇડોલ ને ઘણી કુથલી કુટી લીધી ..!
પણ એક વાત તો છે કે જમાનો એકલા વખાણ નો છે , તમારે સામેવાળા માટે અધરમ્ મધુરમ્ ,વદનમ્ મધુરમ કરતા આવડતું હોય તો રીઝે ..!
એક સન્નારી , પોતે ડોકટરેટ લેવલ નું ભણેલા અને પગાર એમનો પોત્તાનો બાર મહીને ક..રો..ડ .. ઉપર જાય ,
પણ જયારે મને મળે ત્યારે મારા માટે શૈશવ ભાઈ ના અધરમ્ મધુરમ્ ,વદનમ્ મધુરમ કરવાનું ચાલે શૈશવભાઈ આપ તો ક્યા બાત હૈ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલીટી હો એમ કરી ને ચાલુ થાય તે મારા આખા ખાનદાન ને ચણા ના ઝાડે ચડાવે , મારી દીકરીઓ ના માટે ગોપા મધુરા, ગાવો મધુરા ..કરે..!!
પછી એકવાર મને થયું લાવ સામું અધરમ્ મધુરમ્ ,વદનમ્ મધુરમ કરી નાખું એટલે મેં કીધું ક્યા બાત હૈ આપ કી બેટી તો આઈઆઈએમ બેંગ્લોર મેં પઢતી હૈ મેમ હમારે બચ્ચે તો ક્યા ..
મા`ડી એકદમ બોલ્યા .. અરે શૈશવભાઈ ક્યા કામ કા ? પઢાઈ કર કે બાહર આયેગી ઔર શાદી કર કે ચલી જાયેગી મેરે કૌન સે કામ આયેગી .. જાણે મારે તો ઘેર બેસાડી રાખવાની હોય ..!
મારું બેટું મને એમના માટે કે એમના ફેમીલી માટે અધરમ્ મધુરમ્ ,વદનમ્ મધુરમ કરવા જ ના દે .. એમના ભણતરના વખાણ કરીએ તો એમ કહે ક્યા કામ કા ? દેખો કૈસી જિંદગી જા રહી હૈ ? અને એકાદું પોચકું મુકે ..!
છેવટે પછી શાંત ચિત્તે વિચાર્યું કે કેમ આવું ? ત્યારે એક વાત કન્ફર્મ થઇ કે મને પોતાને મારા વખાણ સાંભળવા બહુ ગમે છે મારા ઉપર કોઈ મધુરાષ્ટક રચે તો મને મનથી આનંદ આનંદ થઇ જાય છે..!
શરૂઆતમાં ઇન્ડિયન આઇડોલમાં પેહલા જેટલા ભાગ લેવા વાળા હતા એ બધા એકદમ આપણા પોતાના લાગે એવી રીતે સ્ક્રીપ્ટ બનાવી, પછી એમના વખાણ ચાલુ થયા..!
હવે હું કે તમે મધ્યમ વર્ગમાં ઉછરેલા અને મધ્યમ વર્ગ ને કોઈપણ ભોગે મરતા સુધી છોડવા તૈયાર નહિ એવા આપણે આપણા વખાણ ના થાય તો આપણા સંતાનના થાય તો એ પણ આપણને બહુ ગમે અને ત્યાં મેળ ના પડે તો કોઈ આપણી ગમતી વ્યક્તિના વખાણ થાય તે ગમે ..!
બસ આ જ રમત ચાલી રહી છે સંસારમાં અને આપણે રમી રહ્યા છીએ ..!!
ક્યાંક કોઈ ક વખાણ કરવાના ક્લાસ ચલાવતું હોય તો ભરવા છે , અતિશય મીઠા બોલા અને નમ્ર બનવું છે , ઈચ્છા ખરી તમારી ..?
બીજા શબ્દોમાં કહું તો ઇન્ડિયન આઇડોલના જજ બનવું છે..!!
પૂછો કયું ?
રૂપિયા કમાવા છે બોસ્સ , નક્કી કર્યું છે રોજબરોજ ના જેમની જોડે પનારા છે એમને સાચું કેહવાની બદલે સારું કહો અને બે ચાર વખાણ કરવા..!!
શીદ ને ખોયા નેણ એવું પણ નથી કેહવું ,એમ જ કેહવું પેલું ગીત છે ને …નેણો કી મત ..!!
થશે ખરું પણ ?
રામ જાણે ..
ચાલો આજે અહિયાં પૂરું કરું ..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*