ગઈકાલે કેબીસીમાં બચ્ચન “દાદા”નો જન્મદિવસ ઉજવાયો અને એક દિવસ પેહલા રેખા “બા” નો સોશિઅલ મીડિયાએ ઉજવ્યો..
સફળ સ્ત્રી-પુરુષો…
એમના જીવનની એક-એક તક, ક્ષણનો કેવો ઉપયોગ કરી લેતા હોય એ દેખાયું..!
કેબીસીના સેટની પોતાની વારસાઈ લગભગ અભિષેકને આપી દેવાની નક્કી કર્યું હોય એવો એપિસોડ હતો..!! મને “કંઈ” થાય તો અભિષેકને મારી જગ્યાએ બેસાડવો..!!
અમુક તમુક નાની-નાની વ્યક્તિઓને યાદ કરવામાં આવી,
પણ એમના જીવનમાં આવેલા “પગલુછણીયાં”થી લઈને મોંઘી મોઘી “કાલીનો”(ગાલીચાઓ)ને સાવ વિસારે પાડી દેવાયા ..!!
આમ જુવો તો ગઈકાલે જ સ.પા.ના મોભીને મુખાગ્નિ અપાયો તો પણ કેબીસી ઉપર ઉજવણું કરી મુક્યું..!
હોશિયારી દરેક વ્યક્તિમાં હોય છે, પણ ક્યારે અને કેવા સમયે વાપરવી એ જો આવડી જાય તો સફળતાની સીડીઓ ફટાફટ ચડી જવાય ..!
બચ્ચનદાદાની કલાકારી વિષે કોઈ બેમત નથી, પણ જે રીતનું એસ્ટાબ્લીશમેન્ટ છે તે અદ્દભુત છે..!
જેમના આવરાજાવરા જવાહરલાલ નેહરુના ઘરમાં હતા,
મારા તમારા જેવાને તો જે ઘર મ્યુઝીયમમાં ફેરવાય પછી જ જોવા મળે એ જ ઘરમાં રમી અને મોટા થવું..
અને પછી ફૂટપાથ ઉપર ઊંઘવું, ભારતના ત્રણ ત્રણ પ્રધાનમંત્રીના પરિવાર સાથે ઘરોબો અને એમની સાથે વેકેશન ગાળવા , પછી જે આર્થિક દુર્દશા આવે અને એમાંથી બહાર નીકળવું..
આ બધી નાનીસૂની વાત નથી..!
આજની પેઢી ફૂટપાથ ઉપર ઊંઘવા તૈયાર છે પણ “બચ્ચન” થવાની ગેરેંટી માંગે છે ..!
મોટા માણસ જોડે સબંધ બાંધવા દુનિયા આખી તૈયાર જ બેઠી હોય છે પણ મોટા માણસે નક્કી કરવાનું હોય છે કે કોને કેટલો `આગળ` આવવા દેવાનો..
ગઈકાલે સોની ટીવીના મોટા અધિકારીને અને તેમના પત્નીને સ્ટેજ ઉપર બોલાવાયા પણ દૂધના હલવાની એક કણી પણ એમના મોઢામાં મુકવામાં નાં આવી…!!!
“બ્રાંડ બચ્ચન” છીએ અમે તમારે અમારી જરૂર છે અમારે તમારી નહિ ..!!
જેમને મોટા થવું છે જીવનમાં એમણે આ શીખવાનું છે..
પગલુછણીયા અને કાલીન..!
આગલા દિવસે રેખા“બા” નો જન્મદિવસ હતો..
જેઠાલાલ અને બબીતાજી..!
પતિ, પત્ની ઔર વો ..!!
આખી જે પરિકલ્પના છે સમાજના નાનામાં નાના માણસની એને પંપાળવાનો દિવસ હતો..!
ત્રેખડ દરેકને ગમતી હોય છે,
જેમ પુરુષને બચ્ચન થવું હોય છે તેમ સ્ત્રીને પણ ક્યાંક ક્યાંક રેખા થવું હોય છે..!
અખંડ યૌવનનું વરદાન જોઈતું હોય છે, એટલેથી અટકવું નથી, મારા યૌવનનો માલિક છે પણ ખરો અને નથી પણ ખરો ..
સાદી ભાષામાં કહું તો દરેક જેઠા-બબીતાને સાથે બેસીને હિંચકા ખાવા હોય છે..
અડી અડીને છુટ્ટા ..અરે અડવાના પણ ના મળે તો એની જરાક નજીક આવીને છુટ્ટા ..!!
જોવાની પણ મજા આવે, અને માણવાની પણ મજા આવે ..
તમને કોઈ માનુની જીવનના ત્રેપનમાં વર્ષે શૈશવભાઈને બદલે શૈશવજી ..શૈશવજી., પરાણે કરે તો કેવા ગલગલીયાં થાય ??!..!
પણ ચેતવાનું ત્યારે જ આવે કે..અમથી અમથી કશું કોઈ કરવાનું નથી, કંઇક લઇને જશે, એટલે આપણે ભલે નાની રહી ઉંમરમાં પણ આપણે `બેન` જ લગાડેલું રાખો પાછળ ,
દસબાર વખત બેન-બેન કરીને બોલાવો એટલે ઉત્સાહ ઓસરી જાય ..!!
બંને બાજુ છે..
સામેથી પણ ભાઈ-ભાઈ ,શૈશવભાઈ ..ભાઈ દસબાર વખત થાય એટલે પછી હિંચકો ઠેસ મારીને પાછો ખેંચાઈ જાય..!!
દાદ આપવી પડે તે રીતે પબ્લિકને બચ્ચન-રેખાની ફેન્ટસી પંપાળવા માટે આપેલી રાખી છે અને હજી પણ પચાસ-પચાસ વર્ષે પણ ચાલે છે એ ફેન્ટસી ..!!
જોડી બદલાઈ નથી..!!
એક વ્યક્તિથી આગળ વધીને વ્યક્તિત્વ અને પછી આખી યુનિવર્સીટી બની ચુક્યા છે સીનીયર બચ્ચન આજે .. છતાં પણ જાહેરમાં બીજાને સન્માન આપવાનું જરાક પણ ચૂકતા નથી, આટલા વર્ષોથી કેબીસીમાં રોજ નવી “નોટો” આવે અને ક્યારેક તો મારા જેવાને એમ થાય કે આ શું ? કેવી ખતરનાક “આઈટમ” ચડી બેઠી છે ?
પણ બચ્ચન એટલે બચ્ચન..
જે સરસ રીતે હેન્ડલ કરી લ્યે છે , જરાક પણ આછકલાઈ નહિ..!!
બીજી એક નાનકડી વાત જયા “બા” કરી ગયા ,
જે હિન્દુવાદીઓને ઘણી ગમે તેવી છે.. અમે કેક નથી કાપતા અને હેપી બર્થડેનું ગીત નથી ગાતા …!!
કેકની બદલે મિલ્ક કેક… ઉર્ફે દૂધનો હલવો અને હેપી બર્થ ડેની બદલે બાબુજીની કવિતા…!!
કેસરિયો તને લાગ્યો અલા ગરબા …કેસરિયો રંગ તને લાગ્યો …રે લોલ ..!!!
સમાજવાદીનો લાલ રંગ ઉતર્યો સમજો ..
કાલીન નાની થાય એટલે એના ટુકડા થાય , પછી એ ટુકડા પગલુછણીયા તરીકે વપરાય..!!
લાલ જાજમ ઉર્ફે કાલીન હવે પગલુછણીયુ…!
કેસરી ..કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ ..!!
જોઈએ શું થાય છે , સમય કેહશે,
પણ એક બીજી વાત પણ નક્કી કે ભારતવર્ષમાં એક હદથી જો તમે આગળ વધી રહ્યા છો તો પછી કોઈ ને કોઈ પક્ષનું રાજકીય શરણું તો તમારે લેવું જ રહ્યું..!
અને એ પણ સત્તા પક્ષની નજીકનું હોય તેવું શરણું ..
ઢીલાઢાલા શરણ તમને ડુબાડે ..!!
લતાજીના દેહાવસાન પછી આશાજી એ એક બહુ સરસ વાત કરી હતી ..
લતાજી બખૂબી જાણતા હતા કે…ક્યારે ,ક્યાં અને કેવી રીતે મોઢું ખોલવાનું છે..!! અને બંધ રાખવાનું છે ..!!!
બહુ જ મોટી વાત છે આ ..!!!!!!
જીવન સાર્થક થઇ જાય જો આવું કરતા શીખી જઈએ તો ..!!
“બ્રાંડ બચ્ચન” એમાં માહિર થઇ ચુકી છે..!!!
વહુરાણી હજી એ બાબતમાં નવા છે, પણ ટ્રેનીંગ ભરપૂર ચાલતી હશે બેમત નથી તેમાં..!!
મોટા મોટા ઘરોમાં બાળક બોલતા શીખે એ પેહલા વખાણ કરતા અને ચાલતા શીખે તે પેહલા સાચવતા શીખવાડવામાં આવે છે..!
બહુ સેહલું છે ખોડખાંપણ કાઢવી ,પણ બહુ અઘરું છે ક્યાંક પોહચવું અને ટકી રેહવું ..!!
ચાલો આજે આટલું જ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*