એક બાળકની ફ્રીડમ, અને બીજી માબાપ ની ઈચ્છા..!
“કાર્બાઈડથી કેરી” પકવતી છોકરીઓને રોજ સાંજે મારા વિસ્તારમાં હું એકટીવા અને ગાડીઓમાં જતી આવતી જોઉં છું..
આમથી તેમ દોડાદોડી કરતી હોય છે અને લગભગ એ “કાર્બાઈડ કેરી”ની મમ્મીને મારો ડ્રાઈવર રોજ એકાદ બે ને ગાળો આપે છે,
એ “કાર્બાઈડ કેરી”ની મમ્મીને એની “કેરી” ટાઈમ પર “કાર્બાઈડ” ચેમ્બર સુધી પોહ્ચાડવાની અને ટાઈમ પર ઘેર લાવવાની બહુ જ ઉતાવળ હોય છે, એટલે એ એનું એકટીવા કે એની ગાડી એવી રીતે ચલાવે છે, જાણે રોડ પર ફક્ત “એ” અને એની “કેરી” બે એકલાજ હોય એમ જ માનીને ચલાવે છે..
લગભગ બધા ટેનીસ કોર્ટ ,સંગીત ,સ્વિમિંગ, જીમ ,ડાન્સ બહુ બધું ચાલે છે..અને એ “કાચી કેરીઓ”થી ભરેલા હોય છે..
ક્યારેક મારી મમ્મી પણ આ જ દોડમાં શામેલ હતી..અમને ત્રણે ભાઈ બેહનને પકડીને રીક્ષામાં લઈને અને સ્વીમીંગ પુલમાં નાખતી હતી.
પણ એમાં મારી મમ્મીનું લોજીક થોડું અલગ હતું, એમનુ માનવુ એવું હતું કે સાયકલ અને સ્વીમીંગ આ બે તો છોકરાઓને આવડવું જ જોઈએ..
માટે અમને સ્વીમીંગ પુલમાં ફેંકવામાં આવ્યા હતા..અમને અત્યારની મમ્મી ની જેમ સ્વીમીંગ ચેમ્પિયન બનવા માટે સ્વીમિંગ પુલમાં ડુબાડ્યા નોહતા..!
મારો પેહલો પોઈન્ટ અહિયા આવ્યો મારી ફ્રીડમ મારી મમ્મીએ લીધી પણ સામે એક વિદ્યા આપી..સ્વીમીંગ કરવુ કે ના કરવુ..? એ નક્કી કરવું એ બાળપણની મારી ફ્રીડમ… એ ફ્રીડમ મારો એરિયા હતો પણ એમાં મમ્મીની તરાપ આવી કારણ ?
જીવનમાં બે વસ્તુતો શીખવી જ પડે સાયકલ અને સ્વિમિંગ કેમકે એનાથી તમે ક્યારેક તમારી જિંદગી બચાવી શકો છો, અને જરૂર પડ્યે બીજાની પણ..!
અને અત્યારે હું માનું છું કે મારી બાળપણની ફ્રીડમ ઉપર તરાપ નોહતી..!
હા મને જો અત્યારની મમ્મીઓ કરે છે એમ કોમ્પીટીશનોમાં અને જબરજસ્તી ઉતાર્યો હોત અને પ્રોટીન ફૂડ ખા અને આમ કર,તેમ કર,ગમે તે કરો, પણ નેશનલ રમી અને ગોલ્ડમેડલ લાવ..!
આવું કોઈ પ્રેશર મારી મમ્મીએ માર્યું હોત તો પછી હું પણ “કાર્બાઈડની કેરી” થઇ ગયો હોત..પણ જે જીવન માટે જરૂરી છે એ મારી મચડીને પણ શીખવાડો..!
મારા કનકકાકા કેહતા બાળકો ને હમેશા મરાઠી માણસની જેમ ઉછેરો..
એનામાં કોઈક એક શોખ ડેવલપ થવા દો, પેહલા એ જોવો કે એને શેમાં રસ છે પછી એ ફિલ્ડમાં આગળ વધવા દો..
હું તો જન્મ્યો ત્યારથી મારા કપાળ પર એક લેબલ મારવામાં આવ્યુ હતું “ ડોક્ટર” મમ્મી પપ્પા ડોક્ટર છે તો એમના છોકરા ડોક્ટર જ થાય,મારા આડોશી પાડોશીથી લઈને સ્કુલના બાળપણના તમામ મિત્રો મને “ડોક્ટર” જ કહીને બોલવતા,ઇનફેકટ અત્યારે પણ કોઈક કોઈક મને “ડોક્ટર” કહીને બુમ મારે છે..
પણ હકીકત એ હતી કે બાળપણથી પપ્પા અને મમ્મીને જે રીતે એમના પેશન્ટો જોડે આખો દિવસ સ્ટ્રગલ કરતા, હું એમને જોતો ત્યારથી મને ડોક્ટરના પ્રોફેશન ઉપર રીતસરની નફરત થઇ ગઈ હતી..
અને એ નફરત ત્યાં સુધીની હતી કે મેં મનમાં ગાંઠ મારી હતી કે જો મમ્મી પપ્પા પ્રેશર કરશે તો હું પેપર કોરુ મુકી દઈશ..
પણ મારા સદનસીબે એમાંથી હું બચી ગયો..
મારો બીજો પોઈન્ટ આવી ગયો,, માબાપની ઈચ્છા..મારા મમ્મી પાપાની ચોક્કસ ઈચ્છા હતી કે હું ડોક્ટર થાઉં, પણ કદાચ એમણે જોયું કે આ નહિ થાય એટલે એમણે દસમાં ધોરણમાં હતો ત્યારે પૂછ્યુ કે તારે શું કરવુ છે ? એટલે મેં શુદ્ધ ગુજરાતીમાં સ્પષ્ટ કહી દીધુ હું ડોક્ટર નહિ થાઉં ધોળે ધર્મે પણ..
અને એ બોલવાની ફ્રીડમ મને હતી..! અને પછી લગભગ હું જીવનભર મારી ફ્રીડમ વાપરતો આવ્યો છું..!
હવે અત્યારે જે ચાલી રહ્યું છે માંબાપ પોતે જ બાળકને સતત હેમરીંગ કરતા રહે છે આમ કર તારે તો આમ જ કરવાનું છે..અને એમાં મોટેભાગે જે વસ્તુ માબાપ નથી કરી શક્યા એ જ એમના બાળકો પાસે કરાવવાની ઈચ્છાઓ હોય છે..
“મારા છોકરાને તો હું …આમ બનાવીશ..” આવુ જયારે હું સાંભળુ ત્યારે મને કેહવાનું મન થઇ જાય કે અલ્યા ટોપા તારા બાપા પણ તને આવું જ કેહતા હતા , હવે તું તો કરી ના શક્યો એટલે તું આ ની મેથી મારે છે.. “મારા છોકરાને તો હું …આમ બનાવીશ.”
આ તો તારા ખાનદાનની જીનેટિક બીમારી લાગે છે “મારા છોકરાને તો હું …આમ બનાવીશ..”
“મારા છોકરાને તો હું …આમ બનાવીશ..” આ જીનેટીક બીમારી છે અને એમાંથી બહાર આવવુ બહુ જ મુશ્કેલ હોય છે, કેમકે દરેકના જીવનમાં કોઈકને કોઈક અતૃપ્ત ઈચ્છાઓ રહી ગઈ હોય છે,અને સમય જતા એ ઇચ્છાઓ વાસનાનું રૂપ ધારણ કરે છે છેવટે વાસના વિષય(સબ્જેક્ટ) બને..
એ વિષય એના દિમાગને કોરી ખાય મારાથી આ ના થયુ ,જિંદગીમાં આ થવુ હતુ અને પેલુ બાકી રહી ગયુ અને છેવટે એ ઈચ્છાઓ એ પોતાના સંતાનમાં પૂરી કરવા માંગે છે..
છેવટે “મારા છોકરાને તો હું …આમ બનાવીશ..” ની લાહ્યમાં જો ધીરજ રાખે તો પોતાની “કેરી” , જેમાંથી ખરેખર આંબો ઉગી શકે એમ હોય છે એને એ અત્યારની ફૂલીફાલી અને મોટા વિષવૃક્ષોના વન રૂપ ધારણ કરી ચુકેલી એજયુકેશન ઇન્ડસ્ટ્રી અને કલાસીસ ના જંગલમાં ફેંકી આવે છે અને છેવટે એ કાર્બાઈડથી પકવેલી કેરીમાંથી આંબાની બદલે કોલ સેન્ટરમાં કામ કરતો બાવળીયો બની જાય છે..!!
બાકી રહી વાત વેકેશનમાં ચાલતા ક્લાસ અને એક્ટીવીટી અને એપાર્ટમેન્ટના છોકરાઓ જોડે રમવાની તો એમાં આજકાલના ટેણીયાઓને રસ નથી ઓનલાઈન ગેઈમીંગમાં વધારે રસ છે…
આપણે લોકો છેલ્લી પેઢી હતી કે જે બાળપણમાં નાગોલ ચુચું અને આઇસપાઇસ રમ્યા અને પેહલી પેઢી છીએ કે જે કે જેની જુવાની પર્શિયા નો પ્રિન્સ ખાઈ ગયો..
બોટમ લાઈનમાં એક બાપ તરીકે મારા સંતાનોને એટલુ ચોક્કસ કહીશ કે તમે આ વસ્તુ કરશો તો મને ગમશે,
પણ સામે એટલી ફ્રીડમ પણ આપીશ (આપીશ ..?નહિ આપું તો ? જાતે લઇ લેશે …એના કરતા આપી દો) કે જે કરવુ હોય તે કરો..!!
મારી મરજી..હું ચાહે આમ કરું હું ચાહે તેમ કરું મારી મરજી..!
ના ના ..તમારી મરજી .. તમે જે ચાહો ઈચ્છો તે કરો
અને જેમ અમારા માબાપ એ કીધુ તકલીફ પડે તો અમે બેઠા છીએ..!
એમ ,હજી એ પણ છે અને અમે પણ..!
આપનો દિવસ શુભ રહે..!
શૈશવ વોરા