આજે સવારથી અમદાવાદ મને “ડોફરાઈ” ગયેલુ લાગ્યુ..
ઘણા લોકો માટે આ “ડોફરાઈ” જવું એ શબ્દ પ્રયોગ નવો હશે.પણ ઉત્તર ગુજરાતના છોકરાઓ નો બહુ ફેવરીટ શબ્દ છે…”ડોફરાવુ”
અલ્યાએ છોડને ભઈ એને ના મોકલ, એ ત્યાં જયે ન તો ડોફરાઈ જયે..!!
એણે તો મગજની તો માંબેન એક કરી નાખી છે હાબદો “ડોફરાઈ” નાખ્યો મને તો..!
અમદાવાદ “ડોફરાઈ” ગયેલુ લાગવા પાછળના કારણો ઘણા છે ,એક તો સવારથી ટ્રાફિક બિલકુલચડ્યો નથી,બધુ ધીમું ધીમું અને માપમાં જાય છે ,ક્યાય કોઈ બહુ હોર્ન નથી વાગતા,કોઈને ઉતાવળ નથી, પણ હા સાવચેતી છે,
મારા જેવા જે શાહપુર બહાઈ સેન્ટરમાં જન્મેલા અને સાબરમતી નદીની રેતમાં રમીને મોટા થયેલા જેને તમે ૧૦૦ ટકા અમદાવાદી જન્મે અને કર્મે કહી શકો..
જેને ઢેખાળો અને ઈંટાકડો આ બે શબ્દોનું અંતર ખબર છે,અને લાલબસ કેવી રીતે સળગાવાય એનું પ્રાથમિક જ્ઞાન,ન્યુ હાઈસ્કુલમાં હતા ત્યારે ઘી-કાંટા થઇ નગરશેઠના વંડે થઇ મિરઝાપુર થઇને ચાલતા ચાલતાપાછા ઘેર આવતા રસ્તામાં “સીનીયર” મિત્રો આપેલુ, અને કોટની રાંગ પર ચડીને રમતા રમતા કાકડા કેમ બને અને બીજા બધા ધમાલમાં વપરાતા “હથિયારો”નું જ્ઞાન “મેળવ્યું” હોય એને આજનો દિવસ થોડોક ભારે લાગે..!
આજના વાતાવરણમાં બીક કે અજંપો નહિ પણ ધાસ્તી લાગે છે,કોઈ જ કારણ નથી એવું, બધુ જ શાંત છે પણ મનમાં ઉચાટ છે..!
પશ્ચિમ અમદાવાદ નેવું ટકા ખુલ્લુ ,અને પૂર્વમાં અમુક વિસ્તારોમા બધુ જ બંધ અને અમુકમાં અડધું પડધુ..
નવા પશ્ચિમ ઝોનની વાત કરો તો ભઇ, મારો આ નવો પશ્ચિમ ઝોન તો હવે કોરપોરેટના રંગે રંગાયો છે..સરખેજ વોડાફોનથી લઈને ગોતા ચોકડી સુધીનો નવો પશ્ચિમઝોન, ત્યાં બધી સ્કુલ કોલેજો પરીક્ષા પૂરી થઇ ગઈ છે એટલે એ બધુ લગભગ બંધ છે,અને અમુકના એક્સ્ટ્રા ક્લાસ શંભુ અને ડેનીયાના કોફી બારમાં ચાલુ છે સવાર સવારમાં..!
બાકી તો જયભવાની વડાપાઉ,જશુબેન પીઝા,ઇસ્કોન ગાંઠિયા,અંબિકા દાળવડા, મેગી સેન્ટરો ,વગેરે વગેરે બધુ ખુલ્લુ છે અને જેમને અનામતનો લાભ મળ્યો છે કે નથી મળ્યો, એ બધા કોર્પોરેટ ઓફિસમાં કામ કરતા બળદો ચા-ગાંઠિયા કે વડાપાઉંનું નીરણ કરી કરીને એમના કામે વળગેલા છે..!
એમને કોઈને “ડોફરાવુ” પોસાય નહિ, ઓફિસની બહાર લાગેલી પેલી બાયો મેટ્રિક ચીપમાં બળદ આંગળી ઘાલે તો આજની હાજરી ભરાય નહીતો પાંચસો, સાતસો કે બારસો રૂપિયાનો દા`ડો તૂટે એ નક્કી..!
પણ હા એ બધા કોર્પોરેટમાં નોકરી કરતા બળદયાઓ ને અનામત ઉપર ખાર તો પૂરે પૂરો છે, હવે આ સીસ્ટમ જવી જોઈએ કે ફેરફાર તો થવો જ જોઈએ, આવું એકે એક બળદ ઠોકી ઠોકીને બોલે છે,
મજાની વાત તો એ છે કે આવું કેહવામા જેને આપણા મોટા મોટા નેતાઓએ “દલિત સમાજ” કીધો છે એ લોકો પણ સામેલ છે..!
એક સરસ વોટ્સ એપ મેસેજ આવ્યો હતો દલિત સમાજ,દલિત સમાજ બોલવાનું બંધ કરો હવે “દલિત” એ એક અવસ્થા છે કોઈ સમાજ નથી..!!
વાહ વાહ..! ખરેખર મને દિલથી આનંદ થયો હતો..કોઈપણ સમાજનો વ્યક્તિ “દલિત” હોઈ શકે છે,આખે આખો સમાજ પણ “દલિત” કેવી રીતે હોઈ શકે ?
પણ આપણે ત્યાં તો પ્રજાને નવા નવા બનવવાની ભગવાનની ટેવ પડી ગઈ છે અને તારા કરતા મારો ભગવાન સારો અને એ બતાડવા હું તને મારી સુધ્ધા નાખુ અને એવું કરું તો મને જન્નત પણ મળે..
જે કોઈએ જોયુ નથી, એક આભાસી દુનિયા છે, એવી ભવિષ્યની આભાસી દુનિયા મેળવવા માટે હકીકતની મારી કે કોઈની વાસ્તવિક દુનિયાને મારી નાખુ છુ..અને વર્તમાનની પથારી ફેરવી નાખુ છું
અનામતને પણ લગભગ હવે એ કેટેગરી સુધી પોહચાડી દીધી છે..જનતાએ અને એમના નેતામાંથી નવા બનેલા “ભગવાન”એ તરફેણ કરવા માટે એ “જન્નત” છે અને વિરોધ કરવાવાળા માટે એ “દોજખ”..
અનામતની તરફેણ કરવા રોડ પર નીકળેલા લોકોને તો કદાચ ભૂલથી પણ એનો લાભ નથી મળ્યો ,કેમ કે જેને લાભ મળ્યો એ તો રોડ પર હાથમાં પથરા લઇને નથી જ નીકળવાનો,
કેમકે એનું “કામ” તો થઇ ગયું..હા જેના “કામ” થવાના બાકી છે એવા લોકો,અને જેને “કામ” કઢાવતા જ રેહવાનુ છે એ પેલા લોકો પથરા મરાવતા રેહશે..!
અને અનામત નામના જન્નત કે દોજખના નામે નેતાઓ મોજ કરી ખાય છે, “દલિતની દીકરી”ની પ્રોપર્ટી એટલી વધી કે દલિતની વ્યાખ્યા બદલવી પડે..!
બંધારણ કોને માટે છે..? શું એમાં ફેરફાર ના થાય? એકવાર લખ્યુ એટલે સદીઓ સુધી ફાઈનલ? અરે યાર ભગવત ગીતામાં પણ છેલ્લે તો કહી દીધું છે કે આ બધું સાંભળ્યા સમજ્યા પછી હવે તારે જે કરવું હોય તે કર..!!
તો હવે પ્રજાનો એક મોટોભાગ એ જુના બંધારણમાં ફેરફાર ઈચ્છે છે ,૧૯૫૦ અને ૨૦૧૬ કોઈ ફર્ક જ નહિ? શું સામાજિક આર્થિક પરિસ્થિતિઓ દેશમાં એની એ જ છે?
શા માટે પરિવર્તન નહિ? ઘણા બધા ફેરફારો આપણુ બંધારણ માંગી રહ્યું છે અને એ પણ જડમૂળથી ફેરફાર,કેટલી પેઢીઓ આઝાદી પછી આવી અને ગઈ? નિ:હિત સ્વાર્થ?
અનામત આપી અને શું કાંદા કાઢ્યા?
એ જોવાનું અને તટસ્થ એનાલીસીસ જ નહિ કરવાનુ? એની બદલે “લવારા” કરવાના કે હવે તો પ્રાઈવેટ સેક્ટરમાં પણ અનામત લાવો..
પેલો મોદી અને ઓબામાવાળો વોટ્સ એપ મેસેજમાં ક્યાંક તો દમ છે..તમે અનામત રાખી એટલે તમારા બુદ્ધિવાળા લોકોને અમે રાખી લઈએ છીએ,માટે અમેરિકા આગળ છે..!
બોસ આપણુ જે યુવાધન એચ-૧બી ગળી જાય છે,એ અહિયા રહ્યુ હોત તો ફરક તો ચોક્કસ પડ્યો હોત..જો કે એ લોકોને અમેરિકા જતા રેહવા પાછળના બીજા ઘણા કારણો છે એના પણ અનામત એક કારણ તો ખરું જ..
અનામતનો લાભ લેવાથી ફક્ત ડીગ્રી નામનુ કાગળિયું જ મળે છે અને સરકારી નોકરી કદાચ..પણ થરો નોલેજ લેવા માટે તો સાચી મેહનત કરવી પડે..!!
ખુબ મેહનત કરીએ ત્યારે જ થરો નોલેજ આવે,અને ત્યાર પછી જ ક્રિયેટીવીટી ખીલે,અને કોઈપણ ફિલ્ડમાં એકદમ આગળ તો ક્રિયેટીવ માણસ જ હોય નહિ કે ડીગ્રીવાળો..!
અનામતનો લાભ લઈને ક્રિયેટીવ તો ના જ બનાય..!!
ભણતર જરૂરી છે, પણ ભણતર પછી વારો ગણતરનો આવે..
મારા વૈચારિક મિત્ર હરેનભાઈ હમેશા કહે છે ભણેલો અને ગણેલો કોણ આગળ જાય? એમનો જવાબ હમેશા એક જ રહ્યો છે એકેડેમીશિયન હંમેશા આગળ જ જાય..!
ખરુ અને થરો નોલેજવાળો જ લીડ કરે દુનિયાને, બાકી તો ઘેટાના ટોળા..! અનામતે ફક્ત ટોળા જ આપ્યા લીડર નહિ..!
ડો.અબ્દુલ કલામ થવુ એ તો બહુ દુરની વાત કેહવાય, પણ જેણે અનામતનો લાભ લઇને ઉપર આવી, અને પોતાના ફિલ્ડમાં નામ કાઢ્યું હોય અને દેશનું નામ રોશન કર્યું હોય એવા કેટલા લોકો છે ? કોઈ એકાદ નામ યાદ આવે તો લખજો
હા જે ખરેખર નામ કાઢે એવા લોકો છે, એને અનામતની પડી સુધ્ધા નથી અને એ લોકો વગર અનામતે મેરીટમાં આવી અને દુનિયાને ખુબ આપી અને નામ કરી ગયા..!
રાજનીતિ બંધ કરો બધા નવા અને જુના “ભગવાનો”, અને મેહનત કરતા બાળકોને એમનો હક્ક સમાન રીતે આપો..!!
ક્યાંક આજે હું પણ “ડોફરાયેલો” લાગીશ..પણ જવાદો
બાકી તો નદીની રેતમાં રમતું શેહર,આજે હવે સાંજ પડે રીવર ફ્રન્ટની ગોદમાં સમાઈ જશે અને સૂનો સુનો બીઆરટીએસનો ટ્રેક કાલે ધમધમતો થશે..
અને મિલના ભૂંગળાથી પડતી અમદાવાદની ગઈકાલની સવાર..હવે આવતીકાલની સવાર હવે મોબાઈલના એલાર્મમાંથી પાડશે..!!
આપનો દિવસ શુભ રહે..
નગરદેવી માં ભદ્રકાળી સૌને સદબુદ્ધિ અર્પે..!
શૈશવ વોરા