બંદિશ બેન્ડીટ ..
તમારે તો જોવું જ જોઈએ શૈશવભાઈ ..!!
સારું ત્યારે બસ ,જોઈ લીધું ..!
કેવું લાગ્યું ?
“કટયાર કળઝાત ઘુસ્લી” જોયું હતું ?
બસ , એમાં ભરપૂર ગાળો નાખો,સ્ટોરી લાઈન થોડીક બદલી નાખો , પછી જમાના પ્રમાણે ફ્યુઝન
કરો એટલે દર્શક કન્ફયુઝ
થાય , વેબ સીરીઝ હોય એટલે ચુમ્માચાટી કરાવો અને બને “બંદિશ બેન્ડીટ”
ગાળો તો જો પણ બોલે ..!!!
અંગ્રેજી ,હિન્દી ,દેસી દે ધનાધન..! જોર જોર..!
ઠીક છે, આપણને કોઈ વાંધો નથી એમાં, કેમકે જમાનો આગળ વધતો જાય છે,
એક દેશી કેહવત વાપરું છું નાગી માથે ઉઘાડી પડી ,વેબ સીરીઝ ને “ચલાવવી” હોય તો આવું જ કરવું રહ્યું ..!!
ઘણા કકળાટ કર્યા ટીવી ઉપર ટોક શો માં જઈ જઈ ને કે ક્યાંક કોઈક લીમીટ રાખો પણ બધા ને સ્ટેપ અહેડ
જઈ ને વાત કરવી છે , એટલે હવે આપણે ચોખલિયામાં ખપીએ..!
ભલે ત્યારે ઉઘાડી પડતી બીજું શું ..?
પણ યાર “કટયાર કળઝાત ઘુસ્લી” જેવી ભદ્રતા રાખી ને વિષયની માવજત થઇ શકતે..!
હવે થોડીક “કટયાર કળઝાત ઘુસ્લી” ની વાત .. એક મરાઠી નાટક છે જેનો પેહલો શો ૨૪ ડીસેમ્બર ૧૯૬૭માં થયેલો ,સંગીત ત્યારે પંડિત જીતેન્દ્ર અભિષેકીજી એ આપેલું, નાટક કરતા નૃત્ય નાટિકા કેહવું યોગ્ય કેહ્વાશે ..
સાલ ૨૦૧૪ના નવેમ્બરમાં “કટયાર કળઝાત ઘુસ્લી” પિક્ચર રીલીઝ થયું જેમાં શંકર મહાદેવન અને સચિન જેવા સિદ્ધહસ્ત કલાકારો એ અભિનયના અજવાળા પાથર્યા, પિક્ચરની મારા જેવા કાનસેન ને મજા વધારે એટલે આવે કે શંકર મહાદેવન અને સચિન બંને જણા શાસ્ત્રીય સંગીતના અચ્છા જાણકાર ,એટલે પડદા ઉપર ક્યાંય મને કશું કઠે નહિ, મોટેભાગે અભિનેતા શાસ્ત્રીય સંગીત ગાતા હોય એવા અભિનય કરતા હોય ત્યારે એમની કૃત્રિમતા આંખ ને ખટકે..
“કટયાર કળઝાત ઘુસ્લી” માં એવું નોહતું , જ્યારે બંદિશ બેન્ડીટમાં ઘણી જગ્યાએ કઠયું..
“કટયાર કળઝાત ઘુસ્લી” માં પણ રાજા સાહેબ હોય છે અને બે ઘરાનાની સંગીતકારો ની લડાઈ છે, ગુરુ નો બદલો શિષ્ય લ્યે છે અને સંગીત પણ શંકર એહસાન લોય નું જ છે..
સંગીત ની બાબતમાં એવું કેહવું પડે કે બંદિશ બેન્ડીટમાં “કટયાર કળઝાત ઘુસ્લી” ની ફોર્મ્યુલા રીપીટ થઇ..! ફ્યુઝન ના મરી મસાલા નાખી ને..!!
છેલ્લા ત્રણ વર્ષમાં “કટયાર કળઝાત ઘુસ્લી” ના ગીતો ત્રણસો વાર મીનીમમ મેં સાંભળ્યા છે ,એની એક એક તાન કાનમાં ગુંજે છે એટલે ડંકે કી ચોટ ઉપર કેહવાય કે“બંદિશ બેન્ડીટ” માં બાટલી નવી અને દારૂ એનો એ જ..!
જો કે મને તો “બંદિશ બેન્ડીટ” જોવા ની મજા આવી અને ગાળો ને સહજતા થી ઇગ્નોર કરી , કેમ કે બીજો કોઈ ઓપ્શન નોહતો..!
પણ ખરેખર હકીકતે જો સંગીતના ઘરાનાઓ ની જો અંદર પડી ને વાતો સંભાળીએ ને તો ઠેર ઠેર તમને બદમાશીઓ થયેલી જોવા મળે ..!
એક સાચો કિસ્સો કહું .. નામ નહિ લખું પણ એક બહુ મોટા ગજાના ઉસ્તાદ કે પંડિત કલાકાર , અમદાવાદ એક પ્રોગ્રામમાં આવ્યા આપણા માથે પ્રોગ્રામ ને લગતી કોઈક નાનકડી જવાબદારી હતી એટલે કલાકારશ્રી ને નજીકથી મળવા નું થયું ,
કલાકારશ્રી ગુજરાતની બાહરથી આવેલા, એમને છાંટોપાણીની ટેવ અને એ દિવસે છાંટો વધારે પડી ગયો અને પાણી ઓછુ ..!!
પછી તો જે થઇ છે .. દુ:શાસન ને તો સારો કેહડાવ્યો ,આખાય ફિલ્મ જગતથી લઈને બધાયના વસ્ત્રહરણ એમના મુખે સાંભળ્યા ,ભઠ્ઠીની ધાણી પછી પડે એમ ગાળો નીકળે..!! દુનિયાભરની બદમાશીઓ બાહર લાવી ને મૂકી દીધી..!
મારી એક માન્યતા ને એ દિવસે બળ મળ્યું કે પંડિત નો દીકરો જ પંડિત થાય અને ઉસ્તાદ નો દીકરો ઉસ્તાદ બાકી મરી જાય વિદ્યા પણ આગળ પાસ ઓન ના કરે તે ના જ કરે..!
આજે પણ પાંચ દસ ઉદાહરણ ને બાદ કરો તો એ જ “ધંધા” થાય છે..!!
“બંદિશ બેન્ડીટ” જેવો જ કિસ્સો એક સંગીતના “ઉપાસકો” એ કરેલો છે મોટાભાઈ ને ગમતી
નાના ને વળગાડી
અને પછી થયું કમઠાણ ..!!
મને “બંદિશ બેન્ડીટ” જોતા જોતા એક એક ચેહરા નજર સામે આવે અને યાદ આવે કે અલ્યા આ તો આની સ્ટોરી..! મસ્ત “લફરાં સદનો” ની ભેળ બનાવી છે..!! “બંદિશ બેન્ડીટ” લોકેશન પણ બિલકુલ “કટયાર કળઝાત ઘુસ્લી” જેવા મજબૂત અને એમાં અમુક સીન તો બેઠ્ઠા... જેમ કે
ઘેઈ છંદ મકરંદગીત નો સીન અને
લબ પર આયેબંને ગીતો ના પીક્ચરાઈઝેશન લગભગ મળતા આવે..! રાજા ના દરબાર પણ ઘણા મળતા આવે, કટયારમાં મરાઠી છાંટ અને બંદિશમાં જોધપુર..! ઓવર ઓલ ગોળ ,ઘી , ને લોટ ભેગું થાય એટલે રાબ ,શીરો, સુખડી જે બનાવવું હોય તે બનાવી લ્યો પણ આપણને તો બધુય બહુ ભાવે..! સંગીત નામે ભાવે..!! હવે બીજી સીઝનમાં શું આવે એ રાહ જોવાની ..! લાગે છે કે બીજી સીઝનમાં પંડિતજી નો ભૂતકાળ ખોતરશે એક તરફ અને બીજી તરફ ત્રીજી પેઢીના રોમાન્સ આગળ જશે..!! વચલી પેઢી ભજીયા તળ્યા કરશે ને મિર્ચીવડા ખાધા કરશે,,!! છેલ્લે એટલું તો ખરું કે આવી વેબ સીરીઝ કે પિક્ચર આવે એટલે સંગીતના માસ્તરોને ત્યાં વિદ્યાર્થી વધી જાય... આજે અમને કથ્થક શીખવાની ઈચ્છા થઇ , આજે પણ વરસાદ ઘણો આવ્યો અને અમારા પત્નીજી ને અમારી ઈચ્છાઓ ઉપર ફેરવવા જોઈતું હતું એના કરતા વધારે પાણી મમ્મી ભરી ભરી ને લાવી આપ્યું..!! જાલિમ દુનિયા ..! મમ્મી એ તો છેક પેલું ગીટાર યાદ કરાવી દીધું .. એક હસીના થી એક દીવાના થા વાળું..! એ ભોયરાં માં પડ્યું છે હવે આ ઉંમરે કોઈ નવા અભરખા નથી કરવા હો ..!! “બંદિશ બેન્ડીટ” નો છેલ્લો સીન .. આખા સંગીત ઉપર પાણી ..!! તાર સપ્તકમાં
તાનો` મારો અને અતિતાર ષડ્જ સુધી જઈ આવો એટલે કઈ પાણી પડે એમ ?
બસ હો ..!
ગાળો સંભાળવા નો છોછ ના હોય તો જો જો , બાકી તો મરાઠીમાં “કટયાર કળઝાત ઘુસ્લી” જોઈ લેવું..!! અને બંદિશ ના ગીતો યુટ્યુબ ઉપર..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)