લગનીયા લેવાય ..હાલો ને ..!!
નગરી અમદાવાદે આજકાલ લગનીયા ફાટી નીકળ્યા છે ..!!
ચારેબાજુ કંકુ છાંટી ને કંકોતરી મોકલાઈ રહી છે ..! હરખ ના તેડાં ઓછા થઇ ગયા છે અને નવા નવા પેદા થયેલા કવિઓ અને કવિયત્રીઓ કન્ટેન્ટ રાઈટર બની ને કવિતાઓ લખી આપે છે જે બેઠ્ઠી છાપી મારવામાં આવે છે કંકોત્રીમાં ..!!
દેવઉઠી અગિયારસ પછી એક ફાલ ઉતરી અને માલદીવ ભેગો થઇ ગયો છે ,બીજો ત્રીજો અને ચોથો વેઈટીંગમાં છે..!!
વચ્ચે કમુરતા પડ્યા છે પણ એમાં એનઆરઆઈ પંખીડાઓ પધારશે..!!
એ ભલે ભલે પધાર્યા સૌ..બબ્બે વર્ષથી કોનું કોણ ગયું અને કોણ છે ,કોણ રેહશે એની ધાસ્તી પેઠેલી હતી હૈયે આજે એ બ્હિક ઓછી થઇ છે તે બધા ને માણી લેવું છે…!! કવિ કલાપી ની પંક્તિ યાદ આવે ..!!
રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો
શાને આવાં મુજથી ડરીને, ખેલ છોડી ઊડો છો?
કોવીડથી ડરી ને ખેલ છોડી ને જગત આખું એના માળામાં ભરાઈ ચુક્યું હતું..!!
નાણાવટી રે સાજન બેઠું માંડવે ..!! લાખોપતિ રે સજન બેઠું માંડવે ..!
એવા વર કન્યા ના કાકા એવા વરકન્યાના મામા નાણાવટી રે સાજન બેઠું માંડવે…!!
લાભપાંચમ પછી આખે આખું સાજન મા`નજ બધુય અત્યારે તો કપડા ઘરેણા ની દુકાનોમાં પેઠું છે..!!
અહહાહા ..પડે એના કકડા છે આખે આખી રતનપોળમાં..!! સારી કેહવાતી કપડા અને ઘરેણાની દુકાનોમાં માલ ખલાસ છે ,દરજીડો જાન્યુઆરી ની પેહલી સુધી પેક છે અને સોનીડો ફેબ્રુઆરી ..!
નવો સ્ટોક કપડા અને ઘરેણાંનો જાન્યુઆરીમાં આવશે એટલે ફેબ્રુઆરીમાં જો પ્રસંગ હોય તો પછી કમુરતામાં જ આવજો .. આવા જવાબો મળે છે..!!
પાંચ સાત હજારમાં ગધેડે ગવાતી સાડીઓ દસ-દસ અને વીસ-વીસ હજારમાં મળતી થઇ ગઈ છે, મોંઘવારી ત્યાંજ દેખાઈ રહી છે , ઘરેણામાં ઘાટ એટલા ઘડામણ જેવા હાલ છે..!
નકલી ઘરેણાના ચલણ વધ્યા છે,અને અસલીમાં લઇ જનારો વર્ગ સંતાઈ સંતાઈ ને મોટી ખરીદીઓ કરી રહી છે..!! હાલતા ને ચાલતા લોકો હવે પાટણના પટોળાની વાત કરતા થઇ ગયા છે આજકાલ પટોળા સખ્ખત ઇન છે ..!
મધ્યમવર્ગ માટે તો આણા ની પાંચ સાડી, બાકીના ડીઝાઈનર ડ્રેસ , ઇન્ડોવેસ્ટર્ન અને પછી તો આજકાલ એવું બધું પેહરે છે જ કોણ ?
વેસ્ટર્ન ..!!
દરેક પ્રસંગ નો જુદો ડ્રેસ કોડ ..! હલ્દી ના પીળા, ને મેહંદી ના લીલા, કોકટેલના ઇન્ડો વેસ્ટર્ન ને ગરબા મ્યુઝીકલ નાઈટ ના જુદા થીમ, લગ્ન રીશેપ્શન તો ઉભા ને ઉભા..!!
સેહજ નજીકના લગ્ન હોય તો પછી ચાલુ…છ ટંક ને આઠ ટંક ના રસોડા બંધ અને બેઠકો પણ હવે તો પુરજોશમાં..!!
જુના કપડા તે કઈ પેહરાય ? એકવાર સોશિઅલ મીડિયા ઉપર અપલોડ થઇ ગયા એટલે પૂરું પછી નવા જ કપડા લેવા પડે …!!
ઓહો હો હો ..!! મારા રાણી એલીઝાબેથના નવા અવતાર બાકી તમે તો..!! સારું છે કપડામાં આવા વેન કરે ત્યાં સુધી ઠીક છે બાકી જે દિવસે ઘરેણે આવા વેન થશે એ દિવસે થઇ રહ્યું, ગુર્જર નારી નો ગુર્જર નર બજારમાં કેટલાય નું “કરી” નાખશે..!! બહારવટે ચડી જાય..!!!
આમ પણ ઓર્ગેનાઈઝેશનના નામે “કાંડ” કરવો કે “કરી” નાખવામાં ગુર્જર નરો ક્યાં પાછા પડે છે ?
ક્યાંક પછેડી કરતા સોડ લાંબી તણાઈ રહી છે અને ક્યાંક તો પછેડી જ નથી ..!!
રમઝટ બાકી…!!!
બાર કરોડ પચ્ચીસ કરોડ ની મોટી ઇવેન્ટો દારૂબંધીના કડક અમલ કરવવા અને સંસ્કારો ને સાચવવામાં રાજસ્થાન ખેંચાઈ ને જઈ રહી છે..! અને નાની નાની પચાસ પચીસ લાખવાળી ઇવેન્ટમાં પણ કોકટેલ પાર્ટી ક્યાંક રાજસ્થાનમાં થઇ રહી છે,
ગુર્જર નર-નારી ને નાચવું છે પણ નોરતા સિવાય એના પગ પીધા વિના ચાલતા નથી હોતા ,એટલે સેહજ છાંટોપાણી તો જોઈએ આવું ગુર્જર નર નારી બહુ પ્રેમથી બોલી રહ્યા છે..!!
એક જગ્યાએ અમારી ઓળખાણ કૈક આવી રીતે અપાઈ હતી .. પેલા બ્લોગ લખે છે ને સોશિઅલ મીડિયા ના ઇન્ફ્લુંએન્સર એ ..જાણે જીવનમાં મારે બીજો કોઈ કામ ધંધો તો છે જ નહિ ..!!
હા.. હા ..પપ્પાજી તમારા ગ્રુપમાં આ એક જ અંકલ દારુ નથી પીતા એ જ ને ..!!
કેવો ભયંકર ગુન્હો મેં કર્યો છે ..!! જીવનમાં દારુ નહિ પી ને..!!
ગુજરાત સરકાર કરતા પણ મોટો ..!! મારે દંભ કરવો જ રહ્યો હું ગુજરાતમાં રહું અને દારુ નથી પીતો ???? બોલો આ તો કેવી અજબ જેવી વાત છે ..!!
દારૂબંધી નો વિરોધ છે પણ દારૂડિયા નો પણ વિરોધ છે..!! મન મક્કમ વાળી પ્રજા પેદા કરવાની છે નહિ કે ઢીલીઢાલી , નથી પીતો તો નથી પીતો ,સામે નદીઓ કેમ વહેતી ના હોય પણ મારી ને xxx બનાવશો તો કાંદા ખાઈશ..!!
જો કે બહુ આશ્ચર્યના થયું કેમ કે આજકાલ નગરી અમદાવાદમાં બાલિકામાંથી સેહજ જુવાન થાય એ ભેગા સુટ્ટા મારનારી પ્રજા ઘણી ઝડપથી વધી રહી છે , અને ક્યાંક હમણાં વાંચ્યું હતું કે પાઉડર ઝડપથી મળી જાય છે પાણી જોડે પીવા વાળી વસ્તુ કરતા..!!
ગલીઓમાં ક્યાંક ક્યાંક ક્યારેક સુટ્ટા મારતી નજરે ચડી જાય છે .. પેહલા પણ લખી ચુક્યો છું મને એસજી હાઈવેની બે જગ્યાના ધુમાડાથી ગ્લાની ઉદ્ભવે છે એક થલતેજના સ્મશાનના ભૂંગળાના ધુમાડા અને બીજા નાના નાના છોકરા છોકરીઓના મોઢામાંથી નીકળતા ધુમાડા..!!
હશે ત્યારે !!
લગ્ન ચાલતા હોય કે કોઈ ઇવેન્ટ ચાલતી હોય ત્યારે મારા જેવા તાજા તાજા ડોહા થયેલા ડગરા ને વણમાંગી સલાહ..
સેહજ નજર રાખજો કે ચાલુ ઇવેન્ટ એ કોઈક છોકરો કે છોકરી સેહજ માટે ગાયબ થઇ ને પાછો આવે કે પાછી આવે અને ચ્યુંઈગમ કે બીજું કશું માઉથ ફ્રેશનર નાખી ને આવે જાણવું કે ધંધા એના સીધા નથી ..!!
તારું વેતર વન્ઠયું છે..!!
અને મોડર્ન થવું હોય કે શૈશવીયો તો વેદિયો છે .ચોખલિયો છે ,તો પછી હેંડાડૉ તમ તમારે..!! ચર ચરરર મારું ચકડોળ ચાલે ..ચાકડધૂમ ચી ચી ચાલે …!!
બાકી ગુર્જર ગાયકો ને મોજ પડી છે હો .. બે વર્ષની નવરાત્રીનું સાટું વળી રહ્યું છે કોઈક રાજકોટ જામનગર કવર કરી રહ્યું છે તો કોઈક ઉદેપુર આબુ ..!!
આમ ને આમ ચાલશે તો લાગે છે ગુર્જર ગાયકો હેલિકોપ્ટર વસાવી લેશે ..!
પાંચ લાખ ,દસ લાખ.. એવું જોર જોર ચાલ્યું છે ,અરે હા હવે તો લગ્ન ના મંત્રો શુદ્ધ રીતે બોલાય એવા આગ્રહ રાખી ને શુદ્ધ ઉચ્ચારણથી મંત્રો બોલવાવાળા બટુકો ની પણ જોર જોર ડીમાંડ છે..!!
ઇવેન્ટ મેનેજર છોકરાઓ જે માંગો એ લાવી આપે છે આજકાલ..!!
વરરાજાની પાછળ અણવર ની વાત જૂની થઇ ગઈ, શેડો મુકવામાં આવે છે ..!!
શેડો પણ મજબુત રાખવો પડે કેમ કે વરરાજો પી ને ભંડ થઇ જાય તો ? અને એમ જ કન્યા પાછળ પણ ..!! સુટ્ટા બે વધારે મારી ને જો `ગઈ` ને તો …??!!
જીવતી લાશ ને પરણાવવાના વારા આવે..
અમારું તો કઈ ના જાય પણ ફોટા સરખા નાં આવે ને તો ઇવેન્ટના રૂપિયા કપાઈ જાય..!! એટલે વર કન્યા ના શેડો મજબુત રાખવા પડે, જે એમને બહુ પીવા ના દે કે સુટ્ટા ના મારવા દે વધારે કેમકે મોઢા ઉપર ના ચાર્મ જતા રહે..!!
પ્રસંગ જાય પછી એના ફોટા જોવાનો નશો ચાલુ રેહવો જોઈએ, સો બસ્સો જણને કલીપ ફોરવર્ડ કરવી પડે લગ્નની અને સોશિઅલ મીડિયામાં વાહ વાહ થવી જોઈએ , ડોકરો ને ડોકરી બે ત્રણ વર્ષ સુધી બડબડ કરતા રેહવા જોઈએ , આપણે ત્યાં તો કેવું જોરદાર બાકી ..!!
તો જ આગળ ધંધો મળે ઇવેન્ટ નો..!!
ફોટા જોર આવવા જ જોઈએ..!!
છેલ્લે ..!!
તને સાચવે સીતા સતી..તને સાચવે પારવતી..અખંડ સૌભાગ્યવતી ..!!!
એવું ખરું હેં ?
આજે તો વરકન્યા કરતા બે કુટુંબોના લગ્નો થઇ રહ્યા હોય તેમ લાગે છે, યાદ નથી આવતું પણ કદાચ ડોંગરેજી મહારાજનો ફોટો ઉપર હતો એ ભાગવત નાનપણમાં વાંચ્યું હતું ત્યારે એમાં ક્યાંક એવું લખ્યું હતું કે ભાઈ કરતા વેવાઈ જોડે સબંધો વધશે કલિયુગમાં..!!
જય હો..!!!
મારી ચોસ્ઠે જોગણીઓ, મા ચંડી ચામુંડા, મા રાંદલ સૌ ના પરસંગ સુખરુખ પાર પાડે ને સંધાય ને ઘેર ઝટ ખોળા ના ખુંદનાર દે ..!!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*