“બાબા નું ધાબુ” તો જનતા જનાર્દન એ પ્રખ્યાત કરી મુક્યું ને હવે ઝોમેટો ઉપર પણ આવી ગયું એટલે જાણે બાબા ના અને એમના ધર્મપત્નીના આયખા ના બાકી બચેલા શાંતિથી જશે એવી આશા રખાય..!!
કેટલા આવા બાબા દેશભરમાં ?
ગણ્યા ગણાય નહિ ,વીણ્યા વીણાય નહિ ..!!
એક વિડીઓ જોઈ ને આજે દેશ ને દયા આવી ને સોશિઅલ મીડિયા એ જિંદગી બદલી આપી ,
પણ હવે બીજા કેટલા બાબા ને સોશિઅલ મીડિયા ઉપર લાવશે ?
અમદાવાદ શેહર નામના ગામડામાં રહી ને મોટો થયેલો હું લારી ગલ્લા ઉપર વેચાતી વસ્તુઓ નો ખુબ વિરોધી રહ્યો છું , આખા એશિયામાં બહુ ખરાબ રીતે આ લારી કલ્ચર ડેવલપ થયેલું છે ,
આદત પ્રમાણે જો પાછળ ઈતિહાસમાં જાઉં ને તો આ લારી ગલ્લા કલ્ચર એ છેક માનવ જીવનના મૂળ સુધી જાય ને આજે પણ એના પ્રમાણ રૂપે જો દેશના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં જાવ તો અઠવાડિયાના એક ચોક્કસ વારે હાટ ભરાય છે..
નહિ નહિ તો પણ દસ હજાર વર્ષ જુનું છે આ હાટ કે લારી ગલ્લા કલ્ચર આપણે ત્યાં..!!
વિકાસ અને ગરીબી ઉન્મૂલન ની બુમો છેલ્લા સિત્તેર વર્ષથી માર્યા કરીએ છીએ છતાં પણ આજે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કદાચ ત્રીસથી ચાલીસ ટકા લારી ગલ્લેથી જ ખરીદીએ છીએ ..
લારી ગલ્લાના ધંધા ઓર્ગેનાઈઝ
કરી જ નથી શકી એકપણ સરકાર ..
આ લારી ગલ્લામાંથી કોઈ આગળ
આવ્યા હોય અને મોટા એન્ટરપ્રીનર થયા હોય એવા દાખલા કદાચ પીપીએમ (પાર્ટ પર મિલિયન ) માં મળે ,બાકી તો લારી ગલ્લા કલ્ચર એ એકલી ગરીબી જ આપી છે..!!
થોડાક વર્ષોથી આ તદન અનઓર્ગેનાઈઝ સેક્ટરમાં ઓર્ગેનાઈઝ રીતે એક ધંધો ચાલી રહ્યો છે અને એ પણ એકદમ જામેલો ..
વાતમાં મોણ ઘાલ્યા વગર નામ દઈ દઉં તો એ ધંધો છે ચાર રસ્તે ભીખ માંગવા નો અને વસ્તુઓ વેચવાનો, આ પણ એક એવી સમસ્યા છે જે મને સખ્ખત પજવે ..!!!
ભારતભરમાં દરેક ચાર રસ્તે વસ્તુઓ વેચતા કે જુદા જુદા વેશ ધરીને ભીખ માંગતા ભીખારીઓ..!!
ચાર રસ્તે ભીખ માંગતો ક્યારે વસ્તુ વેચવા આવી જાય અને ક્યારે ભીખ માંગે એની તમને ખબર ના પડે..!
ઈચ્છે ત્યારે તેવું રૂપ ધરે..!!
આજકાલ અમદાવાદના દરેક ચાર રસ્તે જેવું સિગ્નલ બંધ થયું ને જરાક ગાડી ઉભી રહી કે અચાનક એક ધાડું છુટું પડશે .. કેટલાક ભીખ માંગશે એમાંથી અને કેટલાક વસ્તુઓ વેચવાની કોશિશ કરશે..!
આ અનુભવ દરેક ને હશે.. મને તો આ અનુભવ ભારતના મોટાભાગના શેહરોમાં થયો છે..!!
ક્યારેક મને સખ્ખત ગુસ્સો ચડે અને એમ થાય કે ચાર રસ્તા ઉપર ઉભેલી પોલીસ કરે છે શું ? કેમકે પચ્ચીસ ત્રીસ સેકન્ડ માટે ખુલતું સિગ્નલ એ ભીખારીઓ ને બચાવવા માટે ટ્રાફિકની દસ સેકન્ડ ખાઈ જાય છે ..
ટોટલ એવરેજ એક સિગ્નલ ખુલે અને બંધ થાય એટલીવારમાં ભીખારા ને મેક્સીમમ વીસ રૂપિયાની આવક થાય એવું મારું અનુમાન છે , હવે સો સેકન્ડ ના સિગ્નલ ઉપર એવરેજ પચાસ વેહિકલ આ ભીખારા
ને લીધે પંચોતેર સેકન્ડ વધારે ઉભા રહે ને પેટ્રોલ ડીઝલ બાળે તો કેટલા રૂપિયાનું દેશ ને નુકસાન ?
આના કરતા તો એક સારો રસ્તો એ છે કે સરકાર રોડ ઉપરના ભિખારી માટે નો ભિખારી ટેક્ષ
અથવા તો પેટ્રોલ ડીઝલ ઉપર એક રૂપિયાની ભિખારી સેસ
નાખી દે અને એ રૂપિયા આ ભીખારીઓ ના કલ્યાણમાં વાપરે તો પણ દેશભરમાં સિગ્નલો ઉપર વાહનો ની વેડફાતી સેકન્ડો બચે અને ભિખારીઓ ને કારણે થતો પેટ્રોલ ડીઝલ નો બગાડ અટકે…!
આમ ને આમ દિવસના દસ સિગ્નલ ઉપર ઉભા રહી ને પેટ્રોલ ડીઝલ બાળવા અને રાષ્ટ્રીય સમ્પત્તી નું નુકસાન કરવું એના કરતા પેટ્રોલ પંપ ઉપર રૂપિયા સીધા આપવા સારા..!!
અને હા જો કોઈ ને સ્વહસ્તે ભીખ આપવા નું પુણ્ય કમાવા નું રહી જતું હોય તો બે ચાર પ્રોપર ભિખારી ને એપોઇન્ટ
કરવાના પેટ્રોલ પંપ ઉપર જ , જે પેટ્રોલ પુરાવતી વખતે જ ઉભેલા વાહન ઉપર જ ભીખ માંગી લ્યે ..! એટલે પુણ્યાત્મા ને પ્રત્યક્ષ દાન કરવાનું સુખ પ્રાપ્ત થાય ને એને ફળ ની પ્રાપ્તિ કેવી રીતે થશે એ વિશે હવે તમે વિચારો..!!
સીસ્ટમ ..
સીસ્ટમ ગોઠવવી છે તો બધી પ્રોપર ગોઠવો ..!
અધકચરી સીસ્ટમમાં દેશ નો દાટ વળી ગયો છે..!!
ગઈ કેરીની સીઝનમાં એક રેડિયોનો આર જે કકળાટ કરતો હતો કે મારે કેરી ખાઈ ને ગોટલા છોતરાં ગાય ને ખવડાવવા છે , બધી ગાયો ક્યાં જતી રહી , નાનો હતો ત્યારે તો મારા ઘરે ગાય રોટલી ખાવા આવતી હતી અત્યારે બધી ગાયો ક્યાં ગઈ એમ કરી ને એના ત્રણ કલાક એણે પુરા કર્યા..
પછી એ જ નોટ ચોમાસામાં ગાયો રોડ ઉપર આવી ને ઉભી રહે એટલે કકળાટ ચાલુ કરે ગાયો ને લીધે થતા અકસ્માત અને શીંગડે ઉછળેલા માણસો માટે ..
ફરી ત્રણ કલાક પુરા કરે..!!
બદમાશી નરી બદમાશી….!!
ગાય જોઈએ તો પોદળો પણ જોડે આવે અને આખલો ઢીંક પણ મારે .. ગાય ને અને આખલા ને ડાયપર ના પેહરાવવા જવાય ..!!
અને આખલો તાનમાં આવે તો ઢીંક પણ ખાવી પડે..!!
હસવા ની અને લોટ ફાંકવા ની વાત કરવાનો જમાનો નથી..બે મોઢાની વાત ના થાય..!
હાટ ,લારી ,ગલ્લા ,ભિખારી વગેરે વગેરે એક સીસ્ટમમાં લાવી ને સેટ કરવા પડશે અને તો જ આ દેશ નો ઉદ્ધાર થશે..!
રોડ રસ્તા ની ગીચતા અને મોલના સન્નાટા આ બધું જ દસ હજાર વર્ષથી જુના આ લારી ગલ્લા બજારો ને લીધે છે ..
નક્કી કરવું પડશે કે દસ હજાર વર્ષથી ચાલતી પરંપરાવાળા બજાર ને ચલાવવું છે કે પછી ઓર્ગેનાઈઝ ..!
ઓર્ગેનાઈઝ બજાર દેવાળિયા ઉર્ફે બેંકરપ્ટ આપશે જયારે અનઓર્ગેનાઈઝ ભિખારી ..!!
કોને હેન્ડલ કરવા ઇઝી પડશે..?
બાબા ના ધાબા ? ફૂટપાથ પર ચોપડી વેચનારા ? કે પછી પ્રોપર બેંક એકાઉન્ટ જીએસટી નંબર લઈને ધંધો કરનારો..?
ગરીબી ને ત્યજવી હોય તો દેશ ને ગરીબ બનાવી રાખતા ધંધા છોડવા પડશે ,
પ્રજાએ માઈન્ડ સેટ બનાવવું પડશે , રોડ ઉપર સડસડાટ ગાડીઓ દોડાવવી હોય તો કેરી ના ગોટલા છોતરા ગાર્બેજમાં જ નાખવા રહ્યા, ગાય ઘેર ના આવે તમારા ગોટલા છોતરા ખાવા..!!
પુણ્ય ટેક્ષ ભરવાથી પણ કમાવાય એવી ભાવના બળવત્તર કરવી પડશે,
પણ એ ટેક્ષ નો રૂપિયો ગરીબ માટે જ વપરાય છે એવી ધરપત થશે ત્યારે ટેક્ષ ભરવો એ પુણ્ય કાર્યમાં સ્થાપિત થશે..!
બાકી સારા નાગરિક ની ફરજો ને તો કેરી ના ગોટલા છોતરા બાફી ને આપણે લોકો બાફલો બનાવી ને પી જઈએ છીએ..!
કરોડો બાબા ના ઢાબા છે ..
એક છત્ર
માં લાવો , નહિ તો નહિ પોહચી વળાય..!!
જય હો…!
શુભ રાત્રી
શૈશવ વોરા