નવરાત્રી -૨૦૨૦
સૌ પ્રથમ સહુ ને નવરાત્રીની શુભકામનાઓ ,
હે માં અંબા ભવાની સર્વને શક્તિ આપજે સુખ દેજે ,દુઃખ હરજે..!
નવદુર્ગા ને ચોસઠે જોગણી આજ ગરબે રમશે ,
આ નવ દિવસો જ વર્ષમાં એવા આવે કે જયારે નવદુર્ગાની જોડે એના સંતાનો ગરબે ઘૂમે ..!
પણ હાય રે આ કોગળિયું .. !! જીવનભર યાદ રેહવાની આ આ નવરાત્રી..!
ગઈકાલે ફરી એકવાર ટીવી ના ટોક શો ઉપર ધડબડાટી બોલાવી , લીંક આપીશ ,
ભયંકર અફસોસ થઇ રહ્યો છે જુવાનીયાઓ ને ગરબા નહિ રમવાનો જો કે એની સાથે સાથે આ સમજુ પેઢી છે કે જે સમજી રહી છે કે હોસ્પિટલ્સ ભરી નથી મુકવી..!
મને પણ થઇ રહ્યો છે..
લાગલગાટ જન્મ્યો એ દિવસ નો ગરબા સાંભળું છું અને રમું છું , મારો જન્મ જ થયો સર્વપીત્રી અમાસની સાંજે .. મોટીબા એવું કેહતા કે સોળે શ્રાદ્ધ ખાઈ ને મારો શૈશવ અવતર્યો છે,
હોસ્પિટલમાં મારી અને મમ્મીના રૂમની બહાર જ નવરાત્રીની માંડવી મુકાણી હતી અને મમ્મી એવું કહે છે કે ઢોલ આખી રાત વાગ્યા ને ગરબા ચાલ્યા પણ શૈશવ જેનું નામ ,એક વાંસા નો છોકરો પારણામાં હાલ્યો કે રડ્યો સુધ્ધા નહિ ..
જન્મ્યો એની બીજી રાતથી આખી રાત શાંતિથી ગરબા સાંભળ્યા ને જે દિવસથી પગ આવ્યા એ રાતથી ગરબે ફરતો..!!
પેહલી નવરાત્રી પચાસ વર્ષ પછી ની ,પગ આવ્યા પછી ની ,કે ઝભ્ભો પરસેવે પલળશે નહિ ..!
વાંધો નહિ, અફસોસ થાય છે અને નથી પણ ..!
કોવીડ પોઝીટીવ મિત્રોને ફોન કરી ને ખબર પૂછી પૂછી ને થાકી ગયો છું ,
અરે થાય હવે , હમણાં પૂરું થઇ જશે ,અલ્યા ધીરજ રાખ, ઉધરસ ઓછી થઇ ને ,હવે તાવ તો જરાય નથી ને તો પછી એકાદ બે દિવસમાં બધું મટી જશે .. થોડી કસરત કર , પ્રાણાયામ કર , અરે બે ત્રણ ગીતો ગામોટે મોટેથી..! સામે છેડેથી ગાળો પણ આવે..તારે તો ફોન પર સલાહો ઠોકવી છે ,ઉધરસ ખાઈ ખાઈ ને જીવ નીકળી ગયો છે મારો , ઉભા થતા પણ અશક્તિ લાગે છે ,દવાઓ ગળી ગળી ને થાકી જવાય છે, મરી જાઉં તો મારા છોકરા ને સાચવજે .. સામે મજાક કરી ને વાતાવરણ હળવું કરવાની કોશિશ કરું કે તારી બૈરી માટે કોઈ બીજો શોધ્યો હોય તો કહી દે કન્યાદાન કરી દઈશ .. અને સામે છેડેથી ભારે અવાજ આવે ..એને પણ એકલી ના મુકતો ...! ત્યારે વિચાર કરો કેવો તેજાબ પેટમાં રેડાય ??..!!! સહન જ ના થાય..!! અને એ જ વિચારોમાં રાત ગઈ ને એક ભયાનક સપનું આવ્યું કે બંને કોવીડ પોઝીટીવ મિત્રો ગુજરી ગયા ,એમનો એક જીગરી .. હું અને એનો દીકરો વીએસ ની ભઠ્ઠી પાસે પીપીઈ કીટ પેહરી ને ઉભા ઉભા એકબીજા ને વળગી ને રડતા રડતા ચીમનીમાં ધુમાડો થતા મિત્રના શરીર ને જોઈ રહ્યા હતા..!! સફાળો જાગી ગયો હતો , પરસેવે રેબઝેબ ... અડધી રાત્રે ફોન કરી ને વાત કરવાની તીવ્ર ઈચ્છા થઇ ગઈ પણ જાત ને રોકી લીધી .. કોવીડ પોઝીટીવ ને ડરાવી દેવા નો મતલબ નોહતો ..! માં અંબાભવાની ની કૃપાએ બંને મિત્રો સજા સમા છે, પણ હવે કોઈ ને ફોન નથી કરવા ,અને આવા બિહામણા સપના નથી જોવા .. મા
ડી મેર કરે ને સૌ સુખરૂપ દિવાળી ઉજવે ને કોગળિયું વળી જાય..!! ટોળામાં જીવવા ટેવાયેલા છીએ ,આપણે ભીડ વિના મજા નથી આવતી , ગરબાના ખાલી ગ્રાઉન્ડ કરતા ખચાખચ ભરેલા ગ્રાઉન્ડ જ ગમે છે , ખાલી રેસ્ટોરન્ટ કરતા ભરેલી રેસ્ટોરન્ટ નું એક છેલ્લું ટેબલ મળી જાય એનો આનંદ વધારે થાય છે..!! મંદિરમાં એક ધક્કે અંદર અને એક ધક્કે બાહર એની મજા લઈએ છીએ..!! જિંદગી બદલાઈ છે ૨૨ માર્ચ ૨૦૨૦ પછી ,એકલા કોમ્પ્રોમાઈઝ અને અજાણ્યા ડર ની સાથે જીવી રહ્યા છીએ , જેનું એંઠું ખાવામાં જરાક પણ વિચાર નોહતા કરતા એ માસ્ક મોઢા ઉપરથી હટાવે તો પણ બીક લાગે છે..! સામસામે મળવાની બદલે ઓનલાઈન ઘણું મળ્યા પણ ક્યારેક તીવ્ર ઈચ્છા થઇ જાય કે મોઢું જોઈ આવું , પણ મન ને બેરેહમી થી મારી નાખવું પડે છે..! એકબીજાથી દૂર થતા જતા હોઈએ એવું સતત લાગી રહ્યું છે, હ્રદય ચિત્કારી ઉઠે છે પણ રસ્તો નથી..! નોરતા ના ગરબા ઘેર લેવા છે , ઊંઘ ચોક્કસ નહિ આવે પણ ભટકવું નથી ..! કેટલો મોટો ખજાનો આપણા પૂર્વજો આપણા માટે મૂકી ને ગયા છે , પશ્ચિમ જગત ને આનંદ લેવો હોય તો પાર્ટી કરવી પડે ,કઈ કેટલા નખરા જ્યારે આપણે તો ગરબા કરવા હોય તો કઈ નહિ એક ઢોલ ને એક ગવડાવનારા બસ , ઢોલ વાગે અને ગરબા ગવાય, પબ્લિક ગરબા ઝીલતું જાય ને ગરબે ઘૂમતું જાય ..નર્યો આનંદ જ આનંદ..!!! જો કે પાછલા બે દસકામાં નોરતામાં આપણે પણ કઈ ઓછા નખરા નથી કર્યા , ખડકી ને ચોક નો ગરબો શેરીએ ,ને ત્યાંથી પોહ્ચાડ્યો રોડ ઉપર અને રોડ થી ગયો પાર્ટી પ્લોટ ને ક્લબોમાં .. સંપૂર્ણ વ્યવસાયીકરણ કર્યું .. મફતમાં મળતા આનંદ ને રૂપિયામાં ફેરવી નાખ્યો બજાર બનાવ્યું.. અત્યારે એવું લાગે છે કે કરમન કી ગતિ ન્યારી ..!!! વ્યવસાયીકરણ ની સજા ..?? કેટલાક ખાટ્સસવાદીયા કદાચ ખુશ થતા હશે જેમને નવરાત્રી ઘોંઘાટ લાગતો હતો હજી ગઈ સાલ સુધી, પણ જેમ બંધારણના નાગરિક માટે મૂળભૂત અધિકાર છે એમ માનવજીવનના પોતાના પણ કેટલાક મૂળભૂત અધિકાર છે , જે બંધારણ નોહતું જન્મ્યું ત્યારના છે.. અને એમાંનો એક અધિકાર એ માણસ ને ગાવા નો નાચવા નો છે..!! ચાબુક મારી મારી ને ઘોડી નચાવો કે ઊંટ ને ખાટલામાં નચાવો એ એનો અધિકાર આપ્યો ના કેહવાય, પણ રસ્તો ચાલતો અચાનક તાનમાં આવી જાય અને નાચી લ્યે એને અધિકાર કેહવાય..! હું તો એટલું કહું કે જેના જીવનમાંથી ગીત સંગીત અને નૃત્ય જતું રહ્યું છે એનું જીવન જીવન નથી , ખરેખર તકલીફ છે એમને , દવા અને દુવા બન્ને ની જરૂર છે..!! જન્મ્યો ત્યારથી સાંભળું છું ,રમું છું , બસ મા
ડી આમને આમ સો પુરા કરાવજે અને ત્યારે પણ કાને ગરબા નાખજે ..!!
પણ કો`ક સુરીલો હો મારી જેમ બેસુરો થતો નહિ હા..! ,
માં છે , એને ગમે તે કેહવાય અને મંગાય..!
પરથમ સમરું સરસ્વતી ને ,ગણપત લાગુ પાય, હે રમવા નીસર્યા માં ..!!
હે રમજો રે , રમજો રે માં , રમજો સારી રાત ..!!
સાચવજો
જય અંબે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)