આજે બીજું નોરતું ગયું..નગરદેવી માં ભદ્રકાળી એ જઈને શીશ ઝુકાવ્યું.. અવિનાશભાઈ વ્યાસની અમર રચના યાદ આવી ગઈ..
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
ચંદ્રમાનું ચંદન અને સૂરજનું કંકુ
આસમાની ઓઢણીમાં ટપકીયાળી ભાત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
કે નભના તારલિયા તારી આરતી ઉતારે
ને સમીરની શરણાઇ ગાઇ તુજને સત્કારે
આજે માવડીના મિલનની જાગ્યું અભિરાત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
શું સુંદર લખ્યું છે …??!!!!!
ચન્દ્રમા નું ચંદન અને સુરજ નું કંકુ…આસમાની ઓઢણીમાં ટપકીયાળી ભાત..!!
માં સાક્ષાત આવીને ઉભી રહી હોય એમ ભાસે..!!
કેવો મોટો `વારસો` છે ગુર્જર નરનારીઓ પાસે ..અદ્દભુત અદ્ભુત ..!!
નભના તારલિયા તારી આરતી ઉતારે ને સમીર (હવા) ની શરણાઈ ગઈ તુજ ને સત્કારે..
સમીર ની શરણાઈ..વાહ ..!!
આરાસુરના ડુંગરે ઉભા ઉભા સમ..સમ..સમ.. કરતો વા` વાતો હોય અને એમાંથી મારા જેવાને માં ની મે`ર થાય ને ષડ્જ સંભળાય અને ષડ્જ મળ્યો એ ભેગો પંચમ..અને પછી તો સાતને પાંચ બારે બાર સૂર કાને રેલાવા માંડે..
એ..ખમાં..ખમાં..મા`ડી જોગમાયા તને ખમાં..!!
અમિતાભ બચ્ચન નો જન્મદિવસ હતો..આ ઉમરે કેટલું કામ ખેંચે છે નહી..?
કેબીસીમાં એમના માતા સ્વર્ગસ્થ શ્રીમતી તેજી બચ્ચનનો અવાજ અને આશીર્વચનની એક ટેપ વગાડવામાં આવી..
મતલબ આવો કૈક હતો..
*“પોતાના સંતાનોને આગળ વધતા જોવાની ખુશી કૈક અનેરી જ હોય છે અને મને એ લ્હાવો મળ્યો છે ઈશ્વર તને પણ એ ખુશી આપે..”*
પોતાના સંતાનને આગળ વધતા જોવાની ખુશી..!!
*દરેકને જીવનમાં આ પરિસ્થિતિ જોવાની ઝંખના હોય છે અને એમાં જયારે એકાદું સંતાન મોળું પડે ત્યારે એને ધક્કા મારી મારીને આગળ ધકેલવામાં આવે છે..*
શ્રીમતી તેજી બચ્ચન ના આશીર્વાદ અમિતાભ બચ્ચનને ફળ્યા કે નહિ એ તો એ પોતે જાણે પણ ઈતિહાસ એવું કહે છે કે *બાપના કુવા પાણી હોય ત્યાં સુધી ઉલેચાય પણ પોતાનો કુવો તો માણસે પોતે જ ગાળવો રહ્યો..*
આજે કેટલાય માંબાપ છે કે જે સંતાનોનો હાથ છોડવા તૈયાર જ નથી થતા..
નજર સામે રાખીને ભણાવે અને પછી પણ પોતાના જ ધંધામાં ખેંચી લ્યે..અને સંતાન જીવનભર “પોકેટ મની” ઉપર નભે..
*માણસ પોતે ભૂલી જાય છે કે એનું પોતાનું જીવન એના સંતાન કરતા ઓછું છે, અને છેવટે જયારે સંતાન ના હાથમાં જયારે મોટા એમ્પાયર અચાનક આવે છે ત્યારે પોકેટ મની ઉપર જીવતાને એ એમ્પાયર હેન્ડલ કરતા નથી ફાવતા અને અંતે ત્રીજે ત્રિકમલાલ જાગી જાય છે..*
સંતાનને આગળ વધતું જોવા માટે સંતાન નો મોહ ત્યજીને એને તરતા શીખવાડવું પડે ..!!
ખુબ નાજુક તબક્કો છે બાર વર્ષથી તે અઢાર વર્ષ સુધીનો ,બિલકુલ કોરી પાટી..!! અને એ પાટીમાં આખા કક્કા બારાખડી અને વ્યાકરણના નિયમો લખવાના હોય છે ..
*પણ અફસોસ કે આપણને જે લીપી નથી આવડતી એ જ લીપીમાં આપણે સંતાનને પારંગત થતું જોવા ઈચ્છીએ છીએ..*
મને કેબીસી જોવું ઘણું ગમે છે,અને અમિતાભને હું ઘણી જુદી જુદી રીતે જોઉં છું..જે સ્પીડમાં અને બાય હાર્ટ એ માણસ પોતાના પિતાજીની રચનાઓ બોલે છે અને એ પણ `ભાવ` સાથે..
એમ થાય કે કેવી રીતે શક્ય છે ..?
અંદર એક `કવિ` ચોક્કસ જીવતો બેઠો છે..!!
એક વ્યક્તિમાં કેટલું..?
ક્યારેક એક ધંધાદારી તરીકે વિચારું તો એમ થાય કે જે માણસ ના બાપ નો `એક્સેસ` તીનમુર્તી ભવન (જવાહરલાલ નેહરુ નું નિવાસ્થાન) સુધી હતો, એ માણસ ને મુંબઈની ફૂટપાથ ઉપર સુવાનો વારો આવ્યો હતો..? આજે અમદાવાદમાં હજ્જારો લોકો નરેન્દ્ર મોદીના નામને વટાવી રહ્યા છે તો શું પોતાના પિતાનો આટલો મોટો વારસો અમિતાભને ક્યારેય કામમાં નહિ લાગ્યો હોય ..? અને ફૂટપાથથી આજે ક્યાં ..?
*કદાચ જીવનમાં એક દિવસ `નક્કામો` નથી છોડ્યો..!!*
મને આવા ઘણા સવાલો થાય અને પછી હું જ મારા મનને જવાબો આપું છું..
હરિવંશરાય બચ્ચન નામના કુવામાં પાણી નહિ પણ અમૃત હતું, અને અમિતાભને પાણી પીવું હતું માટે એ અમૃતનો વારસો છોડીને કવિ થવાની બદલે એક્ટર થવા દોડ્યા..
જેવા તેવા ના કામ નથી આ..
*વારસો છોડીને નવા ચીલા ચીતરવા જવાના..*
ફરી પાછા કાનમાં શ્રીમતી તેજી બચ્ચન ના શબ્દો..પોતાના સંતાન ને આગળ વધતા જોવા ..
*અમિતાભ `કવિ` થઇ ગયા હોત પોતાના બાપની જેમ તો શું તેજી બચ્ચન આ શબ્દો બોલી શક્યા હોત..?*
અમિતાભ નામની કોરી પાટીએ શ્રીમતી તેજી બચ્ચન અને શ્રી હરિવંશરાય બચ્ચને કેવા કક્કા બારાખડી ચીતર્યા હશે ..? કે ભારતના પ્રધાનમંત્રી જેમને પોતાના મિત્ર ગણાવતા એના સંતાનને અથાક મજુરી કરવાના વારા આવ્યા અને એ પછી કંચન પરિશ્રમ ની આગમાં તપી ને લાલચોળ સુરજ ની જેમ બહાર આવ્યો..!!
અમિતાભના જીવન ઉપર એમના માતાપિતાનો પ્રભાવ ચોખ્ખો દેખાય છે,
એક સર્વસામાન્ય નિયમ છે કુદરતનો જેની માં હોનહાર એના સંતાન તેજી ને તોખાર..
સંતાન નું ઘડતર માં ના હાથમાં હોય છે..
આટલું લખીને કે બોલીને બાપ તરીકે છૂટી નથી પડાતું..એ માં ની પડખે મજબૂતીથી ઉભા રેહવું પડે ત્યારે માં ટકે..!
વનકેસરીની જેમ ઉછેરવા રહ્યા..ધક્કા મારી મારીને જંગલની કેડીએ દોડાવવાના અને એક સમયે તારું મારણ તું કરી ખા..એમ કરી ને “નાળ”( umbilical cord) કાપવી રહી..!!
અને આ બધી એ સમજણ હોય ,મેહનત પુષ્કળ કરી હોય પછી પણ જયારે હાથ અને હથિયાર ક્યારેક હેઠા પડે ત્યારે યાદ આવે પેલી જગતજનની..
એ પણ ક્યાંક બેઠી છે , એ છઠ્ઠું તત્વ પણ છે જ કે જે જીવન જીવવાની તાકાત આપી રહ્યું છે..!
તમારા સંતાનને તમારી મજબુરીઓ ગણાવવી એના કરતા તમારા વારસા ગણાવો, જરૂરી નથી કે કુટુંબનો બહુ `રીચ` વારસો હોય એ જ બતાડવો, અરે કુટુંબનો વારસો `રીચ` ના હોય તો આ આપણા સમાજનો વારસો તો છે ને..અને એનાથી ઉપર આ દેશનો વારસો તો `સુપર રીચ` પડ્યો છે..!!
હવે આ ‘હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત’ ગીતની વાત કરીએ તો રચના ચોક્કસ અવિનાશભાઈની પણ કમ્પોઝીશન થયું છે રાગ ભીમપલાસીમાં .. !!
અને ભીમપલાસી રાગ એટલે કોનો ? કોના `બાપ` નો ?
આપણા બધાના “બાપ” નો એટલે કે `મહાદેવજી`નો રાગ..!!
આખી રાગ રાગીણી ની સૃષ્ટિની રચના શિવ-પારવતી એ કરેલી છે..
કાફી થાટ નો રાગ અને જાતિ ઓડવ-સંપૂર્ણ ..
નિ સા ગ મ પ ની સા
સા ની ધ પ મ ગ રે સા
અવરોહમાં ષડજ ને રિષભ નો કણ સ્વર લાગે અને ધૈવત ને પંચમ નો.. રાગ નીખરી જાય..!!
આટલી રાગ માહિતી આપી ને અટકું છું..
બે પંક્તિ કાનમાંથી જતી નથી ..
“હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત..”
અને
*“પોતાના સંતાનોને આગળ વધતા જોવાની ખુશી કૈક અનેરી જ હોય છે અને મને એ લ્હાવો મળ્યો છે ઈશ્વર તને પણ એ ખુશી આપે..”*
માં અંબા-ભવાની સૌને પોતાના સંતાનોને આગળ વધતા જોવાની ખુશી જીવનમાં આપે..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા