ગઈકાલે સર્વપીત્રી અમાસ ગઈ અને આજે પેહલું નોરતું..થોડું તિથિઓમાં ગડબડ છે, કોઈ કેહતું હતું કે અમાસ ગઈકાલે નહિ પણ પરમદિવસે ગઈ અને કોઈ કહે છે કે આજે પેહલું અને બીજું નોરતું જોડે છે .. જો કે આપણે તરત કન્ફર્મ કર્યું કે એકેય નોરતું ઓછું તો નથી થતું ને યાર ..?
જવાબ આવ્યો ના ના ડોન્ટ વરી , બીજે ક્યાંક એડજેસ્ટ થઇ જાય છે..
તો ભલે ..
ખોટું એકાદું નોરતું આ ભાંગી અને અડધી ને પોણી તિથીના ચક્કરમાં શહીદ થાય એ ના ચાલે..!
ગઈકાલે જીમમાં ટ્રેડમિલ પર હતો, મસ્ત ગરબા હેડફોનમાં સાંભળતો હતો અને ત્યાં એક હેન્ડસમ મારી પાસે આવ્યો અને ઉભો રહ્યો,આપણે હેડફોન ઉતાર્યા..પેહલા તો સારી સારી વાતો કરી સર તમે પેલા “આદમ” (ગઈકાલે પેલો બ્રાયન એડમ નો શોહતો ) માં નથી ગયા ..? આપણે ના કીધું પછી એ ગરબા ઉપર આવ્યો ,તમે ગરબા રમવા જાવ ? આમતેમ બીજી વાતો..પછી ધીમેક થી બોલ્યો સાહેબ ક્યાંય ફ્લેટમાં ઇન્વેસ્ટ કરેલું ખરું..?
હવે એ કાગડાને એમ હતું કે આ કબુતરું છે, પણ મેં સીધી જ સમડાની જેમ તરાપ મારી ..
કેમ કોને લઈને ઊંઘવા જવું છે તારે..?
એક મિનીટ તો બઘવાયો પછી તરત જ બોલ્યો…તમે બી` યાર ખરા છો સીધા જ પોઈન્ટ પર આવી ગયા, મનમાં કીધું તારી કોલેજની યુનિવર્સીટીના કુલપતિ કરતા વધારે થીસીસ હવે ઘસડી માર્યા છે ભાઈ, તમારી ચાલ પરથી ખબર પડે કે તું કેમ આવ્યો મારી બાજુમાં..
થોડોક ઝંખાવાણો પડી ગયો અને બોલ્યો ના ના સર એવું નથી આ તો બહાર બેસાતું નથી અને પેલું શું શાંતિથી બેસી ને વાત થાય, મારી ફિયાન્સી જ છે..
મેં હજી `સમડા` સ્વરૂપ ત્યજ્યું નોહ્તું ..કઈ `ટીંડર` વાળી કે `હેપ્પ્ન` વાળી ફિયાન્સી ..
બે યાર તમારી જોડે વાત કરવી જ બેકાર છે..એમ છાશિયું કરી ને જતો રહ્યો…
ટીવી ઉપર ગળા ફાડી ફાડીને કીધું છે કે માંડ એક કે બે ટકા વર્ગ આવો છે પણ સાલો છે એ નક્કી..
નવરાત્રીને શેરીમાંથી કાઢીને પાર્ટી પ્લોટ સુધી લઇ જનારી પેઢી એટલે અમે જ.. ૧૯૮૭ માં ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટમાં પેહ્લો ગરબો ઘૂમ્યો અને એ પેહલા ફ્લેટ્સ અને સોસાયટીઓમાં..
પણ પાર્ટી પ્લોટ સુધી નોહતા જતા ત્યારે પણ `આવી` પ્રજા તો રેહતી અને મળતી..
હું વર્ષોથી મારી બેહન ,મારા મિત્રો અને એમની બેહનો અને એમના ફ્રેન્ડસ એવી જ રીતે ગરબામાં ગયો છું, લગભગ ભાઈઓ-બેહનો ના આખ્ખા સેટ ના સેટ ગરબામાં જતા અને કેટલા પાછા ..? એક એક મારુતિ વાનમાં બાર બાર જણા અને ઘણીવાર તો ચાર ચાર ગાડીઓ..!!
બાપ રે.. ટોળે ટોળા જતા..
પેલી આવી બધી પ્રજાથી બચવા અમે બધ્ધા એ એક નિયમ રાખ્યો હતો કે એકય જણી બેકલેસ પેહરી ને આવે તો એની બેક ૧૦૦ ટકા કવર કરાવવાની જ પછી જ ઘરની બહાર નીકળવાનું..
અમને કોઈ પ્રોબ્લેમ નોહ્તો ,પણ જનતા જનાર્દન ..
એક ખતરનાક કિસ્સો …એક ફ્રેન્ડ, એની સાળી ,અને એની ફ્રેન્ડ …ચાલુ ગરબામાં બેકલેસ પેહરીને અમારા ટોળામાં ઘુસી અને બેકલેસ એ એવું કે બેક આખી ખુલ્લી અને જોડે અડધું પોણું ફ્રન્ટ પણ ખુલ્લું..
અને ઉપરથી એની માં મારા ફ્રેન્ડ ને કેહતી ગઈ સુનીલ તારી જોડે એને ઘેર લેતો આવજે પછી અમને ફોન કરજે પીક કરી લઈશું..સત્યનાશ ..
સાલું અચાનક અમારું ટોળું ગરબા કરે એટલા ભાગમાં વસ્તી વધવા માંડી.. જોવાવાળા ની જ તો..!!
હડકાઈ નજરો ફરવા લાગી..મને અંદેશો આવ્યો કે ગડબડ..સુનીલ ને પણ લાગ્યું .. અમારે ઈશારો થયો સુનીલની પત્નીને મેં ખાલી આંખથી ઈશારો કર્યો, એ તરત જ પેલી ને ઝાલીને વોશરૂમમાં લઇ ગઈ અને ઓઢણીથી એની બેક અને આગળ બધું કવર કરાવ્યું અને સ્ટેજ પાસે આર્ટીસ્ટ એક ઓળખીતા હતા એટલે ત્યાં એ માતા ને “સ્થાપિત” કરી..
સુનીયો મારી બાજુમાં આવ્યો ..મને કહે અલ્યા આ `નોટ` ને ઘેર `નાખવા`ની છે..મારું મગજ છટક્યું મેં કીધું આ તું લા`યો ક્યાંથી બે..? અરે યાર મારી સાળી ની ફ્રેન્ડ છે.. મેં કીધું આ`ને હજી આનાથી નાના ટૂંકા કપડા નોહતા મળતા ..સુનીયો મારી ગરમી ઓછી કરવા બોલ્યો..તું અપાવી દે .. એ તો પેહરી લેશે .. હજી અમે ત્યારે કુંવારા રખડતા હતા..!
મેં કીધું મુક્તાબેન (મારી મમ્મી) ઘરમાં પણ ના ઘુસવા દે મને… સુનીયો બોલ્યો એ છોડ ,હવે આને બાહર કેમની લઇ જવી..? આખું ગામ આની ઉપર નજર જમાવીને બેઠું છે.. હવે અમારા મિત્રોમાં એક મિત્ર ભરવાડની કામળી લઈને આવ્યો હતો, એટલે મેં એની એ કામળી ઉતરાવી લીધી અને મેં સુનિયાની ઘરવાળીને કીધું એક કામ કર હવે તું આ ને ફરી સરખી ઢાંક બાપા, અને વોશરૂમથી સીધી પાછળ થઇને મેઈન ગેટ ઉપર સિક્યુરીટીની બાજુમાં જ અડી ને ઉભી રહે, બધું છૂટે એની રાહ નથી જોવી પેહલા જ નીકળો ,અને આ નોટ ને ઘર ભેગી કરો , હું અને સુ`નો (સુનીલ) બંને જુદી જુદી ગાડીઓ લઈને આવીએ છીએ, મારી ગાડીમાં બધા લઠ્ઠાઓ અને પેલી નોટ, સુ`ના તું બધી છોકરીઓને લઈને માર્કેટ (મ્યુનીસીપલ માર્કેટ નવરંગપુરા ) પોહચ હું આને એના ઘેર નાખી ને આવું છું..
સાલું કસમથી દમ કાઢી નાખ્યો હતો એ `રૂડી` એ…ગામ આખું ઘેલું કર્યું હતું ..ગાડીની ચારેબાજુ હોર્ન જ હોર્ન ..
જો કે એશી-નેવું ના દાયકા કરતા આજે આપણે ઘણા આગળ વધી ચુક્યા છીએ,
આજે તો પોર્ન સ્ટાર હિરોઈન તરીકે પ્રસ્થાપિત થઇ ચુકી છે ભારતમાં..
પણ, તો પણ ,
*એક સર્વ સામાન્ય નિયમ કુદરત નો છે કે સ્ત્રીનું સુંદરતા જોઈને પુરુષ ને અનેરો આનંદ આવે છે અને પોતાની સુંદરતાને કોઈ પુરુષ ના નિહાળે તો સ્ત્રીને ભયાનક અપમાન થતું લાગે છે..*
હવે આ નિયમ ની વચ્ચે રહીને નવરાત્રી ઉજવવાની છે , એકલી ભક્તિ જ બધા કરે છે એવું પણ નથી અને એકલા નાલાયક વેડા થાય છે એવું પણ નથી..
મંગળ અને શુક્ર ,આગ અને પેટ્રોલ..
એમાં ઓક્સીજનનું કામ કરે છે “રાત”..
હું ઘણીવાર કહું છું કે *દુનિયાના કોઈપણ નશા કરતા “રાત” નો નશો બહુ જ ખરાબ હોય છે..*
જેને “રાત” માથે ચડી એ કોઇથી ઝાલ્યો ના ઝલાય..!
*વસ્ત્ર ક્યાં અને કેવા પેહરવા એ સ્ત્રીઓ નો અબાધિત અધિકાર છે.,*
પણ દરેક અધિકારનો સમજણપૂર્વક ઉપયોગ થાય એ ખુબ જરૂરી છે, ફાઈવ સ્ટાર હોટેલના સ્વીમીંગ પુલમાં પંજાબી ડ્રેસ અને મંગળસૂત્ર વત્તા પગમાં, કાનમાં, નાકમાં, હાથમાં, કડા, વિછીયા વગેરે વગેરે ઘરેણા પેહરીને નાં પડાય એમ નવરાત્રીમાં સ્વીમીંગ સુટ પેહરીને ગરબે ઘુમવા નાં જવાય..!!
અને હા આ દિવસોમાં સૌથી વધારે જવાબદારી માંબાપની છે લાડકો કે લાડકીના ખાલી ખિસ્સા સુંઘવા અને ચેક કરવા જ રહ્યા..
*રૂપિયા અને સમય નો હિસાબ લેતા જ રેહવું ..*
*દરેક છોકરો બાપને અને દરેક છોકરી માં ને મુર્ખ બનાવતા બાળપણથી શીખી જતા હોય છે, અને કોઈ ના શીખ્યા હોય તો એને `ઘઘા` કેહવાય..*
*એક સમય જીવનમાં એવો ચોક્કસ આવે છે જ્યારે બાળક માંબાપ ને “મૂરખ” બનાવવાનું છોડી દયે છે અને માંબાપ “મૂરખ” બનવાનું..*
બસ માંબાપ તરીકે આપણે આ સમયની રાહ જોવાની છે, અને ત્યાં સુધી `ચોકન્ના` રેહવાનું છે..!
અમારા માંબાપ `મૂરખ` બનવાના તબક્કામાંથી બાહર નીકળી ગયા છે અને અમે આવ્યા છીએ..!
સમય વેહતો જાય છે..
ચાલો બુમ આવી..એ છે`ક તેલાવ જવાનું છે, જમવા બેસો અને પછી તૈયાર થાવ,કાલે ચાલુ દિવસ છે એટલે વેહલા પાછા આવવું પડશે..
પરથમ સમરું તે સરસ્વતી ને ગણપત લાગુ પાય
હે રમવા નીસર્યામાં …
હે અલબેલી સૌ જોગણી ને ગરબે ઘુમવા જાય
હે રમવા નીસર્યા માં ..
કાને ને તે કુંડલ ઝળહળે ને તેજ તણો નહી પાર..
હે રમવા નીસર્યા માં..
એ હાલો …
માણજો વા`લા ..મન મુકીને મ્હલાજો …!!
માં અંબા ભવાની સૌ ને સુખ-શાંતિ અર્પે..!!
શૈશવ વોરા