આજકાલ જીમમાં જવાનું ચાલુ કર્યું છે , કોવીડ જતો રહ્યો છે એવું માની ને નહિ પણ એન્જીનીયર મિત્રોની ભાષામાં કહું તો પેટ નામનું “કેન્ટીલીવર” અંગ્રેજી યુ શેઈપમાં ત્રણ થી પાંચ ઇંચ બહાર આવી ગયું છે,
અને દેશી ભાષામાં કહું તો “ડોઝું” બેલ્ટ ની ઉપરથી બહાર નીકળી ગયું છે ,હવામાં ઝૂલે છે..!!!
જીમમાં ગયા પછી એવું થયું કે યાર આપણું કેન્ટીલીવર તો કંઈ નથી ,અહી તો ચારેબાજુ “તંબક તાવડા” રખડે છે..!! સંપૂર્ણપણે ગેરકાયદેસર બાંધકામો જ થયેલા દેખાય છે..!!
કમરપટ્ટો ઉર્ફે બેલ્ટ નું જેટલું “ટેન્શન” દેખાય આટલું તો ઈઝરાઈલ ની ગાઝાપટ્ટી સરહદે નથી એવો બિચારો બેલ્ટ રીતસર માલિક ની આબરૂ સાચવવા ઝઝૂમતો હોય..!!
ખરેખર મને તો આનંદ આનંદ થઇ ગયો કે લોકડાઉનમાં હું એકલો જ ગેંડા જેવો નથી થયો , અડધી દુનિયા ઘેર બેઠી બેઠી ડાલ્ગોના કોફા પી પી ને ફૂલી ફાલી છે..!!!
ટોટલ માર્યું છે મેં, વજન ઉતારવા ના થતા ખર્ચાનું , એવરેજ ૧૨૦૦ થી લઈને ૨૨૦૦ રૂપિયે એક કિલો વજન ઉતરે , એટલે જો દસ કિલો વજન ઉતારવું હોય તો બાર હજારથી લઈને બાવીસ હજાર સુધી મીનીમમ જાય..!!
અને પછી તમે કેટલા લાડમાં ઉછર્યા છો એની ઉપર જાય..!!
એકવાર જીમમાં એક ટ્રેઈનર ના સિક્સ પેક્સ જોઇને મેં કીધું અલ્યા અમારા આવા એબ્સ કેમ નથી થતા ..?
મારો બેટો મોઢા મોઢ બોલ્યો “સર એબ્સ આર મેઈડ ઇન કિચન નોટ જીમ..!!”
વજન ઉતારવા સલાડ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી હોતો એટલે જો બહુ લાડમાં ઉછર્યો હોય તો પાછો વજન ઉતારવા માં પણ લાડ કરે, એના સલાડ બ્રોકોલીના હોય..!!
છાનીમાની કાકડી ભચડી લ્યે ને..!!
પણ વજન ચડાવવા લાડ કર્યા હોય તો પછી સલાડમાં પણ લાડ તો શોધે ને..!!
“નટેલા” ખાઈ ખાઈ ને ગેંડો થયો હોય તો પછી બ્રોકોલી જ ખાય..
પછી એની એક કિલો વજન ઉતારવાની એવરેજ પ્રાઈઝ વધી જાય..!!!
ચક્કર ચડી જાય છે મને તો, નટેલા ના ભાવ જોઈ ને ..અને એમાં પણ જયારે પાછળથી બુમ આવે કે મોટું પેક લાવજો ત્યારે તો …!!!
કોણ જાણે કોણે શીખવાડ્યું હશે કે પુરુષ ને પામવા નો રસ્તો પેટ થી જાય છે..!!
અમારા જેવા મઝધારે પોહ્ચેલા મીડ લાઈફ ક્રાઈસીસવાળા ના ઘરવાળા આટલા વર્ષોમાં જોરદાર ટ્રેઈન થઇ ગયા હોય , રોજ સાંજે પાંચ વાગે ફોન કરે શું બનાવું ? જો કે બનાવે એમણે જે ધાર્યું હોય તે જ , પણ થાય એવું કે લગ્નને વીસ પચ્ચીસ વર્ષ થઇ ગયા હોય એટલે બંને ને એકબીજાની બધી આદતો અને ચોઈસ ની ખબર હોય ,
કોલેસ્ટ્રોલ હાઈ છે એવી ખબર હોય તો પણ લસલસતું પનીર બટર મસાલા બનાવશે અને ઉપરથી મલાઈ કે ક્રીમ રેડશે..કહું છું એકાદું પરોઠું સરખું ખાઈ લેજો પાછા અડધી રાત્રે ભૂખ લાગશે ને બેઠા થશો નાસ્તા ના ડબ્બા ફ્મ્ફોસવા ..નાસ્તા કઈ છે નહિ..!!
અલી બો`ન મારી ,ગટર સેન ગુપ્તાજી ને તો આટલું જ જોઈતું હોય ,એક ની બદલે બે પરોઠા ઠોકે અને પછી ગટરસેન ગુપ્તાજી રાત્રે નસ્કોરે જે ચડે…!!! મારા જેવાની તો અડધો ઇંચ ફાંદ એમનેમ વધે એક રાતમાં..!!
પ્રેમ ,પ્રેમ ..લાગણી , લાગણી ..હું કેટલું ધ્યાન રાખું છું જુવો તમારું ,તમને તો “અંજલિ મેહતા” જેવી મળવી જોઈતી હતી..!!!!
કઈ કેહવાય ?
ના ભઈ ધણી બાઈડી ની વચ્ચે તો ભૂલથી ના આવવું .. રાતે બાઝે ને સવારે એક થઇ જાય ,આપણે સલવાઈ જઈએ ..!!
એના કરતા સળી કરી ને નીકળી જવું ..
તમારો પ્રેમ તમારા એમના દરેક અંગ ઉપાંગે છલકાય છે ભાભી..!!
લગભગ દરેક જીમ ટ્રેઈનર સોસાયટીઓના જીમમાં જતા થઇ ગયા છે , સવારના છ થી રાતના દસ ટ્રેઈનર નવરા નથી..! લોકો પણ શિયાળામાં વજન ઉતારવાના ભરપુર પ્રયત્નો કરી રહ્યા છે..!!
મારા જેવાને તો એક જ લાલચ હોય અત્યારે આત્ર્ણ ચાર મહિનામાં કાબુ લઇ લઈએ તો ઉનાળે કેરી ખવાય..!!
ખાવા માટે જીવીએ છીએ કે જીવવા માટે ખાઈએ છીએ એની જ દુનિયા ને ખબર નથી..!!
અમુક ફૂડ બ્લોગર્સ રોજ સવાર સાંજ એવા એવા ખાવાના ફોટા મુકે છે મને તો જોઈ જોઈ ને એમ થાય કે મુઓ આટલું બધું ખાઈ ખાઈ ને ફાટી ના પડે તો સારું ..!!
મારા જેવો તો રોજ એવું ખાય તો તો થઇ રહ્યું ,સરદાર મનમોહનસિંહ ની જેમ દસ બાર સ્ટેન્ટ લાગી જાય..!!
પણ જીભ ના ચટાકા છે..!!
એક જુનો ટેણીયો મળી ગયો આજે ..અરે ભૈયા બહોત બઢ ગયા હૈ પન્દ્રહ કેજી નિકાલ દો ફિર સે વૈસે હો જાઓગે ..
પંદર કિલો ..!! નિચોવાઈ જવાય ..!! ભૂખ્યા મરવું પડે ..!
આપણે તો એક સરસ જવાબ તૈયાર રાખ્યો છે ..
દેખ ભાઈ ઐસા હૈ .. સલમાન ભાઈ કિતના ભી વજન કમ કર લે ,લેકિન મૈને પ્યાર કિયા વાળા ફરી થાય..? તો ફિર યાર હમેરેકો શાંતિ સે જીવને દો ને યાર…!
તમે લોકા પણ શાંતિ સે જીવને કા હો ..!! ત્યારે શું વળી ..!
અમારા સાસુમાં કહી ને ગયા છે ખાધેલું હારે આવશે હો જમાઈરાજ બાકી બધું અહી નું અહી..!!
નાથદ્વારા નો પ્રસાદ આવ્યો છે ઘરમાં લગભગ એક વર્ષે ..એવી જીભડી લબકારા મારે છે ..આ `અનુપમા` પૂરું થાય ને બધા ઊંઘવા રૂમમાં જાય એટલી જ વાર છે ,એક મઠડી તો ચોક્કસ કાલ સવાર નહિ જ ભાળે..!!
પરસાદીયો ભગત..!
ખાધેલું હા`રે આવશે..!!
મમ્મી કહે પેહલા ખાવા ના ખર્ચો અને પછી ઉતારવા ના, એના કરતા જરાક ખાતી વખતે ભાન રાખતા હો તો ..!
કોનું માનવું બોલો ?
સાસુમાં નું કે મમ્મી નું ?
શુભ રાત્રી
શૈશવ વોરા
તા.ક. :- ઠાકોરજી ઘણા મેહરબાન છે, મઠડી ખાવા રસોડામાં ઘુસ્યો તો સત્યનારાયણ ભગવાનની કથા નો મહાપ્રસાદ હાથ લાગ્યો..!!
જય હો જય હો પ્રભુ તારી લીલા અપરંપાર ..!!
ઝાપટો જ ઝાપટો ..!!
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*