એક મિત્ર નો ફોન આવ્યો..ભાઈ કેમ કઈ લખતો નથી ક્યાં અટવાયો ..?
આપણે કીધું ઈશા અંબાણીના લગ્નમાં બીઝી હતો..!! 😉
રોજ નવી નવી કલીપો આવે અને મગજ ચકરાવે ચડે..
અધરં મધુરમ થી શરુ થયેલી ક્લિપ્સ…અહાહા..મજા આવી ગઈ..!!
સાલું રૂપિયો હોવો અને `ટેસ્ટ` હોવો બંને વાતમાં બહુ ફેર છે..!!
દરેક રૂપિયાવાળા ને ત્યાં `ટેસ્ટ` નથી હોતો..શું શાલીનતાથી આખો લગ્નનો મહોત્સવ થયો છે..!!
આપણને તો ખાલી કલીપો જોઈને જ દિલ બાગ બાગ થઇ ગયું..!!
છેલ્લી કલીપ પેલી માંગ ભરાઈ અને મંગલસૂત્ર ની આવી..
અને પછી જે મ્યુઝીક ચાલુ થઇ જાય લક્ષ્મીનારાયણ નારાયણ..નારાયણ..!!
વાહ.!!!
પેલો વોટ્સ એપ મેસેજ સો ટકા સાચો લાગે..
“દીપિકા-રણવીર અને પ્રિયંકા-નીક ના લગ્ન તો આર્યસમાજમાં થયા હોય તેમ લાગે..!”
મજા આવી ગઈ ભઈ હો..!!
જેટલા લોકો જોડે વાત થઇ એ જોતા એવું લાગ્યું કે કલીપો જોતા જોતા લગભગ દરેકના હૈયા ભરાઈ આવ્યા છે..!!
અમુક લોકો એ `પંચોળા` ને આમીરખાન અને અમિતાભ બચ્ચન પીરસવા નીકળ્યા એને જબરજસ્ત રીતે ટ્રોલ કર્યા..કોઈની ખેંચવી એમાં તો આપણે પાક્કા,પણ બીજી બાજુ વિચારીએ કે ખાલી રૂપિયા કે પછી અંબાણી પરિવારની સબંધો વધારી અને પકડી રાખવાની રીત ..?
શું અમિતાભ બચ્ચનને તમે રૂપિયા આપો અને આવી રીતે પીરસવા નીકળે ખરા ..?
અને પણ આટલા પ્રેમથી ..?
સબંધો કામ કરી રહ્યા છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે..!!
અને આમ પણ પ્રસંગે માણસ સબંધે જ રૂડો લાગે શોભે..થોડાક સમય પેહલા અમદાવાદના એક પાર્ટી પ્લોટ કે જેમાં બે અઢી કરોડથી નાની ઇવેન્ટ લેવામાં નથી આવતી એવું સાંભળ્યું છે ત્યાં જવાનું થયું હતું..બધું અધધધ જ હતું ,કોઈ વસ્તુ ની કમી નોહતી,
પણ માણસો નોહતા..!!
મેહમાનો કરતા તો પીરસવાવાળા અને બીજા એન્ટરટેઈનર કરનારો સ્ટાફ વધારે હતો..!!
હતું એવું કે જેમના ઘેર લગ્ન હતા એમના પિતાશ્રી અમદાવાદના જુના અને જાણીતા શ્રેષ્ઠીમાં આવે, પણ એમના વારસદારો એ એમની દુનિયા પોતાના બંગલા અને ફાર્મહાઉસ પૂરતી જ લીમીટેડ કરી મૂકી હતી, આમન્ત્રણ ઘણા વેહચાયા હતા, “પેલો” છોકરો અને છોકરી બંને રાખેલા (ઇવેન્ટ મેનેજર ને “પેલો” છોકરો કે છોકરી કેહવાય છે આજકાલ ) ,એ છોકરાએ અને છોકરીએ ઘણું “ફોલો-અપ” કર્યું હતું, પણ એ દિવસના લગ્નો પુષ્કળ એટલે સરવાળે ઘણી બાદબાકી થઇ ગઈ હજાર બારસો ને નોતર્યા હતા ત્યાં ચારસો પાંચસો માંડ દેખાય ..!
એટલે સબંધો નો તો ભાઈ એવું છે, સોનાની થાળીએ જમાડવા હોય તમારે પણ જમવાવાળો પણ જોઈએ ..!! અને એમાં પાછું જેમ “પગ પરમાણે કડલાં જોઈએ ને વાલમિયા” એમ સરખે સરખું માણસ જોઈએ, ભલે ને ગમે તેવો મોટો શેઠિયો હોય રાજપથ કે કર્ણાવતીમાં જઈને અઠવાડિયે પંદર દિવસે સોશિઅલ સર્કલમાં હાજરી પુરાવતો હોવો જોઈએ બાકી તો બારસો નોતરાં મોકલો તો ચારસો જણ આવે..!!
અંબાણી પરિવારના લગ્નોના ફોટામાં એક બીજી વાત જોરદાર લાગી, જેટલા સેલીબ્રીટી આવ્યા હતા એ બધાએ ઘરેણા બહુ પ્રેમથી ઠઠાડયા હતા..!!
દેશના સૌથી મોટા ખોરડે માંડવો રોપાણો હતો એટલે મને લાગે છે બધાએ જે સારામાં સારું વસાવ્યું હશે એ બધું પેહરી લીધું..!!
એ પણ લગ્નોમાં જતી વખતે ત્રાસ હોય છે..!
સાલું આપણે કોને ત્યાં જવાનું છે એ વિચારીને કપડાં ને ઘરેણા પેહરવા પડે ,ક્યારેક એવું થાય નહિ તો યજમાનના કપડા ઘરેણા કરતા મેહમાનના વધારે ચમકતા હોય..
બે દસકા પેહલા એક લગ્નમાં એવું થયું હતું ..અમદાવાદના એક મોટ્ટા સરાફ અને એમના ધર્મપત્ની એક લગ્નમાં આવ્યા હતા એમની ખાલી એન્ટ્રી થઇને આખા લગ્ન મંડપમાં ખળભળાટ મચ્યો અને મારા જેવાએ એ શ્રોફના અને એમના ધર્મપત્નીજીના ગળા ,કાન અને હાથ ના ટોટલ મારી લીધા , બંને જણાએ અમારા પત્નીજી ની ભાષામાં કહું તો હીરાના લચકે લચકા પેહર્યાં હતા અને હીરાની સાઈઝ જોવો તો લગભગ એક ,એક, કેરેટ નીચેનો એકેય નહિ ,
ત્યારે તો અત્યારે થાય છે એમ સેટિંગ ના જમાના નહિ, અત્યારે તો મારા બેટા ઝવેરીઓ વીસ વીસ સેન્ટ ના હીરા ને સેટિંગ કરીને એવા ફીટ કરી દયે કે તમને દુરથી તો એમજ લાગે કે સોલીટેર છે ,
અમારા પત્નીજી જેવી `આંખ` હોય તો જ ખબર પડે કે આ તો વીસ વીસ સેન્ટના સેટિંગ વાળું નંગ છે..!!!
એ શ્રોફ અને એમના પત્નીજી ના ઘરેણાનું ટોટલ વરકન્યા તો બાજુ એ મુકો આખી જાન અને માંડવે થી આવેલા બધાયના ઘરેણા કરતા વધે એમ હતું..ઓછામાં ઓછું એ જમાનામાં એ ધણીબાયડી સિત્તેર એશી લાખનું ઘરેણું ઠઠાડી ને આવ્યા હતા..!!
જો કે બંને ને શોભતું હતું એ, મારા તમારા જેવાને તો સ્પેશિઅલ ટ્રેનીગ લેવી પડે આવા ઘરેણા પેહરીને ફરવામાં..
એક સોલીટેર ની બુટ્ટી અમે કરાવી હતી, પણ જે `તડી` બોલી છે અમારી ઉપર ,માતૃશ્રી અને દીકરીઓ તરફથી..આ તારું દાઢું અને આ તારા જટિયા ઉપરથી કાનમાં આવા બુટીયા, વિજય માલ્યા જેવો લાગે છે..ખબરદાર જો ફરી પેહર્યું છે આવું બુટીયું..અને દાદી જોડે દીકરીઓ સૂર પુરાવે સાચ્ચે ડેડ હવે વધારે પડતા નખરા બંધ કરો તમે..!!!
પત્નીજી ને મોજ પડી જાય વગર બોલ્યે સોલીટેર મળી ગયો..હવે બીજું નંગ કરાવી દે એટલે અમારે પેહરાય..!!
એક બુટ્ટીમાં આવા હાલ થઇ ગયા હતા અમારા, તો વિચારો કે બચ્ચનદાદા ની જેમ ગળામાં આટલી બધી માળાઓ નાખી હોય તો તો હિમાલય ભેગા જ થવું પડે..!!
ભાઈ અમારા સાસુમાં ની કેહવત વાપરવી પડે
એક નૂર આદમી ,હજાર નૂર કપડે,લાખ નૂર નખરે અને કરોડ નૂર અદા..!!
બચ્ચનદાદા જોડે તો અદા છે અદા ..!!
અને “અદા”નું અંગ્રેજી “સ્ટાઈલ” થાય ..!!
આ બધા સેલીબ્રીટી લગ્નોની કલીપો અને ફોટા જોઈને અમે કૈક શીખ્યા ..
કહું કે સિક્રેટ રાખું ..?
ચાલો કહી દઉં..
સ્ટાઈલમાં ફોટા પડાવતા બકા..!!
તમે માર્ક કરજો દરેક સેલીબ્રીટી એક ચોક્કસ એન્ગલથી ઉભા રહે છે ચોક્કસ એન્ગલથી એમની ડોક અને નજર ને રાખે છે, એમના હાથ અને પગની મુવમેન્ટ ઉપર એકદમ ટોટલ કંટ્રોલ રાખે છે ફોટા પડાવતી વખતે..!!
અમે પણ આ સીઝનમાં આવા ખેલ કર્યા છે સ્ટેજ ઉપર જવાનું સેહજ ક્રોસમાં ઉભા રેહવાનું હાથ ને પેટ ઉપર જ રાખવાનો ડોક એકદમ સિદ્ધિ અને નજર બિલકુલ કેમરાની અંદર મોઢા ઉપર હલકી સી સ્માઈલ..!!
જોર ફોટોગ્રાફ્સ આવશે..આજકાલ બધા એસએલઆર જ વાપરે છે..એટલે લાગતા હોઈએ એના કરતા વધારે સારા ફોટા આવે ..!!
ટ્રાય કરજો બોસ, અને બને તો તમે અને અમારા ભાભી પેહલા અરીસા સામે કે પછી ઘરે `બાબલા` ને મોબાઈલ પકડાવી અને રીહર્સલ કરી લેજો, પછી રીસેપ્શનમાં જજો..!!
પ્રોપર પોઝીંગ હશે ને તો ફોટા મસ્ત આવશે..!!
રામ-સીતાની જોડીના ..!!
હવે ભાભી એમ ના બોલતા કે મારા તો ફોટા કોઈ દિવસ સારા નથી આવતા..
તો હવે તમારી અને મારી વચ્ચેની વાત ભાભી, કોઈ ને કેહતા નહિ ..
મારો એક ફેસબુક ફેન છે ને એણે એના ડીપીમાં ઊંટ નો ફોટો મુક્યો છે, પણ એવા એન્ગલથી લીધો છે કે ઊંટ એ રૂપાળું લાગે છે એટલે તમે તો જરાય ચિંતા જ ના કરતા વ્યવસ્થિત પોઝીંગ કરી ને ઉભા રહી જજો બાકી નું પેલો ફોટોગ્રાફર ફોડી લેશે..!!!
એન્જોય..
આવજો ..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા