મસ્ત પરિણામો ભારતની જનતા જનાર્દન આપી રહી છે દરેક ચુંટણીમાં..
લોકસભામાં સંપૂર્ણ બહુમતી આપી અને પછી જેટલા બાય-પોલ થયા એમાં એક સીટ ને છોડી ને પ્રજાએ પકડી પકડીને ધોબીપછાડ આપી, સમજનારા સમજી ગયા હતા, પણ વાક્પટુતા ઘણી એટલે સીધાને ઊંધું અને ઉંધા ને સીધું કરીને ચલાવતા ગયા..
*આમ જોવો તો ગુજરાત પણ ભાજપે ગુમાવેલું જ કેહવાય પણ હવે જો જીતા વહી સિકંદર બાકી બચે સબ બંદર..!!*
*કોંગ્રેસમુક્ત ભારત નું સપનું સાકાર થતા થતા કેમ તૂટી ગયું..?*
ગુજરાતના મુખ્યમંત્રીના ઘેર સીબીઆઈ ઘુસી જતી હોય તો પછી આપણી પાસે રાજ આવ્યું તો `રાજમાતા` અને `રાજકુંવર` કે પછી `કંવર`સા` સલામત કેમ ..?
શરૂઆત થઇ ભ્રષ્ટાચારના આરોપોથી અને ભયંકર રીતે ઝંઝાવાતી પ્રચાર થયા ૨૦૧૪માં અને પછી બિરાજ્યા ગાદીએ,
પૂરી આનબાન અને શાનથી પણ પછી રાજદંડ કેમ ના ઉપડ્યો..?
કેટલા ૨૦૧૪ પેહલાના ભ્રષ્ટાચારી રાજકારણીઓને જેલ ભેગા કર્યા ..????
કાળુંનાણું, કાળુંનાણું, કાળુંનાણું કરીને ગામ ગજાવ્યું…બબ્બાજી થી લઈને સ્વો..આ..મિ..જી સુધી બધું ય મચ્યું હતું પણ સરવાળે તો મોટ્ટો બહુચરમાં ભગત પાડે એવો `તાબોટો` પડ્યો..!!
*એક ડોલર સ્વીસ બેંકમાંથી આવ્યો નહિ..!!*
અને ઉપરથી જગત આખામાં નોટબંધી કરી ને વગોવાયા..!!!
કાશ્મીર માટેના ભાષણો તો એવા હતા કે સત્તા આવતા વેત પાકિસ્તાનના બે ફાડિયા જ થયા સમજો..પ્રજા યુદ્ધ માટે માનસિક રીતે તૈયાર હતી અને એની બદલે કોથળે બિલાડું કાઢ્યું..
જેના માટે ભૂતકાળમાં આતંકવાદી છોડવા પડ્યા હતા એની જોડે સરકાર રચી…!
અને છેલ્લે રામ મંદિર..સાડા ચાર વર્ષથી કોર્ટ ,કોર્ટ કર્યું , અને છેક હવે વટહુકમ ની વાર્તા ચાલુ થઇ ..
ભયાનક મોટો ધોખો સમસ્ત હિંદુ સમાજ જોડે નો, હિંદુ હ્રદય સમ્રાટ નો..
અને હજી પણ ભક્તો સમજતા નથી અને પ્રજા ને ગદ્દાર કેહતા સંદેશા ફેરવી રહ્યા છે..
*શું બાબરી તોડતી વખતે કોર્ટ ની પરમીશન લીધી હતી..?*
પ્રજા ને જવાંમર્દ જોઈતો હતો અને અહી તો કોમળ, ઋજુ `મન ની વાતો` ચાલુ થઇ ગઈ..!
આ દેશના ભિખારીને તમે ઉભો રાખો અને કહો કે આટલો હટ્ટોકટ્ટો છે કૈક કામ કર બે પૈસા કામી ને મેહનતનું ખા..બસ આટલું કહો પછી ભિખારી તમારી શું હાલત કરે ..?
દે ધનાધન ગાળો આપે તમને.. હવે ભિખારી પણ જો સલાહ સાંભળવા તૈયાર નથી તો બાકીના બધા કેમની સલાહ સાંભળે..?
ડોનાલ્ડ ટ્રમ્પ પણ એક બે લીટી ભૂલથી સલાહની ક્યારેક બોલે છે તો એમની પ્રજા શું કરે છે ..? પત્તરડી રગડી કાઢે છે મીડિયા અને સોશિઅલ મીડિયા..!!
લોકતંત્રની આ તો મજા છે અને જીવંતતા છે,
બાકી તો ચીન દેશની જેમ જીભડા કાપી લ્યો ,બિલકુલ બોબડી બંધ ..
જો કે ઇન્દિરા ગાંધીએ એ પ્રયત્ન પણ કરી જોયો હતો અને ખબર પડી ગઈ હતી એમને કે આ પરજા કેમેય કરીને બાંધી બંધાય એમ નથી..!!
બીજી મોટ્ટી ભૂલ, પોતાનો ઠઠ્ઠો ભૂલથી ના થાય એની પૂરી તકેદારી રાખી..ફોજો ની ફોજો ઉતારી મૂકી એના માટે મીડિયા અને સોશિઅલ મીડિયાની..
*અને એવા જોર હુમલા સામે કર્યા કે સામેવાળો પરીક્ષાનું પેપર કોરું મૂકીને આવ્યો અને `એક્ઝામીનરે` સ્વચ્છતાના પાંત્રીસ માર્ક આપી ને પાસ કરી દીધો..*
*આજે એવી પરિસ્થિતિ છે કે જે પોઈન્ટ ઉપર ભારત સરકાર સાચી છે એ પોઈન્ટ ઉપર પણ એના પોતાના જ અધિકારીઓ અને પ્રજા ભરોસો મુકવામાં ડરી રહી છે..*
ગઈકાલના ઊર્જિત પટેલ સાહેબના રાજીનામાં માટે ના કારણોમાં જે મીડિયા કહી રહ્યું છે એ પ્રમાણે જો ખરેખર ભારત સરકારને આરબીઆઈના રીઝ્રેવ ફંડમાંથી ત્રણ લાખ કરોડ રૂપિયા MSME સેક્ટરને આપવા છે અને આરબીઆઈ ને પોતાનું રીઝર્વ ફંડ નથી તોડવું,અને એવું કેહવાઈ રહ્યું છે કે સરકારનું પુષ્કળ દબાણ હતું કે રીઝર્વ ફંડ તોડો અને ઊર્જિત પટેલ સાહેબે આ `પાપ` માથે લેવા કરતા છુટા થઇ જવાનું બેહતર સમજ્યું..!!
જો આવી જ વાત હોય કે હકીકત હોય તો પટેલ સાહેબ ભલે જતા.. આરબીઆઈ કઈ પોતાના ખિસ્સામાંથી કાઢી ને રૂપિયા રીઝર્વ તો કરતી નથી કે નથી આરબીઆઈ કમાવા જતી..
*જે રૂપિયા છે એ તો સરકારે જ યેન કેન પ્રકારેણ કરી ને કમાવીને આરબીઆઈને આપ્યા છે ને..અને પછી એ રૂપિયા ઉપર આરબીઆઈ પોતે સાપ થઇને કુંડલી મારી ને બેસી જાય એ કેમ ચાલે..?*
આરબીઆઈને એક બાજુ ગ્રોથ જોઈએ અને બીજી બાજુ રૂપિયા પોતાના `કુલા` નીચે દબાવી દેવા હોય એમ બે મોઢાની વાત કેમ ચાલે..?
*દેશની ૬૦ ટકાથી ઉપર ની રોજગારી MSME સેક્ટર આપે છે અને એવા સેક્ટરને ઉપર લાવવા માટે સરકાર ને `ઘાલખાધ` મુકવી હોય તો મુકે પણ ખરી..*
*દર વખતે `જગત નો તાત` બધું લઇ જાય તો `જગત ની માત` એવી ઇન્ડસ્ટ્રીઝ ક્યાં જાય..?*
અને સરકાર ગમ્મે તેની હોય, દરેક સરકાર પાસે પ્રજા ને વગર બંધૂકે લુંટવા માટેનો એક સાવ સામાન્ય રસ્તો તો છે જ ને..
પેટ્રોલ પમ્પ..
ત્રણ ચાર લાખ કરોડ તો પેટ્રોલ પમ્પો જ આરામથી ખેંચી લાવે..!!
પણ હવે આ વખતે એવું થયું છે કે સાહેબ સાચા છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી..
હજી છ મહિના છે ,
નેગેટીવ પ્રચાર બંધ કરો રાહુલ ગાંધી ગમે તે કરશે તો પણ છ મહિના કુંભકર્ણ અને રાણા કુંભા વચ્ચે નો ફર્ક નહિ સમજી શકે .. એ `ભગા` માર્યા કરશે .. એમને મૂરખ ચીતરવા કરતા આપણી લીટી લાંબી કરો બાપલીયા..
બજારો રોકડની તંગીથી રીતસર પીડાય છે ,
*આત્મહત્યા કરતો ખેડૂત રોજ છાપે ચડે છે ટાર્ગેટ એચીવ ના થવા ને લીધે ડાયાબીટીસ અને બ્લડપ્રેશરનો શિકાર થતો બેંક અને ફાયનાન્સ કે ઈન્સ્યોરન્સ કંપની નો મેનેજર કેમ નથી દેખાતો..?*
રૂપિયો બજાર માં છુટ્ટો મુકો નહિ તો છાજીયા લેવાશે..!!
*અત્યારે તો ભાજપની ટીમ-૨૦૦ જીતી ગઈ છે,ભાજપની અંદર જ એવા ઘણા લોકો છે કે ઈચ્છે છે ભાજપ ૨૦૦ થી ઉપર નાં જીતે ૨૦૧૯માં ..* અને એ કામ સુપેરે થઇ રહ્યું છે ,
*લગભગ આજ ના સંજોગોમાં ૧૮૦ -૨૦૦ સીટો નું આંકલન આજ ના સંજોગોમાં બેસે છે અને આવું કૈક થાય તો ૨૦૧૯ની સરકાર નું નેતૃત્વ ભાજપ કરે પણ મોદી સાહેબ ના હોય…!!*
આજ નો કથાસાર એટલો જ આવે..
રૈયત ને રંજાડ ના હોય..
શુભ રાત્રી
શૈશવ વોરા
અરે હા..આજકાલ તમે ય મારા દિ`યોર વોં`ચી વોં`ચી ને ફોરવર્ડ ન`હી કરતા હો..
ચ્યમ ..? હેંડો હ`વ કરો ફોરવર્ડ તા`રે..