ગઈકાલે એક બાજુ નાણામંત્રીશ્રી એ બજેટની સ્પીચ ચાલુ કરી અને અમે મૈસુરું થી ટેક્ષીમાં બેસી અને બેન્ગ્લુરું ના વિમાન પતન સ્થળ તરફ જવા નીકળ્યા..!!
રસ્તામાં ઈન્ટરનેટની મદદથી અલપઝલપ બજેટની સ્પીચ સાંભળતા ગયા..વચ્ચે પાટિયું આવ્યું વૃંદાવન ગાર્ડન આ તરફ ..
શૈશવને એના શૈશવકાળમાં જોયેલો વૃંદાવન ગાર્ડન યાદ આવ્યો, ૧૯૮૨માં જોયો હતો, પછી મૈસુરું ગયા પણ વૃંદાવન ગાર્ડન જોવાનો અવસર ફરી નથી આવ્યો..!!
સાથે સાથે બજેટ સ્પીચ ચાલતી હતી..અને મને વૃંદાવન ગાર્ડનમાં જ જેનું ફિલ્માકન થયું છે એવી એક ફિલ્મ યાદ આવી.,
`પડોસન` ..
એક ચતુર ના`ર કરકે સિંગાર ..!!
બિલકુલ કાલના બજેટ માટે સેટ થાય એવું ગીત હતું ..
સુનીલ દત્તની બદલે પાછળથી કિશોરકુમાર ગાય અને સામે લુંગીધારી .. આય્યો એક ચતુર નાર ..!!
જેટલી સાહેબ ની બદલે ગોયેલ સાહેબ `ગાય` ..!!
અને સામે લુંગીધારી ચિદમ્બરમ સાહેબ અને જનતા જનાર્દન સાયરાબાનુ ..!!
ચતુર નાર ..!!
ત્રણેયનું એક જ ટાર્ગેટ જનતા ઉર્ફે સાયરાબાનું ને રીઝવી ને પટાવવાની..!!
મેહમુદ બિચારા વર્ષોથી મેહનત કરે અને સુનીલ દત્ત સાહેબે વચ્ચે લંગશીયું માર્યું..!!
જેમ જેમ બજેટ આગળ વધતું ગયું એમ એમ મને એ ગીત બરાબર બેસતું ગયું ..!!
અને પીક આવ્યો ચતુર-ઘોડા, ઘોડા-ચતુર ..
હજી પણ સાયરાબાનું ઉર્ફે જનતા અને લુંગીધારી અટવાયા છે ..
`ચતુર ઘોડા` બોલા કે `ઘોડા ચતુર` બોલા ..દો મેં સે એક બોલો ..
પાંચ લાખ ઉપર કેટલો ટેક્ષ ? દસ લાખ ઉપર કેટલો ?
ચાર પંચાણું ઉપર કેટલો ?અને સાડા સાત લાખ ઉપર કેટલો ?
ચતુર-ઘોડા કે ઘોડા-ચતુર ..?
વગાડો એ ગીત યુટ્યુબ ખોલી અને પછી બજેટ ને વિચારો જુવો મોજ આવી જશે ..!!
જેમ કિશોરકુમાર આણી મંડળી એ મેહમુદની લુંગી ફસાવી હતી એમ જ અત્યારે ફીટ કરી છે કોંગ્રેસને ..!!
ભોલા, ભોલા કરીને કિશોરકુમારની મંડળી પાનો ચડાવ્યા જ કરે .. અને સામે શાસ્ત્રીય ગાયકીનો અચ્છો જાણકાર એવો મેહમુદ પછડાય..!!
સાંજ પડતા સુધીમાં અમે બેન્ગલુરું નો ટ્રાફિક ચીરીને વિમાન પતન સ્થળ ઉપર પોહચી ગયા અને ત્યાં તો એક એક ટીવી ઉપર હકડેઠઠ ભીડ..
બધી સાયરાબાનુંઓ ઉર્ફે જનતા ભોલા ઉપર `વારિ` ગઈ હતી..પાંચ લાખ સુધી ઝીરો ટેક્ષ અને પછી આગળ જુના કોષ્ટક પ્રમાણે ગણતરીઓ મુકાવાની ચાલુ થઇ ગઈ હતી પણ ચતુર-ઘોડા ,ઘોડા-ચતુર થી ગીત આગળ વધી ગયું હતું …
આય્ય્યો ઘોડે, નીગોડે ..અને પછી કિશોરકુમારનું ગીલી ગીલી ચાલુ થઇ ગયું ..!!
બિચારા મેહમુદ ..!!
હજી પણ સાયરાબાનું તો એની મસ્તીમાં જ છે એને ખબર જ નથી કે શું થયું ,એટલી ખબર છે કે કોઈ કે એને ચતુર નાર કીધી.!!
બહુ થઇ ગયું હે..ચતુર નાર તો કીધી ..
મોડી રાત્રે સીબીડીટી માંથી કૈક સ્પષ્ટતા થઇ છે, અને ગોયેલ સાહેબે કહી દીધું કે ભાઈ વોટ ઓન એકાઉન્ટ છે એટલે એની મર્યાદા હોય અમે કઈ બધું એક રાતમાં ના કરી શકીએ ..!!
કોઈ પણ સીએ એક જમાનામાં ટોપર સીએ રહેલા ગોયેલ સાહેબના બજેટ માટે છાતી ઠોકીને કશું જ બોલવા તૈયાર નથી , કોને ફાયદો અને કોને નુકસાન ..
ભક્તિ કરવી છે એ એમ કહે છે કે ટેક્ષ વિના વિકાસ કેમનો કરવો ..?
વાહ..
તો તો પેહલાવાળા તો બહુ મોટા અર્થશાસ્ત્રી હતા..! એમણે તો મોઢા મોઢ કીધું હતું કે પૈસે પેડ પે નહિ ઉગતે ..!! અમે તો ત્યારે પણ કીધું હતું કે જાણે પેડ ઉપર ઉગતા હોય તો પણ અમે તોડી શકવાના હોઈએ નહિ..?
અમદાવાદ શેહરમાં જન્મીને રેહતા એકેય જણ ને પૂછો કે ઝાડ પરથી તોડીને તુલસીના પાન સિવાય તે એકેય સરકારી જમીન ઉપર ઉગેલી બોરડી ઉપરથી તોડીને ચણીબોર પણ ખાધેલો છે ?
એકવાર ભૂલ ભૂલમાં કોલેજમાં ચણીબોર બોરડી ઉપરથી બોરડી ઉતારવા ગયા હતા તે આખા છોલાઈને બહાર આવ્યા હતા અને પછી ગામડાના ખેતી કરતા છોકરાઓ એ પેહલા જમીન ઉપર પ્લાસ્ટિક પાથર્યું અને પછી એક લાકડી લઈને બોરડીને ઝુડવા માંડી.. અને નીચે પ્લાસ્ટિક ઉપર બોર નો ઢગલો થઇ ગયો..!!
આવું છે ભાઈ ..!!
ગામડાના લોકોને ખબર છે કે કોઈ ઝુડવા અને કોને તોડવા ..!!
શેહરવાળા તો બિચારા નોકરિયાત બાંધી આવક વાળા , એમને તો કોઈ દેવા માફ ના થાય ..!!
આપઘાત કરે તો ય ઘરકંકાસના નામ આવે..!!
અંતરિમ બજેટ છે એટલે બહુ હરખપદુડા થવાનો મતલબ નથી , નવી સરકાર કેવી આવે અને કોની આવે એની ઉપર જ બધું જાય , નવું આખે આખું બજેટ બાકી રહ્યું છે એટલે હવે તો પડોસનના પિક્ચરના મૂડમાંથી બહાર જ આવવું રહ્યું અને રણભૂમિ એ ઉતરવું રહ્યું ..
બંગાળ અને ઉત્તર પૂર્વ ઉપર મોટો મદાર છે બાકી ગંગા જમના ના મેદાની વિસ્તારોમાં જાકારા મળી રહ્યા છે, પ્રયાગરાજના અર્ધકુંભ જેને પૂર્ણ કુંભ જ લગભગ ગણાવાઈ રહ્યો છે ત્યાં કાલે ચકમક ઝરી છે રામ મંદિર માટે ..
પ્રજા બિલકુલ નિસ્પૃહ ભાવે જોઈ રહી છે ..
સદીઓ થી રામ ને નામે રાજનીતિ થઇ રહી છે અને આમ જુવો તો ત્રેતા યુગથી ખુદ રામ ને પણ ગાદીએ બેસવાના આગલા દિવસે તગેડી મુકવામાં આવ્યા હતા અને કલિયુગના વિચારોને જો ત્રેતામાં એપ્લાઇ કરીએ તો મંથરા જરાય ખોટી નથી, મંથરા માટે તો ભરત જ સર્વોપરી હતો કૈકયી ઘેલી થઈને રામ રામ કરતી હતી ..
શું કહો છો તમે ..?
ઘોર કલિયુગ નહિ ..પણ એવું જ છે, આજે જો ક્યાંક ભૂલથી પણ બયાન આવે કે રામ કરતા ભરત મહાન હતા,ચડિયાતા હતા અને સારા હતા…તો પછી ૨૦૧૯નું ઈલેક્શન રામ વિરુદ્ધ ભરત લડાઈ જાય એવી પરિસ્થિતિ છે..!!
ચૂંટણી ભવિષ્ય માટે લડાવી જોઈએ એની બદલે ભૂતકાળ માટે લડાઈ રહી છે ..
બલિહારી છે ભારતની આ …!
પેલા એલન મસ્ક ટનલો ખોદી ને `ડેમો` આપી રહ્યા છે..
અને અમે બેંગ્લોરના ટ્રાફિકને ગાળો આપતા આપતા મૈસુરુંના ખખડધજ મેહલમાં પડેલા ફોટા અપલોડ કરી રહ્યા છીએ..
ભૂતકાળને છાતીએ લગાડી ને જીવવાવાળી પ્રજા બીજું શું કરે ..?
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા