
છેલ્લા કેટલાય સમયથી આર્થિક જગતમાં દર વર્ષે કોઈને કોઈ બે ચાર મોટી કંપની `ઉઠે` છે, લેટેસ્ટમાં ઝી વાળા સુભાષચન્દ્રની વારો પડ્યો છે,
એમની હરીફ ચેનલે તો છોતરાં ઉડાડી નાખે એવી કડક ભાષામાં ઝાટકણી કાઢી છે , મોટે ઉપાડે નૈતિકતાના પાઠ ભણાવાના ક્લાસરૂમ ચલાવતા હતા અને હવે કેમ આમ થયું ..?
બહુ જ વિચાર માંગી લે એવી ઘટનાઓ આર્થિક જગતમાં થઇ રહી છે ,
મારા તમારા જેવાને એમ થાય કે આ `અર્થ` ના `તંત્ર`ને ચલાવનારા ના કોઈ છે ? આ બધા નું કોઈ રણીધણી છે ? કે પછી બધું રામ કી ચીડિયા રામ કા ખેત એમ જ ચાલે છે ..?
ગણીગાંઠી કંપનીઓ સિવાય બધે લગભગ રમણભમણ છે, સુભાષચંદ્રાની જોડે હેડલાઈન આજકાલ ચંદા કોચર પણ ખેંચી ને લઇ જઈ રહ્યા છે ,
એક જમાનામાં એમના નામના સિક્કા પડતા અને આજે ધૂળમાં કીર્તિ રગદોળાઈ રહી છે..
એક સવાલ એવો થાય કે પારકા રૂપિયા સિવાય `મોટા` થવાય જ નહિ , એકાદ બે પેઢીમાં ઉંચી આવેલી હસ્તીઓ શું `હરામખોરી` કરી ને જ `ઉપર` આવી છે ?
ક્યા પ્રકાર ની `સીસ્ટમ` ગોઠવાઈ છે આપણે ત્યાં ?
જનસાધારણ `રડવા` માટે જ સર્જાયું છે ?
તમારે અને મારે ગાયો દોહી દોહીને કુતરીઓ જ પીવડાવાની છે ?
અહિયાં એમ લખીએ કે સરકાર જેવું કઈ છે કે નહિ ?
બસ આટલું લખો એટલે પત્યું મોદી વિરુદ્ધ રાહુલ નો જંગ છેડાઈ જાય ..
શાંત ચિત્તે વિચારવાની શક્તિ જ ચાલી ગઈ છે ..!!
પબ્લિક સેક્ટરથી લઈને પ્રાઈવેટ સેક્ટર ની બધી જ બેંકોની બેલેન્સશીટમાં ઘાલમેલ છે ? અને છે તો આ ઘાલમેલ કેટલા વર્ષથી ચાલી રહી છે ?
કોની કોની મિલીભગત થઇ..?
કારણો શું છે ?
ચાલો રીવર્સ એન્જિનિયરીંગ કરીએ ..
દેશના તમામ મોટા મોટા માલેતુજારો શા માટે પક્ષ અને વિપક્ષ ના રાજકારણીઓ જોડે ઘરોબો રાખે છે ? મોટા મોટા ઉદ્યોગપતિઓના અને જેમની પાસે અઢળક ધનસંપત્તિ છે એમના એકાદા સગા શા માટે રાજ્યસભામાં બિરાજે છે ?
જેમ દરેક રૂપિયાવાળા ને એક બાવો હોય એમ દરેક રૂપિયાવાળા ને બે રાજકારણી કેમ `પાળી` રાખવા પડે છે ?
અથવા રાજકારણીના અને બ્યુરોક્રસીના નજીકના સગાઓ ને ત્યાં કેમ બખ્ખા હોય છે ?
સીસ્ટમના આ `ફોલ્ટ` નો કોઈ ઈલાજ ખરો ?
આપણા જેટલા આર્થિક કૌભાંડો કેમ પશ્ચિમ જગતમાં નથી થતા ?
એક બહુ જ મોટ્ટું કારણ છે ,
પેહલું તો ત્યાં કુટુંબ પ્રથા નથી,આગળ ઢાળ ના હોય અને પાછળ ઉલાળ નહિ એટલે બહુ વધુ લાલચ નથી હોતી ..
બીજું સાત પેઢીનું ભેગું નથી કરી શકાતું અને ત્યાની સરકારો કોઈને કશું જ તાંબાના પતરે સુરજ ચાંદ તપે ત્યાં સુધી આકાશે પાતાળે કરીને કશું લખી નથી આપતી ..
આપણે ત્યાં કેહવત ખરી કે પૂત સપૂત તો કયું ધન સંચય અને પૂત કપૂત તો કયું ધનસંચય ..
બધાને આ બધું જ્ઞાન ખરું , પણ સપૂત હોય કે કપૂત ધન તો ભેગું કર્યા જ કરવાનું અને અત્યારે એક બીજો પણ ચસ્કો ચડ્યો છે ,
જરાક રૂપિયો આવે એ ભેગો મિલકત `વસાવા` દોડે ,અરે કોઈ ઉધાર રુપયા આપે એવો મળી જાય તો પણ એની પાસેથી ઉધાર રૂપિયા લઈને મિલકત વસાવવા દોડે ..!
માણસ નહિ મિલકત દોડશે ..!!
અને મિલકત હશે તો આવનારી પેઢી ને પણ કામ લાગશે..!
પોતાના વીર્ય ઉપર નો ભરોસો જ તૂટી ગયો છે..મારો છોકરો પત્થર ફોડીને પાણી કાઢશે એવી હિંમત, વિશ્વાસ અને તાકાત બધું જ તૂટી ચુક્યું છે ..
છોકરો બાપના ચપ્પલ પેહરતો થાય એ ભેગી બાપાની હાલત ટાઈટ થઇ જાય છે, છાતીએ ભાર ચડે અને શ્વાસમાં ફીણ ચડે છે , આ મોટો થઈને કરશે શું ? અને એને ભવિષ્યમાં રૂપિયાની જરૂર પડી તો શું ? કર ભેગું ,કર ભેગું ,ઉભી કર મિલકત નહિ તો ઘડપણ જશે ઘરડાઘરમાં ..
બહુ જ ગંદી હરીફાઈમાં માલેતુજારથી લઈને મધ્યમવર્ગ દોડી રહ્યો છે..!
પેહલા પણ લખી ચુક્યો છું વારસાઈ વેરો હોવો જ જોઈએ , પાંચ દસ કરોડથી વધારે મિલકત મૂકી ને બાપો મર્યો કે બાકીના રૂપિયા જાય સરકારી તિજોરીમાં ,
અહી તો ગયા અઠવાડિયે છાપામાં હતું કે દેશના પચાસ ટકા રૂપિયા નવ દસ ધનપતિઓ જોડે છે..!!
વારસાઈ વેરો નથી એટલે પછી કુદરત એનું કામ કરે છે ,કુદરત નો નિયમ છે કે ત્રીજે ત્રિકમલાલ જાગે જ ..
હવેલી કી ઉમર સાઠ સાલ અને સલ્તનતની સો …
ત્રીજી પેઢી એ તો ત્રિકમ વાગે જ અને બધું પડી ને પાદર થાય ..!!
એની બદલે સરકાર બીજી પેઢીએ જ મિલકતો ઉપાડી લે અને પછી એને બીજી રીતે સીસ્ટમમાં પાછી લાવે તો અત્યારે આ સુભાષચન્દ્રા ઉઠ્યા અને જોડે પબ્લિક પણ રડી એવું ઓછું બને..!!
અને હા પેહલી પેઢી ના લોભ ને પણ થોડો થોભ આવે..!!
પછી એ રાજકારણી હોય ,ઉદ્યોગપતિ હોય કે બ્યુરોક્રસી ..!!
ગઈકાલે અમે રાત માથે લીધી હતી અને એક ટેણીયો મને પૂછે કે શૈશવભાઈ આઈએએસ થવાય ?
મેં કીધું ભાઈ થવાય, પણ સારું પર્ફોમન્સ કરતા હોઈએ અને રિલાયન્સની ઓફર આવે તો જતા રેહવાય , બકા તું જે એમ વિચારતો હોય કે આઈએએસ કે આઈપીએસ થઇ અઢળક રૂપિયા પાડીશું તો એ શક્ય છે ,પણ એ રૂપિયા તું વાપરી નહિ શકે ..
એકેય કરપ્ટ આઈએએસ કે આઈપીએસ ક્યારેય મર્સિડીઝ નથી લાવી શકતો..અને લાવે તો સાઢું સાળા ને નામે ખેલ કરવો પડે એના કરતા સીધે સીધા રિલાયન્સમાં જઈ ને રૂપિયા કમાવા અને ભોગવવા સારા..!!
અને છેલ્લો રસ્તો કોઇપણ રાજકીય પક્ષ એકપણ રૂપિયો દાનમાં રોકડો લઇ શકવો ના જોઈએ..
તમામ ચુંટણી ધોળા રૂપિયે લડાય એવું તંત્ર ગોઠવાય ત્યારે આ બધામાં કૈક ફર્ક પડે ,બાકી તો ગંગા નાહ્યા જમના નાહ્યા ,માલ્યા નાહ્યા ,નીરવ નાહ્યા ,એમ ઝી નાહ્યા ..!!
કડકડતી ઠંડીમાં ઝી નું `સનાન` કૈક ને લોહીને આંસુડે રડાવશે ..
પણ હવે પબ્લિક કોને કીધી હે ..રડવા જ સર્જાઈ છે..
આ એ જ સુભાષચન્દ્રા છે કે જેણે થોડા વર્ષ પેહલા રાષ્ટ્રપતિ થી લઈને વડાપ્રધાન બધાને બોલાવીને કૈક `જોર` મોટો પ્રોગ્રામ કર્યો હતો અને એમના પરિવારની યશોગાથા વર્ણવી હતી ..
યાદ છે લ્યા કોઈ ને ..?
ચાલો આજે સવાલ ઘણા પૂછ્યા છે પણ સવાલમાં જ જવાબ છુપાયેલા છે , આમ તો કેહવું ના પડે તમને બધાને તેજીને ટકોર જ હોય ..
ભગવાન કરે ને સુભાષચન્દ્રાનું ગાડું `પાટે ચડી જાય` અને જનસાધારણ `બચી` જાય..
શુભ રાત્રી
શૈશવ વોરા