બહુ દિવસ થયા કોઈ પોસ્ટ નથી નાખી , એવું નથી કે લખતો નથી , લખું છું પણ પોસ્ટીંગ નથી કરતો ક્યારેક એમ થાય છે કે કૈક વધારે પડતું લખાઈ ગયું છે અને પાઈ પૈસો આમાંથી કમાવા નો નહિ ત્યાં ખોટી મગજમારીમાં ક્યાં પડવું એમ સમજી ને પછી પોસ્ટ કરવાનું માંડી વાળું છું ..!
ટીવી ના ચર્ચાના પણ મર્યાદિત આમન્ત્રણ સ્વીકારું છું અને એમાં પણ ભાજપ કોંગ્રેસ હોય તો બિલકુલ નહિ , સમસ્યા નું સમાધાન હોય તો ચર્ચા નો મતલબ છે , ચારેબાજુ આંધળો સ્વાર્થ લડતો હોય ત્યાં શું ચર્ચા કરવી..?
કોરોના આવ્યો ત્યારથી એક અજાણ્યા ભય ના ઓથારે જીવન જતું હોય એવું લાગે છે , ખુલી ને દમ મારી ને જીવાતી જિંદગી એક કોચલામાં પુરાઈ ગઈ છે , પોઝીટીવીટી ના ગમે તેટલા ઇન્જેકશનો લઈએ અને ઈમ્યુંનીટી ની ગોળીઓ ખાઈએ પણ એકાદ ક્ષણ કે ઘડી દિવસમાં એવી આવી જ જાય કે યાર આ બધું કરવા માટે હું સર્જાયો હતો ?
એકે એક જુદા જુદા ક્ષેત્રના મિત્રો જોડે લગભગ વાત કરી ચુક્યો છું ,દમ લગાવી ને હલેસા મારી રહ્યા છે લોકો , લગભગ દરેક નાના માણસ ને એમ લાગે છે મગરો થી ભરેલી નદીમાં ફક્ત લંગોટ પેહરી ને એ તરી રહ્યો છે..!!
સામે પાર જવાનું છે બસ એટલી ખબર છે , જરાક પોતાની જાત ને મોટા સમજતા ને એમ છે કે એમની નાવડી કાણા પણ એટલા જ છે અને નદી ના ઉફાન પણ , મગરો તો ખરા જ..!
સંગઠિત થઇ ને જીવતો સમાજ હોય કે કોર્પોરેટના રવાડે ચડેલા એકલપેટા, બધા ને તકલીફ, તકલીફ છે ક્યાંક ને ક્યાંક..!!
કોઈ ને કોઈ ની વાત સુધ્ધા સાંભળવી નથી એવી પરિસ્થિતિ આવી ગઈ છે..!!
પ્રેમ અને નફરત બધુય ક્યાંક ખોવાયું છે..!!
ફેસબુક કે વોટ્સ એપ યુનિવર્સીટીમાં આવેલું એકાદું સુવાક્ય ક્યારેક મગજમાં કોતરાઈ જાય છે, એક ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર નું એક વાક્ય “ ત્યાગ પોતાને રિક્ત કરવા માટે નહિ પોતાને પૂર્ણ કરવા માટે છે ત્યાગ એ શૂન્યતા નથી પણ અધિકાર ની પૂર્ણતા છે”
કદાચ હજાર વાર આ વાક્ય વાંચી ચુક્યો છું ,શબ્દો મોઢે થઇ ચુક્યા છે પણ અર્થ મોઢે નથી થતો..!
દુન્વયી માયાજાળમાં ફસાયેલો જીવ પોતાની રીતે જ અર્થ કાઢવા માથે છે અને એ જીતી પણ જાય છે, બહુ ચોખ્ખી વાત કરું તો ઘાલખાધ આવે છે ત્યારે પેહલા બને તેટલા પ્રયત્ન કઢાવી લેવાના થાય છે ,પણ પછી એમ વિચારી ને છોડી દઈએ છીએ કે હશે જવા દો એને આપણા કરતા વધારે જરૂર હશે ..!! જયારે નક્કી જ થઇ જાય કે ઘાલખાધ છે ત્યારે જ ..!!
આવો વિચાર પણ જબરજસ્તી લાવવો પડે છે નહિ તો ખરેખર ડીપ્રેશન આવે અને આગળ ધંધો કરવાની હામ ખૂટી પડે છે..!!
ઘાલખાધ એટલે આમ જોવો તો નાપાસ ની માર્કશીટ ,પણ એ માર્કશીટ ને ગમ્મે તે કરી ને એટીકેટી માં ફેરવવી હોય એટલે આવા વિચારો આવે અને નાપાસ માર્કશીટ ને પાસ અથવા તો ડીસ્ટીંકશન માં ફેરવવી હોય એટલે પછી થોડું ઉપર ઉઠી ને મન ગુરુદેવ સુધી પોહચી જાય ..!!
ત્યાગ કર્યો .. છોડી દીધા ..!!!
જુઠ્ઠો જીવડો ..!!
આવી જ રીતે નોકરિયાતોના સેલ્સ ના ટાર્ગેટ એચીવ નથી થતા અને પછી જે ગાળો પડે ત્યારે બીજી થીયરી લાગુ પડે , આપી ને ગયા છે ને કઈ લઇ તો નથી ગયા ને..!!
અરે એના મનનો મેલ એણે કાઢયો છે ,એનું બ્લડ પ્રેશર હાઈ થઇ ગયું હશે એટલે તારી ઉપર કાઢયું ,તું બે સુટ્ટા મારી લે ..!
પેહલી તારીખે પગાર હાથમાં આવે એટલે ગાળો હવામાં..!!
૨૦૨૧ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે , જાણે કોઈ ચમત્કાર થવાનો હોય …!
દવાખાને આવતા દરેક પેશન્ટ આજકાલ મમ્મી ને એમ જ કેહતા હોય છે કે મેડમ જલ્દી બેઠો કરો મને ..! ત્યારે મમ્મી એમને એક જ વાત કહે .. જો ભાઈ રોગ આવે હાથી વેગે અને જાય કીડી વેગે..!!
હાથી વેગે આવેલો રોગ હાથી વેગે જાય એવી આશા કરવી ખોટી છે..!!
અચાનક ઉભો થયેલો ભય પણ વાદળ વિખારાઈ જાય એમ વિખરાય એ આશા પણ ખોટી છે..! અને આમ પણ ભયમાં જીવતી પ્રજા ઉપર શાસન કરવું બહુ સેહલું હોય છે એટલે ઝટ ભય વિખેરાય એવું માની લેવાનું કોઈ કારણ નથી..!!!
“વુહાન વાઈરસ” ની “લંડન સ્ટ્રેઈન” નવો કેટલો તરખાટ મચાવશે એ તો હવે ઉપરવાળો જાણે..!!
આપણે તો સેલ્સના ટાર્ગેટ અને ઘાલખાધ ની વચ્ચે રમવા નું..!!!
સો વર્ષમાં ના જોયેલું બજેટ આપવા ના છે એવું ક્યાંક વાંચેલું..!!
હરી…હરી ..!!
“ઈઝ ઓફ બીઝનેસ” લાવવા ની છે એટલી સાદી વાત યાદ રખાય તો સારું , બાકી તો કોરોનાકાળ નો અનુભવ એવું કહે છે કે શાસન નો દોર દમામ બધું અધિકારીઓ પાસે છે, બે ચાર રાજકીય વ્યક્તિઓ સિવાય..!!
કદાચ જુના ઘણા બધા નક્કામાં થઇ ગયેલા કોર્પોરેટ કાયદા કાઢી નાખશે અને નવું આવશે ,કે પછી એવું પણ બને કે જૂની બાટલી ને નવો માલ કે પછી નવા માલમાં જૂની બાટલી..!!!
૨૦૨૦ નો છેલ્લો દિવસ છે, પણ ફરી એકવાર બહુ હરખાવાની જરૂર નથી , કોરોના હજી ગયો નથી અને પોલીસ એકદમ ચોકન્ની છે , કામ પતે એટલે ચુપચાપ ઘરમાં આજે, મંદિરો ગણવા પણ જો મારી જેમ રહી રહી ને નીકળતા હો તો પણ આજે નહિ..!!
સમર્થેશ્વર મહાદેવમાં મહિના દિવસની અખંડ રામધુન હોય છે અને પોલીસ બહુ હેરાન નથી કરતી એટલે મારા જેવા છેક પોણા નવે જાય ,બે ચાર માણસ જ હોય ..!
પણ આજે પત્નીજી એ કહી દીધું છે રાત ત્યાં જ રોકવાનો ત્યાં તો જ જજે બાકી વેહલો પતાવી દેજે..!!
માનવું પડે ..!!
આજે સવાર સવારમાં શ્રી રામ જય રામ, જય જય રામ..કરશું ..!!
અને રામ મંદિરમાં સરખું મુકજો ભાઈઓ, પાંચ પાંચ સદીઓ વીતી પછી મારો રામ ઝુંપડીએ થી મંદિરે જાય છે..!!
ક્યારેક વિચાર એવો પણ આવે છે કે “ભગવાન એ આપણને બનાવ્યા છે કે આપણે ભગવાન ને બનાવીએ છીએ ?”
કોણે કોને “બનાવ્યા” અને કોણ કોને “બનાવી” રહ્યું છે ?
વિચારજો આ લાઈન ઉપર દિવસ નીકળી જશે..!!
જય શ્રી રામ
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*