હફિંગટન પોસ્ટ લખે છે કે એક બ્રિટીશ સન્નારીની આંખમાં અઠ્યાવીસ વર્ષ કોન્ટેક્ટ લેન્સ ફસાઈ રહ્યો..અને અઠ્યાવીસ વર્ષે એ બ્રિટીશ મહિલાની આંખમાંથી સર્જરી કરીને એ લેન્સ કાઢવામાં આવ્યો..
આવું બને ..?
હા બને છે ,અને આવા બીજા કિસ્સા પણ છે એક રશિયન મહિલા સાથે પણ આવું થયું હતું..
મોટેભાગે શરીર જેને આપણે “ફોરેનબોડી” કહીએ એવી કોઇપણ વસ્તુ સંઘરે નહિ, છતાં પણ ક્યારેક વર્ષો સુધી શરીરમાં આવું કૈક રહી જતું હોય છે..
પપ્પા-મમ્મીના એક મહિલા પેશન્ટ છે.નામ નથી લખતો પણ મહાગુજરાત ના આંદોલન વખતે એ પોળમાં પોતાના ઘરમાં બપોરની ચા બનાવતા હતા, અને બાહર રમખાણો ચાલી રહ્યા હતા અને બિલકુલ એમના સામે ના ઘર ની દીવાલ ઉપર એક સનનન બંદુકની ગોળી આવી અને ગોળી ત્યાં ફૂટી ગઈ પણ ગોળીમાંથી નીકળેલા છરા રસોડાની બારીમાંથી એમના ઘરમાં આવ્યા અને એમના શરીરમાં ઘુસી ગયા,
આખા શરીરમાં અસંખ્ય છરા ઘુસી ગયા , ત્યારે તાત્કાલિક સારવાર કરવામાં આવી અને બને તેટલા છરા શરીરમાંથી કાઢવામાં આવ્યા ,પણ હજી આજે પણ ૨૦૧૮માં એમને ક્યારેક દુખાવો શરીરના કોઈક ભાગમાં થાય ત્યારે સેહજ નાનકડો ચેકો મૂકી અને પાપા એમના શરીરમાંથી છરા કાઢે છે..
શરૂઆતના વર્ષોમાં દર મહીને એકાદ બે છરા ની એવરેજ રેહતી હવે વર્ષે દાડે એકાદ માંડ નીકળે છે ..
બહુ અજીબોગરીબ ઘટના છે ,પણ આવું થતું હોય છે..
કોન્ટેક્ટ લેન્સ ના કિસ્સામાં એક્ચ્યુલી શરૂઆતના સમયમાં પેલા હાર્ડ લેન્સીસ આવ્યા હતા..
એશીના દાયકામાં હાર્ડ કોન્ટેક્ટ લેન્સ આવ્યા અને એ કાચના જ બનેલા હતા..
મને એ `ભયાનક` દિવસ યાદ છે જયારે મને પેહલી વાર હાર્ડ લેન્સીસ પેહરાવવામાં આવ્યા હતા..
પ્રેક્ટીકલી મારી આંખમાં કાચના કણા નાખવામાં આવ્યા હતા ,એ વાત સાચી કે ખુબ સરસ વિઝન થઇ ગયું હતું પણ ક્યાં ભોગે એ સારી દુનિયા જોવાની ..?
પછી આવ્યા સેમી સોફ્ટ લેન્સીસ એમાં થોડી રાહત થઇ, પણ સોફ્ટ લેન્સીસ ના આગમન પછી દુનિયા થોડી સરખી થઇ..અને હવે તો પેલા ડિસ્પોઝેબલ લેન્સીસ ..ઘણી શાંતિ થઇ ગઈ છે ..
હાર્ડ લેન્સીસ કીકી કરતા નાના બનાવવામાં આવતા હતા, કારણકે આંખ પોતાને જોઈતો ઓક્સીજન જાતે હવામાંથી લઇ લે છે,એટલે આંખને જોઈતો ઓક્સીજન પુરતો મળી રહે અને ઓક્સીજન આંખમાં આવે જાય માટે હાર્ડ અને સેમીસોફટ બંને કીકી થી નાના રાખવામાં આવ્યા..
પછી આવ્યા પેલા પ્લાસ્ટિકના સોફ લેન્સીસ..જે હાઈડ્રોજેલ પ્લાસ્ટિકના બન્યા હતા અને હાઈડ્રોજેલ પ્લાસ્ટિકને લીધે આંખમાં લેન્સ પેહર્યાં પછી નો જે ખટકો રેહતો એ જતો રહ્યો ..
પણ સોફ્ટ લેન્સને સાચવવાની બબાલ ઘણી ,એને પ્રોપર સોકીંગ થવા દેવું પડે આખી રાત અને જરાક પણ ખુલ્લા પાણી વિના રાખ્યા કે તરત જ ગયા..હાઈડ્રોજેલ પ્લાસ્ટિકનું પાણી સુકાઈ ગયું તો પણ લેન્સ ફેંકવા માં જાય..
અને ત્યાર પછી આવ્યા સીલીકોન હાઈડ્રોજેલ..સુપર્બ વસ્તુ શોધનારા એ શોધી છે..!!
બિલકુલ ખબર જ ના પડે કે આંખમાં કૈક પેહરેલું છે ..અને સીલીકોન હાઈડ્રોજેલની ઓક્સીજન પર્મીએબીલીટી નેચરલ કોર્નિયા કરતા પણ વધારે છે..એટલે લગભગ આંખો સેઈફ થઇ જાય છે..
પણ હા લેન્સીસ પેહર્યાં હોય ત્યારે થોડું સભાન તો રેહવું પડે આંખમાં કઈ વાગે નહિ એનું બહુ ધ્યાન રાખવું પડે , અને એકવાર થોડો કડવો અનુભવ પણ થયો હતો..
બધા મિત્રો સાથે માઉન્ટ આબુ ગયેલા અને ઠંડીમાં બાકી બધા સાંજથી જ ગરમ થઇ ગયા હતા અને આપણે તાપણે વળગ્યા હતા સતત ચારેક કલાક તાપણા પાસે બેઠા અને એ પણ તાપણા મેનેજર તરીકે, ત્યારે અચાનક મારી આંખ સામે અંધારું છવાઈ ગયું..
તરત જ કોન્ટેક્ટ લેન્સ કાઢી નાખ્યા અને અમદાવાદ ફોન લગાડ્યો ફોનથી આંખના ટીપા નું પ્રીશ્ક્રીપશન લીધું અને મિત્રોને દોડાવ્યા ..
બધાના નશાની મેં પત્તરફાડી નાખી હતી..
સિલિકા બેઇઝ કોન્ટેક્ટ લેન્સ પેહરીને ક્યારેય તાપણાની નજીક ના જવું… બ્રહ્મ વાક્ય..!!
એ જ રીતે સીલીકોન બેઇઝ લેન્સ પેહરી ને કાંદા ના કપાય , બહુ જ ઝીણા અક્ષરે લખેલું હોય છે કે ગરમી અને એમોનીયાથી કોન્ટેક્ટ લેન્સ પેહર્યાં હોય તો દુર રેહવું ..
કાંદામાં લગભગ 19 થી ૩૨ ટકા એમોનીયા હોય છે જે આપણી આખોમાંથી પાણી કઢાવે છે એટલે એ જ એમોનિયા કોન્ટેક્ટ લેન્સ સાથે રીએક્ટ કરે છે અને આંખ આગળ સફેદ આવરણ છવાય છે..
પ્રેક્ટીકલ કરી ચુક્યો છું માટે દાવા સાથે રીઝલ્ટ આપું છું..
રહી વાત પેલા બ્રિટીશ સન્નારીની તો એમના કેસમાં એમણે સોફ્ટ લેન્સ પેહર્યો હતો અને લેન્સ પાપણની અંદરની બાજુ એકદમ ઉપર ચડી ગયો અને એમને એવું લાગ્યું કે મારો લેન્સ બાહર પડી ગયો છે અને લેન્સ આંખની બહાર પડતા પેહલા આંખમાં છરકો કરતો ગયો છે એવું એમને લાગ્યું .. હકીકતે એ લેન્સ નું પીલ્લું વળી ગયું હતું અને પાપણની ઉપર ખુબ ઊંડે લેન્સ જતો રહ્યો..
હવે કુદરતે કરામત અહિયાં ચાલુ કરી પાપણની અંદર છુપાયેલા લેન્સની ઉપર સમય જતા એક ટીસ્યુનું આવરણ આવી ગયો અને એમના શરીરે એ કોન્ટેક્ટ લેન્સને પોતાનામાં સમાવી લીધો..
જેમ પેલા પોળમાં રેહતા મહિલાના શરીરમાં ઘુસેલા છરાને એમના શરીરે સમાવી લીધા અને પછી સમય સમય પર છરાને એમનું શરીર બહાર ફેંકતું ગયું એમ જ પેલા બ્રિટીશ મહિલાના શરીરે અઠ્યાવીસ વર્ષે લેન્સ ને બહાર ફેંકવાનું ચાલુ કર્યું ..
શરૂઆતમાં તો ડોકટરોએ સીસ્ટ (પાણી ની ફોડલી ) સમજી ને ટ્રીટમેન્ટ કરી પણ પછી લાગ્યું કે ના કૈક બીજું છે હવે ખોલવા સિવાય કોઈ રસ્તો નથી એટલે ચેકો મુકવાની વાત આવી અને પછી ચેકો મૂકી અને ઓપરેટ કર્યું ત્યારે કોન્ટેક્ટ લેન્સ હાથમાં આવ્યો..!!
આવી રીતે ઘણા બધા બીજા ઇમ્પ્લાન્ટને પણ ઘણી બધી વાર શરીર બાહર ફેંકી દેતું હોય છે અહિયાં બધા ઈમ્પ્લાન્ટસ ના નામ લખી ને કોઈને ડરાવવાનો ઈરાદો નથી માટે નામ લખતો નથી ,પણ શરીરમાં જયારે બહારની વસ્તુ ઈમ્પ્લાન્ટ થાય છે ત્યારે જીવનભર એક લટકતી તલવાર તો માથે હોય જ છે..
અને હા પૂરું કરતા પેહલા જે લોકો કોન્ટેક્ટ લેન્સ પેહરતા હોય એ લોકો એ જો એમનો કોન્ટેક્ટ લેન્સ પેહર્યો હોય અને ક્યારેક પાપણમાં ચડી જાય ,જે બહુ જ આમ વાત છે પછી આખો હાથમાં ના આવે તો તાત્કાલિક ઓપ્થેલ્મોલોજીસ્ટ પાસે દોડવું ..
ઓપ્થેલ્મોમાં બે જ ઈમરજન્સી હોય છે એક રેટીના ડિટેચમેન્ટ અને બીજી કોન્ટેક્ટ લેન્સ .. બાકી બધું તો પ્લાન્ડ હોય છે..
પૂરું કરતા પેહલા નાનકડી વાત ..
હમણાં મારી બેહન આવી હતી અમેરિકાથી અને એને મળવા એની ઓપ્થેલ્મો ફ્રેન્ડ દિલ્લીથી આવી હતી .. એ લોકો જામનગર મેઘજી પેથરાજમાં ભણતા ત્યારની વાત યાદ કરતા હતા ..એક એમડી ફીશિયન નું ભણતો એમનો મિત્ર હમેશા એમ કહે કે મારે તો પગના અંગુઠાથી માથા સુધી આખા શરીરનું ધ્યાન રાખવાનું હોય છે અને તમારે ઓપ્થેલ્મો વાળાને તો શું ?
પણ એ જ ફીઝીશીયન ને આંખમાં ઇન્ફેકશન આવ્યું ત્યારે ઓપ્થેલ્મોવાળાને પગે પડી ને કરગરી ગયો હતો .. આંખે દેખાશે નહિ તો શું ધૂળ પ્રેક્ટીસ કરવાનો હતો..? ઓપ્થેલ્મો વાળાની મજાક કરવા વાળા જોડે મન ભરી ને બદલો લીધો ઓપ્થેલ્મોવાળાએ ત્રણ દિવસ ટ્રીટમેન્ટ કરતા કરતા..
વાત તો ખરી, નાની નાની પણ આંખ અને એના વિનાની જિંદગી ..
ના ચાલે બોસ
સાચવજો તમે પણ ..
શુભ રાત્રી
શૈશવ વોરા