કેરલ પાણીમાં ડૂબાડૂબ છે..છાપું લખે છે માનવસર્જિત ઉપાધી છે..ડેમ ના દરવાજા ખોલ્યા અને મુસીબત સર્જાઈ ..ક્યાંક એવું લખ્યું કે ૪૪ નદીઓનો શ્રાપ છે..
આવું દેશમાં પેહલી વારનું નથી ..
*કુદરતને નાથી અને કુદરતની સામે પાડીને માણસજાતે જેટલા “ખેલ” કર્યા છે એ બધા “ખેલ”ને કુદરત લાગ આવ્યે વ્યવસ્થિત રીતે “સરખા” કરી મુકે છે..*
કેરલના પાણી ટીવી જોઈ જોઈ મને તો ઘરમાં બેઠા બેઠા બીક લાગે છે..તમને પણ થતું હશે ..!!
પણ થાય એવું થાય,એમાં આપણો વાંક નથી ટીવીવાળા મુઆ છે જ એવા..!!
એમનું ચાલે તો ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ના દેહાવસાન પછી આખા ભારત ના ઘેર સાંજે ખીચડી બનાવડાવે..!
એક ના એક સીન પાંચ પાંચ દિવસ બતાડ્યા કરે..
ખૈર ..એક બીક તો વર્ષોથી લાગી રહી છે, પણ સરકારો કુંભકર્ણ નિંદ્રામાં છે..!!
મને હમેશા બીક નર્મદા કેનાલની લાગી રહી છે, ડેમની મજબુતાઈ સમય સમય પર ચકાસી લેવાય છે પણ નેહરોના પાળાની ચકાસણી નથી થતી, અને એવામાં ક્યાંક ન કરે નારાયણ ને નર્મદા કેનાલમાં બાખું પડ્યું તો અમદાવાદની પથારી ફરી જાય..
આપણે ત્યાં ડેમ ને સાચવવાની ઓથોરીટી છે, પણ જરાક એ ઓથોરીટી કે સરકાર ઝોકું ખાઈ જાય એટલે પત્યું ,
સાબરમતીનું ૧૯૭૩નું પુર અને અમદાવાદની ગીરનાર સોસાયટીનું તણાઈ જવું એનું કારણ વાસણા બેરેજના દરવાજા ના ખુલવા ને લીધે હતું..!!
પેહલા પણ આખો બ્લોગ લખ્યો હતો કે *દરેક ડેમની આજુબાજુ ના પાળા અને કેનાલો ના પાળા ની સમય સમય પર મજબુતાઈની ચકાસણી થવી જ જોઈએ..અને એના માટેની એક સ્વત્રંત્ર ઓથોરીટી સરકારે ઉભી કરવી રહી..*
આપણા દેશની બીજી પણ એક કમબખ્તી છે કે જે કોઈ નાની હોનારત થાય એ પણ દેશની વસ્તી ને લીધે મોટી થઈને બહાર આવે છે ..પરદેસમાં જ્યાં પાંચ માણસ મારે ત્યાં અહિયાં પાંચસો જાય..
અટલ બિહારી બાજપાઈના સમયમાં નદીઓને જોડાવાની વાર્તા હતી અને મોદી સાહેબે પણ એ વાત આગળ ચલાવી ..કેરલની ભીષણતા જોઇને બીક લાગે છે..
આવો જ કેહર જો ગંગા જમનાના મેદાનોમાં થાય તો લાખ્ખો માણસ ને અસર થાય અત્યારે કેરળમાં આઠ લાખ લોકો ને અસર થઇ છે એવું ન્યુઝ એજન્સીસ કહી રહી છે ..
કુદરતની જોડે ના ચેડા થોડાક ધીમે ધીમે કરવા રહ્યા ,નહિ તો કુદરત બધું વ્યાજ સાથે વસુલે છે..
જુના જમાનામાં શેહરો નદી કિનારે વસતા હતા, પણ નદીના ભાઠા ખુલ્લા છોડવામાં આવતા હતા , ક્યારેય નદીના ભાઠામાં કશું જ બાંધકામ નોહતું થતું ખાલી અસ્થાઈ રૂપે શાકભાજીની ખેતી થતી ..
જયારે આજે નદીના ભાઠા જ સરકારો એ વેચી માર્યા છે અને એનું ઉત્તમ ઉદાહરણ રીવર ફ્રન્ટ છે..!!
*જ્યાં સરકાર નદીના ભાઠા નથી વેચી રહી ત્યાં બિલ્ડર નામની `પ્રજાતિ` પદ્ધતિસર અતિક્રમણ કરી અને નદીના ભાઠા પડાવી લે છે..*
અને આવા સમયે સૌથી પેહલો ભોગ લેવાય છે એ અતિક્રમણ કરેલી જગ્યાનો, કુદરત પાસેથી છીનવી લીધેલી જગ્યાને કુદરત કેવી રીતે પાછી મેળવવી એ બહુ સારી રીતે જાણે છે ,
આપણા બાપદાદા કેહતા કે નદી કિનારે શૌચક્રિયા ના કરાય અને આપણે શું કર્યું નદી કિનારે વસેલા બધા જ શેહરોની બહાર એક કેહવાતું સુએઝ ફાર્મ બનાવ્યું અને પછી ત્યાં આખા શેહરની શૌચ ક્રિયાનું ગટરો દ્વારા ભેગું થયેલું પાણી ટ્રીટ કર્યું ના કર્યું અને છોડી દીધું નદીમાં..!!
જય હો ..
*લોકમાતા તરીકે ઓળખાતી નદીઓને આપણે ખુલ્લી ગટર બનાવી દીધી છે..*
દિલ્લીમાં જમનાજી જોવાય એવા નથી રહ્યા ,સા`ભ્રમતી ઉર્ફે સાબરમતીને જો ધોળકા આગળ જોવો તો પણ ઉલટી થઇ જાય ,ખાલી જોવાની વાત કરું છું આચમન લેવાની નહિ ..!!
ચોખ્ખા પાણી ને ચેક ડેમ અને ડેમ બનાવીને આપણે રોકી લીધા છે બાર મહિનમાં કદાચ એક મહિનો માંડ થોડુંક ચોખ્ખું કેહવાય એવા પાણી નદીઓ સાગર સુધી પોહચાડે છે, બાકી તો નકરા ગટરના પાણી જ નદીઓમાં હોય છે..
ભારતભરની લગભગ દરેક નદી ઉપર ડેમ બાંધી અને નદીઓના પ્રવાહ રોકી પાડ્યા છે ..
આખું કેરલ આજે લગભગ ધાબે વસી રહ્યું છે , કુદરત થોડી મેહરબાન થઇ છે વરસાદ રોકાયો છે પણ પાણી ઓસરતા અઠવાડિયું મીનીમમ લાગશે..
કેરળ માં તો જે થયું તે થયું.. આપણે આપણી વાત કરીએ તો ગુજરાતે મોરબી નો હાહાકાર જોયેલો છે , હું રહી રહીને નર્મદાની કેનાલો ઉપર આવું છું ,લબાલબ પાણી નર્મદા કેનાલમાં છે અને પ્રેશર પણ ભયાનક હોય છે એ પાણી ની ઉપર ,એક બાખું અને પછી કેનાલના પાણીને કન્ટ્રોલ કરતા સુધીમાં તો કોઈ એક મહાનગરમાં પાંચ ફૂટ પાણી આરામથી ચડી જાય એવી હાલત છે ..
જાગવું જ રહ્યું ..
તાત્કાલિક ધોરણે નેહરોના પાળાના સેમ્પલ્સ કલેક્ટ કરી અને સ્ટ્રેન્થ જોવી જ રહી..!!
ચેતતો નર સદા સુખી..
મેઘરાજા આખા ગુજરાત ઉપર મંડાયેલા છે ,કોનો વારો પડશે એની ખબર નથી પણ ગ્લોબલ વોર્મિગની અસર ગણો કે પછી અલ નીનોની ,પણ વરસાદ પડે છે ત્યારે એકધારો પડે છે અને શેહરો ભરાઈ જાય છે પાણીથી..
આ વર્ષે તો નર્મદા ડેમના તળિયા દેખાઈ ગયા છે , જો કે કેચમેન્ટ વિસ્તારના સારા વરસાદે અત્યારે તો ડેમ ની સપાટી વધારી છે અને સરકાર પણ જાગી ગઈ છે જે બીજા ડેમ ના હજી તળિયા દેખાઈ રહ્યા છે અને જ્યાં પાઈપલાઈન પોહચી છે ત્યાં તાત્કાલિક ધોરણે નર્મદાના પાણી છોડી અને ડેમ ભરવાના આદેશો થઇ ચુક્યા છે ,એટલે નર્મદા ડેમ ને ઓવરફલો થવા દઈને પાણી વેડફી નાખવું એના કરતા સમયસર બીજી જગ્યાએ પાણી લઇ જઈને સ્ટોર કરવું સારું..
બ્રાવો રૂપાણી સાહેબ..
રહી વાત ગુજરાતના ચોમાસાની તો શ્રાવણ અડધો ગયો હજી કદાચ એકાદું આવું બીજું બાઉટ આવે વરસાદનું તો પણ વર્ષ બાર આની થી ઓછું બેસે..
છતાંય આ તો ભાઈ વરસાદ કઈ કેહવાય નથી ધડબડાટી બોલાવી પણ દે .. અને સુકા દુકાળની બીક હતી ત્યાં લીલો આવી જાય..
જો કે `ખેડૂ` ના દીકરા ને પૂછો તો `લીલો સારો, સુકો ખોટો એમ કહે..`
કમ સે કમ મૂંગા માલને ચારો તો મળી રહે..પછી શિયાળે પાક તો લઇ લેવાશે..
સેટેલાઈટ ઈમેજની એંધાણી એવું કહે છે કે ગુજરાત ઉપર એકાદ બે દિવસમાં ક્યાંક સરખો ખાબકશે ..
જોઈએ કોનો વારો પાડે છે આ વખતે મેઘરાજા..
આજે આટલું જ
શુભ રાત્રી
શૈશવ વોરા