છેલ્લા બે ચાર દિવસથી એવું લાગી રહ્યું છે કે કોવીડ તો જાણે નગરી અમદાવાદમાંથી જતો રહ્યો છે , મુંબઈમાં ફોન કરી ને જરાક પૂછ્યું અલ્યા તારે ત્યાં કેવું ? એ જ જવાબ કે ક્યાંય કશું છે જ નહિ એમ જ પ્રજા ભટકી રહી છે..!!
સુરત ,વડોદરા ,ભાવનગર કે રાજકોટ કોવીડ જાણે ભૂતકાળ થઇ ગયો હોય એમ પ્રજા ફરી એકવાર છાકટી થઇ છે..!!
એલાર્મિંગ સિચ્યુએશન …!!!!
દિવાળી પછી સેહજ સેહમી ગઈ હતી પબ્લિક ,જે રીતે કોગળિયું ફાટ્યું હતું એ જોઈ ને, પણ હવે ફરી પાછું ચાલુ થયું છે , ગીર હોય કે આબુ બધું ફટાફટ જામ પેક થઇ રહ્યું છે..!!
થોડાક દિવસથી માલદીવ અને દુબઈ ના જનતા જનાર્દન ના ફોટોઝ અપ લોડ થઇ રહ્યા છે..!!
માલદીવમાં તો જાણે કોઈ ઓળખીતું નહિ ,પણ દુબાઈવાળા ને એક મેસેજ કર્યો એટલે તરત જ ઘંટડી રણકી..!!
અરે શૈશવ શું કહું હું તને ..તેર મહિનાથી અહિયાં ગુડાણો છું ,ઘર ને ઓફીસ સિવાય ક્યાંય આઘોપાછો થતો નથી પણ આ તમારી પ્રજા ગાંડી થઇ છે , માણેકચોક જેવી ભીડ અહી દુબઈ માં કરી મૂકી છે , રોજ ફ્લાઈટો ભરી ભરી ને પ્રજા ભાટકવા અહિયાં આવી રહી છે ,
આટલા વર્ષથી અહી દુબઈમાં રહું છું અને જે જગ્યાએ જતા મને ડર લાગે છે કે ક્યાં ક કોવીડ મને ના વળગે એવી એવી જગ્યાએ અમદાવાદીઓ રખડી રહ્યા છે..!
મેં પૂછ્યું તારે ત્યાં કેસો કેટલા ?
અરે ભાઈ રોજ ના સત્તરસો અઢારસો થઇ ગયા છે એશી લાખ ની વસ્તી છે એમાં..!!
કેલીફોર્નીયામાં પણ એ જ હાલત , ખાટલા ખાલી નથી હોસ્પિટલમાં પણ પ્રજા સમજવાનું નામ નથી લેતી..!
ખરેખર પેલું ગીત યાદ આવે .. દુનિયા બનાને વાલે ક્યા તેરે મનમેં સમાઈ ..કાહે કો દુનિયા બનાઈ ..?
હવે એવું લાગે છે કે ફરી એકવાર પાસપોર્ટ નો ડામ રેશનકાર્ડ એ ખમવો પડશે..!!
જેમ પાથરણા બજાર, ચા ની કીટલી ,પાનના ગલ્લા નો ડામ મોટી મોટી હોટેલો ખમે છે એમ..!!
આજે સવારે નગરી અમદાવાદ ની રૈયત બ્રંચ માટે ઉમટી પડી હતી ,ચારે બાજુ પબ્લિક જ પબ્લિક લગભગ બપોરે દોઢ બે સુધી બ્રંચ ચાલ્યા છે ,પછી આઇઆઇએમ ની કીટલીઓ કે નવી થયેલી સિંધુ ભવન રોડ ઉપરની પાંચ સિતારા..!!
સાયકલોવાળા તો ઠંડી નો લાભ સરસ લઇ રહ્યા છે અને બાઈક રાઈડવાળા પણ પાછળ નથી , સામાજિક મેળાવડા ધીમે ધીમે શરુ થઇ ગયા છે , ભાઈ બીજ ના અધૂરા પડેલા જમણ ગોઠવાઈ રહ્યા છે..!!
પણ બીક લાગી રહી છે..! અમુક પ્રજા તો ખરેખર એમ થાય કે કેમ રખડે છે આ ?
હરવા ફરવા સિવાય જીવનમાં બીજું કશું રાખ્યું જ ના હોય એમ ભટકી રહી છે , હરાયું ઢોર શબ્દ લાગુ પાડવો હોય તો પાડી શકાય..!! જ્યારથી થોડું ઘણું ખુલ્યું છે ત્યાર થી જ ભટકી રહી છે , ના હોય તો છેવટે એક રાત માટે અમદાવાદની આજુબાજુ ના કોઈ રિસોર્ટમાં બે રાત રેહવા જાય..! ઘણા લોકો ૩૧સ્ટ મનાવવા માટે દુબઈ સુધી પોહચી ગયા હતા..!!
બહુ મેસેજીસ નો મારો ચાલ્યો હતો કે આપણો તેહવાર નથી એમ કરી ને પણ હું માનું છું કે ૩૧સ્ટ માટે જે લોકો ઉજવણી કરવા નીકળ્યા હતા એમાંના મોટાભાગ ના ને ક્રિસમસ કેમ ઉજવાય છે અને એની પાછળની સ્ટોરી ખબર નથી હોતી ,
બસ પીવા મળે ,હરવા ફરવા મળે ,પાર્ટી એન્જોય થાય અને દુનિયાભરના સેલિબ્રેશનનો પોતે પણ એક ભાગ છે એવું લગાડવા માટે ૩૧સ્ટ ઉજવવા નીકળી પડે છે કોઈ ધાર્મિક એન્ગલ નથી..!!
આ જ લોકો ને તમે એમ કહો કહો કે દિવાળી એટલે દારુ પીવાનો પાર્ટી કરવાનો અને મોજ કરવાનો તેહવાર તો એ દિવાળી ની મજા પણ એટલી જ લેશે..!
હું પેહલા પણ કેહતો અને આજે પણ કહું છું કે તેહવારો ઉપર જેટલા નિયંત્રણ નાખીએ એટલો ઝડપથી તેહવાર પોતાની લોકપ્રિયતા ગુમાવતો જાય..!!
નવરાત્રીમાં એક સમયે ઘરમાં નકોડા ઉપવાસ અને ગરબો લીધા પછી સ્ત્રીઓ ને પાળવાનું ને બીજા ઘણા બધા રીત રીવાજો આવી ગયા હતા ત્યારે આટલી મોટા પાયે નવરાત્રી ઉજવાતી નોહતી..!
ગમ્મે તેટલી ગાળો પાર્ટી પ્લોટ અને ક્લબો ને આપો પણ મજા અને ગ્લેમર નામનું તત્વ તો એ લોકો એ જ નવરાત્રીમાં લાવી આપ્યું અને પછી દેશ વિદેશમાં ખ્યાતી પામ્યું..!
હું તો ચોક્કસ માનું છું કે પ્રેક્ટીકલી હિંદુ તેહવારોમાંથી રસ ઉડાડવા માટે મજા અને ગ્લેમર નું તત્વ ઉડાડી નાખવા નું ષડ્યંત્ર ચાલી રહ્યું છે ને જાણ્યે અજાણ્યે હિન્દુવાદી માણસ પણ એમાં જોતરાઈ જાય છે..!
હિંદુ જીવનશૈલીમાં ક્યાંય એવું છે જ નહિ કે હું કહું એમ તું કર કે બધા એ હું કહું તેમ કરવું , અને સવાલ તો ધરાર પૂછવાનો જ નહિ..!! આવું કશું છે જ નહિ..!! આખી ભગવદ ગીતા સવાલ જવાબ ના રૂપમાં છે..!!
આપણી જીવનશૈલીમાં પરાપૂર્વ થી ચર્ચા અને વિચારણા ને જગ્યા છે , જન્માષ્ટમી ને દિવસે નક્કોડો ઉપવાસ ના કરી ને ફરાળ કરવાથી કે પછી બિલકુલ ઉપવાસ ના કરવાથી કશું અઘટિત થશે એવા વિચાર ને બહુ સહજતાથી આપણે ફગાવી દઈએ છીએ..!!
એક બીજા ની ટીકા ,નિંદા ,કુથલી ,ટોકવું ,વિરોધ આ બધું જ આપણી જીવનશૈલી નો એક બહુ મોટો ભાગ છે..!!! અને એની જ મજા છે..!!
કદાચ મારો પાંચ લાખ શબ્દો નો બ્લોગ છે ટીકા ,નિંદા ,કુથલી ,ટોકા ટોકી અને વિરોધો થી છલછલ ભરેલો છે અને જોવાની ખૂબી એ છે કે આટલું બધું કર્યા પછી મને વૈષ્ણવ જન થવું છે..!!
નિંદા ન કરે કેની રે..!!
તેહવાર ફક્ત અને ફક્ત આનંદ કરવા જ છે..!! પણ આપણા દંભ એ વાત ને સ્વીકારવા તૈયાર નથી..!
દરેક વ્યક્તિ દારૂ ને મારી ને તમારી જેમ મક્કમ મનથી ઠુકરાવી દે એવી આશા ખોટી છે..! અને પછી તો બહાના ચાહિયે એવી વાત છે..!!
છેલ્લે પૂરું કરતા પેહલા સપ્તક નો શાસ્ત્રીય સંગીત નો કાર્યક્રમ આજકાલ ઓનલાઈન ચાલી રહ્યો છે, હરામ છે એક સ્ટેટ્સ એવું આવ્યું હોય કે લિસનીંગ સપ્તક ઓનલાઈન..!!
ઓનલાઈનમાં એ ગ્લેમર નથી મળતું માટે ઠીક મારા ભ`ઈ..!! બાકી તો ઉમટી પડે પ્રજા..!
અમે તો અમારી જાત ને ભાગશાળી માનીએ છીએ કે કોવીડ એ તાનસેન સમારોહ ઓનલાઈન સંભળાવ્યો ,અત્યારે સપ્તક .. !!
સાચવજો ..
કોવીડ ની હજી વિદાય થઇ નથી અને વેક્સીન હજી લાગી નથી ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા