આજકાલ એક નવો ટ્રેન્ડ બહુ જોરદાર ચાલે છે છોકરાઓ માં , લગભગ દરેકે દરેક છોકરો 17-18 વર્ષનો થાય અને દાઢી આવે એ ભેગી આછી , લાંબી કે એને ગમે તેવી સ્ટાઇલ માં દાઢી ચોક્કસ રાખે..!!
અને જે છોકરાઓ દાઢી નથી આવતી, એ લોકો પ્રેક્ટીકલી જે છોકરાઓને ફૂલ દાઢી આવે છે એની ઈર્ષ્યા કરતા હોય છે..
મને આ વસ્તુનો ખૂબ અનુભવ છે , જીમમાં 17-18 વર્ષના નાના ટેણીયા આવે અને એમાં જેને દાઢી ના આવતી હોય એ પ્રેમથી આવે મારી પાસે , અને વળગી પડે અને મારી દાઢી ઉપર હાથ ફેરવતા બોલે અંકલ આપકે જેસી દાઢી મેરી કબ આયેગી ..???
અને હું હસતા હસતા જવાબ આપુ ..અલ્યા આવશે આવશે ધીરજ રાખને… અને આ’યા પછી કોઈ દિવસે ઍ પાછી જવાની નથી , જિંદગી આખી તારે અસ્ત્રા ફેરવાવના જ છે તારી દાઢી ઉપર , એક વાર આવી ગયા પછી..ધીરજ રાખ ..!!
આટલી સલાહ થી સંતોષ ના વળે એમને એટલે ઘણા ટેણીયા દાઢી જલ્દી ઉગે એના માટે દાઢી ઉપર અસ્ત્રા ફેરવે..
એવા જ એક અસ્ત્રા ફેરવતા બકુડા ને મેં પૂછ્યું કે અલ્યા તારે કેમ આટલી બધી ઉતાવળ છે દાઢી લાવવાની ?
તો જવાબ હતો અંકલ આપકો માલુમ નહિ હૈ આજકાલ દાઢી નહિ હોતી હે ના જિસકો તો ઉસે સબ “મિઠ્ઠે” બોલ્તે હૈ..
મીઠા એટલે સમલેંગિક, એટલે કે ગે …
વાત તો જાણે સાચી ,શરૂઆતમાં બિલકુલ સફાચટ દાઢી રાખીને રણબીર કપૂર, કપૂર ખાનદાન નો વારસદાર પણ જ્યારે નવો નવો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યો ત્યારે એની ઉપર પણ આ પ્રકારના આરોપો લાગ્યા હતા , કે થોડો ‘ગેઇશ’ દેખાય છે , જેકી શ્રોફના દીકરા ઉપર પણ આ જ રીતે “પ્રેમ” વરસાવવામાં આવ્યો હતો કે ‘ગેઇશ’ લુક છે…!!
અને બંને સ્ટાર કિડ ની માતાઓ ઍ એમની ‘ગેઇશ’ઇમેજ દૂર કરવા ઘણી મહેનત કરેલી..
થોડું આપડે રિસર્ચ કર્યું કે આ દાઢીનો ટ્રેન્ડ ચાલુ ક્યાંથી થયો હમણાં નવો નવો..?
તો આવું કંઈક જાણવા મળે છે કે dan bilzerian કરીને એક દુનિયા નો બહુ મોટો જુગારીયો અને ઐયાશ છે, જેની ઇંસ્ટાગ્રામ ઉપર followership કદાચ કરોડોમાં છે અને એકદમ થીક દાઢી વધારી અને એણે પોતાના પિક્ચર્સ ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરવાના ચાલુ કર્યા, અને ધીમે-ધીમે ત્યાંથી ટ્રેન્ડ સેટ થઈ ગયો દાઢીનો..
દાઢીના ચાલી રહેલા આ જબરજસ્ત ટ્રેન્ડમાં હું ઘણીવાર એરક્રાફ્ટમાં કે ટ્રેનમાં કે ક્યાંક સફરમાં જતા હોઈએ ત્યારે આજુબાજુમાં બેઠેલા કોઈ દાઢીધારી ને ક્યારેક ધારી-ધારી ને જોવાની કોશિશ કરતો હઉ છુ , અને એકચ્યુલી દાઢીધારી દાઢી વિના કેવો લાગતો હશે ઍ ફિગર આઉટ કરવાની કોશિશ કરતો હોઉ છુ .. નકરો ટાઇમ પાસ ..
પણ મારું બેટુ પકડાય જ નહીં…!! તમે કોઈ અંદાજ જ ના બાંધી શકો કે આ ભઇ નું મોઢું ત્રણ ખુણીયું છે ચાર ખુણીયું છે કે પાંચ ખુણીયું છે .. ચીબાવલા ની ચીબુક કેવી છે એનો અંદાજ જ ના આવે..
દાઢી નો મોટામાં મોટો ફાયદો છે એ કે તમે તમારા ફેઇસ નો શેઇપ તમે બદલી શકો છો , અને ફેસના શેઇપ બદલાવાથી તમારી આખી પર્સનાલિટી નો ફરક આવે છે..
જો કે મને તો પહેલેથી આછી પાતળી દાઢી રાખવાનો શોખ હતો , અને આજકાલ દાઢી નો જે જોર ટ્રેન્ડ બની ગયો છે એટલે મને તો દોડ્વુ હતુ ને ઢાળ મળ્યો ..
પણ એ જમાનામાં થોડી ઘણી પણ દાઢી રાખી હતી ખરી , અને ત્યારે દાઢી રાખવા માટે એક વ્યક્તિ ની જીવનમાં બહુ ગાળો ખાવી પડતી ..
હા એ જ, જેની ગાળો ખાઈ ને તમે પણ મોટા થયા છો, પપ્પાની.. યાદ કરો તમે પણ કદાચ મારી જેમ કોઈ બીજી નાની ‘ગુસ્તાખી’ કરી હોય તો શું હાલત થતી?
જરાક દાઢી વધે ત્રણ-ચાર દિવસ ની દાઢી થાય એટલે બાપાની બૂમ આવી જ હોય આ શું દાઢી વધારી છે ? માણસ માં રહેવાનું છે કે જંગલીની જેમ જીવવાનું છે ? દાઢી કરો ..
અને પછી જખ મારીને દાઢી કરવી પડતી હતી , બીક હતી પપ્પાની , અને પપ્પાની બીકે દાઢી પણ કરવી પડતી હતી અને જરાય વધારે પડતી સ્ટાઇલમાં વાળ પણ નોહતા કપાવાતા..
મારા ફોઈ ના છોકરાઓ જે અમારાથી થોડા મોટા ઉંમરમાં , દસેક વર્ષ જેવુ , એ બધા ઍ ઘણા વર્ષો સુધી અમને છાલિયા કટ કરીને બોલાવતા , જોકે આજે એ કટ ને વાડીલાલ કટ , મશરૂમ કટ, કહેવામાં આવે છે, અને આજકાલ ઘણી ઇન છે , પણ ત્યારે તો એ જમાનામાં એમ જ કહેતા અમને કે તારે માથે છાલિયુ મૂકી અને હજામે તારા વાળ કાપી નાખ્યા છે..
અને એ રીતે જોઉં ને તો મને આજ કાલ ના છોકરા ઘણા નસીબ વાળા લાગે છે , કે આ મેટરમાં બાપાનો ત્રાસ લગભગ જતો રહ્યો છે..
જેને જે રીતે વાળ કપાવવા હોય એ રીતે ઍ લોકોને વાળ કપાવવાની છૂટ છે , દાઢી રાખવી હોય તે રીતે દાઢી રાખવાની છૂટ છે, આપણને તો પકડી પકડીને દાઢી છોલઇ નાખે અને ઉપરથી બે ટપલી પડે તે વધારાની..
દાઢી માટે સૌથી વધારે ગાળો ક્યારે પડતી એવુ યાદ કરુ તો જીવનનો એક બહુ મહત્વનો અને મોટો ત્રાસજનક પણ નાજુક તબક્કો….
જેને આપણે પરણતા પહેલા છોકરી જોવા નો તબક્કો કહીએ એ તબક્કામાંથી જ્યારે પસાર થઈ રહ્યા હોઇએ ત્યારે , જ્યારે છોકરી જોવા જવાનું હોય ત્યારે તો અચૂક ટકોર આવી જ હોય કે દાઢી કરીને આવજે..
પપ્પા ઍ બાબતમાં એટલા બધા કડક રહેતા કે જો એક દિવસમાં બે છોકરી જોવાની હોય ,અને સવારે એક છોકરી વાળા આવ્યા હોય અને સાંજે બીજા આવવાના હોય તો સવારે તો દાઢી કરવાની પણ સાંજે પણ દાઢી કરવાની ..
મને એમ થાય કે એક પાંચ કલાકમાં કેટલી એવી તે દાઢી વધી જવાની છે? પણ ના ડોક્ટર નો છોકરો વ્યવસ્થિત તો દેખાવો જ જોઈએ અને વ્યવસ્થિત દેખાવું એટલે દાઢી કરેલું મોઢું ચોખ્ખું હોવુ જોઈએ આ એમની ડેફીનેશન..
તમને થશે કે આજે શૈશવ ભાઈ ખરું દાઢી પુરાણ ખોલીને બેઠા છે , પણ યાર બ્લોગ છે , અને બ્લોગ એટલે મનની વાતો ..
આપણે તો કઇ થોડી રેડિયો ઉપર જઈને બોલવા ના છીએ ? હા ટીવી માં જઈએ છીએ , પણ હવે ત્યા તો એ લોકો ટોપીક આપે એની ઉપર જ બોલાય , ટીવી ઉપર જઈને આપણે દાઢીની ડિબેટ થોડી થાય ? એટલે અત્યારે આ લખી અને મનનો ભાર હળવો કરી નાખું છું..
હવે દાઢી માટે લેટેસ્ટ ટ્રેન્ડ ની વાત ..
એકદમ લાંબી અને થીક જાડી દાઢી નો ટ્રેન્ડ લગભગ આઉટ ડેટેડ થઈ રહ્યો છે, અને સેહજ હલકી એવી આછી પાતળી દાઢી અત્યારે ઇન છે , અને આવનારા બે પાંચ વર્ષ પછી ફરી પાછું એકવાર સમયચક્ર ફરશે અને આપણા પપ્પા ના જમાનામાં જેમ સફાચટ દાઢી અને મુછ ઉડાડી દેવાનો જે ટ્રેન્ડ હતો એ ટ્રેન્ડ કદાચ પાછો આવી જશે,
આમ જોવા જઈએ તો ફેશનની દુનિયામાં નામ ભલે ગમે તેટલા બદલાય , પણ મોટેભાગે તો જૂની બાટલી માં નવો દારૂ અને નવી બાટલીમાં જુનો દારૂ આવી ઊલટસૂલટ જ થતી હોય છે , અને આપણે કંઈક જુદું જોવા અને જુદા ગણાવા ઇચ્છતા લોકો આને નવા-નવા ટ્રેન્ડ ગણી અને રૂપિયાના આંધણ કરી નાખીએ છે..
બાકી આ દાઢીના ટ્રેન્ડ એ તો રોજગારીના બહુ બધા અવસર ઉભા કરી દીધા છે ..
આજે અમદાવાદમાં 40 રૂપિયા થી લઇ અને 4000 રૂ માં દાઢી સેટ કરી આપનારા પડ્યા છે અને કંઈક લોકો પ્રેમપૂર્વક રૂપિયા ખર્ચી અને દાઢી સેટ કરાવવા જાય છે, અને એમાં કેટલાય ઘર ચાલી જાય છે..
આ પહેલા પણ દાઢી વિશે અને દાઢી ના તેલ વિશે લખી ચૂક્યો છું 700 રૂપિયાનું 20 એમએલ દાઢી માં નાખવાનું તેલ પણ અમદાવાદના વેચાય છે..
અને હા દાઢી ને કલર મારવાની ડાઇ ,
હા જી ઍ જુદી આવે….!!! માથાના વાળમાં થતી હેરડાઈ દાઢીમાં વાપરવામાં આવે તો આખું મોઢું કાળિયુ બટાક લાગે , એટલે દાઢી ને કલર કરવામાં વપરાતી ડાઇ જુદી આવે અને ઍ જ વાપરવી પડે …ઍ છસ્સો ની પડે અને એમાં ફક્ત બે વાર જ કલર થાય ..!!!
તમને થશે કે કેમ આજે આ બધું લખી રહ્યા છે શુ છે ? ભાઈ , પ્રાઈઝ ટેગ કેમ મારી રહ્યાં છે?!! દરેક વસ્તુને ..
પણ આ પ્રાઈઝ ટેગ મારવાની પાછળનો આશય એટલો જ છે કે ૨૧મી સદીમાં સુંદરતા પાછળ સ્ત્રીઓ જેટલો ખર્ચો કરે છે એટલો જ ખર્ચો હવે આજનો પુરુષ પણ કરી રહ્યો છે, સ્ત્રી પુરુષ સમોવડી થઇ છે તો પછી પુરુષ પણ સ્ત્રી સમોવડો થઇ જ ગયો છે..
દાઢી અને વાળના નામે પુરુષ પણ પ્રેમથી રૂપિયા ખર્ચતો થઈ ગયો છે , લગભગ કોઈપણ સામાન્ય દુકાન માં પણ જાવ અને દાઢી અને વાળ સરખા કરવો તો ૨૦૦ રૂપિયાથી નીચે નું બિલ એક પણ કેશ કર્તન કલાકાર પકડાવતો નથી, અને એમાં જો બીજી કોઈ વધારાની સર્વિસ એડ થઈ તો મીટર લાંબુ ફરતું જાય..
ચલો આજે અહી પૂરું કરીએ દાઢી પુરાણ , ફરી ક્યારેક ફરીવાર ઉખેળશું આ દાઢી પુરાણ,
અમને તો હવે પિતાશ્રીની બદલે પત્નીજી કહી દે છે ટાઈમ થઇ ગયો છે, જાવ બસો-પાંચસો ખર્ચ કરી આવ…
એટલે આપણે સમજી જવાનું કે દાઢી અને વાળ સરખા કરાવવા નો સમય થઈ ગયો છે અને પાછળથી લટકામાં એક સૂચના આવે જોજે પાછો બહુ કપાવી ના આવતો નહીતો ‘ચંબુ’ જેવો લાગે છે, પહેલા પપ્પા અને પછી પત્ની ..!!
બિચારો સંસારી જીવ જાય તો ક્યાં જાય ..!!
શુભરાત્રી
શૈશવ વોરા