કમુરતા ઉતર્યા ને સમુરતા આવ્યા ..
ઘરની બહાર રોડ ઉપર ઢોલ વાગી રહ્યા છે ,જાનડીઓ નાચી રહી છે અને જાનૈયા ટ્રાફિક ને ડાઈવર્ઝન આપી રહ્યા છે..!!
લગ્નની જાન..!!
કેવું અનેરું દ્રશ્ય છે..!! શૈશવને તો બહુ ગમે ..મન ને આનંદ આપનારું ..!
હું તો બાહર જઈને બિન્દાસ્ત જોઈ લઉં..
અરે આટલા આનંદ ઉલ્લાસથી હસતા નાચતા ચેહરા આજકાલ જોવા ક્યાં મળે છે ..? જેને જોવો એ મોબાઈલમાં મોઢું ખોસીને બેઠો હોય ..!!
ગઈકાલે રાત્રે દિલ્લીના સત્તાના ગલીયારામાં રખડ્યા પછી મનથી `થાકેલો` અને બિલકુલ `પાકી` ચુકેલો શૈશવ દિલ્લીના `વિમાન પતન સ્થળ` ઉર્ફે એરપોર્ટ પર હતો,મસ્ત મજાના છોલે પૂરી દબાવી રહ્યો હતો અને ત્યાં પેલા ઇલેક્ટ્રોનિક પાટિયા ઉપર નજર ગઈ,
દિલ્લી-અમદાવાદ ફાઈનલ કોલ..
એક તો દિલ્લી નું એરપોર્ટ મૂંગું એરપોર્ટ છે, (સાઇલેન્ટ એરપોર્ટ છે ,ત્યાં એનાઉન્સમેન્ટ નથી થતી ) એટલે બરાબર `ચોકન્ના` રેહવું પડે, નહિ તો જહાજ ઉડી જાય અને તમે ઠેર ના ઠેર ..!
શૈશવે તો પછી મુઠ્ઠીઓ વાળી,અને દોડ્યો ત્રીજે માળથી છેક નીચે અને સિધ્ધો ઘુસ્યો ગેઇટમાં, આખો ગેઇટ ખાલી મેં કીધું ..મર્યા ગઈ ..!!!
ત્યાં તો હવાઈ સુંદરીજી બોલ્યા..સર યે એહમદાબાદ કી ફ્લાઈટ હૈ ,લેકિન આપકી વાલી નહિ , અભી તો દેર હૈ ,ઔર વો ગેઇટ નંબર બારહ સે હૈ ..!!
અમે કીધું ફાઈનલ કોલ દિખા રહ્યા હૈ..સર બાય મિસ્ટેક, હમને ચેઈન્જ કર દિયા દેખો આપ અભી ..
શું જોવે ધૂળ ..?પત્યું ..ત્યારે હવે ?
બાર નંબરના ગેઇટની સામે જઈને બેઠો..ચારેબાજુ ગુજરાતી બોલાઈ રહ્યું હતું..મારી જેમ ઘણા દોડ્યા હતા..પણ હવે ટાઈમ કેમ નો કાઢવો..?
હેડફોન ખોલ્યા કાને ખોસ્યા..
થોડીકવાર થઇ ત્યાં તો છ `છડેછડા` જોડા એકબીજા ના હાથમાં હાથ નાખી ને આવ્યા..
સિધ્ધા મનાલીની ઠંડીમાં “ગરમ” થઇને દિલ્લી એરપોર્ટ આવ્યા હોય એવું લાગતું હતું , હનીમુન કરીને બારે બાર આવેલા, અને કોઈ `પોતાની` ને છોડવા નોહતું માંગતું એટલે બે સીટ જોડે ખાલી હોય ત્યાં જ બેસવા નું ચાલુ કર્યું..
એક જોડું મારી બાજુમાં બેઠું ,બીજું મારી સામે એમ કરીને એક એક કરીને બધાય મારી આજુબાજુ ગોઠવાયા..!!
મારો `ટાઈમપાસ` આવી ગયો ..!!
મારી સામે બેઠેલું જોડું મને ખુબ જ ગમ્યું,દિલથી ગમ્યું કેમકે બંનેની આંખમાંથી એમના મનના ભાવ વંચાતા હતા ..!!
એ વરઘોડિયા…હું એમને સતત જોતો રહ્યો, પણ `એમ્બેરેસ` ના થાય એટલે સેહજ જોઈ ને આંખો બંધ કરું અડધો ઊંઘું અને અડધો જાગું એવું નાટક કરું…
બંનેની આંખોમાં આઠદસ દિવસના ઉજાગરા ચોખ્ખા દેખાઈ રહ્યા હતા,પણ બંને વળી વળીને બોર્ડીંગ ગેઇટ તરફ જોવે અને મોબાઈલમાં ટાઈમ..
`ઘર` યાદ આવ્યું હતું બન્ને..!!
કેવી સિચ્યુએશન હોય નહિ..?
હનીમુન ઉપરથી પાછા આવતી વખતે..!
હનીમુન ના દિવસોમાં તો દિવસ ઉગે તો એમ થાય કે રાત ના પડે, અને રાત પડે તો એમ થાય કે દિવસના ઉગે..!!
બસ ઘેર જવું જ નથી..
પણ દિવસો પુરા થાય એટલે પાછા આવવું ના હોય પણ જોડે જોડે ઘર પણ યાદ આવ્યું હોય ..!!
એ છોકરીની આંખના ભાવ બોલતા હતા કે એને એના માંબાપ યાદ આવ્યા છે, રહી રહી ને છોકરાનું બાવડું ઝાલી અને એના નવાસવા `ભરથાર`ને ખભે માથું ઢાળી દેતી, અને છોકરા ને પણ એની માં નો પાલવ યાદ આવ્યો હતો..રહી રહીને માં ના પાલવમાં છુપાતો હોય એમ છોકરીના ઝુલ્ફોમાં મોઢું સંતાડતો હતો…!!
પછી અચાનક કૈક યાદ આવતું હોય એમ છોકરી છોકરાનો હાથ મૂકી દેતી અને સેહજ નિરાશ થઇ જતી અને છોકરો પણ ઉદાસ ..!!
છોકરીનું કારણ એવું હોઈ શકે કે સાસરે જવાનું છે માં બાપ મળવાના,પણ નવા ..!!
અને છોકરો કદાચ આવનારી જવાબદારીના ભારથી ..!!!
જબરજસ્ત અસમંજસનો સમય હતો એ બધા “જોડા” ઓ ને ..!!
સંસાર ચક્રના ચાર આરા ધર્મ ,અર્થ ,કામ અને મોક્ષ અને એમાંથી ધર્મ તો જન્મે ત્યારથી પાછળ પડી જતો હોય છે,ભણીગણી ને ઉતરો એ ભેગા અર્થની પાછળ લાગી જવું પડે, જુવાની ચડે ત્યારે ક્યારેક છાનગપતિયાં કરી લીધા હોય તો કામને “માણ્યો” હોય અને મોક્ષની સ્ટોરી તો છેક ઘડપણમાં યાદ આવે..
*હનીમુન એ ખરેખર કામ ને માણવા નો અવસર છે અને જેને દાંપત્યજીવન કહીએ છીએ એ દાંપત્યજીવનની ખરેખરી શરૂઆત હનીમુન પરથી પાછા ફરતી વખતે થતી હોય છે..*
હનીમુન ચાલતું હોય ત્યાં સુધી ની સફરમાં તો મોં માંગ્યું મળ્યું હોય, અને મન ફાવ્યું એ કર્યું હોય ,પણ પછી `ભાવ` પુછવા ના હોય છે, અને નક્કી કરવાનું હોય છે કે ફલાણું લેવાય ? જરૂર છે ? દુનિયાદારીમાં આવવાનું હોય છે..!
હનીમુન પરથી પાછા આવેલા સંતાનો માટે કદાચ ઘરમાં પણ રાહ જોઇને બેઠેલા બંને તરફના માતાપિતા પણ બદલાઈ જતા હોય છે, થોડાક `કડક` થઇ જાય છે..
*પોતાના મોટા થયેલા બચ્ચાને પક્ષી પોતાના ચાંચ મારીને માળામાંથી પાડી દે છે અને બચ્ચા ઉડતા થઇ જાય છે, એમ હનીમુન પરથી આવેલા વરઘોડિયાને પણ માંબાપ માળામાંથી પાડી દે છે..!!*
*જાવ ઉડો હવે આકાશ તમારું છે ,માળો નહિ..!!*
જીવન આખું બદલાઈ જાય છે..!!
એકમેકને અનુકુળ થઇને જીવવાનું હોય છે , કાજલબેનના શબ્દોમાં કહું તો એક સાથે ઘરડાં થવાનું છે અને એની શરૂઆત થતી હોય છે..!!
એક સમયની ગર્તામાં વહી ગયેલા એક ખુબસુરત દામ્પત્ય જીવનની વાત..!!
મારા કનકકાકા હમેશા મને કેહતા *જેનો હાથ ઝાલીને ઘરમાં લાવ્યા છીએ એને દુઃખી ના કરાય, દુનિયા આખી જોડે ઝઘડવું બથોડા ભરવા, પણ `એની` જોડે ક્યારેય નહિ, એને જ્યાં સુધી `મૂકી` ના આવીએ ત્યાં સુધી એને જરાય દુઃખના પડે એનું ધ્યાન રાખવું જ જોઈએ..!! એની જોડે શૈશવ તું ઝઘડીને ઘરની બાહર જઈશ તો હારીને અથવા જીતીને પણ પાછો આવ્યો તો પણ બધું જ મૂકી ને પાછો આવીશ..!!*
કાકા ક્યારેય કાકી જોડે ઝઘડતા નહિ ,અને ઝઘડે તો ભલે કાકી નો વાંક હોય તો પણ પોતે `સોરી` કહી દેતા ..!!
કાકા ઘરની બહાર જાય ત્યારે કાકીને માથે ચૂમે અને કાકી સાડીનો છેડો માથે નાખી અને ઓવારણા લઈને કાકાના મોઢામાં ઠાકોરજીનો પ્રસાદ કે કૈક ગળ્યું મોઢામાં મુકે અને પછી કાકા કાકીના પાલવેથી મોઢું લુછી ને ઘરની બહાર નીકળે ..!!
અદ્ભુત દ્રશ્ય હતું પણ આખા ફ્લેટ અને શૈશવ માટે રોજ નું દ્રશ્ય હતું..!!
પણ એમના દાંપત્યજીવનની પરાકાષ્ઠા ત્યારે આવી જયારે કાકી એ દેહ મુક્યો અને સોળે શણગાર સજી ને અમે એમને સ્મશાનમાં મુક્યા ..
કાકાએ કાકીના પગ,માથે ઘી ચોપડ્યું અને છેલ્લે કાકાએ કાકીના પાલવે એમના હાથ લુછી કાઢ્યા ..
ત્યાં સુધી સુધી તો હું મજબુત રહ્યો હતો પણ આ છેલ્લો સીન જોઈ ને શૈશવ તૂટી પડ્યો, અને ચોધાર રડ્યો ..!!
ભગવાન કરે ને ઈશ્વર સૌને આ મોકો આપે.. જેનો હાથ ઝાલીને લાવ્યા છીએ એને મૂકી ને એના પાલવે હાથ લુછવાનો..!!
આજે આટલું જ
ગમે તો ફોરવર્ડ કરજો શેર કરજો
શૈશવ વોરા