ગઈકાલ સાંજથી ઉતરાયણ ચાલુ થઇ ગઈ છે, અને જીવદયાના મેસેજીસ એ દાટ વાળ્યો છે..પતંગ દોરીને “હત્યારા” ચીતરી નાખવામાં કઈ બાકી નથી રહ્યું, બચાવમાં જે મેસેજ ફર્યા એમાં `અનામત`ના નામે જબરજસ્ત `તંજ` કસવામાં આવ્યો છે ..
મરઘી `જનરલ કેટેગરી`માં આવતી હશે ..!!
ચાલીસ ચાલીસ વર્ષથી પતંગ ચગાવીએ છીએ ફક્ત અને ફક્ત એક જ વાર એક કબુતરું દોરીમાં આવ્યું હતું અને એને પણ પકડીને છેક મિરઝાપુર કબુતર પાળવાવાળાને ત્યાં લઇ જઈ ને દોરી કઢાવી અને પછી પાછું ખાનપુર લાવી ને છોડ્યું હતું..!
*તમારો શું “સ્કોર” છે..? “હત્યારા” છો ?*
હવે સામે પક્ષેથી એમ દલીલ આવશે કે પતંગ તમારા હાથમાં હોય ત્યાં સુધી તો ઠીક પણ પછી ..?
ભઈ અમારે વિરમગામવાળા એમ બોલે “પછી પછવાડું અને આગળ જખાવાડું” (જખાવાડા એક ગામ નું નામ છે )
કહો ત્યારે સરકારને અને નાખો પતંગ ઉપર પાંચ ટકા સરચાર્જ રોડ, ઉપરના દોરા પતંગ વીણવાનો, અને ઉભી કરો રોજગારી .. ત્યારે શું વળી ..?
મરઘા ,બતકા,માછલા અને બકરા આખી દુનિયાની થાળીમાં પીરસાય છે ત્યારે બધી જીવદયાવાળી `પરજા` ક્યા જાય છે ?
`પ્રોટેકટેડ એન્વાયરમેન્ટ` રહી ને સુફિયાણી વાતો કરવાની મજા છે , બાકી બાહર નીકળીએ તો ખબર પડે ..!!
ઘણા બધાના ભવાં ચડી જશે, પણ હકીકત છે આ..!!
ગઈસાલ અમારા જીમ નો એક `પોપટ` ઉડીને પશ્ચિમ ના એક દેશમાં ગયો હતો અને ત્યાંના દરિયે બીચ ઉપર ફરવા ગયો , ઉનાળો ચાલતો હતો .. ત્યાંથી ફોન કરી ને કહે શૈશવભાઈ બધા `નાગા` `નાગા` ફરે છે અહિયાં તો , બે યાર દિમાગ ખરાબ થઇ ગયું છે.. મારાથી તો અહિયાં રેહવાતું જ નથી .. શું કરું ?
મેં કીધું ભાઈ પોપટ તું તારા કપડા પણ કાઢી નાખ ,અને દસ મિનીટ આંટા માર બધું બરાબર થઇ રેહશે..!! દેસ એવો વેશ કરી નાખ ..!!
પણ હતો ગુજરાતી માટીડો એમ કેમના કપડા નીકળે ..? અને પોતે `નાગો` થઇ જાય તો પછી અહિયાં દેશમાં પાછા આવી ને `ફાડાફાડી` કેવી રીતે કરાય..?
અરે ત્યાં તો એની માં ને બધા સાવ નાગા રખડે એકેય કપડુંના હોય અને ચારેબાજુ `આવા` અને `તેવા` હોય ..!!,અંગ, ઉપાંગોના વર્ણન થાય ..!!
*તકલીફ અહિયાં જ છે , મજા લેવાની, પણ જ્યાં ગયા હોય એ જગ્યાની નહી ,પણ ત્યાંથી પાછા આવીને અહિયાં બીજાને `ત્યાંના` વર્ણન `સદી`ઓ સુધી કરી કરીને..*
પતંગમાં પણ એવું જ છે..જે ગેલસપ્પાઓ ને પતંગ ઉડાડવાની મજા નથી લેવી એ જ ગેલસપ્પાઓ “કરુણા-આંટી” ના મેસેજ ફેરવી ફેરવીને મજા લઇ રહ્યા છે..!!
ચાર દિવસની રજાઓ છે એટલે ઘણા ફેસબુક સ્ટેટ્સ બહારગામના દેખાડી રહ્યા છે પબ્લિક બહાર ભટકવા નીકળી ગઈ છે..!!
થાય એવું પણ થાય, અને કરાય પણ ખરું ,શનિ-રવિ સોમ ને મંગળ ચાર ચાર દિવસ સળંગ ભાગ્યે જ હાથ લાગે ..સીઝન પણ મસ્ત છે ..!!
આ મસ્ત સીઝનનો `લાભ` લેવા રાબેતા મુજબ સરકારી `જલસો` પણ ચાલુ થઇ ગયો છે, અમદાવાદ અને ગાંધીનગર સરકારી ઉત્સવો માટે સજ્જ થઇ ગયા છે, ચારેબાજુ રોડ ઉપર જરૂર હોય કે ના હોય નવા નવા ડામર પથરાઈ રહ્યા છે ,રાત પડ્યે રોડ ઉપર સફાઈ કરતા મશીનો ઘુ ઘુ કરતા ફરી રહ્યા છે ..!!
લાઈટો ના તોરણીયા ઝૂલી રહ્યા છે ચારેબાજુ ..
આ વખતે પેહલીવાર `અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ` થઇ રહ્યો છે ,એવું કેહવાય છે કે `દુબઈ શોપિંગ ફેસ્ટીવલ` જેવું કૈક થવાનું છે અને મુન્સીટાપલી ના ગુમાસ્તાધારાવાળાઓ એ ૧૭ મીથી ૨૪ મી તારીખ સુધી ચોવીસ કલાક દુકાનો ખુલ્લી રાખવા ની પરમીશન આપી છે..!!
ચોવીસ કલાક દુકાનો ખુલ્લી રાખવાની વાત કઈ આપણને હજમ ના થઇ હો ભાઈ..!!
મારા હાહરા નવરાત્રીમાં ડંડા મારી મારી ને દોડાવે છે અને બધું બંધ કરાવે છે તે હવે શોપિંગ ફેસ્ટીવલના ઢઢડિયા માં કેટલા લોકો ને રાત્રે ખુલ્લું રાખવા દે છે એ જોવાનું છે..
પાછું શોપીંગ ફેસ્ટીવલ ના ટાઈમિંગ માટે પણ જરીક વિચારવું પડે એવું છે, કમુરતા પેહલા ગુરુ અસ્ત નો હતો એટલે લગ્નોના મુર્હુત બહુ ઓછા હતા , પણ હવે તો છેલ્લા છેલ્લા મુર્હુત આ જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયાના દિવસોમાં જ છે , કંકોત્રીના ઢગલા દરેકના ઘરમાં થયા છે ,એક એક લગનમાં ચાર ચાર પાંચ પાંચ ફન્કશન હોય છે એટલે ભારે માઈલા કપડા પેહરી પેહરી ને એક જગ્યાએથી બીજે જગ્યા એ લગભગ દરેક ને દોડવા નું છે તો એવા ટાઈમમાં શોપિંગ કરવા કોણ જશે ..?
ઉપરથી દિવાળી હમણાં જ ગઈ છે ,અધિક મહિના ને લીધે દિવાળી બહુ જ પાછળ હતી એટલે દિવાળીની ખરીદી કર્યા ને દોઢ મહિનો પણ નથી થયો, અને અમદાવાદી માણસ સ્વભાવ પ્રમાણે એમ ઝટ ઝટ ખરીદી ના કરે સિવાય કે સો નો માલ સાહીઠમાં મળતો હોય ..!!
હા સરસ મજાનું વાતાવરણ છે એટલે ભીડ ચોક્કસ થઇ જશે પણ ખરીદી કેટલી થશે એ નક્કી ના કેહવાય .. !!
આમ પણ અમદાવાદનો પરચેઝ પાવર બેંગ્લોર પુના કરતા ઘણો ઓછો પડે,સામાન્ય બુદ્ધિથી વિચારીએ કે લાખ રૂપિયા ઉપર ના પગારદારો કે એન્ટરપ્રીનર કેટલા ? અને પુના બેંગ્લોરમાં કેટલા ?
બહુ મોટો ફર્ક આવે,અને અમદાવાદનો બેઝીક સ્વભાવ ખુબ જ કસી કસી ને વસ્તુ લેવા નો છે,મજાકમાં તો ત્યાં સુધી કેહવાય કે દુકાનદાર એમ કહી દે કે મફત લઇ જા ભાઈ તો અમદાવાદી માણસ એમ કહે કે એક ની બદલે બે આપી દે ને ભાઈ..!!
જબરજસ્ત રીતે આવી રહેલા સરકારી ઉત્સવોમાં આ ઇવેન્ટ મેનેજરો અને ઇવેન્ટવાળી કંપનીઓ ને મોજ છે ..!
ઘણીવાર વિચાર આવે કે આટલા વર્ષોમાં જેટલા લાઈટીંગના ભાડા ચૂકવ્યા એમાં તો પરમેંનેન્ટ લાઈટીંગ થઇ જતે..
અમદાવાદને ચમકાવતી જાહેરાતોનો જબરજસ્ત મારો સોશિઅલ મીડિયા ઉપર ચાલી રહ્યો છે , અમદાવાદી જીવડાને ગમે , અને ડ્રોનથી લેવાયેલા પિક્ચર્સ અને વિડીઓમાં ના જોયેલા એન્ગલમાં અમદાવાદ લાગે મજાનું એટલે ઘણું ગમે..
ગાંધીનગરના ગીફ્ટ સીટી નું પણ માર્કેટિંગ ત્રણ વાઈબ્રન્ટ થી જોરશોરથી થઇ રહ્યું છે પણ માલ ખપતો નથી ,એટલે હવે દારૂબંધી માટે કૈક વિચારવું રહ્યું ..!!
રાત પડ્યે જે શેહરમાં `એન્ટરટેન` થવાની જગ્યાઓ જ ના હોય ત્યાં ક્રિયેટીવ પ્રજા ના જાય..!!
આજની પેઢી ને કમાઈને વાપરવું છે અને માણવું છે ,અને ગુજરાતની સરકારોને વાપરવા ની જગ્યાઓ રાખવી જ નથી ..!!!
ખાવા ના ખાઈ ખાઈ ને કેટલા ખાય ? ગાભા લઇ લઇ ને કેટલા લ્યે ? અને દારુ પીવાથી જે કિક આવે એવી બીજા કશામાં નાં આવે, આપણે દારૂ નથી પીતા, પણ આપણા જેવા બધાય થઇ જાય એવા વિચારને તો તાલેબાની વિચાર જ કેહવાય ને..!
સો વાત ની એક વાત ગીફ્ટ સીટી ને ઉભું કરવું હોય અને માલ ખપાવો હોય તો દારૂબંધી ને માર્યાદિત રીતે હળવી કરાવી જ રહી …
કેન્દ્ર સરકાર ચૂંટણી ના સર્વે જોઇને એકદમ હાંફળી ફાંફળી થઇ ને જાગી છે પણ કદાચ હવે થોડું મોડું છે .. `શાઈનીગ ઇન્ડિયા` દેખાઈ રહ્યું છે..
આવશે તો એનડીએ ની સરકાર નહિ તો એનડીએના ટેકાથી સરકાર આવશે અને ફરી એકવાર ૨૦૨૦-૨૧માં ચૂંટણી માટે ફરી તૈયાર રેહવું પડશે દેશ એ..!!
કોંગ્રેસ ગમે તેટલું કરે પણ રાહુલ ગાંધી નૈયા પાર લગાડી શકે તેમ નથી..!
બે દિવસ પેહલા આંકડા આવ્યા ઔદ્યોગિક ઉત્પાદનના, ઉંધે કાંધ ગોથ મારી છે પ્રોડક્શનના આંકડાઓ એ..જુન ૨૦૧૭ પછી પેહલી વાર ગ્રોથ સ્ટોરી એ આવડી મોટી ગોથ ખાધી છે..!!
અને હજી નવેમ્બરના આંકડા પણ આવા જ આવે એવું લાગે છે, પબ્લિક જરૂર પુરુતુ જ ખરીદી કરી રહી છે એવું દેખાઈ રહ્યું છે..!! એટલે ગ્રોથ થાય એવું દેખાતું નથી..
હશે ત્યારે..!!
આવા બધા કકળાટ રોજના રોજ ચાલ્યા કરવાના ..દુર્ભાગ્યે એકાદું કબુતરું કે સમડું પતંગ કે દોરીમાં આવી જાય તો ઘણા એનજીઓ કાર્યરત છે એમને ફોન કરીને યોગ્ય સારવારની વ્યવસ્થા કરજો, બાકી તો હવા સારી છે એટલે બે દા`ડા સીમરન જીવી લેજે જિંદગી..!!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા