બિહારમાં ૧ લી એપ્રિલથી દારૂબંધી લાગુ પડશે …
જુદા જુદા ઓપિનિયન આવ્યા ,ફેસબુક પર વોટ્સએપ પર અને સમાચાર પત્રોમાં ,કોઈ કે લખ્યું કે ભાઈ જે વસ્તુ હું મહારાષ્ટ્રમાં ખુલે આમ કરું છું અને એક ચેક પોસ્ટ વટાવુ એટલે હું ગુન્હેગાર..?
તમારી વાત સાચી છે ભાઈ ,પણ હું તો દારૂબંધીનો બહુ જ મોટો તરફદાર છું સમર્થક છું ,
બહુ નાનપણથી જ મને એવું લાગ્યું છે કે ફક્ત અને ફક્ત નબળા મનની વ્યક્તિઓ જ નશો કરે છે ,
જે લોકો માનસિક રીતે મજબુત છે,અને જેણે દુનિયાની ચડતી પડતી સમય સંજોગની સાથે બાથ ભીડતા ક્યાય કોઈ પણ પ્રકારની લાલચને વશ થયા વિના ફક્ત અને ફક્ત પોતાના બાવડાના બળ પર ભરોસો કર્યો છે એ લોકો ક્યારેય નશો નહિ કરે ,અને ક્યારેક જયારે બાવડાના બળ ઓછા પડે ત્યારે ઈશ્વર નામની સંસ્થામાં આવા લોકો વિશ્વાસ રાખે છે અને વગર નશો કર્યે પાર પડી જાય છે …
મને મારા મિત્રો વેદીયાની કેટેગરીમાં મુકે છે, જેનો મને બહુ જ આનંદ છે ..અને માટે જ ઉપરનો ફકરો બહુ કોન્ફીડન્સથી લખી હું શકું છું …
અને બીજું એ ફકરો લખવા માટેની પ્રેરણા મને આપી રહી છે ગુજરાતની લગભગ ૯૫ ટકા સ્ત્રીઓ ..!
ગુજરાતની ૯૫ ટકા સ્ત્રીઓએ દારૂ ને આજ સુધી હાથ સુધ્ધા નથી લગાડ્યો …!!! અને દરેકે દરેક સ્ત્રી આજે સફળ છે દારૂ પીધા વિના …!!
કદાચ ગુજરાત નહિ પણ આખા પણ ભારતનો સ્ત્રીઓ માટે આ જ આંકડો આવશે , અને આપણે આપણા દેશના પુરુષો અંદર અંદર એકબીજાને આપણે સફળ કે નિષ્ફળ ગણાતા હોઈશું પણ ,આ દેશની સ્ત્રી તો હમેશા સફળ જ રહી છે ,
આ દેશની દરેક એ દરેક સ્ત્રી દીકરી તરીકે જન્મી અને માતા થઈને મરે છે… આ દેશનો કયો લાલ છે જે પોતાની માં ને એક નિષ્ફળ સ્ત્રી ગણાવશે ..?
અને બહુ સહજ હકીકત એ છે કે આ દેશમાં બાપ સફળ કે નિષ્ફળ હોઈ શકે છે પણ માં તો આ દેશની દરેકે દરેક સફળ જ છે અને એ પણ એક પણ પ્રકારનો નશો કર્યા વિના ….!!
મારો બીજો એક અનુભવ કહું ,થોડાક વર્ષ પેહલા મારે કામકાજ અર્થે જર્મની જવાનું થયું હતું, શહેરનું નામ મ્યુનિક,મ્યુનિક શહેરને બિયરની રાજધાની કહે છે ,ત્યાં લગભગ જુદી જુદી જાતના બસ્સો પ્રકારના બીયર મળે છે ,
મારા ચાર પાંચ યુરોપિયન મિત્રોએ ધંધાકીય ડિસ્કશન દરમ્યાન મને પેહલા બીયર ઓફર કર્યો મેં ના પાડી મેં કીધું કે ભાઈ હું નથી પીતો , એ બધા મિત્રોમાં મારે એક હેનરીક કરીને મિત્ર એને મારી સાથે થોડું વધારે ફાવતું , એણે મને કાનમાં કીધુ ના ના પાડ શૈશવ ..બીયર પીવાની તું ના પાડે છે એનો મતલબ એવો થાય છે કે તું એની વાત સાથે એગ્રી નથી …
એટલે મેં તરત જ મને બીયર ઓફર કરનારી વ્યક્તિને કીધુ કે ભાઈ હું તારી વાત સાથે સમંત છું પણ હું મારા અંગત કારણોસર કોઈપણ પ્રકારનું આલ્કોહોલિક ડ્રીંક નથી લેતો …
પેલા ભાઈ તરત જ સમજી ગયા , હું પણ ખુશ ,હેનરીક પણ ખુશ ,અને સામેવાળી પાર્ટી પણ ખુશ, પાશ્ચાત્ય જગતમાં દારૂ એ એમની સંસ્કૃતિનો ભાગ છે પણ જો તમે એ સ્વીકારવાની ના પાડો તો એનાથી કઈ એમનો ઈગો હર્ટ નથી થતો ..
અને પછી તો પાંચે પાંચ દિવસ હેનરીક બધાને પેહલેથી જ કહી દેતો કે આ ભાઈ આલ્કોહોલિક ડ્રીંક અને નોનવેજ નથી ખાતા,અને બધા મારી અલગ વ્યવસ્થા કરી આપતા ,સહેજ પણ મોઢું બગડ્યા વિના, અને હુ સારો એવો ધંધો કરીને પાછો આવ્યો ….
આ વાત એટલે કરી કેમ કે આપણે ત્યાં ઘણા લોકો એવું કહે છે કે ધંધો કરવું હોય તો દારુ તો પીવો પડે …!!! તદ્દન જુઠ્ઠું બોલે છે એ લોકો … પોતાને દારુ પીવો છે માટે બીજાનું નામ લે છે …!!અને ધંધાને વચ્ચે લાવે છે ..!!
નશો પુરુષ માણસ ઘણી બધી વસ્તુ નો કરતો હોય છે , અને દરેક પુરુષ કોઈને કોઈ નશામાં તો ચોક્કસ જીવતો હોય છે પણ બધા નશામાં મદિરા પાન એ એવું છે કે જે જલ્દી મગજ પર આવે છે અને ધીમે ધીમે જાય અને ઓવર થઇ જાય તો ભાન જ ના રહે કે મેં શું કર્યું ..
બીજું એ દુનિયા જેને આપણે વેસ્ટર્ન વર્લ્ડ કહીએ છીએ અને જેની આંધળી નકલ કરીએ છીએ ,ત્યાં દારૂ ખુબ સાહજીકતાથી પીવાય છે પણ ત્યાં નશામાં ધુત થઇ અને રસ્તે આળોટનારા બહુ ઓછા હોય છે,બધું માપમાં હોય છે ..!!
મને મારા ઘણા મિત્રો કહે છે તું સાવ મુરખો છે ,તારા જેવા ચાન્સ અમને પીવાના મળે તો અમે તો મોજ કરીએ , એવા સમયે હું ગમ ખાઈને ચુપ રહું છું પણ મારા મનમાં હું એમને કહી દઉં છું કે ભઈલા તું આ દારૂ પી પી ને જ અહિયાં નથી પોહચ્યો , જો તું આ દારૂ અને સિગારેટ વત્તા બીજા બધામાંથી બહાર આવ્યો હોતને તો તને મારા કરતા પણ વધારે લોકો પીવાડાવનારા મળતા હોત …હું ભલે મુરખો રહ્યો પણ તું તો ખરેખર હોશિયાર છે અને તારી આ વ્યાસનોની લત જ તને જીંદગીમાં પાછો ફેંકે છે ….
વ્યાસની કે નશાખોર એવું માનતો હોય છે કે એમનું મગજ બે પેગ પછી જોરદાર ચાલે છે ,અને પછી જ એની બુદ્ધિ ચાલતી હોય છે ,સંગીત ના ફિલ્ડમાં પણ મેં એવા ઘણા કલાકારો જોયા છે કે જે પીધા વિના સ્ટેજ પર જ ના ચડતા હોય ,અરે એક બહુ જુના અને જાણીતા લોકગાયિકા (ગાયિકા હો ભાઈ ) સ્ટેજ પર બેસે અને ગાતા હોય ત્યારે એમને હંમેશા સ્ટીલના ગ્લાસમાં “પાણી” આપવામાં આવે , કાચના ગ્લાસમાં તો પકડાઈ જવાય …
અરે સંગીત તો છોડો મેં એવા ડોકટર જોયા છે કે જે એમ કહે કે સાલું બે પેગ મારું ને તો કાતર સીધી ચાલે છે …બોલો હવે બે ના ત્રણ પેગ વાગી ગયા પછી તો એ કાતર સીધી મારી કે આડી કોને ખબર …!!
પણ જયારે કોઈ મન મક્કમ કરીને આ બધામાંથી બહાર આવેલા માણસને પૂછીએ કે કઈ દુનિયા સારી લાગે છે .. દારૂ વાળી કે વિનાની ત્યારે જવાબ તો દારૂ વિનાની દુનિયાનું જ આવે છે …!!
આપણા સમાજનો કેહવાતો ભદ્ર વર્ગ દારુ પીવે ,ત્યાં સુધી ઠીક છે પણ જયારે સમાજનો એક મોટો વર્ગ ફક્ત અને ફક્ત નશો કરવા માટે અને અને પોતાના દુઃખને ભૂલવા ,કે પછી જે જીંદગી છે એના કરતા દારૂના નશામાં કોઈ ત્રીજી દુનિયામાં જતો રહે અને રોજ એ મોજ લે ,ત્યારે એ સમાજ પતન ના રસ્તે જાય છે ..
સમાજની દુઃખ અને દર્દ સેહવાની કેપેસીટી ઘટે એનો સીધો મતલબ પ્રગતિની બદલે અધોગતિ , મગજને નશો કરીને સેહલી બાજુ વાળી લેવું ,અને નશાના જોરે પરિણામ સ્વરૂપ જે અવસ્થામાં છીએ એનાથી નીચે જવું …
અંતે આખા સમાજ ને પાયમાલ કરે નશો …!!
દારૂના તો ઘણા કિસ્સા લખાય એમ છે ,પણ એક સત્ય એવું છે કે નશો કરીને બરબાદ થનારા ઘણા છે પણ નશો ના કરીને બરબાદ થતા કોઈ જોયા નથી …
વચ્ચે એક ગાંડો જોક વોટ્સ એપ પર ફર્યો હતો ..
એક મિત્ર એ બીજા મિત્રને કીધું તું કેટલા રૂપિયાનો દારૂ પીવે છે રોજ પેલા એ કીધું બસો રૂપિયાનો બીજા એ ફરી પૂછ્યું કેટલા વર્ષથી ..? તો દારૂડિયો બોલ્યું ત્રીસ વર્ષથી ..પેલા મારા જેવા એ ગણી ને કીધું જો તું દારૂ ના પીતો હોત તો અત્યારે તારી જોડે બીએમ ડબલ્યુ હોત ,દારૂડીયુ બોલ્યું .. તું તો નથી પીતો તો તારી પાસે છે ..?
હવે આવા જોકને સાચું માની અને પ્રોત્સાહન લેનારાનો ય પાર નથી પણ હકીકત એ છે કે આપણા દેશમાં દરેક દારૂ પીનારો પોતે જાણે છે કે એ ખોટું કરી રહ્યો છે ,અને એ ખોટાને પોતાના તમામ સારા સાચા કે ખોટા લોજીકથી સાચો ઠેરવવાનો ભરપુર પ્રયત્ન કરે છે દારૂ પીનારા …
અત્યારના મેટ્રો કલ્ચરમાં છોકરા છોકરીઓ સાથે જ પબીંગ કરતા હોય છે અને જોડે જ દારૂ ને એન્જોય કરતા હોય છે ,પણ આવા કેસમાં તકલીફની શરૂઆત ત્યારે થાય છે જયારે એ સાથે જમતા સાથે પીતા સાથે નાવલડીમાં તરતા જીવડા પરણે પછી , એમના સંતાનો જયારે ટીનએજ માં આવે અને એની માં ને પ્રેમથી બાટલો ગટગટાવી જતી જોવે પછી એ ફરજંદ ઝાલ્યું ઝલાય નહિ અને નાવલડીમાં પડે મોટ્ટું કાણું ..
નામ નથી લખતો પણ અમદાવાદના જ આવા ઘરોમાં જ્યાં એકચ્યુલી સરસ મજાનો લીવીંગ રૂમમાં બાર હોય છે અને સ્પેશીયલ ઘરમાં વાઈન ચીલર વસાવવામાં આવ્યું હોય અને બાર મહીને બાર પંદર પાર્ટી થતી હોય ,બસ પછી આવા ઘરોમાંથી પછી હીટ એન્ડ રન આવે …
દારૂ અને દારૂડિયા પર તો આખો એશી હજાર શબ્દોનો પીએચડીનો થીસીસ લખાય એમ છે પણ સતરસો શબ્દો નો બ્લોગ બિહાર થી શરુ કરેલી વાતને આ એક છેલ્લી બિહારની વાત કરીને આજ નો બ્લોગ પૂરો કરું …
ગઈકાલે એક ભણેલા ગણેલા અને ખુબ સારી પોસ્ટ ઉપર બેઠેલા બિહારી ઓફિસર જોડે મીટીંગ હતી એટલે મને થયું કે લાવ દારૂબંધી વિશે એમના વ્યુ જાણું
મેં કીધું અલ્યા આ શું કાંદા કાઢશે દારૂબંધી કરીને બિહારમાં ..? ઉપરથી ભ્રષ્ટાચારની એક બીજી વધારાની બારી ખુલશે ..
થોડો લાંબો જવાબ આવ્યો.. નહિ ભૈયા એસા નહિ હૈ ..દારૂ બંધ કિયે બીના બિહાર કા વિકાસ કભી હો હી નહિ સકતા , રોજ શામ કો જનતા હમારે યહાં સિર્ફ ઓર સિર્ફ દારૂ કે ઠેકે પે હી બેઠી હોતી હૈ ,ઔર દેહાતી ઇલાકે મેં કઈ એસી જગહ હૈ જહાં સે ઔરતે દિનમેં ભી નહિ આ જા સકતી ..
પછી એમણે આગળ મને પૂછ્યું ઠેકા મતલબ સમજતે હો ના ..? મેં કીધું દારુ કી દુકાન ..મને કહે ના ભૈયા ના ..
ઠેકા મતલબ ગેરકાનૂની દેસી દારૂ કી દુકાન ,જિસકા કોઈ લાઇસેંસ વગેરહ કુછ નહિ હોતા ,ઔર વો ગાંવ કે કિસી કોને મેં યા ફિર એકદમ બહર રેહતા હૈ ,ઔર ઠેકે પે બાકી સબ મિલતા હૈ નોનવેજ ,બાઈટીંગ ઓર લડકીભી …
એટલે મેં કીધું ટૂંકમાં આખા દિવસની મજુરી કરીને જે રૂપિયા કમાયો હોય એ બધા ઠેકા પર પુરા કરીને ઘેર જાય એમ જ ને ..
હાં ભૈયા આબ આપ સમજે ,ઔર ઠેકે સે ઘર જાયેગા,ઔર ફિર ખાલી હાથ ગયા હોગા , ઔર ફિર બીવી કુછ બોલેલે …બસ બાત ખતમ સુંથાઈ ( ધોલાઈ ) ચાલુ ..બીવી રોયેગી બચ્ચે રોયેંગે ..ઔર ગાલી ગલોચ.યે ઘર ઘર કી કહાની હૈ .. ઇસમેં સે અગર દસ પર્સન્ટભી મુક્તિ મિલે ના તો હી બિહાર તરક્કી કે રસ્તે પે આયેગા …ઢગલા બંધ ઔર એ સાહેબે જોડ્યા
ચાર પાંચ લીટીમાં દારૂબંધી કેટલી જરૂરી છે એ બિહારી બાબુએ મને સમજાવી દીધું …
બોસ કોઈ ગમે તે કહે હું તો કહું છું કે દારૂબંધી તો જોઈએ જ ..
બે દિવસ પેહલા હું મહારાષ્ટ્રના આંતરિયાળ ઇલાકામાં હતો ,સાંજે છ વાગે આછા એવા અંધારામાં દારૂ ની દુકાનો પરની લાઈન જોઇને મગજ ચકરાવે ચડ્યું હતું ,લગભગ બધે બધા શ્રમજીવીઓ જ હતા , અને આજે બિહારના ઓફિસરે પિક્ચર ક્લીયર કરી નાખ્યું દારુ નું …
કદાચ મહારાષ્ટ્ર સરકાર પણ દારૂબંધી ના રસ્તે જઈ રહી છે…
નશામાંથી બહાર નીકળેલો સમાજ જ તરક્કી કરી શકે છે ,જેનું જીવતું જાગતું ઉદાહરણ ચાઈના છે, એક સદી પેહલા આખુ ચાઈના ગાંજાનો ભરપુર નશો કરતુ … એ નશાખોરીને ડામી પછીનો ચાઈના નો ગ્રોથ જુવો ..
ભાડમાં જાય દારૂ ઉપરનો વેટ અને એક્સાઈઝ …પેટ્રોલમાં બીજા બે ટકા વધારે તોડી લેજો પણ દેશને નશામાંથી બહાર કાઢો ,
ભઈલા કઈક સ્ત્રીઓને વગર મલમ લગાડે બરડે અને કાળજડે ટાઢક થશે ..
રઘુપતિ રાઘવ રાજા રામ
પતિત પાવન સીતા રામ
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા