આહ હા ..મજા આવી ગઈ આજે રાત્રે રખડવાની ..આથમતી શરદ ઋતુની મદમસ્ત મદહોશ કરતી રાતના અગિયાર વાગ્યાની ઠંડક ,અને કોઈની બારીમાંથી ડોકાચીયા કરતા હોય એવા અડધા દેખાતા ઇન્દુલાલ (ચંદ્ર બેયાર..) ,
ટેમ્પરેચરે આજે રાત્રે એકદમ ગુલાંટ મારી છે અમદાવાદમાં , મરકયુરી ૧૭ ડીગ્રી પર આવીને ઉભું છે અને આપણી છટકી ,બે ચાર ટેણીયા ભેગા કર્યા અને ગાડીઓની ચાવી નાખી બાજુ પર અને દ્વિચક્રી ને લઈને નીકળ્યો રખડવા ..મંદ મંદ ઠંડો કોરો પવન ને સેહલાવતા
ઘેરથી સીધો નીકળ્યો સમર્થેશ્વર મહાદેવ ,મંદિરના બારણા તો બંધ થઇ ગયા હતા ,સીઝનની પેહલી ઠંડી માં પુજારી એમના ઘેર ઘોરતા હશે અને મારા મહાદેવજી શાંતિથી અંધારામાં એકલા બેઠા હતા ,કેમ છો કેમ નહિ કર્યું એમને અને આગળ નીકળ્યો અશોકના ગલ્લે અમારા વડીલ કાકા મિત્રો બેઠા હતા ,
ગપ્પા ગોષ્ઠી કરી, થોડી ગાળાગાળી કરી ,કોઈ ઉમર નો લિહાજ નહિ , મારા ટેણીયા મિત્રો કહે બે યાર શૈશવભાઈ અઘરા છે બધા ડોહાઓ ..
ત્યાંથી અમારી સવારી ગઈ ગાર્ડન .. લોગાર્ડનમાં ત્રિપાઠીની કીટલી પર સારી એવી જનતા પોતાના બાઈકો ઉપર બીરાજમાન હતી ,પાર્કિંગની બબાલ થાય એવું હતું ,એટલે ત્યાંથી સીધો ગયો મ્યુનીસીપલ માર્કેટ સી જી પર જૂની બેઠક પર ,
એકદમ જ બધા વેઈટરો ને જોઇને વર્ષો પેહલાની આદત પ્રમાણે મોઢામાંથી બુમ પડી ગઈ એ જેન્તી જેન્તીડા ક્યાં મરી ગયો ..જેન્તી ..અને વેઈટરોના ટોળામાંથી એક વેઈટર બુમો પાડતો દોડતો આવ્યો એ આયો સાહેબ …એટલા બધા વર્ષે જેન્તીડા ને જોયો ..સાલાની મૂછો ધોળી થઇ ગઈ ..
જેન્તી ગદગદ થઇ ગયો સાહેબ કેટલા વર્ષે ..!!તમે આવ્યા સહીશાવ સાહેબ ક્યાં ખોવાયા હતા મેં કીધું બકા જેન્તી લગન થઇ ગયા ..જેન્તી હસવા માંડ્યો ભાભીને લઈએ આવો ..મેં કીધું આવીશ ભઈલા ,જેન્તી દોડતો ગયો અને વગર ઓર્ડરનો મારો ચોકલેટ થીક શેક લેતો આવ્યો .. મેં કીધું અલ્યા જેન્તી રેહવા દે ,તને હજી યાદ છે બકા .. જેન્તી બોલ્યો ..સાહેબ પીવો જ પડે ..!!
ચોકલેટ થીકશેક પીતા પીતા જેન્તી જોડે આખી અમારી જૂની ગેંગ ને યાદ કરી બધા ના પેટ નેમ જેન્તીડા ને યાદ હતા ..જાડિયો, કાણીયો , ચુહો ,લંબુ , કાળું ,બેટરો ..હિમલો ,પોપટ ..જંગલી ..દાદો ..મોદો ..વાણીયો .. ભીખો ..પીન્ટો ..ગેંડો ..ચડ્ડો .. ડોકટર(હું ).. ભૂરિયો ..ચીટર
કોઈ કોઈને એકબીજાના અસલી નામથી તો બોલાવતું જ નોહતું,મોબાઈલ હતા નહિ એટલે બાઈકોના હોર્નની એક પેટર્ન બનાવી હતી .. ટી .. ટી ટી ..ટી ટી ..અમુક ચોક્સ્સ અંતરે થી હોર્ન મારવાના ,
સીજી પર ટ્રાફિક ત્યારે લગભગ નહિ જેવો ,લાલ બંગલેથી હોર્ન મારો તો છેક માર્કેટ માંથી સામો જવાબ આવે એટલે સમજી જવાનું કે ગેંગ બેઠી છે પોહચો માર્કેટ …તોફાન મસ્તી ત્રણ રૂપિયાની ચીઝ સેન્વીચ અને બે રૂપિયાની થમ્સ અપ .. પાંચ રૂપિયામાં તો પટી જાય છોરી ..
નવ રૂપિયે નેવું પૈસે લીટર પેટ્રોલ અને સાહીઠ કિલોમીટરની એવરેજ .. એટલે સો ની નોટ નું પેટ્રોલ નાખો અને આખો મહીનો રખડો જ રખડો …
શું દિવસો હતા આવી જ મસ્ત ઠંડક આવે એની રાહ જોતા ..અને રાત રાત રખડતા , માર્કેટ થી પોલીસ કાઢે એટલે સીધા સિલ્વર લીફ કામા હોટેલ , ..
વાતો જ વાતો .. અને આંખોમાં સપના ક્યારે ભણી લઈએ અને કમાતા થઈએ આપડા પોતના ગાડી ,બંગલા ,ફેક્ટરી અને બૈરી ક્યારે આવશે ..!!
જેન્ન્તી ને જોઇને એ બધા દિવસો યાદ આવી ગયા ,અત્યારે ઈશ્વરે બધું જ આપી દીધું છે ..મનમાં અજીબ પ્રકારની શાંતિ અને સંતોષની ફીલિંગ આવી ..
જેન્તીને સરખી ટીપ અને થીક શેકના પૈસા આપીને સવારી આગળ વધી યુનીવર્સીટી રોડ પર થઈને આઈઆઈએમ પર, સાલું જુવાની નો મેળો લાગે છે ,બંને બાજુએ ગાડીઓ અને બાઈકો પાર્ક હોય અને ટોળે ટોળા રોડ પર .. રાતે બાર વાગે તો નવ વાગ્યા હોય એવો માહોલ .
આપડે તો ફ્લાયઓવર ઉતરીને વસ્ત્રાપુર લેક ..ગેંગ મોટી થઇ ટુ વિહલર પાર્ક થયા અને ગાડીઓ ભરાઈ ,ઉપડ્યા માનસી થઈને પકવાન અને ત્યાંથી સામે સિંધુ ભવન વાળા રોડ પર ..
મસ્ત મસ્ત સિક્સ લેન રોડ છે આજકાલ બાઈક અને કારની રેસ માટેનો ટ્રેક છે અને બે સરસ હુક્કા બાર છે એટલે રોડ પર પણ ગાડીઓ પાર્ક કરીને પ્રજા બેઠેલી હોય છે એમાં કોઈ કોઈ ગાડીઓમાં છાંટો પાણી પણ ચાલતા હોય ..
એ રોડ ના છેડે એક મસ્ત બ્લેક પોર્શે કન્વર્તીબલ પાર્ક કરીને છોરો એક છોરી ને લઈને ઉભો હતો, બધાના મોઢામાંથી સિસકારા નીકળી ગયા ..
અને મારા દિમાગમાંથી સંતોષ અને શાંતિ હણાઈ ગઈ .. સાલું વન્ત્યાક કમાયા જીંદગીમાં બે ચાર કરોડની ગાડી તો હોવી જોઈએ જીંદગીમાં ..પાછો હું ભિક્ષુક ફીલિંગથી પીડાવા લાગ્યો
અમારી ગાડીઓ પોહચી એસજી ક્રોસ કરીને છેક કર્ણાવટી કલબની સામે ઇસ્કોન ના ગાંઠિયા અને ચા..ઘરેથી ફોન આવ્યો કેટલી વાર એક વાગ્યો ..પરણ્યાનો આ ત્રાસ ચેકિંગ તો આવે આવે ને આવે જ.. ક્યાં છે .. ઇસ્કોન ..સારું ચા ગાંઠિયા બંધાવતા આવજો ..
રાત્રે સવા વાગ્યે ઘેર પોહચ્યો અને ઘેર મેહફીલ જામી , બા દાદા પણ એક ઊંઘ કરીને બહાર આવ્યા અને ગાંઠિયા પર હાથ અજમાવ્યો ,ભણતી દીકરીએ પણ બધાની જોડે મધરાતની ચા ગાંઠિયાની જમણવારી માણી ..
અને હું હજી આંખમાંથી ઉતરતી શરદ ઋતુની ઠંડકનો નશો ભરીને બહા હિંચકે બેઠો બ્લોગ લાખું છું, પોણા બે થયા છે ચારે બાજુ રાત પ્રસરતી જાય છે ,કાનમાં મચ્છરના ગુંજારવ થાય છે અને મને ગાંઠિયાનું ઘેન વર્તાય છે …
શુભ રાત્રી
શૈશવ વોરા