ઘણીવાર કેટલાય “બૈરા”ઓને બોલતા સંભાળું કે “હવે હું મારા માટે જીવીશ અને મારી જાત માટે કૈક કરીશ..!”
“બૈરા” શબ્દ વાપરવો ગમતો નથી પણ વાપરવો જ પડશે. કોઈ બીજો સમાનાર્થી નથી મળતો..!
ક્યારેક એવા ઉદગારો આવે કે “મારી જિંદગી તો આ ઘરને સાચવવામાં જ ગઈ..” “જન્મારો કાઢી નાખ્યો આ ચાર દિવાલમાં..”
પેહલુ રીએક્શન ..?
અત્યંત દયા જન્મે અરે રે બિચારા બિચારી ને કેટ કેટલા “દ:ખ..”
અને થોડીક બુદ્ધિનો ઉપયોગ કરીને વિચારીએ તો..
એનો વર કેટલીવાર આને મુકીને બેંગકોકના “ગણપતિ”ની જાત્રાએ ગયો ?
અરે રે બાપડો સવારના આઠ થી રાતના આઠના ચક્કરમાંથી બહાર આવે તો ક્યાંક જાયને..! શનિવારે તેલ ચડાવવા જાય તો પણ “એના પોતના માટે હવે જીવવાવાળીને” જોડે લઈને જાય છે..! બિચારો આઈસ્ક્રીમ પણ એને મુકીને ખાતો નથી,પેલી ભલે સાંજ પડ્યે રોજ શાક લેવા નીકળે ત્યારે ત્રીસ રૂપિયાની પાણીપુરી ઠોકી જતી..!
સંસાર રથના આગલા પૈડા ખાડામાં પછડાય તો પાછલા એ પણ જખ મારીને પછાડવું જ પડે,પાછલું પૈડું ઉલળે વધારે એટલે દેખાય એવું કે આ બિચારી..અને ખાડાની ધારે આગલું પૈડું “ઠોકાય” એ કોઈના જોવે..!
વર્ષોથી આવી આવી લાઈનો ચારેબાજુ સાંભળી સાંભળીને ક્યારેક મગજ પાકી જાય..! દુનિયાભરમાં ભારતીય પુરુષ બિચારો એટલો બધો બદનામ છે કે ના પૂછોને વાત..! મને ઘણીવાર એમ થાય કે યાર લગ્ન નામની સંસ્થા તોડી નાખો એક એવું લગ્ન વિનાનું ગામ બનાવો,કલ્પના “બેન”ના ઘોડા દોડાવીએ..!!
ચાલો નામ આપીએ ગામનું “મોજીલું ગામ”..જ્યાં એક જ હોટલ રોજ સવાર સાંજ પડ્યે બધાએ જમી આવવાનું છોકરા મોટા કરવા ગામમાં એક આશ્રમ અને એનું ધ્યાન રાખે પેલા ઘરડાઓ..ખાલી ધ્યાન રાખે હો છોકરા મોટા તો પ્રોફેશનલ જુવાનીયા જ કરે..!
પેલો એસએમએસ આવ્યો હશે બધાને ઘરડાઘર અને અનાથ આશ્રમ બંનેને એક કરી નાખી તો કેવું ?
તગારું તારા બાપનું બેવકૂફ,ઘરડાઘરમાં રેહતા ઘરડામાં છોકરા મોટા કરવાની તાકાત બચી હોય ખરી ..? એમ છોકરા મોટા થાય..?સાલા એવા એવા મેસેજ બનાવે અને ડોબો વગર વિચાર્યે ફોરવર્ડ કરે..! નક્કી કોઈ બાવાએ આ મેસેજ બનવ્યો હશે જેને આગળ ઢાળ નહિ ને પાછળ ઉલાળ નહિ,ધડમાથા વિનાની વાતો કરવાની અને દે દે કરવાનું..! ઘરડા ઘરને અનાથઆશ્રમ ભેગા કરવા નીકળ્યો છે.. ક્યારેક આંટો માર બંને જગ્યાએ એટલે ખબર પડશે કે કેટલો “કકળાટ” છે ત્યાં..! બેક ટુ “મોજીલા ગામ”
મોજીલા ગામમાં જેને જે “કામ” કરવું હોય એને એ “કામ” કરવાની છુટ્ટી..અને જેની જોડે રેહવું એની જોડે રેહવાનુ હોય એની છૂટ, મોજીલા ગામમાં કોઈ ઘર જ નહિ બધા હોસ્ટેલની જેમ રેહતા હોય..ખાવા પીવાનું હોસ્પિટલ બધું ગ્રામ પંચાયત તરફથી ફ્રી..!
આમ તો બહુ સારું લાગે કોઈ જવાબદારી વિનાની જીંદગી,નહિ બચતની ચિંતા કે નહિ છોકરા નિશાળે લેવા મુકવાની ,અને લગ્ન જ નથી કર્યા તો પછી સાસુ સસરા તો દૂરની વાત થઇ ગઈ,માં બાપ ઘરડાઘરમાં રેહતા હોય..!
મોજીલા ગામની ચાલીસ વર્ષની અને નહિ પરણેલી અને બે છોકરાની માં થયેલી મંછા,ફક્ત અને ફક્ત “પોતાના માટે જીવતી” હવે એની જિંદગીમાં ડોકિયું મારીએ..
મંછા સવારે ઉઠી સાત વાગ્યે નાહવા ગઈ અને એના દોઢ રૂમમાં પલંગ એમનો એમ મૂકી અને નહિ ધોઈને બહાર આવી, ફ્રીઝ ખોલીને મંછાએ ચા બહાર (હજી ગઈકાલે જ બનાવેલી) કાઢી અને માઈક્રોવેવમાં મૂકી ગરમ કરી જોડે બે બ્રેડના ડૂચા ખોસી મંછા “પોતાની જીંદગી” જીવવા માટે દુનિયામાં પોહચી ગઈ,આઠ કલાક મંછા “પોતાના માટે” કામ કરીને થોડીવાર એના બોયફ્રેન્ડ પશા જોડે સાંજે પાંચ વાગે ક્યાંક પબમાં ઘુસી અને થોડું ખાધું અને થોડું “પીધું”..દસ વાગે પશો મંછાને એના દોઢ રૂમે મૂકી ગયો..શુક્ર શનિ હોય તો મંછા પશાના ઘેર રોકવા જાય ક્યાં તો પશો મંછાના ઘેર..!
પેલું મધર્સ ડે હોય ત્યારે મંછાના છોકરા એને મળવા આવે અને મળીને જતા રહે, પણ કઈ બહુ પળોજણ નહિ મંછાને બસ..
મંછાને ક્યારેક “પશો” ના ફાવે તો “જશો” આવે, અને જશો ના આવે તો “મહલો” આવે, પણ કોઈને કોઈ મંછાને મળી રહે,મંછા શુક્ર શનિમાં પથારીમાં એકલીના ઊંઘે..!
મંછા ને જન્મી અને ધાવણી હોય એટલે એની માં મોજીલા ગામના નિયમ પ્રમાણે આશ્રમમાં મૂકી ગઈ હોય એટલે ગ્રામ પંચાયતના ભરોસે જ મંછા મોટી થઇ હોય અને મંછા અઢાર વર્ષની થઇ એટલે એને એક ઓરડી આપી દીધી હતી, બધું મંછાએ પોતાની જાત માટે જ કરવાનું હતું એટલે મંછા થી થાય એટલી મેહનત કરી ભણ્યા ,ગણવાનો તો સવાલ નોહતો..
મંછા ડોશી થઈ એટલે ગઈ ઘરડા ઘેર..ત્યાં મંછા મરી,અને ગ્રામ પંચાયત એને બાળી આવી બેસણા ફેસણા તો હોય જ નહિ..!
મંછાની સ્ટોરી પૂરી..!
મારા અમેરિકા,ઓસ્ટેલિયન મિત્રો આવી “પોતાના માટે” જીવતી કેટલી મંછાઓ તમારી આજુબાજુ રખડે છે ?
જરા કેહજો આ અમારા દેશી બૈરાઓને..
નવી નવાઈની “પોતાના માટે” જીવવા નીકળે છે..
એમણે તો એમની દુનિયા સેટ કરી લીધી, આખો દિવસ એમને તો એમનું કામ કામ અને કામ, છોકરા એમના રસ્તે વળી ગયા અને હું ઘરની ઘરમાં રહી ગઈ..!
અલી ઓ નસીબવાળી છે તું ડોબી, ઘર મળ્યુ..તને..તારા “એ” ને તો પૂછ જાગ્રત અવસ્થામાં કેટલો ઘરમાં રહે છે..?
દુનિયામાં બે ત્રણ પ્રકારના બૈરા હોય છે એક રાંધીને ખવરાવે,બીજા કમાઈને રાંધીને ખવરાવે અને જે બૈરાને આ બેમાંથી એકપણ કેટેગરીમાં નથી આવતા એમને એમના ઘરના સ્ટાફને મેનેજ કરવામાં જન્મારા જાય છે..!
જે ફક્ત રાંધીને ખવરાવે એમને એમના “પોતાના માટે” કૈક કરવાની બહુ ઈચ્છા હોય છે, એટલે કૈક કમાવા જાય અને સીધી ભરાય કમાઈને રાંધીને ખવડાવે એમાં અને એમાંથી છૂટવા વધારે કમાય અને બને ઘરની મેનેજર…!
થાય પુરુષ સમોવડી..!
મારા “પોતાના માટે” જીવવા ના ખાલી ખોટા ઉપાડા લેનારા સરવાળે ભાગાકારમાં જ જઈને પડે છે..!
પણ કીધો કુંભાર ગધેડે થોડો ચડે..?
એટલે રસોડાના રાણીને “ચંદા કોચર” કે “ઈન્દ્રા નુઈ” બનવાની જો બહુ ઈચ્છા હોય તો પૂરી કરી લેવા દેવાની..!
૯૯ ટકા કેસમાં એમના રસોડા સામ્રાજ્યમાં ફરી ગોઠવાઈ જશે..!
ક્યારેક કૈક..વધારે કુદકા મારે તો પછી ભાઈ એ ટીંડર ડાઉનલોડ કરી લેવુ..પણ ફરી પરણવાની ભૂલ ના કરવી..!
રસોડાના રાણી “પોતાના માટે” જીવતી મંછા થતા હોય તો આપડે પશો,જશો કે મહલો થઇ જવું..!
સુ કે છ બકા તું..?
આપનો દિવસ શુભ રહે..
શૈશવ વોરા