દિલ્લી જવાનું થયું ..
સત્તાના ગલીયારામાં નહિ પણ સત્તાના કેન્દ્રમાં , પણ બિલકુલ એક પ્રેક્ષક તરીકેની ભૂમિકામાં જવાનું હતું , કોઈપણ પ્રકારનો મંચ નહિ કે લીડ નોહતી , એક ટુરિસ્ટની માફક જ પણ રાયસીના હિલ્સ ઉપર જવાનું હતું એટલે પત્થરો સાથે વાત કરવાની લાલચે શૈશવ પાર્ટી પોહચી ગઈ ..રાયસીના હિલ્સ ..!!!
ગ્લેમર મને આકર્ષે છે અને મને ગમે છે , વર્ષો પેહલા મને એમ હતું કે ગ્લેમર ફક્ત ફિલ્લમના રૂપેરી પડદે કે પછી મંચ ઉપર જ હોય છે પણ વધતી ઉંમર અને ઉઘડતી આંખોએ સત્તાના અને બીજા ઘણા બધા પ્રકારના ગ્લેમરના દર્શન કરાવ્યા..
ગ્લેમર શબ્દનું આયુષ્ય જ બહુ ઓછું હોય છે , આ સમજ નાનપણથી જ એટલે અંજાઈ ચોક્કસ જવું ,પણ અંદર આવી જવું કે એને પામવાનો પ્રયત્ન નહિ કરવાનો ,
જો કે એક સવાલ એ પણ ખરો કે અંજાઈ ના જવાય તો એ ગ્લેમર શેનું ?
દિલ્લી મેટ્રોનું કાર્ડ ઘસીને શૈશવ પાર્ટી ઠેબા ખાતી ખાતી પીળી લાઈનના સીએસ સ્ટેશને ઉતરી .. બહાર સરકારી ગાડી હતી તૈયાર ..!
એક જમાનામાં એમ્બેસેડર ધુમાડા કાઢતી આવતી ,પણ હવે તો સીન જુદો હતો , ઈનોવા..
રાજપથ ઉર્ફે કર્તવ્ય પથ ઉપર સડસડાટ એક પછી એક સિક્યુરીટી ચેક વટાવતી શૈશવ પાર્ટીની ગાડી આગળ નીકળતી ગઈ , એક ક્ષણમાં તો એમ લાગ્યું કે અરે આ તો એ જ જગ્યા જ્યાં ૨૬ જાન્યુઆરીની પરેડ થાય છે ,અરે અહિયાં તો “બીટિંગ ધ રીટ્રીટ” થાય છે ..!!!ક્ષણોને મનમાં સજાવી લેવાની હતી ..ગાંઠે બાંધવાની હતી ..!
ઢાળ ચડી ગાડી અને સામે દેખાયું રાષ્ટ્રપતિ ભવન અને ડાબે સાઉથ બ્લોક અને જમણે નોર્થ બ્લોક ..
ભારત દેશની સત્તાના પ્રમુખ કેન્દ્રો ..!!
ગાડી ફોયરમાં લઇ જઈ ને ઉભી કરવામાં આવી અને દરવાજો ખોલી નાખવામાં આવ્યો.. સર ઇસ તરફ આયે ..!!!
પત્તરફાડી .. ચારે તરફ સ્ટેનગનધારીનો ઘેરો , પણ અતિ વિનમ્ર ..
અમદાવાદી સોશિઅલ મીડિયાનો જીવડો સળવળ્યો ,સમી સાંજ , ઢળી ચુકેલો સૂરજ, ફોટોગ્રાફી માટેનો પરફેક્ટ સમય ,
અને લોકેશન તો અદ્દભુત ..!!
આમ પણ અંદરની સરકારી ઓફિસમાં આપણે તો હાજરી પુરાવવા જ આવ્યા હતા,
તે મને લેવા આવેલા અધિકારીને મેં પૂછ્યું.. સર મુઝે દેખના હૈ રોડ પે જા કે ,ઔર કુછ પિક્ચર્સ લેને હૈ ..
અધિકારી એકદમ યંગ છોકરો મને કહે આઇયે સર મૈ ક્લિક કર દેતા હું…
મને રેઢો નહિ મુકવાની તેને સૂચના હોય એવું મને લાગ્યું એટલે આપણે તો પછી કશું બાકી રાખીએ ..? !!!!!
અજવાળું હતું ને અંધારું થયું કે તરત જ ત્રણેય ઈમારતો ઝળહળી ઉઠી મારી આંખ સામે ..
શૈશવ બોલે અરે ..હજી ડાબે જુવે, ત્યાં જમણે ઝગારા મારે, જમણે જુવે ત્યાં સામે ,ત્યાં પાછળ ઇન્ડિયા ગેટ ..
ચારેય બાજુ રોશનીની રમઝટ અને શૈશવ કર્તવ્ય પથ ઉપર વચ્ચોવચ..!!!
પેલા અધિકારીને પણ ફોટા પડવાની મજા આવી ગઈ મેં કીધું મૈ આપ કે પીક્સ નિકાલ દુ..
અતિ નમ્રતાથી તેમણે ના પાડી..!!!
મજ્જા પડી ગઈ ,વારો હતો ભવનની અંદર જવાનો..!!!
આમ તો ખબર જ હતી કે ધ્રાસકો પડવાનો અને પડ્યો પણ ખરો ..ઈમારતની ખખડધજ હાલત જોઇને ,સારામાં સારા પત્થરો ઉપર ચૂનો ચિતરાઈ ચુક્યો છે..
જેમ ભદ્રના કિલ્લામાં બેઠેલી સરકારી ચાવડીમાં ચૂનો ફરી ચુક્યો છે તેમ જ ..!!
એએસઆઈ પાસેથી કદાચ લોકલ બોડીએ રખરખાવની જવાબદારી લઇ લીધી હશે એટલે બધું ચુને મઢાઈ ચુક્યું છે , મારા ભાગે જર્જરિત ગુંબજો ,લાંબા લાંબા ભવનના ગલીઆરા અને જ્યાં ત્યાંથી કાઢવામાં આવેલા ઇલેક્ટ્રિકસીટી ,સિક્યુરીટી કેમેરા અને ઈન્ટરનેટના દોરડા જ જોવામાં આવ્યા ..!
બ્રિટનના રાજભવનોનો ઠાઠમાઠ હશે એવી અપેક્ષા હતી પણ બધું સાદું સાદું લાગ્યું ..!
હું ચોક્કસ માનું છું કે સાદગી માલેતુજારોનું ઘરેણું છે, પણ આપણી મજબૂરી છે..!
જેમ લાલકિલ્લો લુંટાયો અનેકોવાર અને એની ભવ્યતા દુનિયા આખીમાં વેરાઈ ગઈ મયુરાસન જ્યાં મુકવામાં આવતું, ખાલી એ પથરો જ આપણા ભાગે જોવામાં આવે અને હવે તો એ પણ દૂરથી ..
એક સમયે બાળપણમાં દિલ્લી જતા ત્યારે એ જ પથરા ઉપર કચડી ને ફોટા પણ પડાવ્યા છે અને આળોટ્યા પણ અમે હતા .. ખૈર મયુરાસનનો કોહિનૂર જેમ સલ્તનતે બર્તાનીયાના તાજમાં છે તેમ બીજું ઘણું બધું પગ કરી ગયું હશે..!! આ તો આવડા મોટા ભવનો ખસેડીને લઇ ના જવાય બાકી તો આ પણ ના બચ્યું હોત ..!
ભવન તરીકેની બાંધણી સુંદર છે અને મારા જેવાને એ હવામાં અને ભવનોમાં શ્વાસ લેવાનું પણ બહુ ગમે .. વર્ષોથી આ ત્રણ ભવનોએ ભારતના ભાગ્યની દિશા નક્કી કરી છે , યુદ્ધ હોય કે શાંતિ ..આઝાદી કે ગુલામી દરેકના સાક્ષી આ ભવનો છે..!!
માનબિંદુ છે ..!!!
જો કે મને દૂરથી દેખાયેલું ભારતનું નવનિર્મિત સંસદ ભવન વધારે ગમ્યું ..
કારણ ?
કહું છું .. મને લાગે છે હવે ભારત દેશે આ જુના માનબિંદુઓને મ્યુઝીયમ કે હોટેલોમાં ફેરવી નાખવા જોઈએ ,પંચોતેર તો થયા હવે કેટલી રાહ જોવાની આપણે નવા ભવનો બાંધવામાં ????
હું તો માનું છું અને ઈચ્છું છું કે જેમ દરેક ભૂતપૂર્વ પ્રધાનમંત્રીને જમનાજીને કાંઠે બાળી અને એકરોમાં ઘાટ ઉભા કરવાની પરંપરા મૂકી અને એક જ સમશાન ઉભું કર્યું (એને સ્મશાન જ કેહવાય ચાંપલી ..) એમ નવું હાઈટેક પ્રધાનમંત્રી નિવાસ એ રાષ્ટ્રપતિ ભવન પણ બનાવવું જોઈએ અને આ લાલકિલ્લો ખાલી કરી મોજ મજા કરવાની જગ્યાઓ બનાવવી જોઈએ..
લાલ કિલ્લેથી ભાષણ અને તિરંગો ફરકાવવાની પરંપરાનો ત્યાગ થવો જોઈએ ..!
ટીવી ઈન્ટરનેટ નોહતા , હવે તો છે ..પછી શું છે ત્યારે ??????
ઘણું બધું બદલવાનું છે અને બદલાતું રેહશે ,
દિલ્લી સદીઓથી ધમરોળાઈ રહ્યું છે અને રેહશે ,સત્તાનું કેન્દ્ર હોવાની મજા અને સજા બધુય દિલ્લી યુગોથી ભોગવી રહ્યું છે..
સાતમ આઠમ કરજો મજાથી ..
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*