દિવાળી ગઈ એનો એહસાસ ધીમે ધીમે થઇ રહ્યો છે , રોજીંદા મેસેજીસની ભરતી હવે ઓટમાં પરિણામી છે, શાંત થઇ છે જનતા જનાર્દન શુભેચ્છાના મેસેજીસ કરવામાં , ગુડ મોર્નિંગ ગુડ નાઈટના મેસેજીસ ચાલુ થઇ ગયા છે ..!
શરુ શરુમાં આ મેસેજીસ ની હેલી જોઈ ને હું બહુ અકળાતો કે કેમ આવા ફાલતું મેસેજીસ કરે છે જનતા, પણ પછી એક વિચાર એવો આવ્યો કે અસ્તિત્વ પ્રમાણ લગભગ દરેક ને આપવું હોય છે અને એ પણ પોતે કૈક છે કે પછી હું શું છું એની સાથે અસ્તિત્વનું પ્રમાણ આપવું હોય એટલે આ ફોરવર્ડ બીઝનેસ ચાલી રહ્યો છે..
આવી માન્યતા ઘણો સમય રહી ,અને પછી થોડુક લખવાનું ચાલુ કર્યું અને એમાં અહંકાર ચડ્યો આપણે તો આપણું લખેલું મોકલીએ છીએ ક્યા ગામ ની જેમ આવેલું આગળ મોકલીએ છીએ, ધીમે ધીમે સમજાયું કે કઈ મોટી વાત નથી લખવું એ અને કઈ મોટું ચિંતન કરી આપણે ક્યાં લખીએ છીએ ?
મનમાં આવ્યું કે ઉગ્યું એ ઠાલવી દેવાનું એમાં વળી શી મોટી મોથ મારી હોય એમ ફજર ફાળકો થઇ ને ફરવું ?
એક સમય એવો આવ્યો કે જ્યાં જઈએ ત્યાં એમ કહે આજુબાજુના સ્વજનો કે બહુ સરસ લખો છો બહુ ગમે છે અમને લખતા રહો એવે સમયે જાત ઉપર શંકા થઇ ગઈ કે કોઈ રવાડે તો નથી ચડી ગયો ને હું ? કોઈ વખાણ કરે એટલે ચેતવું ..!
હમણાં જ એક મિત્ર એ ટપાર્યો આ શું રોજ રોજ ટીવી ઉપર ચોંટી જાય છે ? ક્વોલીટી તો મેન્ટેન કર, બસ જે અને તે ..?મન માં આવે ભરડી નાખવાનું ?
જરાક હાશ થઇ ..!!
પેહલા તો પોલીટીકલ લખતો પણ પછી એમ થયું કે ક્યાં આપણે આમાંથી પાઈ પૈસો ક્યાં કમાવો છે કે પબ્લીસીટી જોઈએ છે ? છોડ ને ભઈ બધું સામાજિક વાતો કરો અને પૂરું કરો ..! એટલે નક્કી કર્યું લખવું પણ પોલીટીકલ લખીએ તો પોસ્ટીંગ નહિ આપવાનું ટાઈમ કેપ્સ્યુલમાં નાખી દેવાનું ..!!
એક એવો જ ટાઈમ કેપ્સ્યુલમાં નાખેલો વિષય એટલે નોટબંધી..!! એ સમયે બહુ ચડી ચડી ને લખતો પણ કેટલા વર્ષ થયા ? કોને કોને યાદ છે ? પ્રજાની યાદદાસ્ત બહુ ટૂંકી હોય છે , જે લોકો એ કઠેડામાં ઉભા કરી ને રીતસર ટ્રાયલ ચલાવી હતી એ લોકો એ ખોબલે ને ખોબલે મત આપી ને ગાદીનશીન કરી આપ્યા..!!
જો કે ૨૦૧૪ થી જુવો તો એક પછી એક અદ્દભુત ઘટનાઓ ઈતિહાસના પરીપેક્ષમાં થઇ રહી છે,નોટબંધી ,રામ મંદિર ,કોવીડ ની મહામારી, અણઘડ જીએસટી અને ઇન્કમટેક્ષના ફાંફે ચડી જવાય એવા ફોર્મના સુધારા..!!
હમણાં એક ડીબેટ જોઈ રહ્યો હતો પેટ્રોલ ડીઝલના ભાવો માટેની અને એમાં સત્તા પક્ષ તરફથી બોલનારા એ એવું કીધું કે તમે જ કહો અમારે શું કરવું જોઈએ અને પછી એક પત્રકારે રીતસર લઇ નાખ્યા કે અમારે જ કેહ્વાનું હોય અને તમારે કરવાનું હોય તો પછી સત્તા છોડી દો વાત ખતમ ..! બહુ ગમે આવું બલન્ટ બોલવું ..!!
પણ જરાક નજર ઉંચી કરી ને જોઈએ ને તો આ બદ્ધી રોજ ની વાતો ની વચ્ચે દુનિયા ક્યાં જઈ રહી છે એનો સેહજ પણ અંદાજ કદાચ આપણને ભારતભૂમિ ઉપર વસી રહેલા લોકો ને નથી અને છતાં પણ દર વર્ષે કોર્ષ બાહરના સવાલો ના જવાબ ભારત દેશે આપવાના આવી ને ઉભા રહે છે..!
દુનિયા આખી હજી આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ મરતા મરતા ચાલુ કરી રહી છે ત્યારે અમેરિકાવાળાઓ સ્પેસ ટુરીઝમ ડેવલપ કરી ને મૂકી દીધું ..!!
નગરી અમદાવાદની વસ્તી આબુ ઉદેપુર ને કુમ્ભ્લગઢમાં રખડી ખાય છે ..!!
ભારતના બુદ્ધિજીવીઓ ને ખાલી એમ પૂછો કે ચન્દ્ર ઉપર ટોટલ કેટલા માણસો ગયા અને પાછા આવ્યા ? નામ બાજુ ઉપર મુકો પણ સંખ્યા તો જણાવો ?
નહી જવાબ મળે, અને ચોક્કસ ગુગલ કરશે..!
દુનિયા આખીમાં શું ચાલી રહ્યું છે એમ કોઈ ને પૂછો એટલે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે છાંટવા નું ચાલુ કરી મુકશે..! પણ આંધળા નો હાથી થઇ ને વાત ઉભી રેહશે..!!
ઘણું વિચારતો પેહલા ને ત્યારે મગજમાં યુદ્ધ જવર ચડેલો હતો ..લોકડાઉન પેહલા મારા જેવા ને બીક હતી કે કોઈ મોટું યુદ્ધ આવી પડે ભારત ને માથે તો કેટલા દિવસ ચાલે એટલું ક્રુડઓઈલ ભારતમાં ? એની બદલે કેટલો ઓક્સીજન અવેલેબલ ? એવા સવાલ નો આન્સર કરવા નો આવ્યો ભારત દેશે..!!
જો કે જે પાણીએ ચડે એ પાણીએ મગ ચડ્વવાની ભારત દેશની તાકાત ડગલે ને પગલે દેખાઈ, જે સરકાર ને ખોબલે ને ખોબલે મત આપી ને લાવ્યા એણે કરેલી નોટબંધી ને કાકા,મામા માસી ,સાળી ,ફોઈ જેવા અગણિત સબંધીઓ ના ખાતામાં રૂપિયા ભરી ભરી ને સૂલટાવી આપ્યા ..!!
નોટબંધી ને ઉંધે કાંધ પાડી દીધી..!! હવે શું માનવું ? લોકો ને જ રોકડા ગમે છે ..!!
જવેલર્સ ને રોકડે ક જ્વેલરી વેચવી છે બિલ્ડર્સ ને રોકડે જ એમનો માલ વેચવો છે , જંત્રી નામની રોકડા અને ચેકના રૂપિયા વચ્ચેની સગવડ સરકાર જ કરી આપે છે ..!!!
સરકારી નોકરો ને પગાર કરતા વધુ રસ રોકડામાં છે ..!
કડક હાથે સરકારી નોકરો જોડે અને પ્રજા જોડે કામ લેવામાં ભ્રષ્ટાચાર નો ભોરીંગ વધુ મોટો થઇ ને બાહર આવ્યો, હતા એનાથી વધારે રોકડાછાપી ને બજારમાં નાખવા પડ્યા..!
નખ્ખોદ..!!
સરકાર એમ બોલે કે અમારે છત્રીસ લાખ કરોડ બાર મહીને જોઈએ અને જીએસટી આપે માંડ પંદર સોળ લાખ કરોડ બાકી નો ખાડો પુરવો કેમનો ? પેટ્રોલ ડીઝલથી કેમ કે ટેક્ષ નેટમાં તો કોઈ ને આવવું જ નથી..!
અરે પણ કમ સે કમ એટલું તો કરો સરકારી અને બિન સરકારી નોકરોના સેલરી ખાતાઓમાંથી રોકડ ઉપાડવા ઉપર પાબંધી બધો જ ખર્ચો ડીજીટલ કરો એટલે લગભગ પચાસ ટકા નાના મોટા વેપારીઓ પણ નેટમાં ફસાઈ જશે અને પછી ધીમેકથી બીજા બધાનો વારો પાડો..!!
જો ખરેખર સીરીયસ એફર્ટ કરવા છે તો આજે જંત્રી નામે જે જુઠ્ઠું બોલાઈ રહ્યું છે એને બજાર ભાવે કરો ,ટેક્ષ છ ટકા ને બદલે એક ટકો કરો પણ બધું સાચી કિમતે ચોપડે તો ચડાવો ..!!!
ખેતી ની આવકો ડીજીટલ કરો એટલે ત્યાંથી ચોરીઓ પકડાય , પણ કૈક થાય ને હાય તોબા મચે , સોશિઅલ મીડિયા ઉપર સામ સામે અવી જાય ..!
અને અમુક નોટો તો એવી હોય કે જેણે ખરેખર પ્રોડક્શનના નામે એકાદા છોકરા સિવાય કશું જ કાઢ્યું ના હોય , વાંઢો સંસારમાં શું કરવું જોઈએ એની સલાહો આપે અને રૂપિયા નો ટેક્ષ નહિ ભરનારો છેક નાણામંત્રી ને ટ્રોલ કરે ..! ત્રણ ઇસ્સ્યું ભરી ને શેરબજાર ની તેજી મંદી ની પરણે ..!!
ક્યારેક પછી એમ થાય કે જે થવું હોય તે થાય એક બે ને સાડા …
સબ અપની અપની સંભાલો ..!!
નીકળો ઘરની બાહર ઉજવણીઓ તો ચાલ્યા જ કરશે ઉત્સવ ઘેલો દેશ છે નવેમ્બર હેન્ડ્યો અને જેવો ડીસેમ્બર આવશે એ ભેગા લગ્નસરા અને એનઆરઆઈ પંખીડા આવશે ને પાછળ ક્રિસમસ..!!
નાચશે ગુજરાત ..પીશે ..ગુજરાત ..છાકટુ ગુજરાત ..દંભી ગુજરાત .. શ્રેષ્ઠ ગુજરાત .. એક ગુજરાત …અનેરું ગુજરાત ..ગરવું ગુજરાત ..રમતું ગુજરાત ..રમણે ચડતું ગુજરાત..જીતતું ગુજરાત .. કમાતું ગુજરાત .. કૌભાંડ કરતુ ગુજરાત …!!
જે લગાડવું હોય એ લગાડો અને તમ તમારે આવવા દો .. કોઈ ને કૌભાંડ કરતુ ગુજરાત ના ગમ્યું હોય તો માધુપુરા યાદ કરાવી દઉં હો ..!
બાકી ગોવા ,દીવ ,દમણ ,આબુ ,ઉદેપુર બધું કોની ઉપર ચાલે છે હે ?
પાટિયા ગુજરાતીમાં છે ત્યાં શરાબ મળશે ,ચીલ્લ્ડ બીયર મળશે..!!
જય હો ગિરધારી .. ઘણા દિવસથી કઈ સારું કાને પડ્યું નોહ્તું ..એક કૌંસી કનાડાની ચીજ પંડિત સંજીવ અભ્યંકરજી ની કાને પડી ગઈ દિવસ સુધરી ગયો..!
દરબારી કાનડા અને માલકૌંસ ભેગો થાય એટલે બને કૌંસી કાનડા..!!
નેકળો હવ કોમે ત્તારે શું .. શૈશવ એ તો ગાડી મોં બેઠા બેઠા હવાર હવારમાં ગામ ની કુટી ઘાલી ,તમ ય સું ટેમ બગાડો હો ,કોમે વરગો હવ ,દિવારી તો આવ ન જાય ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*