વાતો ના વડાં ને કલ્પના ના ઘોડા..!!
અમેરિકામાં એક ભાઈએ એક બેહન ને `લાફા` મારવા હાયર કર્યા..!
ભાઈએ એવું કર્યું કે હું જેવું ફેસબુક ખોલું કે તરત જ તમારે મને એક લાફો મારવા નો બેન..તારું એટલું જ કામ બસ..!
અને આટલા કામના તમને દર કલાકે આઠ ડોલર આપીશ..!!
કલાક ના આઠ ડોલર ..!! સિત્તેર નો ઘડીયો બોલો જોઉં ..! રૂપિયા કેટલા થયા અને એ પણ કોઈક ને લાફો મારવાના અને ચોકીદારી કરવાના કે માટીડો ફેસબુક ના ખોલી જાય..!!
એ ભાઈ કહે છે કે આ બેહન ને હાયર કર્યા એ પેહલા મારી પ્રોડક્ટીવીટી ચાલીસ પચાસ ટકા માંડ હતી હવે ૯૮ ટકા સુધી થઇ ગઈ..!
મારા જેવા ને તો મોઢેથી નીકળી જાય વાહ ..!! કેહવું પડે આટલી બધી પ્રોડકટીવીટીમાં ફેર આવ્યો બહુ કેહવાય ..!!
જંબુદ્વિપે ભરતખંડે ગુર્જર પ્રદેશે નગરી અમદાવાદે સેટેલાઈટ પ્રખંડે વસતા શૈશવ વોરા નામના ભાઈએ એ શું આવા કોઈ બેહન કે ભાઈ ને હાયર કરવા જોઈએ ?
અને જો હાયર કરીએ તો શું થાય ?
લાફો મારનારાનો હાથ જો જરાક ભારે હોય તો કોવીડ પછી પેશન્ટો ને માટે તરસતી તદ્દન ખાલી પડેલી એસવીપી નામની બહુ સુંદર મજાની હોસ્પિટલમાં ફક્ત એક જ દિવસમાં શૈશવભાઈ ને દાખલ કરવા પડે ..!
લાફા ખાઈ ખાઈ ને એક જ દિવસમાં આખું શરીર સુજી ગયું હોય..!!
કેટલી ભયંકર પરિસ્થતિ છે અત્યારે આ ફેસબુક અને વોટ્સ એપ ને લીધે જેનો અંદાજ લેવો પણ મુશ્કેલ છે અને તો પણ દેશ ચાલી રહ્યો છે ..આગળ વધી રહ્યો છે ..!!
ઝુંપડે ઝુંપડે ફેસબુક વોટ્સ એપ અને બીજા સોશિઅલ મીડિયા અને મીડિયા પોહચી ગયા છે..!
થોડાક સમય પેહલા કારખાને કડિયા કામ ચાલતું હતું કડિયાઓ ની જોડે મજુરો અને એમના બાળકો લાવલશ્કર સહીત પડાવ નાખી ને કારખાનામાં જ રેહતા , મજુરોના બાળકો સંપૂર્ણપણે યુટ્યુબ ઉપર એમનો પૂરે પૂરો સમય વિતાવતા હતા અને એકપણ પ્લગ ખાલી દેખાય ત્યાં ચાર્જીંગ ચાલુ કરી ને ચાલુ ચાર્જીંગ એ મોબાઈલની સામે ચોંટી જતા ..!!
મોટા મોટા આલય, મહાલય થી લઇ ને મજુરોના બાળકો તમામની પરિસ્થિતિ એક સરખી છે..!!
કોણ કોને લાફા મારે ? અને છતાંય દેશ ચાલી રહ્યો છે ..!!
પૂછો કયું ?
તો શૈશવ નામનું ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળા …
સદીઓથી આપણે મોબાઈલમાં મોઢું નાખી ને જ જીવતા આવ્યા છીએ..!
મોબાઈલ હતો કે નહી આપણે નરી પંચાતો ફૂટ્યા સિવાય કર્યું છે શું ?
વાતો ના વડાં ને કલ્પના ના ઘોડા ..!!!
પશ્ચિમ ટીવી શોધી લાવ્યું તો આપણે સિક્કો માર્યો ..હા હા હવે આવું તો અમારે મહાભારતમાં પણ હતું હસ્તિનાપુરમાં બેઠા બેઠા છેક કુરુક્ષેત્રથી સંજય લાઈવ ટેલીકાસ્ટ ધ્રુતરાષ્ટ્ર ને આપતો હતો..!!
અલ્યા શંખ, પિત્તળ ,ટેકનોલોજી હતી તે પછી ધૃતરાષ્ટ્ર આંધળો મુઓ કેમ રેહવા દીધો ? ધ્રુતરાષ્ટ્રના અંધાપા નું કારણ શું હતું ? રેટીના ડીટેચમેન્ટ હતું ? કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવો પડે એમ હતું ? કે પછી ઓપ્ટિક નર્વ ડેમેજ હતી કે ડ્રાય થઇ ગઈ હતી ? કે પછી ગ્લુકોમા હતો ? કે પછી કેટ્રેકટ કરવાનું હતું ?
ટેકનોલોજી હતી તો પછી ધ્રુતરાષ્ટ્ર ને જ દેખતો કરી મુકવો હતો ને ભલા .. બધી મોકાણ નું મોઢું જ બંધ થઇ જાત..!!
ફર્ક ખબર પડી પ્રોડ્કટીવીટી અને વાતોના વડાં અને કલ્પના ના ઘોડા વચ્ચે ?
તમને ખબર છે કે તમે પ્રોડ્કટીવ કામ કરી શકો તેમ છો અને જો તમે ફેસબુક વોટ્સ એપ કે બીજા સોશિઅલ મીડિયા ઉપર ચડી જઈને તમારો સમય બરબાદ કરી રહ્યા છો તો તમારા માટે કામનું છે કોઈ ને લાફો મારવા હાયર કરવાનું બાકી તો શું ફર્ક પડે ?
બજાર નવરી હતી છે અને રેહશે ..!
નવરી નખ્ખોદ વાળતી હતી ,વાળી રહી છે ,અને વાળતી રેહશે ..!!
કોઈક ને એમ હોય કે બહુ બધું શીખવા મળે ..
વાતમાં બહુ માલ નહિ સોળે સાન ને વીસે વાન આવી તો આવી નહિ તો ગઈ કુતરા ને કાન ..!!
શીખવું જ છે જેને એ ગમ્મે ત્યાં જઈને શીખશે અને શીખેલા નો ઉપયોગ કરી અને ક્યાંક માનવ જીવનમાં ઉપયોગી થાય એવી કોઈક પ્રોડક્ટ કે સર્વિસ આપશે પણ જેને ડફણા મારી મારી ને કામ કરવા મજબુર કરવા નો છે એવા ગર્દભ ને શું ?
અમે ખાનપુર રેહતા ત્યારે પેલી કામા હોટેલની બાજુમાં ગલી પડે ..ત્યાંથી સીધા નદીના ભાઠામાં ઉતરી જવાતું એક વણઝારણ બેન રોજ એના ગધેડા લઈને ત્યાંથી ઉતરે અને ગધેડા ઉપર રેતી લાદે અને બાંધકામની સાઈટ ઉપર જઈને ખાલી કરી ને આવે .. હું બાળસહજ ભાવે આખી પ્રક્રિયા જોતો અને પછી વિચારતો ..આ બિચારા ગધેડા ને કેટલા ડફણા ખાવા પડે છે ? એના મનમાં શું ચાલતું હશે ? ઉપરવાળા એ બિચારા ને કેમ ગધેડો બનાવ્યો ? આ બેહન એમને ખાવા નું આપતા હશે ? બિચારો કેટલું મોટેથી હોંચી હોંચી કરી મુકે છે ? પાપ, પુણ્ય ,આલોક, પરલોક, કર્મ, અકર્મ, દુષ્કર્મ વગેરે..વગેરે સુધી ત્યારે શૈશવ નામની નવરી બજાર પોહચી નોહતી એટલે આટલું વિચારી ને અટકી જતો પણ એ શું હતું ..??????
મારો મોબાઈલ.. મારું ફેસબુક.. મારું વોટ્સ એપ ..!!
ટોટલ ટાઈમ પાસ .. જેની જોડે મારે કશું લેવાદેવા નથી એના માટે દિમાગ ચાલતું ..!!!
એ જ સિચ્યુએશન અને ગધેડા ઉપર આજે ફેસબુક વોટ્સ નાં હોય અને છતાં પણ વિચારવાનું હોય તો અબોલ પશુ ,આંખમાંથી પાણી નીતરતું દેખાય આ ભવના પાપ હશે કે પરભવ ના ? માણસ જાત કેટલી સ્વાર્થી છે કે જે પ્રાણી એને કામ ના લાગે એના અસ્તિત્વ ને પણ મિટાવી દે છે …આવું આવું કૈક..કૈક વિચારી લેવાય અને પાછું સોશિઅલ મીડિયા ઉપર ઠપકારી દેવાય..!!
જરૂર છે સ્વભાવ ને સુધારવાની,જાત ને કેળવવાની ક્યાં સુધી સાપેક્ષ જિંદગી જીવવી છે ? કેવી જિંદગી જીવવી છે ? પ્રોડ્કટીવીટી વધારી ને કઈ પ્રોડક્ટ બનાવવી છે અને એ પ્રોડક્ટ વડે હું દુનિયાને શું આપી શકીશ એ વિચારવાની ..!
બાકી તો મોબાઈલ ને લીધે ઘણા બધા ઝાડ બચી ગયા નહિ તો મારા જેવા કૈક નત નવું લખી લખી ને ચોપડીઓ છપાવે અને પછી જાય બધું પસ્તીમાં .. કાગળ નો વ્યય..!
લખાણ પણ ઉપયોગી અને પ્રોડ્કટીવીટી વધારી આપે એવું હોય તો કામનું બાકી તો..
અમારે યાં પણ ઘણું હતું પણ મારા દાદા દારૂડિયા ને જોડે જોડે પત્તેય રમે ને બીજાય ઘણાય સોખ, એમાં બધું વ્યુ ગ્યું તે મારે આ મોબાઈલ નો સહારો સે અટાણે તો દન વ્યો જાય હે ને રાતે ય ઊંઘ નો આવે રાતેય વઈ જાય બોલો ..!!
છેક દાદા ને ગાળો કાઢે સાહીઠ સિત્તેર વર્ષે .. પણ મારા રોયા તે વળી તારા જન્મારામાં ક્યા પાણા પકવી લીધા હે ઈ તો ક્યે ?
બહુ મન થાય લાફા મારવાવાળા બેન હાયર કરવાનું તો તમે તમારા પત્નીજી ને હાયર કરજો .. ઘણા ફાયદા થશે ..!!
એક.. એમની વર્ષો ની દાઝ નીકળી જશે, બે.. વાગશે ઓછું ને અવાજ વધારે આવશે, ત્રણ… એમની તમારી ઉપર નજર રાખવાની તમન્ના પૂરી થશે ,ચાર.. તમે ખરેખર કામ કરો છો એવો એમને વિશ્વાસ બેસશે ,પાંચ.. દાઝ ઉતરી જશે તો જમવાનું સારું બનશે ,છ.. એમને વિશ્વાસ બેસશે કે તમારે કોઈ લફરું નથી તો પ્રેમ વધશે ,સાત.. સૌથી મોટી વાત કલાક ના આઠ ડોલર ઘરના ઘરમાં રેહશે , ઘી ઢળ્યું તો ખીચડીમાં..!!
આગળ તમે પણ આઠ ,નવ ,દસ, અગિયાર ,બાર એમ કારણો જોડી શકો છો નવરી બજાર..!! કામે વળગ ..કામે..આખો દિવસ શું રાહ જોઇને બેઠો હોય છે ક્યારે શૈશવભાઈ નો બ્લોગ આવે ને વાંચું , પંચાતીયા ..!!
આપનો દિન શુભ રહે ..!
મોજમાં રહો રોજ રહો ..!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*