સૌથી પેહલા સર્વે ને દિપાવલી ની મંગલકામનાઓ ..!!
હિન્દુસ્થાનમાં વસતા અને એની બાહર પણ વસી રહેલા હિંદુ જીવન શૈલી થી જીવન જીવતા લોકો નો `માનો તો` સૌથી મોટો તેહવાર..!!
અહિયાં `માનો તો` એવું લખવું જરૂરી છે કારણકે એમાં પણ વિવાદ છે , મારવાડીમાં એમ બોલે કે દિવાળી તો અટે કટે હોળી તો ઘરે ઘરે..!! અને તો પણ આટલા વર્ષો દિવાળી અમદાવાદની બાહર કરી છે એટલે કહી શકું કે જયપુર ની ચાર દિવારીની અંદરની દિવાળીની રાત એટલે એવી રાત બીજે ક્યાંય મેં દેશભરમાં નથી જોઈ..!!!
અમદાવાદી ભાષામાં કહું તો જયપુર નો આખે આખો કોટ વિસ્તાર ઝગારા મારતો હોય એટલી રોશની..!!! તરબતર થઇ જાય આખે આખું જયપુર રોશનીથી..!! મીઠાઈઓ અને એ પણ લક્ષ્મી મીઠાઈ ભંડાર ..અધધધધ ..!!
દિવાળી ની રાત્રે જયપુરમાં ભટકવાની મજા જોર જોર ..!!!
જયપુર યાદ આવે એટલે થોડોક જયપુર નો ઈતિહાસ પણ યાદ આવે , એ નાહરગઢ ..!! અને એ આમેર ના હાથીઓ ..!
જીવનના જુદા જુદા ત્રણ ચાર અંતરાલમાં દિવાળીઓ જયપુર કરેલી છે..!
પેહલી દિવાળી બાર પંદર વર્ષનો હોઈશ ત્યારે અમદાવાદથી પાપા ની સાથે એમની ૧૯૪૭ મોડેલની પોંટીઆક લઇ ને અમે ગયા હતા..!
વિન્ટેજ ગાડી લઈને રાજસ્થાનમાં ફરવાની મજા કૈક ઓર હતી કેમ કે એશીના દાયકામાં વિન્ટેજ ગાડીઓ ફક્ત અને ફક્ત જુના રાજા રજવાડાઓ જોડે બચી હતી , એટલે કોઇપણ કિલ્લા ના દરવાજા સુધી પોંટીઆક જાય એ ભેગી દોડાદોડી મચી જતી .. કોઈ મહારાજા સાહેબ આવ્યા કે બાપુ સાહેબ આવ્યા..!!
અને પછી સ્ટાફ નિરાશ થઇ જતો કે આ તો દાકતર નીકળ્યા…!!
પેહલી ટ્રીપ વખતે એ પોંટીઆક નો ફાયદો એ થયો હતો કે આમેરમાં છેક ઉપ્પર સુધી ગાડી પોહચી ગઈ પણ કોઈ એ રોકવાની હિંમત ના કરી અને ત્યાંથી છેક જયવાણ સુધી..!!
જયવાણ એ જમાનામાં દુનિયાની સૌથી મોટી તોપ હતી અને એનું ફાયરીંગ ફક્ત એક જ વખત થયું હતું , ટેસ્ટીંગ વખતે અકબરના જમાનામાં ,પછી મોટે ભાગે એવું થતું કે જયવાણ જેવી આમેર નો કિલ્લો છોડે અને એ સમાચાર રણમેદાનમાં પોહચે એટલે ફટાફટ યુદ્ધ નો ફેંસલો આવી જતો હતો .. આવું ત્યાં નો ગાઈડ કેહતો હો..!
બીજું જયવાણ ની ખાસિયત એ કે એને કિલ્લેથી ઉતારવા ચાર હાથી અને ચડાવવા આઠ હાથી લાગતા..!! રેંજ લગભગ એક કિલોમીટરની..!
થોડાક વર્ષો પેહલા ફરી એકવાર ગયા હતા બાળકો ને બતાડવા ત્યારે જયવાણ ને ફરતે પાંજરું ઉભું કરી મુકવામાં આવ્યું છે મને એમ હતું કે જયવાણ ઉપર ચડી ઉતરી ને અમે જે રમ્યા છીએ અને હાથ ફેરવી ફેરવી ને જયવાણ ને જોઈ છે એમ હું મારા બાળકો ને બતાડીશ પણ જયવાણ ને અત્યારે પાંજરા માં પૂરી દેવાઈ છે ..!
જો કે વાંક આપણી વસ્તી નો જ છે જયવાણ ઉપર કરોડો લોકો હાથ ફેરવે તો જયવાણ ને કઈ થાય તેમ નથી પણ વસ્તી મુઈ ખીલીઓ લઇ ને પોતાના નામ કોતરવા લાગી હતી જાણે એના બાપે જયવાણ બનાવી હોય એમ..!
લગભગ દરેક ઐતિહાસિક જગ્યાઓ ની આ હાલત કરી મૂકી છે અભણ વસ્તીએ..!!
મોટેભાગે જયપુરના હવા મેહલ ને બાહરથી બતાવી ને ટુરિસ્ટ ને ભગાડી મુકવામાં આવે છે , પણ ખરેખર હવા મહેલ કેમ હવા મેહલ છે એ જોવા જેવું છે..! એની અસંખ્ય બારીઓ અને એકપણ બારી પાસે બેસી ને જેવી બારી ખોલો કે તરત જ હવાની લેહરખી આવે આવે અને આવે એ પ્રકારનું એની ડીઝાઈન અને આર્કિટેક છે..!
જયપુરના મહારાજા સવાઈ જયસિંહ ને હું અર્વાચીન યુગના બહુ મોટા ખગોળવિદ્દ અને તાંત્રિક માનું છું ..! જંતરમન્તર કોઈ સરખો ગાઈડ લઈને જઈએ અને સમય લઈને તો મજા પડી જાય એવું છે પણ ત્યાં પણ હવે ડખા છે પબ્લિકએ નાની નાની રેખાઓ ઘસી નાખી છે એટલે ખગોળની સૂક્ષ્મતા ને હવે જોઈ શકાય તેમ રહ્યું નથી..!!
બાકી પેલેસ તો છે જ અડધો ખંડેર અને અડધો ઉભો , અને પછી ગાઈડ ના મોઢે રાજપરિવારની વાતો ..! પેલો સવાઈ માધોસિંહ નો કુર્તો ચાર ફૂટ પોહ્ળો ..!!
આપણને એમ થાય કે જેની કમ્મર ચાર ફૂટની હોય અને હાઈટ સાડા સાત ફૂટ હોય એ માણસ હશે કેવો ?
પણ એક વસ્તુ મેં માર્ક કરી છે કે જુના રાજા રજવાડામાં જીનેટિક એન્જીનીયરીંગ ના પ્રયોગો બહુ થતા..! અને એમના વંશ વારસો ને ખુલ્લી છાતીએ યુધ્ધો લડવાના થતા એટલે સામાન્ય કરતા વધુ હાઈટ બોડી ધરવતા સ્ત્રી પુરુષો જોડે જ અંદર અંદર લગ્નો કરાવવા માં આવતા જેથી શારીરિક બાંધા મજબુત જીનેટીકલી મળે..!
એક મિત્ર જુના રજવાડામાંથી છે .. એના બાણું વર્ષના દાદી સાત ફૂટ હાઈટ છે એના પપ્પા સવા સાત ફૂટ અને એ પોતે એમના ઘરમાં “ઠીંગણો” છે સાડા છ ફૂટ હાઈટ “જ” છે..!!!
મારા જેવો તો એમના ઘરમાં ડોકી ઉંચી કરી ને જ ફરે વામન અવતાર ..!!
ફાઈનલી ખરીદી ..!
બાપુ બાઝારમાં ઘુસી જવાનું અને જો સરખી દુકાન હાથ લાગે તો તમારા ખીસાનું આવી બન્યું..!!
ઘાણી બોલાવી દે .. અરે હોતું હશે અમદાવાદમાં તો આ ડ્રેસ મટીરીયલ કેટલા મોંઘા મળે છે .. મમ્મી તમે આ રાખો જુવો .. ના ના હવે અમને આ ઉંમરે આવા કલર ના શોભે તું લઇ લે ..અરે પેલી સાડી બતાડો તો ભાઈ .. મમ્મી તમે આ સાડી લઇ લો ..અમે નહિ તું પેહરવા ની હોય તો હું લઉં બાકી આટલી મોંઘી સાડી મારે નથી લેવી ..!!
સાસુ વહુ એકબીજા ને પેહરાવતા જાય અને આપણા માથાના વાળ ખરતા જાય..!! અને દુકાનવાળો જરાય ઓછો ના હોય મેડમ જી લેટેસ્ટ હૈ ..આપ કી ચોઈસ બડી એક્સ્લ્યુંઝીવ હૈ .. એમાં પાછા પત્નીજી એમ બોલે મમ્મી તમે આ લઈલો દવાખાને પેહરવા ચાલશે પત્યું દાદીજી આપ દાકતર હૈ ..એ અરે ક્યાં બાત ..અરે સુનો મેડમજી કે લિયે જો સ્પેશીલ હૈ ના સોબર વાલા વો નિકાલ કે લાવો..!!
અમે બાપ દિકરો મનમાં ટોટલ જ માર્યા કરીએ અને બીલ ચૂકવી ને જો ભૂલથી બોલીએ કે ટાલ પાડી દીધી તો પેલો દુકાન વાળો બોલે સરજી હમ લોગ કમાતે કિસકે લિયે હૈ ?
ચાલો જયપુર ફરી લીધું આજે ..!!
બીજી દિવાળી છે જીવનની કે અમદાવાદ છોડ્યું નથી..!!
ફોટા શોધું છું જુના હાથ લાગે તો પોસ્ટીંગ કરું છું ..!! બહુ ડીટેઇલમાં લખીશ તો ચાર બ્લોગ થશે જયપુર ના જ !!
કોઈ જયપુરમાં હો તો સારો ગાઈડ પકડજો મજા વધશે ફરવાની..!!
ફરી એકવાર દિપાવલી ની મંગલ કામનાઓ ..!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*