દિવાળી દેખાય છે ક્યાંય ?
રસોડામાં મઠીયા ,પુરી ,ચકરી ,ઘૂઘરા , મઠડી ,ચેવડા બનતા દેખાઈ રહ્યા છે ?
ફટકડા સમ ખાવા પૂરતા ફૂટે છે અને કોડિયા લેવાઈ ને પાણીમાં પલાળ્યા કે નહિ ? રંગોળી ?
કોવીડ નથી કે સાવ ઓછો છે પણ ઉત્સાહ ? ચોખ્ખો અભાવ દેખાઈ રહ્યો છે..!!
પાકશાસ્ત્ર ડાયેટના ચક્કરમાં વિલીન થઇ ગયું છે અને નકરી આળસ આળસ ને આળસ ભરેલી છે એક એક શરીરમાં ..!
બૈરા ને મેહનત કરવી નથી તો પુરુષો ને પણ એ જ છે ..!
બધું તૈયાર મળે છે, બસ્સો વધારે આપીએ કિલોએ તો સારામાં સારું મળે છે કોણ મગજમારી કરે ..!!
ફટાકડા કોણ ફોડે ? મને તો બિલકુલ શોખ નથી .. પતંગ ના હો ..હોળી અરે યાર માંડ બે દિવસની રજા મળતી હોય ..!!
આળસુ ,એદી .. ચાલો પાર્ટી ગોઠવીએ .. દિવાળીની રાતે દારુ ની બાટલી ખોલે..!! અને એની ઘરવાળી પણ જોડાય એમાં .. “હેપ્પી દિવાળી” થઇ જાય..!!!
ક્યાં પાછા પડ્યા ? વિચારવું છે ?
પુરુષ સમોવડી થવામાં ભારતીય સ્ત્રી રસોડું ભૂલી ગઈ ,
એકલી અન્નપુર્ણા થઇ ને રેહવું એને મંજુર નોહતું એને લક્ષ્મી થવું હતું ..!!
લક્ષ્મીજી નો સ્વભાવ કેવો ? તો કહે સમુદ્રમાંથી જન્મી અને સીધી ક્ષીરસાગરમાં બેઠેલા વિષ્ણુના ગળે માળા નાખી ..!! ધણી જોડે ફૂલ ફટાક થઇ ને ફરવું..!!
મેહનત ? ક્યાં ? જ્યાં રૂપિયા મળે ત્યાં જ ..!!
થોડાક સમય પેહલાની દિવાળીએ મેં નક્કી કર્યું હતું કે જેના પણ ઘરે જાઉં એના ઘરની બનેલી વસ્તુ જ ખાવાની અને બાહરથી આણેલી વસ્તુ ને હાથ પણ નહિ અડાડવાનો .. જે ઘરમાં ઘરડા હતા ત્યાં ત્રણ ચાર વસ્તુ ખાવા મળતી અને જે ઘરમાં ઘરડા નોહતા ત્યાં માંડ એક વસ્તુ મળે..!!
કેમ ? તો કહે સવાર પડે દોડો નોકરીએ જાય અન્નપુર્ણાદેવી , સવારે નવ ને વીસ પેહલા તો શૈશવ તારા પ્રહલાદ નગરના કોર્પોરેટ ઓફીસ રોડ ના બિલ્ડીંગમાં ઘુસી જવું પડે અને અંગુઠો ઘાલી દેવો પડે ..! નહિ તો અડધા દિવસથી હાજરી કપાઈ જાય ..!!
અને ત્યાંથી નીકળે ક્યારે ? કશું નક્કી નહિ ..!! સાંજ પણ પડે અને રાત પણ..!!
એક વાત કહું તમને ?
પશ્ચિમના અને પૂર્વમાં ઘણા દેશોમાં ઘરમાંથી લગભગ રસોડા નીકળી ચુક્યા છે ..!!
મને પણ ક્યારેક બીક લાગે છે કે રસોડા રેહશે ખરા ? સ્ટોર રૂમ અને માળિયા તો લગભગ ગયા ..!
તેહવારો ને આંખ સામે મરતા જોઈએ ત્યારે એમ થાય કે ખરેખર પ્રગતિ કરી કે અધોગતિ ..!?
કોમ્પ્યુટર આવ્યા , સારી વાત થઇ પણ એમાં ચોપડા પૂજન કેમ બંધ કરી મુક્યા ? ચોપડા ના રાખો તો કઈ નહિ પણ એક ઘા સાદા એ ફોર સાઈઝના કાગળ લઈને એની પૂજા કરાય ને ?
અમે તો મંદિરમાં પાંચ રજીસ્ટર મૂકી ને આવીએ છીએ ત્યાં એ લોકો સમૂહમાં ચોપડા પૂજન કરી આપે એટલે ચોપડા ઘેર લઇ આવીએ ..!
આળસ નો અખાડો ..!
તારો ધંધો છે તું કર ને ચોપડા પૂજન એમાં વળી ક્યા મોર ચીતરવાના હતા તે ઘેર કે દુકાને જઈને ચોપડા પૂજન તમે જાતે ના કરી શકો ?
સેહજ ધંધાના સ્થળે નાના અમથા પૂજા વિધિ થાય ને તો ક્યારેક ખોટું કરવું હોય ને તો થોડીક બીક રહે..! આ તો ખોટું જ કરવા ધંધો કરતા હોય એટલે જા બિલ્લી કુત્તે કો માર .. મારા ચોપડા બીજા પૂજે અને ચીતરું હું ..!!
જાત વિનાની જાતરા ખોટી ..! ગમે તેટલા સિદ્ધ પુરુષો ના હાથે ચોપડા પૂજાય પણ જાત્તે પુજેલા ચોપડા જ ચોખ્ખા રહે..!! સિદ્ધ પુરુષો તમારા વતી જાત્રા કરી આવે તો તમને ફળ મળે ખરું ? બહુ મોટી ચર્ચાનો વિષય છે પણ ખૈર બીજી કેહવત પણ લાગુ પડે આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય ..!
જે લોકો ચોપડા પૂજવા માટે મૂકી ને આવે છે એમને એક સવાલ .. ધનતેરસ ને દિવસે ધન પૂજા કેમ જાત્તે કરો છો ?
શારદા પૂજન કોઈ કરે અને લક્ષ્મી પૂજા તો હું જ કરું ..!!
પરસાદીયા ભગતો ..!!
બહારગામ ફરવા .. છેલ્લા પચાસ વર્ષની આ બીજી દિવાળી પછી ફરવા નથી ગયો ..!! કેમ ? તો કહે ગઈસાલ કોવીડ હતો અને આ સાલ દીકરી ને પરીક્ષા છે અને હજી મને કોવીડ ની બીક છે ,એમ હાલી નીકળવા જેવું નથી..!!
પણ આટલા વર્ષ કેમ ગયા ? તો કહી દઉં કે પપ્પા મમ્મી માટે .. એ લોકો અમદાવાદમાં હોય એટલે એમનું દવાખાનું ખુલ્લું જ રાખે ,રવિવારે પણ ..!
અરે ત્યાં સુધી કે મારા લગ્નના ગણેશ ગ્રહશાંતિ ચાલી રહ્યા હતા અને મારા પપ્પા દવાખાને હતા એમના પેશન્ટો જોડે..!!
માટે દિવાળીના સાત આઠ દિવસ અને ઉનાળા વેકેશનના થોડાક દિવસ રજા રાખવી જરૂરી થઇ જતી હતી ..!
મારે પપ્પા સાથે ઝઘડા પણ ઘણા થયા કે કેમ ખુલ્લું રાખો છો રવિવારે પણ ત્યારે એક જવાબ આવતો કે બેટા દરદ શું છે એની તમને નહિ ખબર પડે જે માણસ રાત આખી દરદમાં પીડાતો હોય એને સવારે દવા જોઈએ જ , દરદ શનિ રવિ ની રજા છે એટલે રજા ના રાખે..!!
એની વે .. છેલ્લા દોઢ દાયકાથી દિવાળીએ ફરવા જવું એટલે એ પણ એક ટાસ્ક જેવું થઇ ગયું છે, એટલા મોટા હાઈવે અને રોડ રસ્તા છે પણ ચારે બાજુ નકરો ટ્રાફિક , એરપોર્ટો ની હાલત બસ સ્ટેન્ડ કરતા ખરાબ , હકડેઠ્ઠ ગુજરાત અને એની આજુબાજુ તો ત્રાહિમામ થવાય , એકાદ રિસોર્ટમાં જવાય અને ત્યાં પડી રેહ્વાય બાકી તો બહુ ગંદુ ચારેબાજુ..!!
ધાર્મિક સ્થળ ની તો વાત જ નહિ કરવાની ..!! લાખ ,બે લાખ, અરે પાંચ-પાચ લાખ માણસ હોય ..!!
ઘેર પડ્યો રહે ભાઈ કઈ લુંટી નથી લેવાનું ..!
એ હા અલ્યા “હેપ્પી દિવાળી” કર્યું , “સાલ મુબારક” કર્યું તે “મેરી દિવાળી” ના કરાય ? આપણે પણ કૈક નવું કરવા ના ચક્કરમાં હોઈએ છીએ ..
ચાલો પત્નીજી કો પૂછા જાય .. એ ફ્રેંચમાં હેપ્પી દિવાળી ને શું કેહવાય ?
“જોયસ દિવાળી” ..!
લખજો લ્યા આ વખતે “જોયસ દિવાળી” ..
બધા લા પીનો ને લા મિલાનો ને લા પીલાનો ના પીઝા ખાવ છે તે આ વખતે યુરોપિયન ફ્રાન્સીસી “જોયસ દિવાળી” ..!!
સારું છે કમ સે કમ “દિવાળી” તો એ ની એ રહી..!!
ચાલો આજ નું અહી પૂરું કરું છું
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*