ઘડપણ બાળપણ ની વચ્ચે..!
ઘરડા માબાપ સમસ્યા કે સમાધાન ?
હું બહુ જ નસીબવાળો છું આ બાબતમાં કે મારા માતાપિતા આજીવન મારી સાથે રહ્યા છે અને કદાચ મારા મૃત્યુપર્યંત રેહશે..!
કોઈક `હળંગ` ડાહ્યા ને સવાલ થાય કે આપણે મરીએ ત્યાં સુધી માંબાપ કેવી રીતે આપણી સાથે રહે..? તો ભઈલા પોણી જિંદગી માબાપ ની જોડે કાઢી હોય તો એમની ગેરહાજરીમાં પણ તમે એમના જેવા જ થઇ જતા હો છો ..!
એટલે સદેહે હાજર રહે કે ના રહે માબાપ ,એ તમારા અસ્તિત્વમાં વણાઈ જ જતા હોય છે..!!
મારી સાથે બનેલી બીજી એક વાતમાં એવું છે કે મારા તમામ મિત્રો જોઈન્ટ ફેમીલીમાં રહે છે, દરેકે દરેક મિત્રો એમના માતાપિતા સાથે જ રહે છે એટલે અમારા સુખદુઃખ વાતો ,વાણી ,વર્તન અને બધા ની પરિસ્થિતિ લગભગ એક સરખી છે..!!
હવે ઘરડા માબાપ સમસ્યા ક્યારે બને ?
સૌથી પેહલા તો એમની વધતી ઉંમર નો સ્વીકાર ના કરે ત્યારે ..!!
આ દુનિયામાં દરેક બાળક ને ઝટ મોટા થવું હોય છે યુવાન થવું હોય છે પણ યુવાનીમાંથી ઘરડા થવાની વાત આવે તો થઇ રહ્યું ..!!
ના ગમે ,અને એનું કારણ છે ઘડપણ પછી ની જે અવસ્થા છે એનું નામ મૃત્યુ છે , મૃત્યુ પછી ની જે જિંદગી છે એની કોઈ સાબિતી કે અસ્તિત્વ હજી પુરવાર થતું નથી એટલે દરેક ને માટે આપ મુઈ ફિર ડૂબ ગઈ દુનિયા , આંખ બંધ થઇ એટલે વાર્તા પૂરી..!!
વીસેક વર્ષ પેહલા ની વાત , મારી વાર્તા ચાલુ ..!
એક બહુ સારા મિત્રની વાત કરું , એમના પિતાશ્રી ખુબ વિદ્વાન વ્યક્તિ આજે તો લગભગ નેવું વર્ષ ક્રોસ કરી ગયા છે, અમદાવાદનું ખુબ જાણીતું કુટુંબ ,હવે એક દિવસ મને કહે ચાલો આજે શૈશવભાઈ તમને આઈસ્ક્રીમ ખવડાવું .. મેં કીધું કેમ ? તો કહે આજે મારા પપ્પા એ ડ્રાઈવિંગ છોડી દીધું ..!!
મારું રીએક્શન હતું .. હેં .. ખરા નસીબવાળા છો તમે તો યાર..!!! અમારા તો અમારું કીધું માનતા જ નથી, રોજ સવાર પડે સાડા પાંચ વાગ્યે વલ્લભસદન દોડે છે , શિયાળો હોય તો ગાડી નહિ તો એકટીવા..!!
સામે જવાબ આવ્યો અરે ભાઈ મારે પણ એ જ હતું , આટલા બધા ટ્રાફિકમાં માણેકચોક જાય અને સ્ટેશન ઉપર ની પેલી બેકરી ની ખારી બિસ્કીટ અને નાનખાટાઈ લેવા જાય..
સામે મેં કીધું ..અલ્યા મારે પણ એવું જ કરે છે , ફર્નાન્ડીઝ બ્રીજ ના છેડે પેલી કલ્પના સિનેમા ની ગલીમાં ખારી બિસ્કીટ લેવા જાય છે, યાર અહિયાં આ બાજુ તો બેકરીઓ છે જ નહિ જાણે ..!
મિત્ર કહે.. એ ટુ વ્હીલર લઈને નીકળે ને ત્યારે મને એટલું ટેન્શન થઇ જાય છે ને કે આ ઉંમરે પડ્યા કર્યા ને તો હાડકા સંધાતા કેટલીવાર લાગે ..
મેં પણ ટાપશી પુરાવી સાચી વાત છે.. પણ આ લોકો સમજે છે જ ક્યાં ? હજી પચ્ચીસના હોય તેમ આમ થી તેમ દોડ્યા જ કરે છે ..!
એટલામાં આઈસ્ક્રીમ આવ્યો.. એટલે મારું મોઢું બંધ થયું બોલતું ..
એમણે કીધું આ મારા તો ગાડી ચલાવવાનું જીવનભર છોડે તેમ નથી પણ પણ થયું એવું કે ગઈકાલે રાત્રે એ મમ્મી ને લઈને માશી ને ત્યાં ગયા હતા અને ત્યાં પાર્કિંગ કર્યું ગાડી નું પછી નીચે ઉતર્યા અને પાછળ એમની નજર પડી તો એમના ટાયરથી ફક્ત બે ફૂટ દૂર ત્રણ ચાર નાના છોકરા સુતા હતા અને અંધારામાં એમને સેહજ પણ ખ્યાલ ના રહ્યો, એટલે એમને એમ થઇ ગયું કે હવે મારે ગાડી ના ચલાવાય , કેમ કે જો બે ફૂટ ગાડી પાછળ આવી હોત તો કોઈ બાળક નો જીવ જતો રહ્યો હોત ..!
એક સેકન્ડ માટે તો હું હબકાઈ ગયો આઈસ્ક્રીમની ચમચી હાથમાંથી છૂટી ગઈ ..!
પેલા મિત્ર હસી ને કહે ચિંતા ના કરો કઈ નથી થયું ભગવાનની મેહરબાની છે એટલી અને પપ્પા હવે સમજી ગયા છે એટલે શાંતિ ,એક ડ્રાઈવર રાખી લઈશ એટલે એમને જ્યાં આવજાવ કરવું હોય ત્યાં જાય આવે..!
મેં કીધું એ ભૂલ પણ ના કરતા .. ડ્રાઈવર રાખશો ને તો ચૂસી લેશે પેલા ને એક મિનીટ નવરો નહિ પાડવા દે , પેટ્રોલ ની બીકે બહુ રખડશે તો નહિ પણ પેલા ડ્રાઈવર ને દોડાવ દોડવ કરશે અને કઈ કામ નહિ હોય તો કોથમીર ની ઝૂડી આપશે લે વીણી કાઢ નવરો બેઠો છે તો ..!! એના કરતા અમદાવાદની પચાસ હજાર રીક્ષા આપણી જ છે..!
અમે બંને ખડખડાટ હસી પડ્યા સાચ્ચી વાત છે, ઘરના નોકરો તો મમ્મી પપ્પા થી દૂર જ ભાગે છે , આજે પણ મમ્મી ને કશું ખમાય નહિ ફર્શ પર સેહજ ધૂળ દેખાય તો આખા ઘરના કચરા પોતા ફરી કરાવે ..!
મેં કીધું ભાઈ એ જ છે.. એ લોકો એટલી ચોકસાઈ અને ચોખ્ખાઈ થી જીવ્યા છે અને આપણે થોડી ઢીલું મુકીએ ..
મિત્ર બોલ્યા ખરી મજા તો ક્યારે આવે ખબર છે શૈશવભાઈ મમ્મી પપ્પા અને છોકરા એ ચાર ઝઘડે ત્યારે જોવાની..! પેહલા એ લોકો છોકરા જોડે છોકરા થઇ જાય અને પછી એમને એકદમ યાદ આવે કે એ તો મોટા છે અને પાછા દાદા દાદી છે એટલે પછી એમનો ઈગો હર્ટ થાય, પછી આવે રૂલીંગ કે તમારે આમ નહિ કરવાનું છોકરાઓ .. એટલે આપણી રામાયણ ચાલુ ..! ડેડી તમે બા દાદા ને સમજાવી દેજો અમે પણ હ્યુમન બીઈંગ છીએ અમે પણ આ ઘરના મેમ્બર છીએ એમની એકલા ની દાદાગીરી નહિ ચાલે .. અને થોડીવાર પછી મમ્મી પપ્પા ની ક્મ્પ્લેઇન આવે આ તમારા છોકરાઓ ને તમે કૈક વધારે પડતા માથે ચડાવ્યા છે ..
મેં કીધું અરે .. આ દાદાગીરીમાં તો મારે જબરું થયું હતું એકવાર આવો જ જંગ ચારેય વચ્ચે છેડાઈ ગયો હતો અને અમે બંને મરક મરક હસતા હતા અને એમાં પપ્પા એ કૈક રૂલીંગ આપ્યું એટલે મારી મોટી એ બળવો કર્યું દાદાજી દરેક વાતમાં તમારી દાદાગીરી નહિ ચાલે કહી દઉં છું અને નાની પાછી ચટ વટ ને ઉપરવટ .. એ બોલી જવા દે ,જવા દે ,આ વર્ડ છે ને દાદાગીરી એ જ બતાડે છે કે દાદા કહે એમ જ કરવું પડે ..આપણું કઈ નહિ ચાલે ..! સરેન્ડર જ થવાનું છે આપણે તો ..!
આઈસ્ક્રીમ પૂરો થવામાં હતો એટલે સમાપન કરતા મિત્ર કહે ..અરે યાર એમનું કીધું છોકરા ના કરે ત્યારે તમારા છોકરા અને આપણે કૈક કહીએ તો કહે અમારા છોકરા..!!
આવું છે ..આ સંસારમાં એક સમય હતો કે અમે પાંચ છ મિત્રો દર રવિવારે સવારે કીટલીએ ભેગા થતા અને પૂછીએ બોલ તારા બાપા એ શું કાંડ કર્યો ? અને દરેક ની કૈક કૈક વાત નીકળે ..!
સમય સમય ની બલિહારી છે ..સમસ્યા પણ એ પોતે હતા અને સમાધાન પણ..!
આજે છોકરા ટીનએજમાંથી બાહર આવી ગયા અને એમની અવસ્થા થઇ ગઈ, જે છોકરા ઝઘડતા એ એક મિનીટ બા દાદા ને એકલા મુકવા તૈયાર નથી..!
મીઠપ ના વ્હાલ ના ઝઘડા હતા..!!
પપ્પા એમના છેક છેલ્લા દિવસ સુધી મારી દીકરી ને મેડીકલ કોલેજના ઝાંપા સુધી મુકવા જતા , એમના મોઢા ઉપર નો હરખ માતો નોહતો મારી ત્રીજી પેઢી પણ દાકતર થઇ અને મમ્મી આજે પણ ઝઘડે છે આમ થર્ડ ફાઈનલ ક્લીઅર ના થાય અમે વીસ વીસ કલાક વાંચતા ત્યારે એમબીબીએસ થયા છીએ ,ઊંઘ ઓછી કર થોડી ..!!
અને એની એ જ પાછી બુમે મારે આમ તે કઈ ઉજાગરા કરાય ?પેહલેથી વાંચવું પડે ..! અને છેડાય યુદ્ધ ..!
માંબાપ નથી સમસ્યા કે નથી સમાધાન..!
સંસાર છે.. મીઠો છે ,ખાટો ,ખારો ,તીખો રોજ કૈક નવું થાય ..!
માણી લેજો ઘરડાના ઘડપણ અને જુવાનીયાની જુવાની ..!!
હવે આપણે તો આવ્યા વચ્ચે બરાબર વચ્ચોવચ..!!
આધેડ …!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*