આ દિવાળી પછી કૈક નક્કી કરવું હોય તો શું કરવું ?
મને લાગે છે મારે સાચા બોલા શાંતિલાલમાંથી દંભી દુર્ગારામ થવું છે ..!!
શું જરૂર છે દુનિયા ને આયનો બતાડવાની ?
બહુ ખરાબ ટેવ છે મને, કોઈને એની ખામી બતાડવાની..!!
પેહલા તો જે તે માણસની સામે મોઢા ઉપર જ ભસી મારતો ,પછી એવા એવા લોકો એ મને સુમડીમાં લઇ જઈ ને લાફા માર્યા , સાચું બોલવાની સજા આપી કે પછી નક્કી કર્યું કે પેહલા મુંગા મગન થાવ ,ફિર આગે કી દેખી જાયેગી..!
મુંગો રેહવાનું નક્કી કર્યું ..! પણ મુઓ બહુ પ્રયત્ન કરવો પડે છે મુંગા મરવા નો..! જે તે વ્યક્તિ ની સામે ના બોલી પડું તો એની પાછળ ભસી મારું પણ બોલીના લઉં ત્યાં સુધી ચેન ના પડે..!!
થાય છે આવું તમારી જોડે ? મધ્યમવર્ગની બહુ મોટી સમસ્યા..!!
સાચું બોલવું ધરાર જરૂર નથી હોતું પણ બોલી ને બગાડી નાખીએ છીએ..!
જો કે એ બાબતમાં મેં અમુક સ્ત્રીઓ એ બહુ ગુણવાન જોઈ છે..!!
ધણી ના એવા એવા પોઈન્ટ શોધી ને વખાણ કરે કે તમને એમ થાય કે શું વાત છે આમના ભરથાર આવા અને આટલા બધા ગુણવાન છે ..??!!!!
આવું સાઆશ્ચર્ય સાથે ઘણીવાર મારા મુખ મંડળ ની ડાકલી ખુલ્લી ને ખુલ્લી રહી જાય..!!
હું ઘણીવાર મિત્રોની બદબોઈ એમની પત્ની પાસે કરું , તારો ધણી આમ કરે છે ને તેમ કરે છે સેહજ એને સમજાવ સાચવી લ્યે પણ ત્યારે પતિવ્રતા તે એવી ને કે મારી સામે એના ગુણગાન ચાલુ કરે , મારો સંજુ તો મારો જ છે , ક્યારે ક જ ક્યાંક બાહર જાય , એમાં પણ કોઈ બિઝનેસ નું કઈ હોય તો જ એ સિગારેટ પીવે અને ગુજરાત બાહર જ દારુ એ પણ લીમીટમાં અને પરસ્ત્રી તો જેને માત રે એવો મારો સંજુ ..!!
હવે એ મુઆની ઉલટીઓ ઉપર તમે પાણી ની ડોલો ને ડોલ રેડી હોય..!!
સામે પક્ષે અમુક પુરુષો પણ ઓછા નથી હોતા એમની ભાર્યા ઉપર ભરપુર પ્રશંસાના પુષ્પો વેરે અને પેલી થાય ઘેલી .. ફજર ફાળકો થઇ ને પોહળી પોહળી ગામ આખામાં ફર્યા કરે ..!!
એવી આંખોમાં મસ્તી લાવી ને બોલે આયહાય જો તો લાગે છે ને કંઈ આજે , કેહવું પડે ને બકુડી .. બકુડી હોય સળંગ શેરડી નો સાંઠો ..!!
બકુડીના મીઠે ,મરચે ક્યાંય ભલીવારના હોય પણ મારી બકુડી બનાવે એટલે અદ્દભુત .. નાની નાની બાબતોમાં એવા વખાણ કરે કે મારા જેવા ને થાય કે ઢાંકણી લાવો ઝટ ..
મૂંગો મગન થઇ જવું પડે પણ પાછળથી જરીક દિમાગ ને ઠંડું કરી ને વિચારું ત્યારે સમજાય નથી એટલું મજબુત એ દામ્પત્ય જીવન માટે એને પકડી નહિ પણ જકડી રાખવાની મથામણ કરી રહી છે કે રહ્યો છે ..!!
જ્યારે સબંધો એકબીજાના વખાણ કે એક તરફી વખાણ ઉપર આવી ગયા હોય ને ત્યારે સમજવું કે આ સબંધ ફ્રેજાઈલ થઇ ગયો છે ..!
એરપોર્ટ ઉપર ચેક ઇન લગેજમાં કેવું ટેગ મારી દઈએ બેગ ઉપર ફ્રેજાઈલ એવી વાત છે..!!
ધંધામાં પણ આ જ વાત બને .. શર્ટ પેન્ટ કે ટીશર્ટ લેવા ગયા હો અને તમે જે ટીશર્ટ ને હાથ ફેરવો અને એને સેહજ પલટાવી ને જુવો એટલે સેલ્સમેન એ ટીશર્ટના વખાણ ચાલુ કરે .. સમજી લેવાનું કે તમે ગયા..!!
વખાણ ની મને એવી કુત્તી ટેવ પડી ગઈ હતી કે એકવાર નગરી અમદાવાદમાં ખરીદી માટે હું મારા એક ખાસ્સા એવા જાણીતા મોડેલીંગ કરતા મિત્ર ને લઇ ને મોલમાં ગયો હતો , કશું જ આંખે ના ચડે , જોડે આવેલો મિત્ર મને પકડી પકડી ને બતાડે પણ હું કશું જ ના ખરીદું .. છેવટે પેલો કંટાળ્યો અને વખાણ ઉપર આવ્યો મને કહે સેસવ તારો આ બધા મોલમાં મેળ ના પડે અહિયાં તો કચરા જ હોય કચરા પબ્લિક માટે હાલ આપણે શો રૂમમાં જઈએ..!
પેહલો ડોઝ આવ્યો વખાણ નો કચરા પબ્લિક માં મેળ ના પડે ..!
જોડે આવેલો કલાકાર હતો એટલે કલાકારી તો બતાડે .. એક મોટા શોરૂમમાં લઇ ગયો અને ત્યાં મને છુટ્ટો મૂકી અને એક સેલ્સમેન લઇ આવ્યો અને બોલ્યો જુવો ભાઈ આ છે ને સોસીઅલ મીડિયાના બહુ મોટા ઈમ્ફ્લુંએન્સર છે ,સરખો માલ બતાડો એમને .. ડોઝ નંબર બે ..!
પછી તો ફટાફટ ધાણીફૂટ સર જીમ જાવ છો ? બોડી સ્ટ્રક્ચર જોઈ ને ખબર પડે (મારી ફાંદ તરત જ કાચબાના મોઢા ની જેમ અંદર ખેંચાઈ જાય ) એક પછી એક એવું ચાલે કે ખીસામાં રહેલા રોકડા ઓછા પડે અને ક્રેડીટ કાર્ડ ઘસવા પડે..!!
સંસારમાં પણ આવી વાત છે..!
અત્યારે હમણાં જ એક પીએચડી થયેલા છોકરા નો ફોન આવ્યો , આઈઆઈટીઅન છે .. ભાઈ કેટલા વાગે ફેક્ટરી ? મેં કીધું કલાકમાં પોહચું ..! સારું મને ફોન કરો ને આવવું છે અને હા હું સવારે જ અહિયાં કારખાને હોઉં છું બપોરે ઓફીસ જાઉં છું .. મેં પૂછ્યું બપોર …એટલે કેટલા વાગે તારી બપોરે પડે ? સામે જવાબ આવ્યો બાર વાગ્યે ..!
સાચા બોલા શાંતિલાલ ભસ્યા .. અલ્યા મારી બપોર તો બે વાગે પડે છે તારે કેટલું કમાઈ લેવું છે કે બાર વાગ્યે બપોર પાડી દે છે ???
સામે જવાબ આવ્યો ..આઠ વાગ્યા નો કારખાને આવ્યો હોઉં તો બાર વાગે બપોર પાડી જ દેવી પડે ને ..!! અને કમાવું નથી શીખવાનું છે તમારા જેવા લોકો પાસેથી..!!
શાંતિલાલ અડધા અડધા થઇ ગયા..!!!
શું કરવું બોલો આ શાંતિલાલ નું ? મુંગો મગન થવાતું નથી અને દંભી દુર્ગો થવા નીકળ્યો છે..!
ઈચ્છા તો એવી છે કે કોઈક આપણા માટે લખે..
તારે આંગણે ઓડી ને મર્સીડીઝ ઝૂલે..
મારે ફળીયે ચકલી બેસે એ જ રજવાડું..!!
બળ્યું આ જીભડી સુધરતી નથી ,એમાં ને એમાં ચકલા જોઈ ને રજવાડા કરી ને મનડા મોજમાં રાખવાના..!!
નીચા પડી જાવ નીચા .. સાવ તુચ્છ આકાશે ઉડી ને આવતો સાયરનોમાં મ્હાલતો પણ જેવો પબ્લિક જુવે એવો કેવો બે હાથ જોડી ને પગે લાગતો થઇ જાય દુર્ગો ..?!!!
લાખ કમાયા નથી ને લખેશરી થયા નથી એવી હાલત છે શાંતિ મગન ની ..!
ચાલો સૌ દુર્ગારામ ,મગનલાલ અને શાંતિલાલો ને અગિયારસના જય શ્રી કૃષ્ણ
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*