દિવાળી આવી .. ખરેખર ?
દિવાળી દિવાળી જેવી છે ખરી ?
નથી..
બસ્સો ટકા નથી ..
ગઈકાલે એક ચોવીસ અને બીજો છવ્વીસ વર્ષનો એમ બે મિત્રો પોઝીટીવ આવ્યા , એમના પંદર દિવસ ની વાટ લાગી ગઈ , સતત સમાચારો આવ્યા જ કરે, ફોન આવ્યા કરે હું પોઝીટીવ આવ્યો, એસપી ઓ ટુ ઘટી જાય છે ડોહા હું મરી તો નહિ જાઉં ને ?
ઘૂઘરા જેવા ખણખણતા છોકરાવ ના આવા ફોન આવે એટલે એકવાર તો એને ધમકાવી દઈએ ,સાલા નાલાયક, તું બીજા પચ્ચીસ ને મારી ને મારે એવો છું ,ખાલી ૯૬ અને ૯૫ ઓક્સીજન થાય એમાં શેનો રડે છે ? પાછો હોસ્પિટલના ખાટલે દાખલ થઇ ને પડ્યો છે , ખોટા ખોટા ખાટલા ભરેલા રાખો છો..ઝટ ઘર ભેગી નો થા બદમાશ ..!!
કેહતા તો કહી દેવાય છે પણ પછી હ્રદય એક થડકારો ચુકી જાય છે , છવ્વીસ વર્ષ નો છોકરો હોસ્પિટલ ના ખાટલેથી આવો ફોન કરે ત્યારે આટલું બોલી ને ફોન કાપી અને આંખ બંધ કરી ને મહાદેવ નું સ્મરણ થઇ જાય કે …
આવા હજી મીંઢળ છોડ્યા ની પેહલી દિવાળી છે ,એની કોડભરી આણે આવેલી એને માથે વજ્જર ના મારતો દેવ .. ઘણાય ખાઈ પી ઉતારેલા ખાટલે પડી ને તારી રાહ જોતા જગ માં પડ્યા છે ત્યાં જતો રેહ્જે..!!!
બહુ દુઃખ થાય છે, દિવસમાં દસ લોકો ને કેહતો હોઈશ કે ઇમ્યુનિટી ની દવા ગોળીઓ ચાલુ રાખજો ,કસરત કરજો ,બધે ભાટકતા નહી પણ કીધા xxx ગધેડે ચડે ?
ક્યારેક પ્રજા રાજાપાટમાં આવી જાય છે , સમજવા તૈયાર જ નથી થતી ઉપ્પરથી એવું બોલે કે પચ્ચા નો થયો ને પછી તો કચકચીયો થઇ ગયો છે ડોહો ..! અને એ જ નાલાયક આવો ફોન કરે.. હું મરી નહિ જાઉં ને ..? લગભગ એવરેજ રોજના ત્રણ ફોન લીસ્ટમાં હોય જ છે કે જે પોતે પોઝીટીવ હોય અથવા તો એમના નજીક ના સગા માંબાપ ,પત્ની કે બાળક ..!! ફોન કરી કરી ને રોજ બુસ્ટ કરવા પડે છે, પંદર દિવસ ના એકાંતમાં માનસિક રીતે માણસ ભયંકર તૂટી જાય છે ..! મારો તો હવે
સાયકો થેરાપીઆપી આપી ને દમ ઘૂંટાય છે..!! એટલી ઈશ્વર ની મેહરબાની છે કે કોઈ જુવાન જોધ ગયો નથી ,જે ગયા એ બધા લગભગ ખાઈ પી ઉતરેલા હતા , તો પણ આપણા માટે અઘરું થઇ જાય છે..! એક અડસઠ વર્ષના ધંધાદારી મિત્ર જે કોવીડ વોર્ડમાં દાખલ હતા એમની જોડે સાંજે છ એક વાગ્યે વાત થઇ , મેં કીધું અલ્યા કેમનું ? તો કહે ચકાચક .. પછી સેહજ ઉધરસ નું ઠમકુ ખાધું એટલે મેં પૂછ્યું અલ્યા કાકા કેમ હજી ખખડો છો ? એમનો જવાબ આવ્યો અલ્યા સાધરણ છે હવે ,પરમદિવસે તો ઘેર આવી જઈશ.. અલક મલક ની બે મિનીટ વાત કરી અને કીધું સારું સારું સાચવજો કાલે ફરી સાંજે વાત કરશું ..સાંજ આવી પણ વાત કરવાવાળા ની બદલે એના ઘેર ડેથ સર્ટીફીકેટ અને લાકડામાં બાળ્યા ની ચિઠ્ઠી પોહચી ગઈ..!! શૈશવ શું કરે ? પોકે પોકે રડે ,બીજું શું ? કે કાકો સાવ આવી રીતે મરી ગયો ? ઉપલી પેઢી જતી રહે છે કોવીડમાં આવી રીતે ,અને નીચલી પેઢી બાહર આવે છે .. અને અમારી પેઢી ? અલ્યા કેમનું ? ...એ ...શૈશવ .. (ઉધરસ ખાય..) બકા મને બાહર કાઢ હવે આમાંથી .. (હાંફે ..) વીસમો દિવસ છે હવે તો થાક્યો ..!! શું લે
વા દાડા ગણ ગણ કરે છે ? તારે ખાટલે પડ્યા ને દિવસ રાત શું ? ઘેર તારા બાયડી છોકરા કોઈ “હુ
કુ” નથી ખાતા ,છાનોમાનો પડ્યો રહે તારા કરતા વધારે હોસ્પિટલવાળા ને ખાટલો ખાલી કરવાની ઉતાવળ છે , એક તો સરકારી રૂપિયે પડ્યો છે અને પાછો ટે..ટે.. કરે છે , હમણાં પ્રાઈવેટમાં નાખ્યો હોત તો કેટલામાં ઉતરી ગયો હોત ? પડી રે ચુપચાપ ,અને ખાજે પી જે સરખું ,દવાઓ જોડે દુશ્મની ના કરતો આપે એટલી ખાઈ લેજે ટણપા ..!!
તું નહિ સમજે બકા કે આ હોસ્પિટલના ખાટલે કેટલા ભાલા છે ,રોજ ભોંકે છે..!!
હશે હવે, પૂરું થઇ જશે હમણાં ,આટલી ધીરજ ધરી છે તો બે ચાર દિવસ વધારે ,ચલ કાલે ફરી વાત કરીએ..!
ચાલીસ થી પચાસ વાળા મિત્રો જોડે આવી વાત કરવી પડે છે..!!
આટલો બધો કોવીડ ચાલ્યો પણ ક્યાંય એકેય ધાર્મિક ,રાજકીય કે સામાજિક સંગઠનવાળા કે સેવાના ભેખધારી એકેય આઈસીયુ કે વોર્ડમાં ફરક્યા નથી , એ તો છોડો મત અપાવવા માટે તમને અને મને ઘેરથી લઇ જઈ ને પાછા મૂકી જવા વાળા કોઈ ટેસ્ટ કરવા લઇ ગયા હોય અને પાછા મૂકી ગયા હોય એવું સાંભળ્યું નથી ..!!
લોકશાહી ની અને ધર્મ ની વાતો કરવાવાળા બહુ જ ખરાબ રીતે કોવીડમાં બાહર નહિ
આવી ને “બાહર આવ્યા” છે ..!!
પબ્લિક છે બધું જોવે છે અને યાદ પણ રાખશે ..!!
ક્યાય એકે ય નાત જાત ના મંડળમાં કોવીડ ની હેલ્પલાઈન ખુલી નથી કે અમને ફોન કરજો તમે ખાલી તમારી જાત ને સાચવો બાકી નો તમારો ઘર સંસાર અને સાચવી લઈશું..!!
નાલાયકી જ કેહવાય..!!
ઘરના મોભ એવા માંબાપ પોઝીટીવ આવે ત્યારે તો બાળકો અને એમના આશરે રેહતા ઘરડા કફોડી હાલતમાં મુકાઈ જાય છે ,શરુ શરુ માં સરકારે ઘણું સાચવ્યું પણ હવે ઢીલું પડી રહ્યું છે , સમાજે ભાર ઉપાડવા નો આવ્યો છે..!
ખાસ કરી ને સેવાના ભેખધારીઓ એ ..!!
હું તો પરોપદેશે પાંડિત્યમ કરું છું ..
શું કરું ? સંસારી છું .. ખબર પડે એટલે ફોન કરું અને આજુબાજુમાં થાય એટલી મદદ કરી છું પણ મર્યાદા છે..!!
ખબર પડે કે કોવીડ પોઝીટીવ છે તો કમ સે કમ જેટલી વાર ફોનથી થાય તેટલી વાત કરજો અને એના દિવસો કાપવામાં મદદ કરજો..!
છેલ્લે મારી દીકરીની સાથે કોવીડ ડ્યુટી જતી એક દીકરીની વાત..!!
આજકાલ મેડીકલ સ્ટુડન્ટ ને કોવીડ ડ્યુટીમાં ઝોંકયા છે , રોજ જે તે વોર્ડના પેશન્ટ ને ફોન કરી ને ખબર પૂછવા ના હોય છે , અને એમના વાઈટલ લેવાના હોય..!
એક સાવ એકલા બા દાદા પોઝીટીવ આવ્યા ઘરે જ ટ્રીટમેન્ટ થઇ એમના છોકરા અમેરિકા બેઠા બેઠા રોજ ફોનથી “સેવા” કરતા હતા..!!
બા દાદા ને નાની મોટી વસ્તુ ની જરૂર હોય તો એ થવા વાળી ડોક્ટર દીકરી પૂરી પડતી હતી , છેલ્લે ચૌદમાં દિવસે દીકરી એ કીધું બા દાદા હવે તમે સંપૂર્ણ સાજા થઇ ગયા છો જ્યાં જવું હોય ત્યાં જાવ ..!! જે શ્રી ક્રષ્ણ ..!
બા એ કીધું ઉભી રે દીકરા ..રૂમમાં જઈને બા પાંચસો રૂપિયા લઈને આવ્યા ,દીકરીએ ના પાડી ,.. ના બા નાં લેવાય .. બા એ જીદ કરી લઈલે દીકરી અમારા બા દાદા ના આશીર્વાદ છે , લેવા જ પડે..!! આ ચૌદ દિવસ દીકરી તારા સિવાય કોઈ નથી આવ્યું ,તું ના આવતી હોત તો અમે કેવી રીતે દિવસ કાઢ્યા હોત બેટા ..!!! તારા થકી જ અમે જીવી ગયા છીએ મારા દીકરા લઈ લે માં..!!
વિચાર કરો જેના જીવનની પેહલી કમાણી આટ આટલા આશીર્વાદથી ભરેલી હોય એના જન્મારા ની કેડી તો શામળો ગિરધારી એના હાથે કંડારે..!!
કોવીડ પેશન્ટ એ મોકો છે સેવા નો, છોડવા જેવો નથી વ્હાલા..!
દિવાળી ઓ તો આવશે ને જશે..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)