રેડિયામાં વાગતું હતું જ્યોતિષનો ત્રણ મહિનાનો કોર્સ કરી લો મહીને ૨૧,૦૦૦ રૂપિયાની નોકરી પાક્કી..!!
એ હા ..
લાયો બાકી રૂપિયા ખંખેરવાની સ્કીમ, મસ્ત સ્કીમ છે ..મહીને ૨૧,૦૦૦/- રૂપિયા કમાવા માટે તો ઘણી જનતા દોડી જશે..!
સાલો આ ધંધો આપણી નજરની બહાર જતો રહ્યો..રૂપિયા લઈને જોષ જોતા તો બહુ લોકોને જોયા, પણ આવું ખુલ્લે આમ, જોષ જોતા શીખો અને રૂપિયા કમાવ અને તમને શીખવાડવાના રૂપિયા હું કમાઉ..!!
પોપટ તો પાંજરું તોડીને..ફૂરરર
મસ્ત ધંધા છે આ બધા,લોકો ને કઈ શીખવાડવાનું અને રૂપિયા રળી લેવાના, ટોટલ જીભડા ના ધંધા..આ ફેક્ટરા ખોલીને ખોટા બેઠા એવું લાગે છે ક્યારેક..!
દુનિયાભરના ટેક્ષ અમારે ભરવાના, પેલા સોની મહાજનો ને જ જુઓને, એમની ઉપર ખાલી એક ટકો એક્સાઈઝ નાખી ત્યાં તો બે મહિનાથી હડતાલ પાડી ને બેઠા છે…! કેમ અલ્યા અમારે ઇન્ડસ્ટ્રીવાળાઓ એ ગધેડી પકડી છે ? દુનિયાભરના બધા ટેક્ષ ભરવાની.?
ભલે ચાલતી હડતાલ જેટલી સાહેબ, તમે ચોટલી છોડતા નહિ..!! તમતમારે ભરાવો એક્સાઈઝ બધા સોના ચાંદી અને હીરાવાળા જોડે..! આમ પણ એમની હડતાળથી કેટલા બધા ઘરોમાં ખુશીઓ ફેલાઈ ગઈ છે..!!
આટલા વર્ષમાં કોઈ એવા ક્લાસની જાહેરાત સાંભળી છે કે ઘરેણા બનાવતા શીખવાના કલાસીઝ..
એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાની સામાજિક જવાબદારી અદા કરવામાં સોની મહાજન પાછા પડ્યા છે..!!
અમારા એક મિત્રએ એમના ધર્મપત્ની ને પ્રેગ્નેસી કેમ એન્જોય કરવી એના ક્લાસ ભરવ્યા હતા..!! રાધે રાધે..!!
એક જગ્યાએ હમણા એક સ્ટુડિયોનું પાટિયું માર્યું હતું..આપણે તો અંદર ઘુસ્યા.. ખાલી વુડન ફ્લોર અને લાલ કલરના ત્રણ ચાર કપડાની મોટી ઝોળી, લાલ કપડા ઉપર હિંચકાના હુકથી લટકતા હતા, ઝોળામાં બેસીને હીંચકા ખવાય એટલા મોટા હતા..!
આપણે પૂછ્યું શું છે આ ? તો કહે પાવર યોગા ના કલાસીસ છે ..એક એસી ,ત્રણ ચાર લાલ મોટા કપડા વુડન ફલોરિંગ બસ આટલું જ ઇન્વેસ્ટમેન્ટ અને આંટી મહીને એક જણાના ત્રણ હજાર ઠોકી લે પાવર યોગાના..!!
શીખવો અને રોકડા કરો,
સાલુ વકરો એટલો નફો કોઈ ટેન્શન જ નહિ, વેટ નહિ, “સી” ફોર્મ નહિ ,એક્સાઈઝ નહિ ,સર્વિસ ટેક્ષ નહિ ,ટીડીએસ નહિ ,એફબીટી નહિ.. મોજે મોજ..!
બાકી આપણે પણ હવે થોડું આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું છે.. ઓનલાઈન ક્લાસ ખોલવાનુ નક્કી કર્યું છે..એની માં ને કોઈ ઇન્વેસ્ટમેન્ટ જ નહિ બસ એક લેપટોપ પર જ ક્લાસ..!
ચાલો શરુ કરું .. આપણે પણ જ્યોતિષના ક્લાસથી શરુ કરીએ..આવી જાવ બકાજી અને એ ય જીગલા તું પણ ..
જો બકા ચાલુ કરતા પેહલા તો તને કહી દઉં આજનું સેશન તને ફ્રી..
કાલથી જો જોઈન થવું હોય તો ૩૦,૦૦૦ રૂપિયા લેતો આવજે ..
કેમ ત્રીસ હજાર? પેલો તો ૨૧,૦૦૦ લે છે..!
એ ટોપા, તારું ક્લાસમાં જવા આવવાનો ટાઈમ બચાવુ છું અને પેટ્રોલ પણ, તો પછી હું નવ હજાર વધારે તો લઉં કે નહિ ? તારા બાપાના ક્રેડીટકાર્ડથી ભરી દેજે કાલે, તારા બાપા પાસે ક્રેડીટકાર્ડમાં લીમીટ ના રહી હોય તો જીગાના બાપા નું પે-પાલ ચાલશે ,આપણે તો પે-પાલ પણ ચાલશે..રૂપિયા ગમે તે ફોર્મમાં અને ગમે ત્યાંથી આવે અમે લઇ જ લઈએ..નિશાળ અને ક્લાસવાળા છીએ..અમે તો.!
ચલ લેસન પેહલું .બાર રાશી હોય અને નવ ગ્રહ હોય..ડીટેઇલ માટે ગુગલ કરી લેજે..! મફતમાં આટલું જ હોય..!
દરેક રાશીનો સ્વામી એક ગ્રહ હોય..સૂર્ય ચન્દ્ર મારા જેવા સીધા છે, એક એક રાશી ના સ્વામી બાકીના બધા ને બે રાશી મળે ..ઓકે ?બેઝીક નોલેજ આવ્યું ?
ચલ આગળ..હવે તારી જોડે જે કુંડળી બતાડવા આવે એને ક્લાયન્ટ નહિ જાતક કેહવાય, શું કેહવાય જીગા બોલ તો ? જાતક..
હવે બકા પેહલા તો તારો જાતક આવે એટલે એનો તારે સ્ટડી કરવાનો, દેખાવ કેવો છે,કપડા કેવા છે, ગાડીવાળો છે કે સ્કુટરવાળો એ બધું જોવાનું ..!
હવે આપણા સુધી આવેલો જાતક જે હોય, એમાં બે ત્રણ જુદા જુદા પ્રકાર હોય,
એક જેને ખરેખર તકલીફ હોય અને રસ્તો ના મળતો હોય એવો જાતક ,બીજો પોતે ઉભી કરેલી તકલીફ હોય અને રસ્તો શોધતો હોય, અને ત્રીજો ખાલી ખાલી બસ મસ્તી માટે આવ્યો હોય, ચોથો જેને ભવિષ્યમાં કોઈ તકલીફ નહિ આવે ને એની ગેરેંટી જોઈતી હોય..!
હવે જાતક આપણી ખોલેલી દુકાન કે ઓફીસ સુધી આવે એટલે આપણું અડધુ કામ તો થઇ જ ગયુ સમજ જીગા..!
હવે આપણે એ જાતકનુ કાઉન્સેલિંગ જ કરવાનુ હોય..અરે હા જો જીગા આપણે જલ્દી બીજો કોર્સ પણ ચાલુ કરવાના છીએ, કાઉન્સેલિંગનો..! એકલા જ્યોતિષ અને ગ્રહોની ચાલ શીખ્યે નહિ મેળ પડે તારો બકલા ..!!
જ્યોતિષની દુકાન ફૂલફલેજ ચલાવવી હોય તો કાઉન્સેલિંગ તો વ્યવસ્થિત આવડવું જ જોઈએ..!
હવે જો પેહલા સરખુ જોયુ હતું ને કે જાતક કેવો છે? એની પાસે કેટલા રૂપિયા છે એનો સરખો અંદાજ લગાડવાનો અને પછી એ પ્રમાણે એનું જોષ જોતા જવાનુ..
મોટેભાગે જો ભાઈ હોય તો એના શુક્રનો અભ્યાસ પેહલા કરવાનો..શુક્ર ક્યાં છે એ જોઈ જ લેવાનુ.. કલિયુગમાં દાનવગુરુ શુક્ર જ કામ કરે દેવગુરુ બૃહસ્પતિ બિચારા પીડા જ ભોગવે..પછી પાપ ગ્રહોની પોઝીશન જોવી છેલ્લે વારો પાડવો ઉતમ ગ્રહોનો..!!
અને કુંડળી જોતી વખતે થોડો સમય લેવો દસ પંદર મિનીટ ઓછામાં ઓછી..અને ત્યાં સુધી કમરામાં એકદમ શાંતિ રાખવી, બને ત્યાં સુધી બે જાતકને ભેગા ના કરવા અને એક ની વાત નામ દઈને બીજાને ના કરવી..!દરેકને લાગવુ જોઈએ કે આપણી વાત ખાનગી રેહશે..
પછી જાતકને પેહલા પેહલા થોડી ભૂતકાળની વાતો જણાવી દેવી એટલે પેલો ગલીમાં આઈ જાય, અને પછી ધીમે ધીમે સાપ કાઢવાનો, પેહલો સાપ તો કાળ સર્પ યોગનો , જો એ હોય તો કહી જ દેવાનું ,અને જોડે જવાહરલાલ નેહરુનું ઉદાહરણ આપવાનું કે જવાહરલાલ નેહરુને પણ કાલ સર્પ યોગ હતો હતો, ટેન્શનના લો..
આજકાલના જાતકને બહુ ક્યારેય નહિ બીવડાવવાનો નહિ તો ભાગી જશે,
અને હમેશા એને જો અને તો ની વચ્ચે જ રાખવો..!!
પછી સારુ સારુ બોલવુ જેમ કે ગજ કેસરી યોગ,
હવે ગજ એટલે હાથી અને કેસરી એટલે ઘોડો હમજણ પડી જીગા ?
મને ખબર હતી..ઓહો જીગા..!
હવે આજના જમાનામાં ગાડી ચાર પૈડાવાળી એટલે ગજ અને બાઈક એટલે કેસરી ઘોડો સમજ્યો..બકલા?
એટલે લગભગ એશી ટકા કુંડળી બતાડવા આવતો હોય એને ગજ કેસરી યોગ હોય જ..અને જેની પાસે બાઈક પણ ના હોય, તો સમજવુ કે એની માં ને ખબર જ ના હોય કે આને જણ્યો તો ક્યારે.!!
અને એના જનમના ટાઈમ અને ડેટ ના એ ડોબાના ચોક્કસ ઠેકાણા ના હોય.. એટલે એવાને ડોબાના બસ્સો પાંચસો લઈને એકાદા ભગવાનના ૨૧ વાર કરવા ના પકડાવી દેવા અને રવાના કરવો,એટલે પાંચ છ મહિના સુધી એ મફત તારુ માથું ખાવા ના આવે..!! ઓકે સમજ્યો ને ..?
ચલ હવે એક મસ્ત વાત કહું તને પેલા ભુરીયાની વાત..
તારી જેમ આપણો પેલો ભૂરિયો નાનો હતો ને ત્યારે છે ને એણે એક પિક્ચરમાં જોયું હતું કે કોલેજની બેહનપણી નો હાથ પકડીને કલાકો સુધી બેસી રેહવુ હોય ને તો તમને હાથ જોતા આવડવુ જોઈએ..!
પછી તો બકલા..એ જીગ્લા અહી જો ને તારી માં ની વાત કરું છું, ઘોડા ક્યાં ડાફોળિયા મારે છે ?..હા પછી તો ભુરીયાએ બે ત્રણ ચોપડીઓ વાંચી અને પેલું છાપામાં આવે ને પંચાંગ એ બધું વાંચ્યું અને ભૂરિયો તો પછી કોલેજના એક ખાલી લેકચર રૂમમાં પાર્ટીને લઈને બેઠા..!!
પાર્ટીને કીધું તારો હાથ લાવ ફ્યુચર જોઉં..અને આઈટમે તો ફટ દઈને ભુરીયાના હાથમાં હાથ મૂકી દીધો..પણ બકા આપણો ભૂરિયો પણ એકદમ જેન્યુન હતો, ખાલી હાથ જ પકડવો હતો..એટલે બે પાંચ મિનીટ પછી જોષ જોવાનું ચાલુ કર્યું અને જોયું તો એના હાથમાં સંતાન રેખા તુટતી હતી..એટલે ભુરીયાએ તો પછી કહી દીધુ ..તારી સંતાન રેખા તૂટે છે.. તો બોલી હા મારે બે એબોર્શન થઇ ગયા છે સાલો બહુ હરામી નીકળ્યો, મેં એની ઉપર ભરોસો કર્યો અને મને લટકાવી મૂકી..!
પછી તો બકા ભુરીયાએ તો એક ઝાટકે હાથ છોડી દીધો અને ફટાક કરતી જર્નલ વચ્ચે નાખી દીધી, અને ભુરાલાલ દુર થઇ ગયા અને હાથ જોડી દીધા..પાછી ભુરીયાને કહે તું તો એવુ નહિ કરે ને ભૂરા?
અને પછી તો જે મુઠ્ઠીઓવાળી અને દોડી અને ભૂરિયો ભાગ્યો તો બકા..!!
એટલે તું સું હમજ્યો જીગલા ડોબા ? હાથ પકડીને બેસી રે`વા માટે જ્યોતિષ વિદ્યાનો ઉપયોગ નહિ કરવાનો..!
એના માટે આપણો બીજો કોર્સ ચાલે છે ને એ કરવાનો ..!
હિન્દુસ્તાનભરમાં ખુલી ગયેલી શિક્ષણની હાટડીમાં દિવસ આખો તન ને તોડી અને રાતભર મનને મારી ને,(ભૂલથી પણ કોઈ સારુ સપનુ ના જોવાઈ જાય એની તકેદારી રાખીને) પૈસો પૈસો બચાવી અને ભેગા કરેલા રૂપિયાના હોશે હોશે “દાન” નોધાવતા માતા પિતાઓને સમર્પિત..!!
સમજાય તો ઠીક ના સમજયા તો નસીબ તમારા…!